Articles

કબીર સુધા : વિમલ વસંત
શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

(રાગ: વસંત)
મન ખેલો વિમલ વસંત
પ્યારે મિત્રસું, મન ખેલો વિમલ વસંત
ખોલ કમાડી કોટડી, ઘટ બેઠો મહેલ એકાંત!

સતિયા પર બતિયા ધરું હો ભુવન કરો ઉજિયાર,
પિયુ મિલે સુખ પાઇયે, મેરો જીવન પ્રાણ આધાર!  ૧

ગંગા જમુના કે આંતરે, ચંદ્ર સુરજ કે બીચ,
અરધ-ઉરધ કી સાંધમેં તહાં અમીયાં અગરજા કીચ!  ૨

સોહી રંગ રંગે રંગ રહ્યો હૈ હિલમિલ એક હી ઠામ,
કબીરા ભેટ્યા ભાવસું, જહાં મિટ્યો અપનો નામ!  ૩

સદ્‌ગુરુ કબીર સાહેબે મનને વસંત ખેલવાનો ઉપદેશ આપ્યો છે, પરંતુ તે વિમલ જ!  બીજી કોઈ વસંત નહીં!  વિમલ એટલે મળ વિનાની, એકદમ શુદ્ધ!  આ રીતે પ્રથમ પંક્તિમાં વપરાયેલો “વિમલ” શબ્દ અગત્યનો છે. તે આખાય પદના અર્થ ધ્વનિને પ્રગટ કરવા માટે અત્યંત ઉપયોગી છે.

વસંત શબ્દ સાંભળતાં જ ઋતુ વસંતનો આપણને ખ્યાલ આવે છે. પરંતુ વિમલ વિશેષણ કોઈ વિશેષ વસંતની વાત તરફ વિચાર કરવાની આપણને ફરજ પાડે છે. કારણ કે વસંત ઋતુ તો સર્જન પ્રક્રિયાને વેગ આપનારી છે. તેથી જ તો ભગવાન શિવનું તપો ભંગ કરાવવા કામદેવે વસંતઋતુનું કામચલાઉ નિર્માણ કરેલું. સોળે શણગાર સજેલી સજની તરીકે કવિઓ તેના ગુણગાન ગાય છે. અનેકવિધ પુષ્પો, તેનાં અનેકવિધ રંગો, તેની અનેકવિધ વ્યાપક સોડમ વાતાવરણને માદક બનાવે છે. તેથી કામદેવ સફળ થાય છે. અનેક જીવો કામાસક્ત બની કુદરતની સર્જન પ્રક્રિયાની વેગવંતી બનાવે છે. પછી તો ઋતુ બદલાય જાય છે. ઝાડના હરિત પાન પીળાં બને છે અને ખરવા માંડે છે. થોડા સમયમાં રુક્ષતા જાણે કે વ્યાપી વળે છે. આ રીતે કુદરતની વસંત તો પરિવર્તનશીલ છે અને તેથી દોષિત છે. તે વિમલ નથી. વસંત ઋતુ તો આવે છે ને જાય છે. કબીર સાહેબ તો નિત્ય વસંતની વાત કરી રહ્યા છે. જે વસંત આવતી પણ નથી અને જતી પણ નથી. તે તો અપરિવર્તનશીલ છે. જેવી છે તેવી જ કોઈ પણ કાળે રહે છે. તે પરિવર્તનશીલના દોષ વિનાની હોવાથી વિમલ કહેવાય. તેવી વસંત ખેલવાની વાત કબીર સાહેબ કરી રહ્યા છે.

બીજું “ખેલો” ક્રિયાપદ આપણું ધ્યાન દોરે છે. વસંત ઋતુમાં હોળીનો તહેવાર ખૂબ જાણીતો છે. ક્રિયાપદ ચોક્કસ પ્રકારની ક્રિયાનું સૂચન કરે છે તેથી હોળી ખેલવાની વાત કરવામાં આવી છે – એવું સમજવું રહ્યું. પદમાં પાછળથી આવતું વર્ણન તે માટે બંધ બેસતું પણ લાગે છે. તેથી હોળી ખેલવાનો ઉપદેશ મનને મળ્યો છે એમ માનવું જોઈએ.

