Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સંતો ભક્તિ સતગુરુ આની !
નારી એક પુરૂષ દુઈ જાયા, બૂઝહુ પંડિત જ્ઞાની  - ૧

પાહન ફોરિ ગંગ એક નિકરી, ચહુ દિશિ પાની પાની
તિહિ પાની દુઈ પર્વત બૂડે, દરિયા લહર સમાની  - ૨

ઉડિ માંખી તરિવર તે લાગી, બોલૈ એકૈ બાની
વહિ માંખીકે માંખા નાહીં, ગરભ રહા બિનુ પાની  - ૩

નારી સકલ પુરૂષ વહિ ખાયો, તાતે રહઉ અકેલા
કહંહિ કબીર જો અબકી સમુઝૈ, સોઈ ગુરુ હમ ચેલા  - ૪

સમજૂતી

હે સંતજનો, સદ્‌ગુરુએ સમજાવેલું ભક્તિનું સાચું સ્વરૂપ હૃદયમાં ધારણ કરો !  એક માયા રૂપી સ્ત્રીમાંથી જ જીવ અને ઈશ્વર નામના બે પુરૂષો પેદા થયા છે તે જ્ઞાની પંડિતો બરાબર સમજી લો !  - ૧

પથ્થર ફોડીને એક ગંગા એવી નીકળી કે ચારે તરફ સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું !  તે પાણીમાં બંને પર્વતો પણ બૂડી ગયા અને અંતે ગંગા લહરની માફક દરિયામાં સમાય ગઈ !  - ૨

માંખી ઉડીને ઝાડ પર બેઠી અને એક જે પ્રકારની વાણી બોલવા લગી !  તે માંખીને પુરૂષ માંખ ન મળ્યો છતાં પણ વીર્ય વિના તેને (સંસાર મયતાનો) ગર્ભ રહી ગયો.  - ૩

હે (મુમુક્ષુ) જીવ, આ માયા રૂપી સ્ત્રીએ સર્વ પુરુષોનો વિનાશ કર્યો છે તેથી તેનાથી વેગળા રહેવાનો પ્રયત્ન કર !  કબીર સાહેબ કહે છે કે જેણે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આ વાત સમજી લીધી તે મારો ગુરુ છે ને હું તેનો ચેલો છું !  - ૪

ટિપ્પણી

આ પદમાં નારી શબ્દ બે વાર વપરાયો છે : પ્રથમ ટૂકમાં ને છેલ્લી ટૂકમાં. પ્રથમ ટૂકમાં નારી શબ્દને ભક્તિ સાથે જોડી દઈને મોટા ભાગના વિદ્વાનોએ ભક્તિ રૂપી નારી એવો અર્થ કરવા પ્રયત્ન કર્યો છે. તેવા અર્થના સમર્થન માટે ભાગવતના માહત્મ્યના શ્લોકનો ઉપયોગ કર્યો હોય એવું લાગે છે.

અહં ભક્તિ રિતિખ્યાતા ઈમૌ તનયૌ મતૌ  |
જ્ઞાન વૈરાગ્યનામાનૌ કાલયોગેન જર્જરૌ  ||

અર્થાત્ રાજા પરીક્ષિતને ભક્તિ પોતે પોતાની ઓળખાણ આપતાં કહે છે કે હું પોતે ભક્તિ છું અને મારી સમક્ષ જે સૂતા છે તે જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા વૃદ્ધ થઈ ગયેલા પુત્રો છે. આ ઉપરથી ભક્તિ રૂપી નારી અને તેના જ્ઞાન ને વૈરાગ્ય નામના બે પુત્રો વિષે કબીર સાહેબ વાતો કરી રહ્યા છે એવું વિદ્વાનોએ અનુમાન કર્યું છે.

ખરી રીતે કબીર સાહેબ માયા રૂપી નારીને લક્ષમાં રાખી અહીં ભક્તિના ઉત્ક્રુષ્ટ સ્વરૂપનો મહિમા જણાવી રહ્યા છે. ચીલાચાલુ ભક્તિમાં કબીર સાહેબને રસ નથી. તેમનો ક્રાંતીકારી સ્વભાવ તેવી ભક્તિને કેવી રીતે સ્વીકારે ?  તેથી કબીર સાહેબે અહીં પ્રથમ પંક્તિમાં જ સંતો, પંડિતો ને જ્ઞાનીઓને સદ્‌ગુરુ દ્વારા ભક્તિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ પ્રાપ્ત થયું તેને બરાબર સમજીને હૃદયમાં ધારણ કરવાની અપીલ કરી છે. પંડિતો અને જ્ઞાનીઓ જે ભક્તિનો પ્રચાર પોતાના શિષ્ય-સમુદાયમાં કરી રહ્યા હતા. તે તો માયાની જ ભક્તિ ગણાય. ભક્તિ કરવા પાછળ કોઈને સંપતિની ઝંખના છે તો કોઈને સંતાનની, કોઈને ધંધામાં સફળ થવાની કામના છે તો કોઈને સંતાનની, કોઈને ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે તેના રક્ષણની ઈચ્છા છે તો કોઈને પોતાની પ્રતિષ્ઠા કાયમ ટકે તેની !  કોઈ પરમ તત્વને પામવાની ઝંખનાથી ભક્તિ કરતું જણાતું નથી !  કબીર સાહેબ માયાના એ પ્રભાવને બરાબર સમજી લેવાની પંડિતોને અને જ્ઞાનીઓને અપીલ કરે છે.

