'મુક્તિની માળા' - મણકો : ૨૨ ભજન કીર્તન
સંપાદક: ગોવિંદભાઈ લ. ભક્ત
ભજન એટલે ભજવું અને કીર્તન એટલે ગુણગાન ગાવાં. કોને ભજવું કોના ગુણગાન ગાવા ? તો કહે છે કે 'ખેતી હરિ નામ કી મનવા' હરિના નામના ભજન કરો, હરિના ગુણગાન ગાઓ. સ્મરણ શબ્દ કે નાદ દ્વારા, ભજન - કીર્તન દ્વારા યા એકલા કે સમૂહમાં એકઠા થઈને, પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ, ભજન, કીર્તન કરવું. પ્રભુના ગુણગાન ગાવાં, પ્રભુની પ્રભુતાને ગીતોમાં વણી લઈને તેવાં ગીતો ગાવાં અને ગાતાં ગાતાં પોતાના અંતરમાં જ અંતર્યામીને અનુભવવા માટે ભજન કીર્તન, સ્મરણ હોય છે.
દરેક ધર્મના સ્થાનોમાં નિયત સમયે ભગવાનના ભજન કીર્તન દ્વારા ઈશ્વર સ્મરણ કરાય છે. જ્યારે ભક્ત પોતાના ઘર આંગણે કે ગમે તે સ્થળે, ગમે તે સમયે ભજનમાં તલ્લીન બનીને પોતાના અંતરનો એકતારો બજાવતા રહીને સ્થળ, સમય અને સંસારની બધી માયાજાળને વિસારે પાડીને ભજન ગાતાં ગાતાં લીન બની જાય અને ભજનના આનંદમાં દેહભાન પણ ભૂલી જાય છે.
નરસિંહ મહેતા, મીરાંબાઈ કે કબીર જેવા અનેક ભક્ત સંતો આજે પણ લોકહૃદયમાં જીવીત છે. ભક્તિની મસ્તીમાંથી એવા સંતોના કંઠ દ્વારા જે જ્ઞાન પ્રગટ થયું છે તે ગાન કે ભક્તિગીતો દ્વારા આજે પણ ભક્તોને માર્ગદર્શન મળી રહ્યું છે.
પ્રભુનું ભજન કરવામાં એકલા મંત્રની ભાષાનું જ કામ નથી પણ ભાવનાનું મુખ્ય કામ છે. ભક્તના મન, પ્રાણ અને શરીર ત્રણેય ભગવાનમાં લાગી જાય ત્યારે ભગવાનનો અનુગ્રહ થાય.
કબીર કહે છે કે ભજન કર્યા વિના તારા બધા દિવસ વ્યર્થ થઈ રહ્યા છે. સંસારમાં બધા લડતા હોય તેને લડવા દો, પોતપોતાની રીતે દેવદેવીને પૂજતા હોય તેને કરવા દે પણ તું તો રામને સુમર, રામને જ સુમર, રામનું સ્મરણ કર. બાકી તો વેદ વિચારતા વિચારતા પંડિતો પણ ચાલ્યા ગયા. માટે તું તો એક પરમાત્માનું જ ભજન કર, ભજન કર.
પાણીના પરપોટા જેવી તારી કાયાને છોડીને પ્રાણ પલના પલકારામાં વિદાય લેશે. માટે હે જીવ, તું હરિનું ભજન કર, ભજન કર!
તૂ તો રામ સુમર જગ લડવા દે
કોરા કાગજ કાળી શાહી;
લિખત પઢત વા કો પઢવા દે ... તૂ તો.
હાથી ચલત હૈ અપની ગતમેં;
કૂતર ભૂક્ત વા કો ભૂંકવા દે ... તૂ તો.
ચંડી ભૈરવ સિતલા દેવી,
દેવ પુંજૈ તો પૂજને દે ... તૂ તો.
કહત કબીર સૂનો ભાઈ સાધો;
નરક પચત વા કો પચવા દે ... તૂ તો.
Add comment