પરંતુ વિમલ વિશેષણ ફરીથી હોળીનો વિશેષ અર્થ કરવા આપણને ફરજ પાડે છે. હોળી ખેલવાની આપણી રીત તો દોષોથી ભરેલી છે. કામ-ક્રોધ ને વેરઝેરનાં દર્શન થાય છે. વળી ખેલવાનો આનંદ પણ વધારે સમય ટકતો નથી. હોળી ખેલવાની આપણી રીત માદક પણ ગણાય. આખા વર્ષમાં એકવાર ગમે તેવું વર્તન કરવાની છૂટ હોય તે રીતે આપણે હોળી ખેલીએ છીએ. તેથી આપણી રીત દોષોથી ભરેલી છે.

દોષો વિનાની વિમલ વસંત અથવા તો વિમલ હોળી કોની સાથે ખેલવી જોઈએ તે શોધી કાઢીશું તો અર્થ કરવાની સુગમતા થઇ પડશે. કોની સાથે હોળી ખેલવી તે નક્કી થશે તો આપોઆપ ખેલવાની રીતનો પણ ખ્યાલ મળી જશે. કબીર સાહેબ તો કહે છે કે
    “ખોલ કમાડી કોટડી, ઘટ બેઠો મહેલ એકાંત”

શરીરરૂપી નગરીમાં એક છૂપો મહેલ છે. તેમાં એક મહારાજા બેઠો છે. સ્થૂળ આંખો જોઈ શકતી નથી. પરંતુ જો વિચાર કરવામાં આવે તો તો તેનો ખ્યાલ જરૂર આવે છે. પણ કોણ વિચાર કરે ?  અંદરનાં બારી બારણાં એવી રીતે બંધ કરીને જીવન જીવવામાં આવે છે કે નથી વિચાર આવતો છૂપા મહેલનો!  એટલું જ નહીં પણ જીવ તો ગમા-અણગમાના એવા આવરણોમાં સપડાયેલો છે કે તેને બારી બારણા બંધ છે એનો ખ્યાલ પણ નથી આવતો!  સંતો એવી દશાને મૂઢ દશા કહે છે. શાસ્ત્રગ્રંથો અજ્ઞાનની દશા તરીકે વર્ણવે છે. જીવની આ જડતા કહેવાય. પોતાના શરીરમાં અજાયબીઓ રહેલી છે તેનો તેને ખ્યાલ નથી. જે મૂઢ દશા વટાવી ચૂક્યો છે તેને અજાયબીઓનો ખ્યાલ આવી શકે. તેથી આ મૂઢ દશા જીવે વટાવી જવી જોઈએ. તે માટે પ્રથમ તો ગમા-અણગમાનાં આવરણો ભેદવાં પડે. તે આવરણો એટલા બધા સૂક્ષ્મ છે અને વૈચારિક સ્વરૂપનાં છે કે તેનો નાશ કરવો હોય તો માનવે સાવધાન બની શોધવાં પડે. સાવધાન ન બને તો એવાં આવરણો પોતાનામાં નથી એમ જ જીવને લાગ્યા કરે છે!  તેથી ભ્રમણા સાવધાની આવે તો ભાંગે!  સાવધાની એટલે સજગતા અથવા તો જાગૃતિ. જાગૃત હશે તે તેવા આવરણોને શોધી શોધીને દૂર કરવા પ્રયત્ન કરી શકશે. આવરણો દૂર થશે ત્યારે જ પોતાના દરવાજાઓ બંધ છે તેનો ખ્યાલ આવશે. ત્યાર પછી જ જીવને પોતે જ તે દરવાજા બંધ કરેલા તેનો ખ્યાલ આવવા માંડે છે. તે દરવાજા ઉઘાડવાની ચાવી પણ તેને આપોઆપ સૂઝે છે. અનેકવાર પ્રાર્થનાઓ કરી કરી દરવાજાઓ ઉઘાડવા તે ઉતાવળો પણ બને છે. એક દિવસ દરવાજાઓ ઉઘડી જાય છે ત્યારે તેને પોતાના શરીરમાં રહેલી અજાયબીઓનાં દર્શન થાય છે. તેમાં એક સુંદર મહેલ છે. હજાર પાંદડીના કમળ જેવું તેમાં એક સિંહાસન છે. તેના પર આત્મારૂપી મહારાજા તટસ્થપણે બેઠેલા છે. તે મહારાજા સાથે વિમલ હોળી ખેલવાની વાત કબીર સાહેબ કરી રહ્યા છે.