કબીર પંથી કેટલાક વિદ્વાનો ‘સદ્‌ગુરુ’ શબ્દનું પ્રયોજન ગુરુ રામાનંદને લક્ષમાં રાખીને કર્યું હોય એમ માને છે. તેઓની આ માન્યતા પાયા વિનાની જ ગણાય. કબીર સાહેબ મૂળભૂત રીતે નિર્ગુણ ભક્તિના પ્રચારક હતા. જ્યારે ગુરુ રામાનંદ તો સગુણ ભક્તિના પ્રચારક હતા. બંને વચ્ચે પાયાનો ભેદ છે. અહીં સદ્‌ગુરુ શબ્દ દ્વારા આતમરામ અભિપ્રેત છે. આત્મા વાઈ ગુરુ : એ ઉપનિષદનું વચન અહીં યથાર્થ રીતે અભિવ્યક્ત થયું લાગે છે. જગદગુરુ શંકરાચાર્ય પણ વિવેક ચૂડામણી ગ્રંથમાં  ભક્તિની આવી જ વ્યાખ્યા કરી છે.

સ્વરૂપાનુંસંધાનમ્ ભક્તિ: |

અર્થાત્ સ્વરૂપનું એટલે કે આત્મતત્વનું અનુંસંધાન કરાવે તેજ ભક્તિ. જે ભક્તિ માયા તરફ ઘસડી જાય તે ભક્તિ નહીં. તે ભક્તિનું નિકૃષ્ટ સ્વરૂપ ગણાય. જે ભક્તિ માયાથી જીવને અલગ કરી દે અને સ્વરૂપની સાથે જોડી દે તે જ સાચી ભક્તિ. તેથી કબીર સાહેબ સંતોને, પંડિતોને અને જ્ઞાનીઓને માયાનું સ્વરૂપ બરાબર ઓળખી લેશો તો જ સાચી ભક્તિ હૃદયમાં ધારણ કરી શકાશે એવો આગ્રહપૂર્વક ઉપદેશ આપી રહ્યા છે.

છેલ્લી પંક્તિમાં “તાતે રહહુ અકેલા” શબ્દનું પ્રયોજન આ દષ્ટિએ વિચાર કરવામાં આવશે તો બરાબર સમજાઈ જશે.  “તેંથી માયાથી અલિપ્ત રહે” તો જ જીવ પોતાના સ્વરૂપને પામી શકે એવો અર્થ અહીં અભિપ્રેત છે. માટે ભક્તિ રૂપી નારી કરતાં માયા રૂપી નારી અર્થ વધારે સુસંગત જણાય છે. જે ભક્તિ મનને અથવા જીવને માયાથી અલગ-અલિપ્ત કરી શકે તેજ ભક્તિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ.

તો પ્રશ્ન થશે કે માયાના બે પુત્રો કોણ ?  આપણા શાસ્ત્રો જીવ અને ઈશ્વરની ઉત્પતિ માયા દ્વારા જ થઈ શકે છે એવું સ્પષ્ટ જાહેર કરે છે,

માયાખ્ય કામધેનોર્વૈ વત્સૌ જીવેશ્વરાવુભૌ |

અર્થાત્ માયા રૂપી કામધેનુને જીવ અને ઈશ્વર નામના બે વાછરડા જન્મ્યા. માયા જ્યારે પોતે જ અવિદ્યાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એવી ઘટના બને છે. તેથી કબીર સાહેબ અહીં જીવ અને ઈશ્વર એ માયાના બે પુત્રો છે એવું દર્શાવવા માંગે છે. માત્ર આત્મ સ્વરૂપ સત્ય છે ને જીવ તથા ઈશ્વર એ મનની કલ્પના છે એ સમજી લેવું જરૂરી છે.

