કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૫૦, પૃષ્ઠ-૩૦, બેઠકનાં પદો
ભુલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, દિવસ ને રાત જી
માયાનો બાંધ્યો પ્રાણીઓ૧, સમજ્યો નહીં શુદ્ધ વાત જી - ટેક
કુંભ કાચો ને કાયા જાવરૂં, જોઈને કરો રે જતન જી
વણસંતા વાર લાગે નહીં, રાખો રૂડું જેમ૨ રતન જી - ૧
કોના૩ છોરૂં, કોના વાછરૂં, કોના મા ને બાપ જી
અંત કાલે જાવું એકલો, સાથે પુન્ય૪ પાપ જી - ૨
જે ઘેર નોબત વાજતી, રૂડા છત્રીસ રાગ જી
ખંડેર૫ થઈ ખાલી પડ્યાં, કાળા ઉડે રે રાગ જી - ૩
જીવની આશા ડુંગર જેવડી, મરણ પગલાંને૬ હેઠ જી
મોટા મોટા ચાલી ગયા, લાખો લખપતિ શેઠ જી - ૪
ઊલટી૭ નદી પૂર ઊતરી, જાવું પેલે પાર જી
આગળ નીર મળે નહીં, જે જોઈએ તે લેજો સાથ જી - ૫
સત્કર્મ સત્ વસ્તુ ઓરજો, ઈશ્વર સ્મરણ સાથ જી
કબીર જુહારીને૮ નીસર્યા, લેખું સાહેબને હાથ જી - ૬
સમજૂતી
હે મન રૂપી ભમરા, તું રાત દિવસ ભાન ભૂલીને ક્યાં ભમતો રહ્યો ? ખરેખર માયાના બંધનમાં સપડાયેલ કોઈ પણ જીવ તદ્દન સાચી વાત પણ સમજી શકતો નથી. - ટેક
આ શરીર રૂપી ઘડો કાચી માટીનો ને પરિવર્તશીલ ગણાય. તેનો નાશ થતાં સહેજ પણ વાર લાગતી નથી. તેથી તેને રતનની માફક સંભાળપૂર્વક રાખવાની ખાસ જરૂર છે. - ૧
અંત કાલે કોના પુત્રો, માતા-પિતા કે કોની માલમિલકત સાથે આવ્યા છે ? છેવટે તો એકલાએ જ જવું પડે છે ! સાથે જો કાંઈ આવી શકતું હોય તો તે પાપપુણ્યનાં કર્મો જ છે ! - ૨
જે ઘરે સદા આનંદનો ઉત્સવ થતો હોય ને છત્રીસ પ્રકારનાં રાગરાગિણી ગવાતાં હોય તે ઘર પણ છેવટે તો ખંડિયેર બની જાય છે ને ત્યાં કાળા કાગડાઓ જ ઊડતાં હોય છે ! - ૩
જીવની આશા તો ડુંગર જેવડી હોય પણ મરણને કારણે તે અધૂરી જ રહે છે, પછી ભલે જો કોઈ નાનો હોય, મોટો હોય, ગરીબ હોય, તવંગર હોય કે પછી લખોપતિ શેઠ હોય ! - ૪
આ જીવનરૂપી નદીને પેલે પાર જવું હોય તો ઊલટા પ્રવાહે તરવું પડશે. આગળ ઉપર તો પાણી પણ સુકાઈ ગયેલું જણાશે. ત્યારે જે સાથે રાખવું હોય તો તે રાખજે ! - ૫
કબીર કહે છે કે ખરેખર તો ઈશ્વરનું સ્મરણ, સત્કર્મ ને સદ્ભાવના જ સાથે રાખવું પડે છે. બાકી જુગારીની માફક પરિણામ પ્રભુને સોંપીને જે થવાનું હોય તે થાય એવા વિચારે ઝંપલાવવું પડે છે. – ૬
----------
૧ “પ્રાણીઓ” એટલે જીવ. તેને ભાન રહ્યું નથી એટલે તે ‘શુદ્ધ વાત’ - એકદમ સત્ય હકીકત પણ કેવી રીતે સમજી શકે ? તેને પોતાના આત્મસ્વરૂપની કેવી રીતે સ્મૃતિ પણ રહી શકે ?