તે આત્મારૂપી મહારાજા પોતે શુદ્ધ, બુદ્ધ અને પવિત્ર છે. તેથી તેની સાથે હોળી ખેલવાની રીત પણ પવિત્ર જ રાખવી પડશે. રીત વિમલ ન હોય તો આવરણો ભેદી શકાય જ નહિ!  બંધ દરવાજા ઉઘડે જ નહિ!  અજાયબીઓનાં દર્શન થાય જ નહિ!  તેથી મન વિમલ હશે તો તેની ખેલવાની રીત પણ વિમલ હશે. નિર્મળ મન નિર્મળ રીતે ખેલશે!  માટે પ્રથમ તો મનને નિર્મળ બનાવવાની આવશ્યકતા છે.

આ આત્મા ન હોય તો ?  આત્મા ન હોય તો વસંત કોણ ખેલે ?  વિચારણા જ અટકી પડે!  આ શરીરને સ્મશાનમાં લઇ જવાની ઉતાવળ કરવી પડે. તેથી આત્મા તો સર્વનો મૂળ આધાર છે. તેના વિના બધું નકામું છે. તે છે તો આ જીવન છે ને આ વસંત છે!  તે પહેલા પણ હતો, આજે પણ છે ને ભવિષ્યમાં પણ હશે જ!  તે અધિકારી છે!  જે વિકારો પેદા થાય છે તે તો અંતરમાં થાય છે. તેને આપણે અંતઃકરણ પણ કહીએ છીએ. તૃષ્ણાઓ, ઈચ્છાઓ, વાસનાઓ આ અંતઃકરણમાં પેદા થયા કરે છે અને તેને કારણે અનેક વમળોનો ઉદ્‌ભવ થયા કરે છે. આ વમળો તે વિકારો છે. વિકારોનું એક સ્વરૂપ છે. આ વિકારો આત્માના નથી પણ અંતઃકરણના છે એમ જાણવું તેને જ્ઞાન કહેવામાં આવે છે. આ રીતે ચિંતન-મનન ને નિદિધ્યાસન કરતા રહેવાથી મનની નિર્મળતા વધતી જાય છે. આત્માના સત્ય સ્વરૂપનો ખ્યાલ દિન પ્રતિદિન વધતો જાય છે. ત્રણે કાળમાં તે અધિકારી છે તેની પ્રતીતિ પણ થતી જાય છે. એક દિવસ જ્ઞાનની ચિનગારી પ્રગટી ઉઠે છે ત્યારે અંદર ભોમંડળમાં અજવાળું અજવાળું થઇ જાય છે!  ત્યારે જ પેલી અજાયબીઓનાં દર્શન થાય છે અને આતમરામ સાથે હોળી ખેલવાની લગની લાગે છે!

શું તેવો માનવી આ જગતમાં જન્મ લે છે ?  સામાન્ય રીતે આતમરામ સાથે હોળી ખેલવાની ઈચ્છા થતી નથી. જેને આતમરામ સાથે પ્રેમ હશે તે જ વસંત ખેલવા તૈયાર થશે તે તો સ્વાભાવિક છે. પ્રેમ કોને થશે ?  જેનું મન નિર્મળ હશે તેને પ્રેમ થશે. જ્યારે પણ પ્રેમનો પ્રાદુર્ભાવ થશે ત્યારે તે આતમરામ સાથે વસંત ખેલ્યા વિના જીવી શકશે પણ નહિ. આપણા જમાનામાં થઇ ગયેલા શ્રીમદ્ રાજચંદ્ર એ માટે દૃષ્ટાંતરૂપ છે. તેમનું જીવન આપણને પ્રેરણા આપે છે. માત્ર સાત વર્ષની ઉંમરે સ્મશાનમાં તમામ આવરણો હટી ગયેલાં ને તેમને પૂર્વ ભવની સ્મૃતિઓ થયેલી. નવ વર્ષની ઉંમરે શાસ્ત્રજ્ઞાન સહજ રીતે થયેલું અને સોળ વર્ષની ઉંમરે આત્મ તરફ અત્યંત અનુરાગ ઉત્પન્ન થયેલો. તે કારણે તેમણે શતાવધાનના ચમત્કારિક પ્રયોગો પણ છોડી દીધેલા. ત્યાર પછીનું તેમનું જીવન આત્મદર્શનની તાલાવેલીનું છે!  તાલાવેલી તીવ્રતમ બને છે ત્યારે ઓગણીસમે વર્ષે તેમને આત્મદર્શન થાય છે અને તેઓ માત્ર બત્રીસ વર્ષની ઉંમરે આ ફાની દુનિયા છોડી બ્રહ્મસ્વરૂપ થઇ જાય છે!

