Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

હંસા સંસૈ છૂરી કુહિયા, ગૈયા પિયે બછરુવૈ દુહિયા  - ૧

ઘર ઘર સાવજ કરૈ અહેરા, પારથ ઓટા લેઈ
પાની માંહિ તલફિ  ગૈ ભુંભરી, ધૂરિ હિલોરા દેઈ  - ૨

ધરતી બરસૈ બાદર ભીંજૈ, ભીંટિ ભયે પૌરાઉ
હંસ ઉડાને તાલ સુખાને, ચહલે બિન્ધા પાંઉ  - ૩

જૌં લાગિ કર ડોલૈ પગ ચાલૈ, તૌં લગિ આસ ન કીજૈ
કહંહિ કબીર જેહિ ચલત ન દીસૈ, તાસુ બચન કા લીજૈ  - ૪

સમજૂતી

હે વિવેકી જીવ, સંશય રૂપી છરી (તમે જાતે જ તમારા હૃદયમાં) ભોંકી દીધી છે !  માયા રૂપી ગાયે જીવ રૂપી વાછરડાને દોહીને જ્ઞાન રૂપી દૂધ પી લીધું છે !  - ૧

દરેક શરીર રૂપી ઘરમાં મન રૂપી જંગલી મૃગ જીવ રૂપી પારધીનો શિકાર કરતો રહે છે અને પોતાના રક્ષણ માટે જીવ રૂપી પારધી આંદ શોધી સંતાય જવા યત્ન કરે છે. પાણીમાં માછલી તડપી રહી છે અને ધૂળમાં આનંદ માણ્યા કરે છે એ કેવું આશ્ચર્ય !  - ૨

ધરતી વરસી રહી છે, વાદળ ભીજાય રહ્યું છે અને પાળ તૂટી સરોવરનો વિસ્તાર થયા જ કરે છે !  હંસ તળાવને છોડી ઉઠવા જાય છે ત્યારે તળાવ સુકાઈ જવાથી કીચડમાં તેનો પગ ફસાઈ જાય છે !  - ૩

જ્યાં લગી હાથ પગ ચાલે છે ત્યાં લગી બીજાની આશા પર મદાર બાંધવાનું છોડી દો !  કારણ કે કબીર કહે છે કે જે માત્ર ચાલે છે પણ રસ્તો તે દેખતો નથી એવા (ગુરુઓના) વચન ગ્રહણ કરવાથી શો લાભ ?  - ૪

ટિપ્પણી

“સંસૈ છૂરી” એટલે સંશય રૂપી છરી જીવના સુખને હણી નાંખે છે. શંકા કુશંકા કરનાર જીવ હમેશ દુઃખી થાય છે. ગીતા પણ કહે છે :

અવિશ્વાસ શંકા હશે તે તો નષ્ટ થશે,
આ જગમાં તેને નહિ કોઈ સુખ ધરશે. (સરળ ગીતા-૪/૪૦)

“જૌં લગિ કર ડોલૈ .... આસન કીજૈ” - જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પોતાની શક્તિ પર જ વાસનાનો સદંતર ત્યાગ કરવો જોઈએ. જે પોતાની સાથે આવે છે તેનો જ વિચાર કરવો જરૂરી છે. જે નાશવંત છે ને સાથે આવતું જ નથી તેના પર વિચાર કરવાથી શો ફાયદો ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,794
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,465
pdf-2અનંત સૂર | Anant Soor 9,039
pdf-3Amar Varso | અમર વારસો 7,354
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,703