૨ ‘જેમ રતનજી’ મેં ઉમેર્યું છે. મૂળ ‘નાદબ્રહ્મ’ ના પદમાં ‘રાખો રૂડું’ આગળ પંક્તિનો અંત આવી જાય છે. એમ પણ આ પદમાં ગુજરાતી ભાષાની અસર વધારે છે. કાયા ભલે નાશવંત હોય, પણ તે મનુષ્યની હોવાથી મહત્વની છે. તેથી શાસ્ત્રકારો દેહને રત્નચિંતામણિ તરીકે ઓળખાવે છે. એ દૃષ્ટિએ માનવ શરીરનું મહત્વ દર્શાવવા ‘જેમ રતનજી’ શબ્દો મારે ઉમેરવા પડ્યા છે.
૩ પુત્ર પૌત્રોની સાથે માણસે પોતે મેળવેલી મિલકતનો ભાવ દર્શાવવા આ રૂઢિપ્રયોગ વપરાયો લાગે છે. પરંતુ આ પંક્તિઓ નરસિંહ મહેતાના પદની હશે એમ લાગ્યા કરે છે. માત્ર ઉપાડની ટેક્ની પંક્તિ કબીરવાણીની છાપ ઊભી કરે છે એટલું જ. બાકી આખું પદ જુદા જુદા પદની પંક્તિઓ ભેગી કરી લખવામાં આવ્યું હોય એવી શંકા પેદા થાય છે.
૪ સ્મશાનમાં દેહ બળે છે ત્યારે તેની સાથે પાપપુણ્ય બળી જતાં નથી. તે વિચારો ભાવ રૂપે ઈચ્છા સ્વરૂપે કે વાસનામય સૂક્ષ્મ શરીર બનીને જીવની સાથે જાય છે, તે સૂક્ષ્મ શરીર ત્યાર પછી તેના બીજા જન્મનું કારણ બને છે.
૫ જ્યાં રાતદિવસ વૈભવનો વરસાદ હતો, રાગરંગની રંગીન જ્યાં છોળો ઊડતી હતી ત્યાં મોગલોનાં ખડિયેરો આજે આ વાતની સાક્ષી પૂરે છે અને અટ્ટહાસ્ય કરી જાણે કે માણસની અજ્ઞાનતાની ઠેકડી ઉડાડે છે !
૬ મરણનાં પગલાં એટલે યમરાજનાં પગલાં, યમરાજનાં પગલાં તળે સૌની આશા છુંદાઈ જતી હોય છે.
૭ ઊલટો પ્રવાહ એટલે મનની વિરૂદ્ધમાં ભરવા પડતાં પગલાંઓ. કુંડલિની શક્તિ જાગૃત થાય ત્યારે મોઢું ઊલટું કરીને ઉર્ધ્વગામી બને છે તેવો ભાવ પણ વ્યક્ત થાય છે. અહીં ‘લેજો’ ક્રિયાપદ ટેકની પંક્તિમાં વ્યક્ત થયેલ પદના મૂળ ભાવ સાથે સંગત જણાતું નથી.
૮. જુગારી માણસ જુગાર રમે ત્યારે તેના મનમાં પરિણામ નક્કી નથી હોતું. જે થવાનું હોય તે થશે, આ પાર કે પેલે પાર એવા મનોભાવથી તે ખેલ ખેલે છે. સંસાર સાગરમાં પણ એવા જ ભાવથી ઝંપલાવવું પડે છે કારણ કે ભાવિ કોઈ જાણતું નથી.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૫૦ : ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો
Add comment