આ લખાણ 'શ્રી રામકબીર ભજનાવલી'
(શ્રી રામકબીર મંદિર ટ્રસ્ટ, બેગમપુરા, ખાંગડ શેરી, સુરત)
માંથી લીધું છે.
પ્રભાતનાં પદો
પ્રભાતનાં પદો ગાવાનો સમય મળસ્કે ચારથી સૂર્યોદય થાય ત્યાં સુધીનો ગણાય છે. આપણે ત્યાં ખાસ કરીને નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં એ સમયે ગવાય છે. પ્રભાતનું નીરવ એકાંત, પ્રભાતિયામાં રસાયલો ઝૂલણાનો મધુર લય અને રાતભરના આરામથી થયેલું પ્રફુલ્લિત મન સાધના માટે અત્યંત સાનુકૂળ બની રહે છે. તેથી પ્રભાતિયાં મળસ્કેથી ગાવાનો રિવાજ પડયો હોવો જોઇએ. ભજન અને તેનાં રાગરાગિણી માત્ર ગમ્મત ખાતર રચાયાં હોય એમ માની શકાય નહિ. એની પાછળ કોઇ ચોક્કસ હેતુ હોવો જોઇએ. ભજન તો એક સાધન છે. સાધકને પ્રભુ પરાયણ થવામાં સાધન મદદરૂપ થઇ શકે. માટે મનુષ્ય જન્મનો હેતુ પ્રભુ પરાયણ થઇ મુક્તિ મેળવવાનો ગણાય છે. આ હેતુ બર લાવવામાં પ્રભાતિયાં પણ અત્યંત ઉપયોગી ગણાય છે. જો કે સાધકની લગની પર જ સાધનના ઉપયોગી સાર્થકતા આધારિત છે. સાધકના ચિત્તને પરિવર્તિત કરવાની શક્તિ આવાં સાધનોમાં અવશ્ય રહેલી છે એવી સંતોની અનુભવવાણી છે.
કીર્તનનાં પદો
કીર્તન કરવાનો રિવાજ શા માટે પડયો હશે એવો પ્રશ્ન આજના જમાનામાં થાય તે બિલકુલ સ્વાભાવિક છે. કારણ તપાસીએ ત્યારે ખરેખર આપણે કીર્તન કરીએ છીએ ત્યારે કયા કયા ભાવો જાગે છે ? કયા કયા વિચારો ઉદભવે છે ? આ બધાંનું નિરીક્ષણ કરવું જોઇએ. સદગત આત્મા અમર છે, માત્ર દેહનું જ વિસર્જન થયું છે એવો ભાવ કીર્તન કરતી વેળા આપણા હૃદયમાં જાગે છે. આ પણ એક કારણ જ છે. અમર આત્મા પાછળ પાર્થિવ લોકો શોક ના કરે, પોતાની ફરજ ન ચૂકે, પ્રવાહ પ્રાપ્ત ધર્મના પાલનમાં ખલેલ નાં પહોંચે, તે પણ કીર્તનનો રિવાજ પાછળનું બીજું કારણ ગણાય. સદગત આત્માની અતૃપ્ત ઇચ્છાઓ તેને અવગતિએ ન પહોંચાડે એવી પણ લાગણી કીર્તનના રિવાજ પાછળ રહેલી છે. આપણે જે શબ્દો મોઢેથી બોલીએ છીએ તે અવકાશમાં વ્યાપક બની નિરાકાર સ્વરૂપે આંદોલિત થાય છે. આ આંદોલનની વેધકતા કીર્તન કરનારના ભાવની તીવ્રતા પર જ આધાર રાખે છે. વધેક બનેલું આંદોલન પોતે અત્યંત સુક્ષ્મ હોવાથી સુક્ષ્મ જગત સુધી પહોંચવાનું સામર્થ્ય ધરાવે છે. ત્યાં અતૃપ્ત ઇચ્છાઓનાં વમળોને શાંત કરવાની સોનેરી તક સાંપડે છે અને એ રીતે તેની ગતિમાં ફેરફાર થાય છે. આ રીતે પાર્થિવ ગણાતી પ્રાર્થના કે કીર્તનનાં સાધનો સદગત આત્માને મદદરૂપ બની શકે છે. આવી સુક્ષ્મ સમજ કીર્તનનાં રિવાજ પાછળ રહેલી છે.
પહેલા આશાવરી કે પહેલા બિલાવલ -- કયો રાગ પહેલા ગાવો એ એક ચર્ચાસ્પદ મુદો છે. કોઇ જગ્યાએ પ્રથમ બિલાવલ ગાવામાં આવે છે તો કોઇ જગ્યાએ પ્રથમ આશાવરી ગાવામાં આવે છે. એટલું ખરું કે વહેલી સવારથી પ્રભાતના પ્રથમ પ્હોર સુધી બંને રાગ ગાઇ શકાય છે એવું સંગીતજ્ઞોનું કહેવું છે. આપણે ત્યાં પ્રથમ બિલાવલ પછી આશાવરી ગાવાનો રિવાજ છે.