આત્મા સુધી પહોંચવાનું કાર્ય જો કે અત્યંત કઠિન છે. દૃઢતા અને મક્કમતાના ગુણોની ખાસ આવશ્યકતા છે. તેમાં શ્રદ્ધાનું બળ ઉમેરાય તો આત્મા સુધી જરૂર પહોંચી શકાય છે. પ્રયત્ન કરનારે પ્રથમ તો આવરણો હઠાવવાં પડશે, પછી બંધ દરવાજા ઉઘાડવા પડશે, પછી અંદરના મહેલમાં પ્રવેશ કરવો પડશે અને છેલ્લે આત્મદર્શન માટે તૈયાર થવું પડશે!  આવરણો હોય ત્યાં સુધી મૂઢ દશા હોય છે. તેવી મૂઢ દશામાં આવરણો પણ મીઠાં મધુરાં લાગે છે!  તેથી જીવને હટાવવા પણ ગમતાં નથી. તો પછી આત્મા સુધી પહોંચવાની વાત જ ક્યાં રહી?

જે જીવ સંસ્કારી છે, પુણ્યશાળી છે અને પૂર્વનું ભાથું લઇને આવ્યો છે તે જીવ ડગલે ડગલે સાવધાની કેળવે છે. પરિવર્તનની પળને તે ઓળખી લે છે. તે પ્રક્ષુબ્ધ તો બની જાય છે. કાંઈક ગૂઢ થઇ રહ્યું છે એવી રીતે પ્રતીતિ પણ થાય છે. ક્યારેક તેને ગમ પડે છે ને ક્યારેક નથી પણ પડતી!  પરંતુ તે સાવધાન, જાગ્રત હોવાને કારણે મીઠાં-મધુરાં લાગતાં સર્વે આવરણોની નિરર્થકતાને જાણી લે છે અને તેને હટાવવા કમર કસે છે. જો એક પગથિયું ચઢાય તો બીજે પગથિયે પણ ચઢવા જીવ સફળ થાય છે. તવા જીવને દૈવી સહાય પણ મળી રહે છે. ક્યારેક તે પ્રગટ ગુરૂના રૂપે હોય છે, તો ક્યારેક આકાશવાણીના રૂપે હોય છે!  પરમાત્માની કૃપાથી જાગ્રત જીવ પરિસ્થિતિને પારખી લે છે અને પોતાની યાત્રા આગળ ચાલુ રાખે છે. વચ્ચે વચ્ચે ખાસ કરીને બીજે જ પગથિયે સિદ્ધિદેવીનાં દર્શન પણ છે. જે જાગ્રત હશે, સાવધાન હશે તે સિદ્ધિઓની સરકણી ભૂમિ વટાવી જશે અને જે અર્ધજાગ્રત હશે તે ફસાય પડશે!  શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં શતાવધાનના પ્રયોગોની સિદ્ધિની વાતો આવે છે. તેઓ તે સિદ્ધિના મોહમાં ફસાતા નથી. લંડન, પરદેશ લઇ જવાની અને અઢળક ધન આપવાની લાલચ પણ આપવામાં આવેલી. છતાં તેઓ સંપૂર્ણપણે જાગ્રત હતા તેથી સિદ્ધિઓને બાજુએ મૂકી દે છે. તેઓ નિષ્કામપણે પોતાની યાત્રા ચાલુ રાખે છે અને સફળ થાય છે. સિદ્ધિની સરકણી ભૂમિ ચઢી શકે તે અવશ્ય સફળતાની મંજિલ સુધી પહોંચી શકે છે તે હકીકત શ્રીમદ્જીનું જીવન પૂરવાર કરે છે.

