કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૫૨, પૃષ્ઠ-૩૨, બેઠકનાં પદો
(સંદર્ભ : કબીર ભજનમાલા, હરિદ્વાર પૃ-૧૧૨)
જા ઘર કથા નહીં ગુરૂ૧ કીર્તન, સન્ત નહીં મિજમાના
તા ઘર જમરા ડેરા દીન્હા, સાંજ પડે સમસાના - ટેક
મેરિ મેરિ કરતા મરિ ગયો મૂરખ, છૂટા ન માન ગુમાના
સાધુ સંતકી સેવા ન કીન્હી, કિસ બિધિ હો કલ્યાના - ૧
ફૂલ્યો ફૂલ્યો કાહે ફિરત હૈ, ક્યા દિખલાવત બાના
એક પલકમેં ફના હોયેગા, જૈસે પતંગ ઉડાના૨ - ૨
જ્ઞાન૩ ગરીબી પ્રેમ બંદગી, સત્ય નામ નિસાના
બિરહ બૈરાગ ગુરૂ ગમ સે જાગે, તા ઘર કોટિ૪ કલ્યાના - ૩
કાલ હિ ડંકા દેઈ રહ્યો હૈ, ક્યા બૂઢા ક્યા જવાના
કહૈ કબીર સુનો ભાઈ સાધો, છોડ ચલો અભિમાના - ૪
સમજૂતી
સંધ્યા ટાણે જે ઘરમાં હરિની કથા, ગુરૂનું ગુણકીર્તન, સંતનો પ્રેમથી સત્કાર ન થતો હોય તે ઘરમાં યમરાજનો મુકામ છે એમ માનવું ને સાંજ પડતાં જ તે સ્મશાનવત્ બની જાય છે. - ટેક
મૂરખ જીવ મારૂં મારૂં કરતાં મરે છે ને માન અભિમાન તો બિલકુલ છૂટી શકતાં નથી ! સાધુ સંતની તેણે કદી સેવા પણ કરી નથી હોતી તેથી તેનું આત્મકલ્યાણ કેવી રીતે થાય ? - ૧
હે જીવ, અભિમાન ફુલાઈ જઈને શા માટે ફર્યા કરે છે ? તું કેવાં કેવાં વચનો કહે છે ? જેવી રીતે સળગતી જ્યોતિમાં પતંગિયું બળીને ભસ્મ થઈ જાય છે તેમ તું પણ ઘડીભરમાં નાશ પામશે ! - ૨
જે ઘરમાં જ્ઞાનમય ગરીબી હોય, પ્રેમમય ભક્તિ થતી હોય, સત્યનામનું રટણ થતું હોય ત્યાં સદ્ગુરુની કૃપાથી વિરહ ને વૈરાગ્ય જાગે છે ને તે ઘરમાં અનેક ગણું કલ્યાણ થતું હોય છે. - ૩
કાળ તો ડંકો વગાડીને, જુવાન કે વૃદ્ધ સૌને પડકાર ફેંકી રહ્યો છે માટે કબીર કહે છે કે હે સંતજનો સાંભળો, અભિમાનનો ત્યાગ કરી પગલાં ભરો ! - ૪
----------
૧ નાદબ્રહ્મમાં ‘હરિ’ શબ્દ છે તો અહીં ‘ગુરૂ’ શબ્દ છે. તાત્વિક દૃષ્ટિએ હરિ તે જ ગુરૂ એમ કહેવામાં આવે છે. પ્રથમ કડીમાં ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકાઓને મહત્વ આપવામાં આવ્યું છે. દરેક ભારતીયના ઘરમાં સંધ્યા આરતી થવી જ જોઈએ. સંધ્યા હરિ-ગુરૂના ગુણગાન ગાયને પણ કરવી જ જોઈએ. દરકે ભારતીયના ઘરમાં સંતોનો સત્કાર થવો જ જોઈએ. અલબત્ત, તે સાચા સંત તરીકે માન્ય હોવા જરૂરી છે. અહીં લેભાગુ સંતની વાત કરવામાં આવી નથી. જે સંતનો પ્રભાવ લોક હૃદયમાં પડતો હોય તેવા સંતપુરૂષની વાત સમજવી. જે સંતના વાણી વચન એક હોય, પોતે આચરણમાં ઉતારીને ઉપદેશ આપતો હોય તે સંતને સ્વાભાવિક રીતે દરેક જણ પૂજ્ય માને જ. જો ભારતીય પ્રાણાલિકાનું પાલન ન થતું હોય તો તે ઘર સ્મશાન જેવું ગણાય.
૨ ઊડાના એટલે ઊડીને નાશ પામે છે. પતંગિયું જ્યોતના પ્રકાશથી આકર્ષાઈને તેમાં પડે છે ને નાશ પામે છે તેમ અભિમાનમાં તારો નાશ થશે.
