જ્ઞાન ગુદડી
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
Ashaben M. Bhakta - Kabir Swarotsav Group (San Antonio)
ધર્મદાસ બિનવે કર જોરી, સાહેબ સુનિયે બિનતી મોરી,
કાયા ગુદડીકા કહો સંદેશા, જાસે મિટે જીવકા અંદેશા.
સંત ધર્મદાસ હાથજોડીને વિનંતિ કરતા કહે છે કે સદ્ગુરુ કબીર સાહેબ ! મારી વિનંતિ સાંભળો. જીવના સંશયો દૂર થાય તેવી રીતે કાયા રૂપી ગુદડીનું રહસ્ય કૃપા કરી સમજાવો !
અલખ પુરુષ જબ કિયા વિચારા, લખ ચોર્યાસી ધાગા ડારા,
પાંચ તત્વકી ગુદડી બીની, તીન ગુનનસે ઠાઢા કીની.
આ સૃષ્ટિના સર્જકે સૃષ્ટિ રચવાનો નિર્ણય કર્યો ત્યારે ચોર્યાસી લાખ યોનિઓના તાણા ને પાંચ તત્વના વાણા વડે શરીર રૂપી ગોદડી તેણે બનાવી. પછી તેમાં ત્રણ ગુણોના દોરાઓ પરોવીને તેણે તૈયાર કરી દીધી.
તામેં જીવ બ્રહ્મ ઔર માયા, સમરથ ઐસા ખેલ બનાયા,
જીવન પાંચ પચીસોં લાગે, કામ ક્રોધ મોહ મદ પાગે.
સમર્થ પરમાત્માએ એવો ખેલ રચ્યો છે કે જેમાં જીવ, બ્રહ્મ ને માયાનું રહસ્ય છૂપાયેલું છે. પાંચ ઈન્દ્રિયોને પ્રકૃતિના પચ્ચીસ તત્વોના વિષયોમાં જીવ રત રહેતો હોવાથી કામ, ક્રોધ, મોહ, મદના ફંદામાં ફસાયેલો જ રહે છે.
કાયા ગુદડીકા વિસ્તારા, દેખો સંતો અગમ સિંગારા,
ચાંદ સુરજ દો પેવંદ લાગે, ગુરુ પ્રતાપ સોં સોવત જાગે.
હે સંતો ! શરીર રૂપી ગોદડીનો વિસ્તાર તેમજ તેનો અગમ્ય શણગાર તો જુઓ. ચંદ્રને સૂરજના બે શણગારનાં એવાં ટપકાં કર્યાં છે કે જે રાતદિવસ સૂતા જાગતા પણ ગુરુ કૃપાથી કાર્યરત રહે છે !
શબ્દકી સૂઈ સુરતિકા ડોરા, જ્ઞાન કો ટોભન સિરજન જોરા,
અબ ગુદડીકી કર હુશિયારી, દાગ ન લાગે દેખ વિચારી.
સર્જનહારે શબ્દ રૂપી સોયમાં ચિત્તની વૃત્તિ રૂપી દોરો પરોવીને તેમજ જ્ઞાનના બરાબર ટાંકા મારીને સીવી દીધી છે તેથી હોંશિયારી વડે તેના પર કોઈ ડાઘ ન લાગે તેની કાળજી રાખવી જોઈએ.
સુમતિ કે સાબુન સિરજન ધોઈ, કુમતિ મેલકો ડારો ખોઈ,
જિન ગુદડીકા કીયા બિચારા, સો જન ભેટે સિરજનહારા.
કદાચ જો ડાઘ લાગી જાય તો સુમતિ રૂપી સાબુથી તેને સત્વર ધોઈ નાખવો જોઈએ જેથી કુમતિનો મેલ તરત નીકળી જાય ! જેણે જેણે એ પ્રમાણે ગોદડીની સંભાળ રાખી છે તેણે સર્જનહાર પ્રભુનાં દર્શન કર્યા છે.
ધીરજ દુનિ ધ્યાન કર આસન, સતકી કૌપીન સહજ સિંઘાસન,
યુક્તિ કમંડલ કર ગ્રહિ લીન્હા, પ્રેમ ફાવરી મુર્શિદ ચીન્હા.