કીર્તન પ્રસંગે આશાવરી પછી સારંગ ગાવાનો રિવાજ છે. ખરેખર તો સવારે નવ વાગ્યા પછી આશાવરીનો રાગ ન ગાવો જોઇએ. પરંતુ આપણે ત્યાં આશાવરી બપોરે બાર વાગ્યા સુધી ગાવામાં આવે છે. બાર વાગ્યાથી સાંજે સંધ્યાકાળ સુધી સારંગ ગાવામાં આવે છે. સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી સારંગ ગાઇ શકાય છે. એવો શાસ્ત્રીય મત છે.
ગોડીનાં પદો
ચાર વાગ્યા પછી ગોડી ગાઇ શકાય છે. આ ગોડીને પૂર્વી ગોડી પણ કહે છે. આપણે ત્યાં પૂર્વી ગોડી બહુ પ્રચલિત નથી. આગલી પેઢીને ગોડી હજી કંઠસ્થ છે. સૂર્યાસ્ત પછી રાત્રીની જમાવટ થાય ત્યાં સુધી ગોડી ગાઇ શકાય છે. આપણે ત્યાં આરતી કરતાં પહેલા ગોડી ગાવાનો રિવાજ છે તે આ દષ્ટિએ બરાબર છે.
આરતીનાં પદો
સાચી આરતથી કરવામાં આવતી પ્રાર્થનાને આરતી કહેવામાં આવે છે. આરતીમાં તો પ્રભુના ગુણગાન જ કરવામાં આવે છે. આરતી માટે કોઇ ચોક્કસ વિધિવિધાન નિયત કરવામાં આવ્યા નથી. હૃદયમાં પ્રભુ માટે પ્રેમ ન હોય, પ્રભુને પામવાની ઝંખના ન હોય તો આરતી યંત્રવત બની જાય છે. પછી ગમે તે વિધિથી આરતી કરવામાં આવતી હોય તેનો અર્થ શો ? માટે લગની, આરત, આરતી માટે જરૂરી છે.
બારમાસી પદો
મનુષ્યે પોતાની રીતે સંકીર્તન એટલે સામુદાયિક સંગીતની શાખાનો વિકાસ કર્યો છે. એ શાખામાંથી કાંસા દ્વારા ભજનોનો એક પ્રકાર જુદો પડયો. આપણા તમામ ભજનોનો આ પ્રકારમાં સમાવેશ થઇ જાય છે.
બારમાસી પદો એટલે બારે માસ ગાઇ શકાય તેવાં પદો. આ પદો કોઇ પણ ઋતુમાં ગાવાં હોય તો ગાઇ શકાય છે. વસંત ઋતુમાં આ પદો જેટલા મધુર લાગે છે તેટલાં જ મધુર વર્ષા ઋતુમાં પણ લાગે છે. પરંતુ રસ વિના કોઇ પણ વસ્તુમાં કસ જણાશે નહિ. ભજનમાં જ રસ ન હોય તો ગમે તે ઋતુમાં ભજન કંટાળાજનક જ લાગે છે. આજે આપણે ત્યાં આવી જ દશા છે. રસ ઓછો થવાનાં ઘણાં કારણો હશે પરંતુ એક પ્રશ્ન ખાસ પૂછવામાં આવે છે કે આપણા ભજનોમાં શબ્દ અને સંગીતને સ્થાન કેટલું ? તેથી શબ્દ અને સંગીત વિષે અહીં થોડી સમજૂતી કરી લઇએ તો અસ્થાને ગણાશે નહિ એમ આપણે માનીએ છીએ.
ઓમકાર સર્વક શબ્દ ગણાયો છે. કારણ કે પરમાત્માનો એ વાચક શબ્દ છે એમ ગીતામાં કહ્યું છે. મનુષ્ય આ સર્વક શબ્દની જ અભિવ્યક્તિ છે. એ કેવી રીતે ? ઓમકાર એ ત્રિગુણાત્મક સૃષ્ટિની સાંકેતિક સંજ્ઞા છે. અ, ઉ, મ દ્વારા સત્વ, રજ ને તમ; જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ; આકાશ, પૃથવી ને પાતાળ; બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ; એ તમામ ત્રિપરીબળોનો સમાવેશ ઓમકાર શબ્દમાં કરવામાં આવ્યો છે. ત્રિગુણાત્મક સૃષ્ટિનું મહત્વ અંગ તે મનુષ્ય. આ રીતે મનુષ્ય ઓમકાર શબ્દની અભિવ્યક્તિ છે એમ કહેવાયું છે. આ જ સિદ્ધાંતને આધારે સંગીતશાસ્ત્ર મને છે કે મનુષ્ય પર અવાજની ધારી અસર ઉપજાવી શકાય છે. આ હકીકત પણ છે જ. કોઇ પણ આવાજની ત્વરિત અશર આપણા ચિત્તતંત્ર પર થાય છે. તેનો આપણ સહુને અનુભવ છે. માટે સંગીતનું ધ્યેય સામુદાયિક એકરાગિતાનું નહિ પરંતુ પરમાત્મા સાથે વ્યક્તિગત ઐક્ય સાધવાનું છે. આ રીતે ભારતીય સંગીત એ આત્મલક્ષી, આધ્યાત્મિક અને વ્યક્તિગત કળા તરીકે માન્ય થયું છે.