“પિયુ મિલે સુખ પાઈએ,
મેરો જીવન પ્રાણ આધાર”

જ્યાં સુધી પિયુ-પ્રિયતમ-આત્મારામનાં દર્શનનું સુખ ન મળે ત્યાં સુધી તેવા જાગ્રત જીવને જંપ વળતો નથી. તેણે માટે આત્મારામ સર્વસ્વ છે. આત્મા સિવાયની વસ્તુ તેને માટે નકામી છે. ઈ.સ. ૧૯૮૪ નાં માર્ચની અઢારમી તારીખે નિર્વાણ પામેલા મહાન સંત શ્રી યોગેશ્વરજીનું જીવન પણ આ માટે દૃષ્ટાંતરૂપ છે. તેઓ આ અવસ્થા પર હતા ત્યારનું વર્ણન કરતાં લખે છે :
        પ્યાસ પુરાતન જાગી!
            રોમ રોમમાં વીણા વાગી
        પ્યાસ પ્રચંડ પુરાતન જાગી!

પ્યાસ ન શમે ત્યાં સુધી ચેન વળે નહિ!  આ આત્મદર્શનની પ્યાસ શમે છે ત્યારે મહાસુખનો અનુભવ થાય છે. શાસ્ત્રો જેને શાશ્વત સુખ કહે છે તે આ જ. ચોથે પગથિયે મહાસુખનો જીવને અનુભવ થાય છે. પહેલે પગથિયે આવરણો ભેદાય, બીજે પગથિયે પોતાના બંધનનું તીવ્રતમ ભાન થાય, ત્રીજે પગથિયે અજાયબીઓનાં દર્શન થાય અને ચોથે પગથિયે આત્મદર્શનનું સુખ પ્રાપ્ત થાય. કબીર સાહેબ હજી આગળ જવાની વાત કરે છે. હજી ઓર એક પગથિયું બાકી રહે છે એમ કહે છે. આ પાંચમાં પગથિયે ભાગ્યે જ કોઈ ચઢી શકે છે!  કરોડોમાં એકાદ જીવ ભાગ્યશાળી નીવડે છે!  આત્મતત્વની પ્રાપ્તિ પછી જીવ આત્મમય બની જવાની ઝંખના સેવે અને તે માટે તીવ્રતા તાલાવેલી અનુભવે તે પાંચમાં પગથિયે ચઢતા જીવની વાત છે. તે પગથિયાં પર જીવને પોતાની અસ્મિતાની પણ વિસ્મૃતિ થઇ જાય છે. સહેજ પણ સાત્વિક અહંકાર પણ નથી રહેવા પામતો!  એકદમ અહંકાર શૂન્યતાની તે સ્થિતિ હોવાથી તેને “સૂન શિખર” પણ કહેવામાં આવે છે તે શિખર પર પહોંચનાર જીવ પરમાત્મામય થઇ જાય છે. શ્રીમદ્જી આ પાંચમે પગથિયે હતા ત્યારે તેમની ઉંમર ઓગણત્રીસ વર્ષની હતી. ત્યારની દશાનું વર્ણન કરતાં તેમણે લખ્યું છે, “મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણા પર્વતે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. કારણ કે હરિરસ અખંડ પણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે-અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ?  અને જ્યાં સુધી તેમ નહિ થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમતુ નથી.”  કબીર સાહેબ પણ શૂન્ય શિખર પર આરૂઢ થઇ ચૂક્યા હતા. તેથી જ આ પદમાં તેમણે ગાયું:
        કબીર ભેટ્યા ભાવસું
            જ્યાં મિટ્યો અપનો નામ!

“ભેટ્યા ભાવસું” એટલે પ્રેમથી એકરૂપતાની સિદ્ધિ થઇ. “મિટ્યો અપનો નામ” એટલે અહંકાર નામ શેષ થઇ ગયો!  પહેલાં હિલમિલ થવાતું ન હતું કારણ કે વચ્ચે અહંકારની આડ નડતી હતી. હિલમિલ એટલે એકરૂપ. અભિમાનની આડ વારંવારના પ્રયત્નથી ખસી ગઈ ત્યારે તત્ત્વ સાથે એકરૂપતાની સિદ્ધિ થઇ. જેમ રંગમાં રંગ ભળી જાય, તેમ તેજમાં તેજ ભળી જાય તેમ પરાભક્તિને કારણે મન આત્મમય બની જાય છે. નિત્ય આત્મલીન અવસ્થા થઇ જાય છે. આ આખરી પરિણામ કહેવાય. ભક્તિ દ્વારા પ્રાપ્ત થતી આ ઉત્તમોત્તમ સ્થિતિ છે. પોતે જ પરમાત્મા સ્વરૂપ છે એવી નિત્ય અનુભૂતિને કારણે શ્રીમદ્જીએ પણ લખ્યું છે: “આ વિષમકાળમાં પરમશાંતિના ધામરૂપ અમે બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીર જ છીએ કેમકે અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ.”