હે સંતો ! તમે ધીરજની ધૂણી ધખાવીને ધ્યાન કરવા આસન દૃઢ કરો ! સતની લંગોટી પહેરીને સહજના સિંહાસન પર આરૂઢ બનો ! યોગનું કમંડલ હાથમાં ગ્રહણ કરી પ્રેમની પાવડીથી પવિત્ર બની પ્રભુને ઓળખો !
સેલી શીલ વિવેકકી માલા, દયાકી ટોપી તન ધર્મશાલા,
મહર મતંગા મત બૈશાખી, મૃગછાલા મન હી કો રાખી.
ચરિત્રની સેલી ઓઢો, વિવેકની માળા પહેરો અને શરીરની આ ધર્મશાળામાં દયાની ટોપી કાયમની પહેરેલી રાખો ! દયાની મતંગા બનાવો, શ્રદ્ધાની વૈશાખી કરો અને મતના આસન પર સ્થિર બનો !
નિશ્ચય ધોતી પવન જનેઊ, આજપાજપે સો જાને ભેઊ,
રહે નિરંતર સતગુરુ દાયા, સાધુ સંગતિ કરી સબકછુ પાયા.
નિશ્ચયતા રૂપી ધોતી પહેરી, શ્વાસોશ્વાસની જનોઈ ધારણ કરીને જે અજપાજમાં લીન રહે છે તે સર્વ રહસ્યને જાણે છે. તે સદ્ગુરુના શરણમાં રાતદિવસ રહે છે તેથી સાધુજનોના સત્સંગનો લહાવો પ્રાપ્ત કરી તે સર્વસ્વ પ્રાપ્ત કરી લે છે.
લવકી લકુટી હૃદયા ઝોરી, ક્ષમા ખરાંઊ પહિર બહોરી,
મુક્તિ મેખલા સુકૃત સુમરણી, પ્રેમ પિયાલા પીવે મૌની.
લગની રૂપી લાકડી હાથમાં પકડ, હૃદયની ઝોળી ખભે ભેરવ, ક્ષમાની પાવડી વારંવાર પહેરેલી રાખી તેમજ કમરે મુમુક્ષતાનો કંદોરો બાંધી સત્કર્મોની સુમરણી વડે પ્રભુ પ્રેમના પ્યાલા મૌનભાવે પીયા કર !
ઉદાસ કુબરી કલહ નિવારી, મમતા કુન્તીકો લલકારી,
યુક્તિ જંજીર બાંધ જબ લીન્હા, અગમ અગોચરા ખિરકી ચિન્હા.
ઉદાસીનતાની વાંકી સોટી વડે કલેશોનું નિવારણ કરો અને મમતા રૂપી કૂતરીને ધમકાવીને ભગાડી મૂકો ! જે લોકો મનને યોગ રૂપી જંજીરથી બાંધી રાખે છે તે લોકો મુક્તિની અગમ્ય ને અગોચર ગણાતી બારીને પણ ઉઘાડી શકે છે.
બૈરાગ ત્યાગ વિજ્ઞાન નિધાના, તત્વતિલક દીન્હા નિરબાના,
ગુરુગમ ચકમક મનસા તૂલા, બ્રહ્મ અગનિ પરગટ કર મૂલા.
જેના અંતરમાં વૈરાગ્ય ને ત્યાગ હોય, જેઓ વિશિષ્ટ જ્ઞાનના ભંડાર જેવા હોય અને તત્વના તિલક લગાડી જેનો નિર્વાણપદના અધિકારી બન્યા હોય તેવા સમર્થ ગુરુની આજ્ઞારૂપી ચકમક વડે આત્મજ્ઞાનનો અગ્નિ પ્રગટાવ !
સંશય શોક સકલ ભ્રમ જારા, પાંચ પરચીસો પરગટ મારા,
દિલકા દર્પણ દુવિધા ખોઈ, સો બૈરાગી પલકા હોઈ.