“પાહન ફોરિ ગંગ એક નિકરી” પંક્તિમાં ગંગા શબ્દ માયા માટે જ પ્રયોજ્યો છે. કારણ કે જે પ્રગટે છે, જન્મે છે તે તો માયા જ છે. એવું કબીર સાહેબ સ્પષ્ટપણે માને છે. (જુઓ શબ્દ ૮ની સમજુતી) શાસ્ત્રમાં માયાને આદ્યશક્તિ પણ કહી છે. આ આદ્યશક્તિ બ્રહ્માંડમાં બધે વ્યાપ્ત છે. માયાનું એ શુદ્ધ સત્વ પધાન સ્વરૂપ ગણાય, જે “ગંગ” શબ્દથી સારી રીતે અભિવ્યક્ત થયું છે. ગંગા શબ્દમાં પવિત્રતાનો ભાવ ગુપ્તપણે રહેલો છે. તે પણ અહીં ધ્વનિત થાય છે.

શ્રીમદ ભગવદ ગીતામાં આવા જ ભાવથી કહેવામાં આવ્યુ છે :

એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય  |
અહમ્ કૃત્ષનસ્ય જગત : પ્રભવ: પ્રલય સ્તથા  ||

અર્થાત્ જળ પ્રકૃતિ અને ચેતન પ્રકૃતિ એ માયાના બે સ્વરૂપો છે. આ માયા યોનિ રૂપ છે. તેમાંથી સર્વજગત જેમ ઉત્પન થાય છે તેમ માયામાં તેનો પ્રલય પણ થાય છે. તેથી જીવ અને ઈશ્વર નામના બે પર્વતો માયામાં ડૂબી જાય છે એમ કહેવામાં આવ્યું છે. મતલબ કે જીવ ને ઈશ્વર માયામય બની જાય છે. જીવ માયામય બની જાય છે તેથી જન્મમરણના ફેરામાં તે ફર્યાં કરે છે તેવી જ રીતે ઈશ્વર માયામય બની જાય છે તેથી અવતાર ધારણ કરી કર્મના ફળ પણ ભોગવે છે. બંને માયાથી અલિપ્ત થઈ શકતા નથી. અલિપ્ત થવા માટે તો કબીર સાહેબ કહે છે તેમ વિશિષ્ટ પ્રકારની ભક્તિ કરવી પડે છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણના મુખે માર્ગદર્શન મળ્યું છે :

દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા  |
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે  ||

અર્થાત્ ત્રણ  ગુણવાળી જે માયા  છે તે મારી છે પણ તેને પાર કરવી મુશ્કેલ છે. માત્ર જે જીવ તેને છોડીને મને ભજે છે તે જ પાર પામી શકે છે. ‘મને ભજવું’ એટલે આત્મસ્વરૂપને પામવું. સ્વરૂપને જે જાણે છે તેને માયા પજવતી નથી. પરંતુ જે માયામય બની જાય છે તે તેના ચક્કરમાં જ ફર્યાં કરે છે. મનની વૃત્તિઓ તે પાંખ. સંસારરૂપી વૃક્ષ પર મનની વૃત્તિઓ રમવા માંડે એટલે સ્વાભાવિક રીતે જીવ પ્રભુપરાયણ થઈ શકતો નથી. આત્માનુરાગી બની શકતો નથી. તે તો સંસારમય બની જાય છે. તેના મનમાં સંસારમયતાનો ગર્ભ રહી જાય છે. પરિણામે તે આવન જાવનના ફેરામાં પડી જાય છે. ‘હું બ્રહ્મ છું’, ‘હું બ્રહ્મ છું.’ એવી એક જ પ્રકારની વાણી જીવ રટ્યા કરે છે પણ જ્યાં સુધી તે માયાથી અલિપ્ત થવાનો પુરુષાર્થ ન કરે ત્યાં સુધી તે રટણ કામિયાબ નીવડતું નથી. તેનું રટણ વ્યર્થ જાય છે.

આ રીતે આ શબ્દમાં “નારી” શબ્દ માયાને માટે પ્રયોજાયો છે. વિશિષ્ટ પ્રકારની ભક્તિનું મંડાણ કર્યા પછી તરત જ સાચી ભક્તિ કરવી હોય તો માયાના સ્વરૂપને બરાબર ઓળખી લવું જોઇએ. માયાનું સ્વરૂપ જાણી લીધા પછી જ માયાથી અલિપ્ત થઈ શકાય તેવા પ્રયાસો કરવા જીવ કટિબદ્ધ બની શકે છે. ટૂંકમાં માયાથી છૂટા પાડે તે જ સાચી ભક્તિ !

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,834
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,479
pdf-2અનંત સૂર | Anant Soor 9,069
pdf-3Amar Varso | અમર વારસો 7,372
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,733