સામાન્ય રીતે શબ્દ અને સંગીત બંને સાધનો અલગ અલગ લાગશે. ભજનો શબ્દ આધારિત છે જ્યારે સંગીત નાદ આધારિત છે. પરંતુ નાદ ક્યાં રહેલો છે ? ખરેખર તો નાદ શબ્દોમાં જ સુક્ષ્મ સ્વરૂપે છૂપાયલો રહે છે. જ્યારે શબ્દનું ઉચ્ચારણ થાય ત્યારે જ નાદની પ્રતીતિ થાય છે. શબ્દ અને સ્થૂળ સ્વરૂપે છે એનો નાદ એ સુક્ષ્મ સ્વરૂપે છે. 'રામ' એ શબ્દ થયો અને રામ શબ્દના ઉચ્ચારથી જે ધ્વની પેદા થાય તે નાદ થયો. રામ શબ્દનો જાપ માનસિક રીતે કરો તો નાદ સુક્ષ્મ સ્વરૂપે જ રહે છે, જેની પ્રતીતિ બીજાને થતી નથી. જ્યારે રામ શબ્દનો વાચિક રીતે જાપ કરવામાં આવે તો નાદ સુક્ષ્મ મટી સ્થૂળ ધારણ કરે છે તેથી તેણી પ્રતીતિ બીજાને તરત જ થાય છે. કેટલીવાર એવો અનુભવ થાય છે કે સારું સંગીત સાંભળ્યા પછી વર્ષો સુધી તેણી મધુર યાદ આવ્યા કરતી હોય છે. નાદના સુક્ષ્મ સ્વરૂપની આવી ખૂબી છે. સંગીતમય ભજનો થતાં યો ત્યારે કેટલીક વાર એવું પણ બને કે શબ્દો લયવાહી વધારે હોય ત્યારે સંભાળનારનું ધ્યાન માત્ર શબ્દ તરફ જાય છે. તે જ રીતે જ્યારે શબ્દો કરતાં સંગીત વધારે મધુર લાગતું હોય ત્યારે સાંભળનારનું ધ્યાન સંગીત તરફ જાય છે. મતલબ કે કોઇક વાર શબ્દ ગૌણ બને તો કોઇકવાર નાદ ગૌણ બને છે. પરંતુ રસિકજનોને માટે શબ્દ અને નાદ બંને સરખા મહત્વના છે. આપણે ત્યાં કાંસાથી ગવાતા ભજનોમાં નાદ અને શબ્દ બંને મહત્વના છે. આખરે શબ્દ જે કામ કરે છે તે જ નાદ પણ કરે છે. શબ્દ પણ ભાવ જ પેદા કરે છે અને નાદ પણ ભાવ જ પેદા કરે છે. સાંભળનારનાં હૃદયમાં ભવાની ભરતી આવે તો સમજવું કે બંને સાધનો કામિયાબ નીવડયાં. આ પરિસ્થિતિ નિર્માણ કરવી હોય તો બુદ્ધિને સતેજ કરવી પડશે અને કાનને સરવા બનાવવા પડશે.
કાંસા દ્વારા થતા ભજનોનાં પ્રકારનો ધીમે ધીમે લોપ થતો જાય છે. છતાં એ પદ્ધતિની આગવી મજા પણ છે. તે આપણે ત્યાં કાંઇક અંશે જળવાઇ રહી છે. એ જાળવી રાખીશું તો પણ મોટું પુણ્યકાર્ય કર્યું એમ ભાવી પેઢી ગણશે એવી અમોને ખાતરી છે.
ધોળ મંગળનાં પદો
ધોળ મંગળનાં પદો કોઇ પણ સમયે ગાઇ શકાય છે. કબીર પંથમાં હરેક પળ શુભ અને મંગળ મનાય છે. ભક્તિમાં મન નિત્ય પરોવાયલું રહેતું હોવાથી પ્રત્યેક પળે આનંદનો જ અનુભવ થતો હોય છે. તેથી કબીર સાહેબે બારેમાસ વસંતની કલ્પના કરી છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગે જેમ મંગળ ગવાય છે તેમ મરણ પ્રસંગે પણ ગવાય છે.