આત્મજ્ઞાનના અગ્નિમાં સઘળા સંશયો તથા સંતાપોને ભસ્મીભૂત કરી નાખી મનને શુદ્ધ બનાવ ! તેમાં પ્રકૃતિના પચ્ચીસ તત્વોના આ શરીરના તમામ વિકારોને બાળી મૂકી શરીરને પણ પવિત્ર બનાવ ! દિલના દર્પણ પરનો દ્વિધાઓનો મેલ સાફ થઈ જવાથી મનમાં જાગેલો વૈરાગ્ય પરિપક્વ બનશે !
શૂન્ય મહલમેં ફેરી દેઈ, અમૃત રસકી ભિક્ષા લેઈ,
દુઃખ સુખ મેલા જગકા ભાઉ, તિરવેણી કે ઘાટ નહાઉ.
વૈરાગ્યના પાકા રંગે રંગાયેલું મન પરમ શક્તિના નિવાસ ગણાતા શૂન્ય રૂપી મહેલમાં આંટાફેરા મારવા લાગે છે અને અમૃત રસની ભિક્ષા પ્રાપ્ત કરે છે ! જગતના બજારે તો સુખદુઃખનો મેળો સદાયે ભરોયેલો જ રહે છે, પરંતુ જે ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે તેને તે મેળો અસર કરી શકતો નથી.
તન મન શોધ ભયા જબ જ્ઞાના, તબલખ પાવે પદ નિરબાના,
અષ્ટકમલદલ ચક્ર સૂઝે, જોગી આપ આપમેં બૂઝે.
જ્યારે શરીર તથા મન બંને શુદ્ધ થાય છે, ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે જ્ઞાન જીવને મુક્તિ પદ પર આરૂઢ કરી દે છે. જે યોગી આઠ પાંખડીવાળા કમળને પાર કરી જાય છે તેને પોતાના સ્વરૂપની ઝાંખી થઈ જાય છે.
ઈંગલા પિંગલા કે ઘર જાઈ, સુષમન નારી રહે ઠહરાઈ,
સોહં સોહં તત્વ વિચારા, બંકનાલમેં કિયા સંભારા.
જ્યારે ઈંગલા નાડી પિંગલા નાડીમાં એકરૂપ થાય છે, ત્યારે સુષુમ્ણા નાડી કાર્યરત બને છે, ત્યારે યોગી સોહં સોહંને તત્વથી જાણી લે છે અને બંકનાલમાં પ્રવેશ પામે છે.
મનકો માર ગગન ચઢિ જાય, માનસરોવર પૈઠિ નહાઈ,
અનહદ નાદ નામકી પૂજા, બ્રહ્મ વૈરાગ દેવ નહિ દૂજા.
યોગી મનને મારીને ગગનમંડળમાં ઉર્ધ્વગમન કરે છે અને ત્યાં મુક્તિના માન સરોવરમાં સ્નાન કરે છે, ત્યાં અનાહત નાદના ધ્વનિથી સત્ય સ્વરૂપની તે પૂજા કરે છે કારણ કે બ્રહ્મમય થઈ ગયેલા વૈરાગીને અન્ય દેવની પૂજા પસંદ નથી.
છૂટિ ગયે કશ્મલ કર્મ જ લેખા, યહ નૈનન સાહેબકો દેખા,
અહંકાર અભિમાન બિડારા, ઘટકા ચૌકા ઘર ઉજિયારા.
સ્વરૂપના સાક્ષાત્કારથી સર્વ પાપોમાંથી મુક્ત થવાય છે અને પોતાની સગી આંખે જીવ પ્રભુનાં દર્શન કરી શકે છે. માટે હે જીવ, અહંકારનો નાશ કરી શરીરને પવિત્ર બનાવ અને અંતરમાં જ્ઞાનનો પ્રકાશ કર !
ચિતકાર ચંદન મનસા ફૂલા, હિતકર સંપૂટ કરિ લે મૂલા,
શ્રદ્ધા ચંવર પ્રીતિ કર ધૂપા, નૌતમ નામ સાહેબ કો રૂપા.
હે જીવ, તું તારા ચિત્તને ચંદન જેવું સુવાસિત બનાવ અને તારું મનરૂપી ફૂલ ગુરુ ચરણોમાં અર્પણ કરી કલ્યાણકારી મૂળ આત્મતત્વની આરાધના કર ! શ્રદ્ધાથી આત્મદેવની આરતી ઉતાર આત્મજ્ઞાની તરીકે સદ્ગુરુના નવીનતમ નામ સ્વરૂપની ભક્તિ કર !