૩ ‘મન લાગો મેરે યાર ફકીરીમેં’ વાળું કબીર સાહેબનું પદ યાદ આવશે. તેમાં જ્ઞાનગરીબીનો ઉલ્લેખ છે જ. જ્ઞાન ગરીબી એટલે સમજપૂર્વક કરેલો ત્યાગ અને અપરિગ્રહ વૃત્તિનો સ્વીકાર. તે જ રીતે પ્રેમમય ભક્તિ એટલે જેમાં સર્વ સમર્પણ ભાવથી શરણાગતિ સ્વીકારીને ભક્તિ કરાતી હોય તે.
૪ અનેક પ્રકારે કલ્યાણ થાય એવો ભાવ વ્યક્ત કરવા ‘કોટિ’ શબ્દનો ઉપયોગ કર્યો છે.
અહીં રજૂ કરવામાં આવેલા પદમાં માત્ર ચાર કડીઓ છે. જ્યારે નાદબ્રહ્મમાં પાંચ કડીઓ છે. તે કડી આ પ્રમાણે છે :
નાભિ કમળ બીચ દાવ ચલત હૈ, દ્વાદશ નૈન ઠરાના,
અર્ધ તખત પર નૂરત નિસાના, સૌ સદ્ગુરૂકા સ્થાના.
આ કડીનો શબ્દાર્થ આ પ્રમાણે કરવો : “નાભિચક્રમાં ઈડા-પિંગલા નાડીની વચ્ચે સુષુમ્ણા નાડીમાં બે પ્રવાહો ચાલ્યા કરે છે તેથી ધ્યાન તેમાં ન કરતાં બાર પાંદડીવાળા હૃદય ચક્રમમાં કરવું. કારણ કે ત્યાં પ્રકાશનાં સિંહાસન પર પ્રકાશ સ્વરૂપ સદ્ગુરૂનું સ્થાન છે.
આ પંક્તિ (કડી) પદના મૂળ અર્થ સાથે બંધબેસતી નથી. કદાચ બીજા કોઈ પદની કડી નાદબ્રહ્મના આ પદમાં છપાઈ ગઈ હોય. પરંતુ તે કડીમાં યોગની પરિભાષાનો ઉપયોગ હોવાથી તેનો અર્થ કર્યો છે. આવો જ અર્થ કેમ ? કારણ કે કબીરસાહેબે અન્ય સ્થળે તેવું વર્ણન કર્યું છે. દા.ત.
દો સુર ચલે સુભાવ સેતી નાભિ સે ઉલટા આવતા હૈ
બિચ ઈંગલા પિંગલા નાડી સુષમનસે ભોજન પાવતા હૈ (‘કબીર વચનાવલી’, પૃષ્ઠ-૨૧૬/૨૯-૧)
‘ઉલટા’ એટલે કુંડલીની શક્તિ ઉપર ચઢવા લાગે ત્યારે નાભિ ચક્રમાં ‘દો સુર’ એટલે બે પ્રવાહો ચાલતા હોય તેવું જણાય છે. તે સ્થિતિમાં સુષુમ્ણા નાડી દ્વારા યોગીને “ભોજન” એટલે શક્તિ પ્રાપ્ત થતી હોય છે. “નાભિ કમલ બીચ દાવ ચલત હૈ” પંક્તિને એ રીતે સમજવી જોઈએ. ત્યાર પછી “દ્વાદશ નૈન ઠરાના” શબ્દો સમજવા માટે દ્વાદશ એટલે બે વાર. નાભિની ઉપર બાર પાંદડીનું કમળ છે. તેમાં “નૈન ઠરાના” એટલે ધ્યાન દોરવું. બાર પાંદડીનું કમળ એટલે હૃદય ચક્ર (અનાહત ચક્ર). કબીર સાહેબે આ રીતે વર્ણન કર્યું છે.
દ્વાદશ કમલ હૃદયમાંહિ સંગ ગૌરી શિવધ્યાન લગાઈ
સોહં શબ્દ તહાં ધૂન છાઈ ગણકાર જયજયકારા હો (‘કબીર વચનાવલી’, પૃષ્ઠ-૨૧૮)
અર્થાત્ બાર પાંદડીના હૃદયચક્રમાં સાક્ષાત્ શિવ પાર્વતી બંને ધ્યાનમાં બેઠાં હોય છે, ત્યાં સોહં શબ્દની અખંડ ધૂન ગુંજતી હોય છે ને શિવના ગણો જયજયકાર કરતા હોય છે. સદ્ગુરૂનું સ્થાન તે જ શિવનું સ્થાન. શિવ-હરિ-ગુરૂ એકમેકના પર્યાય જેવા શબ્દો છે.
Add comment