ગરબી
ગ્રામ જનતા પહેલાનાં જમાનાથી જ ઉત્સવ પ્રિય ગણાતી આવી છે. આ ઉત્સવ પ્રિયતામાંથી જ ગરબા-ગરબીનો જન્મ થયો છે. તેથી બંને સ્વરૂપોનાં આનંદ કેન્દ્રસ્થાને છે. બંને સ્વરૂપમાં સંઘગાન અને સંઘનૃત્ય જરૂરી મનાય છે. છતાં બંને સ્વરૂપોમાં થોડો તફાવત પણ છે. પ્રસંગ કથા, લાંબા વર્ણનો અને અનેક વિચારો ગરબામાં વ્યક્ત થઇ શકે છે. તેથી તેનું સ્વરૂપ લાંબુ હોય છે. દસ મિનિટ સુધી ગવાય એવો પણ ગરબો છે અને બે કલાક ચાલે એવો પણ ગરબો છે. જ્યારે ગરબીનું રૂપ ટૂંકુ છે. દસબાર લીટીમાં એનો અંત આવી જાય છે. વર્ણન કે પ્રસંગ કથાને અવકાશ મળતો નથી. માત્ર એક જ વિચાર સચોટ રીતે વ્યક્ત થાય છે. ભક્ત કવિઓએ ગરબીના આ સ્વરૂપમાં કૃષ્ણભક્તિનો જ આનંદ વ્યક્ત કર્યો છે.
દેવગંધારનાં પદો
રાત્રીનો અંત દેવગંધારનાં પદોથી આવે છે. પ્રભાત કાળથી શરૂ કરી દેવગંધાર સુધીનો ચોવીસ કલાકનો ક્રમ અહીં પૂરો થાય છે. પ્રભાત પહેલા દેવગંધારનો લય ખૂબ મીઠો લાગે છે. નીરવ એકાંત અને શીત ખુશનુમા હવામાનમાં દેવગંધારનો લય ગાનારના તથા સાંભળનારનાં હૃદયમાં પરમ આનંદનો પૂરક બની રહે છે. દેવગંધારનાં પદો ગાવા એ પણ એક લ્હાવો છે. ત્યાં સુધી કોણ જાગી શકે ? ત્યાં શુધી બેસી રહેવાની ધીરજ કોણ રાખી શકે ?
વસંતનાં પદો
આપણે ત્યાં વસંત ઋતુમાં વસંતનાં પદો ગાવાનો રિવાજ છે. જો કે એ સ્થૂળ રિવાજ કહેવાય. વસંત શબ્દ આનંદનો પર્યાય છે, તેથી આનંદની કોઇ પણ ઘડીઓમાં વસંતનાં પદો ગાવામાં આવે તો વાંધાજનક નથી. તે જ રીતે ધમારનાં પદોનું સમજવું. આપણે ત્યાં ધમારને બદલે ધુમાર શબ્દ વધારે ચલણી બની ગયો છે. ખરો શબ્દ ધમાર જ છે. ધમાર એ તાલનું નામ છે. એ તાલમાં જે ગીત કે ભજન ગાવામાં આવે તે ધમારનું પદ કહેવાય. ધમારનું પદ ગાવામાં વિશેષ બળ વાપરવું પડે છે. આ અવાજનું ગાયન છે. 'હોરી' પ્રસંગે ધમાર ગાવામાં આવે છે તેથી 'હોરી'નાં પદો તરીકે પણ ઓળખવામાં આવે છે.
જન્માષ્ટમી નાં પદો
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનાં પદો એ જન્મોત્સવના પદો છે. પરમ શક્તિ જગતને દોરવણી આપવા માટે વારંવાર સાકાર રૂપ ધારણ કરી આવે છે એવો અવાજ લગીનો આધ્યાત્મિક ઇતિહાસ કહે છે. એને આપણે અવતાર કહીએ છીએ. શ્રી કૃષ્ણ એવા અવતારી મહાપુરુષ હતા તેથી તેમનો જન્મ દિવસ હજી સુધી પણ ઉજવાતો રહ્યો છે. એ જ એમનો મહાનતાનો પુરાવો છે. પરમ શક્તિ અવતાર ધારણ કરે ત્યારે કોને આનંદ ન થાય ? જડ-ચેતન, સચરાચરમાં આનંદની લહર ફરી વળે છે. જન્માષ્ટમીનાં પદોમાં ખાસ કરીને પરમ આનંદ જ વ્યક્ત થયો છે.
Add comment