પ્રાણનું શરીરમાં સંચરવું એ પવિત્રતમ કાર્ય છે. તેનું અંદર આવવું અને બહાર જવું તે પવિત્રકાર્ય હોવાથી તેને કબીર સાહેબ ગંગા-જમના સાથે સરખાવે છે. ઈડા નાડી અને પિંગલા નાડીમાંથી અવાર નવાર અંદર બહાર સંચાર કર્યા કરે છે. જીવ પોતે જાગ્રત બની જાય પછી સાધના પરાયણ બને છે. તે પ્રાણ પર સંયમ સ્થાપવા કોશિષ કરે છે. જ્યારે પ્રાણ પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે પ્રાણ સમ બની જાય છે. બહાર પણ ન જાય અને અંદર પણ ન પ્રવેશે!  તેથી “સૂર્ય ચંદ્ર કે બીચ” શબ્દ પ્રયોગ કર્યો છે. સૂર્ય એટલે પિંગલા નાડી અને ચંદ્ર એટલે ઈડા નાડી. પ્રાણની આવી અવસ્થામાં મન પણ સામ્યાવસ્થામાં ધારણ કરે છે. પ્રાણજય અને મનોજય સિદ્ધિ એકી સાથે પણ થઇ શકે. તે સ્થિતિમાં રહ્યા પછી પ્રાણ સૂક્ષ્મ સ્વરૂપે સુષુમ્ણા નાડીમાં સંચાર કરવા લાગે છે. ત્યારે શરીરનું ભાન રહેતું નથી. સમાધિદશામાં પ્રવેશ થઇ જાય છે. તે દશામાં આત્મદર્શન થાય છે. તે દશામાં રહેવું નિત્ય ગમે છે. કારણ કે અમૃત અવિરતપણે ઝરે છે તેનું પાન કરી જીવ ધન્યતાનો અનુભવ કરે છે!  “અમીયા અગરની કીચ” શબ્દો સમાધિ દ્વારા પ્રાપ્ત થતા અમૃતની વાત કરે છે. “અરધ ઉરધ કી સાંધ” એટલે ચોક્કસ પ્રકારની એક સ્થિતિ કે જ્યારે પ્રાણ સુષુમ્ણા નાડીમાં સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને પ્રવેશે છે. અરધ ને ઉરધ એ તો ગતિશીલ પ્રાણની સંજ્ઞા છે. “સાંધ” શબ્દ સૂક્ષ્મતાનું સૂચન કરે છે. આ રીતે પ્રાણની અને મનની સામ્યાવસ્થા વખતે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને પ્રાણ આત્મા સુધી પહોંચી જાય છે. સુષુમ્ણા નાડીમાં પ્રાણનું સૂક્ષ્મ રીતે સંચરવું એટલે જીતાય ગયેલા મનનું એકાંત મહેલમાં પ્રવેશવું. ત્યાં અમૃત સ્વરૂપ આત્માનાં તેજસ્વી દર્શન કરી મન ધન્યતાનો અનુભવ કરે છે.

આવો હોય છે વિમલ વસંતનો ખેલ!  કોઈ બડભાગી જીવને આવો ખેલ ખેલવાની ઈચ્છા થાય છે. તેવા જીવને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ પદનું નિર્માણ કબીર સાહેબે કર્યું લાગે છે!

આખું પદ ફરી ફરી વાંચી અને અર્થના મર્મને સમજવા પ્રયત્ન કરો તો ખૂબ આનંદ મળશે. આવા પદને સમજવા માટે ધીરજ પણ જોઈએ. જરા પણ ઉતાવળ કરશો નહિ!  નહીં તો અર્થ હાથતાળી દઈને છટકી જશે!

Related Link(s):
1. મન ખેલો વિમલ વસંત (નાદબ્રહ્મ પદ - ૪૯૭) - English transliteration and translation