ગુદડી પહિરે આપ અલેખા, જિન યહ પ્રગટ ચલાયો ભેખા,
સાહબ કબીર બકસ જબ દીન્હા, સુરનર મુનિ સબગુદડી લીન્હા.
ભગવત્સ્વરૂપ કબીર સાહેબે શરીરની ગોદડી પહેરીને જે આત્મજ્ઞાનનો માર્ગ ચીંધ્યો તેથી દેવો, મુનિઓ ને માનવોએ તેને કૃપા પ્રસાદી ગણીને જ્ઞાન રૂપી ગુદડીને ગ્રહણ કરી !
જ્ઞાન ગુદડી પઢે પ્રભાતા, જનમ જનમ કે પાતક જાતા,
જ્ઞાન ગુદડી પઢે મધ્યાન્હા, સો લખિપાવે પદ નિરબાના.
જે કોઈ પ્રભાત કાળે આ જ્ઞાન ગુદડીનો પાઠ કરશે તેના અનેક જન્મોના પાપનો નાશ થશે. જે કોઈ બપોરે પાઠ કરશે તે નિર્વાણ પદ પ્રાપ્ત કરશે.
સંઝા સુમિરન જો નર કર હીં, જરા મરણ ભવ સાગર તરહીં,
કહૈ કબીર સુનો ધર્મદાસા, જ્ઞાન ગુદડી કરો પ્રકાશા.
જે મનુષ્ય સાંજે પાઠ કરશે તે જન્મ મરણના ફેરાવાળા આ સંસાર સાગરને તરી જશે. માટે કબીર કહે છે કે ધર્મદાસ, હવેથી આ જ્ઞાન ગુદડીનો જગતમાં પ્રચાર કરો.
(સાખી)
માલા ટોપી સુમરણી, સંતગુરુ દિયા બક્ષીસ
પલ પલ ગુરુકો બંદગી, ચરણ નમઉ સીસ.
ભવભંજન દુઃખ પહિહરણ અમર કરન શરીર
આદિ યુગાદિ આપ હો ચારો યુગ કબીર.
ધર્મદાસ કહે છે કે મને માળા, ટોપી ને સુમરણી આપીને સદ્ગુરુએ પોતાનો શિષ્ય બનાવી દીધો. તે કારણે જે મારું હૃદય હરપળે ગુરુની ભક્તિ કરે છે અને ચરણોમાં વંદન કરે છે. હે સદ્ગુરુ કબીર ! તમે તો ખરેખર સૌના આદિ છો. યુગમાં પણ આદિ કેવળ તમે જ છો ! તમે ચારે યુગમાં ગુરુ સ્વરૂપ છો ! તમે જ સંસારના ફેરાને ટાળનારા છો, તમે જ સર્વ દુઃખોને દૂર કરનાર છો અને તમે જ અમર બનાવનાર પણ છો !
બંદી છોડ કહાઇયા બલખ શહર મંઝાર
છૂટે બંધન ભેખકા ધન ધન કહૈ સંસાર.
બલખ શહેરમાં તમે ભેખધારી સાધુઓને જેલમાંથી છોડાવ્યા હતા. તેથી તમને બંદીછોડનું બિરુદ મળ્યું છે. સંસારના તમામ લોકો તમને તે કારણે ધન્યવાદ આપી રહ્યા છે.
મૈં કબીર બિચલૂં નહીં, શબ્દ મોર સમરથ
તાકો લોક પઠાઇ હૂં જો ચઢે શબ્દકે રથ.
કબીર સાહેબ કહે છે કે હું કદી પ્રતિજ્ઞાનો ભંગ કરતો નથી. જેવું બોલું છું તેવું કરી બતાવું છું. જે લોકો મારા શબ્દરૂપી રથમાં બેસીને જીવનનો જંગ ખેલશે તે લોકોનું હું સર્વ ક્ષણે સર્વ પ્રકારે રક્ષણ કરીશ.
Related Link(s):
૧. જ્ઞાન ગુદડી - ઈશ્વરભાઈ પ્ર. પટેલ
Comments