Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૬૫, પૃષ્ઠ-૩૯, બેઠકનાં પદો

મન તોહે કેહિ બિધ કર સમજાઉં ?  - ટેક

સોના હોય તો સુહાગ મંગાઉં, બંકનાલ રસ લાઉં
ગ્યાન શબ્દકી ફૂંક ચલાઉં, પાની કર પિઘલાઉં  - ૧

ઘોડા હોય તો લગામ મંગાઉં, ઉપર જીન કસાઉં
હોય સવાર તેરે પર બૈઠું, ચાબૂક દેકે ચલાઉં  - ૨

હાથી હોય તો ઝંઝીર ચઢાઉં, ચારો પૈર બંધાઉં
હોય મહાવત તેરે પર બૈઠું, અંકુશ લેકે ચલાઉં  - ૩

લોહા હોય તો એરણ મંગાઉં, ઉપર ધુંવન ધુવાઉં
ધુવનકી ઘનઘોર મચાઉં, જંતર તાર ખિચાઉં  - ૪

ગ્યાની હોય તો જ્ઞાન શિખાઉં, સત્ય કી રાહ ચલાઉં
કહેત કબીર સુનો ભાઈ સાધુ, અમરાપુર પહુંચાઉં  - ૫

સમજૂતી
હે મન તને તો કેવી રીતે સમજાવી શકું ?  - ટેક

તું જો સુવર્ણ સમાન હોય તો તને સુહાગમાં મૂકી અન્ય રસ ભેળવી દઈ વાંકી નળીથી ફૂંક મારી મારીને પાણીની જેમ તને પીગળાવી શકું અને ધાર્યો આકાર પણ આપી શકું.  - ૧

તું ઘોડા જેવું હોય તો લગામ લગાવી, પીઠ પર જીન સજાવી તારા પર સવાર થઈને ચાબૂકથી વશ કરીને તને ધારેલા માર્ગે ચલાવી શકું.  - ૨

તું જો હાથી હોય તો તારા પર ઝંઝીર ચઢાવી દઉં ને તારા ચારે પગોને બંધાવી દઉં ને પછી મહાવતની જેમ તારા પર બેસીને અંકુશ વડે તને ધારેલા માર્ગે દોડાવી શકું.  - ૩

તું જો લોઢા જેવું હોય તો ધમણ દ્વારા અગ્નિમાં તપાવી તપાવીને લાલચોળ કરી દઉં અને પછી એરણ મંગાવી તેના પર ટીપી ટીપીને યંત્રના તારની જેમ ધાર્યો આકાર પણ આપી શકું.  - ૪

તું જો જ્ઞાની હોય તો તને જ્ઞાન શીખવી શકું અને સત્યના માર્ગે ચલાવી શકું. કબીર કહે છે કે જ્ઞાન દ્વારા જ તને અમરાપુરમાં પહોંચાડી શકાય.  – ૫

----------

૧.  મનુષ્યના મનમાં અગાધ શક્તિ રહેલી છે. તેથી મનનું માધ્યમ અગત્યનું ગણાય છે. તે દ્વારા માનવ મનન પણ કરી શકે, ચિંતન પણ કરી શકે ને નિદિધ્યાસન પણ કરી શકે છે. મનન કરી શકે તે જ માનવ એમ પણ કહેવાય છે. મનુષ્યના શરીરમાં મન જ ન હોત તો તે માનવ કહેવાત જ નહીં. તેથી મનનું મહત્વ વધી જાય છે. ઉપનિષદ્‌ના ઋષિઓએ પણ એટલા માટે જ કહ્યું કે

मन णव मनुष्याणाम् कारणं बन्ध मोक्षयो:  |

અર્થાત્ બંધન અને મોક્ષ મનને કારણે જ થયા કરે છે. સમગ્ર સંસારનો વિસ્તાર પણ મનને આધારે જ થાય છે.

૨.  અગાધ શક્તિ ધરાવતું આ મન આકાર વિનાનું છે, રૂપ કે રંગ વિનાનું છે. તેથી તેની પાસે કામ કેવી રીતે લેવું તે એક મોટી સમસ્યા છે. તે સ્વભાવે ચંચળ છે. એક ક્ષણમાં અનેક વિચારો કરવાની તેને ટેવ પડી જાય છે. તેનાં નિર્ણયો તેથી બદલાતા રહે છે. નિર્ણય કર્યા પછી તે વિચલિત થઈ જાય છે. તે અંગે તે શરમ અનુભવતું નથી. તેથી મનને પાધરું રાખવું અતિ કઠિન કાર્ય ગણાય. દેવોને, યોગીઓને, તપસ્વીઓને, ઋષિઓને અને ગ્રહસ્થીઓને તે એક સરખી રીતે પજવતું હોય છે. કબીર સાહેબે તેને અનુલક્ષીને આ પદમાં મનને કેવી રીતે સમજાવવું તે સમસ્યા સુંદર અને સરસ રીતે રજૂ કરી છે. સોનું હોય તો સોનીની માફક વિધિ કરીને તેને ધાર્યો આકાર આપી શકાય, લોઢું હોય તો લુહારની માફક ભઠ્ઠીમાં તપાવીને તથા એરણ પર ટીપીને ધાર્યો ઘાટ ઘડી શકાય, પણ તે તો નિરાકાર છે, તેથી તેને પકડવું કેવી રીતે ?

૩.  તે જીવંત પણ નથી. તે તો જડ ગણાય છે. છતાં શરીરનું તે અગત્યનું સાધન છે. તેના વિના માનવની તો કાંઈ જ કિંમત નથી. તે ઠેકાણે ન રહે તોપણ માનવનું મૂલ્ય ઘટી જાય છે. ગાંડા માણસની શી કિંમત ?  ગાંડા માણસને પોતાના ઘરના માણસો પણ અવગણે. મનનું આટલું બધું મહત્વ હોવા છતાં તેને પાધરું ને ઠેકાણે રાખવા માટે કોઈ સ્થૂળ સાધન શોધી શકાયું નથી. હાથી, ઘોડા, વાઘ, સિંહ કોઈ પણ પ્રાણીને માનવ અકુંશમાં રાખી શકે છે, પણ તે પોતાના મનને અંકુશમાં રાખી શકતો નથી. મનને કારણે ઊભી થતી અનેક સમસ્યાઓનો તે શિકાર બને છે અને તે અનેક પ્રકારની વિટંબણાઓનો તે અનુભવ કરે છે.

૪.  એ વાત સાચી છે કે મન જ્ઞાની નથી. પણ એ પણ એટલી જ સાચી હકીકત છે કે તે જ્ઞાની બની શકે છે. મનમાં સૌ પ્રથમ વિચારો ઉદ્‌ભવે છે અને પછી જ તે પ્રમાણે માનવ કર્મ કરવા પ્રવૃત્ત થાય છે. જો સારા વિચાર હશે તો સારાં કર્મો થશે ને જો ખરાબ વિચારો હશે તો ખરાબ કર્મો થશે. એનો અર્થ એ થયો કે જો વિચાર જ સારા ઉદ્‌ભવે એવા પ્રયાસો કરવામાં મનની ઉત્તમ દશાનો આધાર છે. જેમ જેમ સારા વિચારોથી મન ઉભરાતું રહે તેમ તેની સમજણની માત્રા પણ વધતી જાય છે એવો માનવમાત્રનો અનુભવ છે. જેમ જેમ સમજણ વધે તેમ તેમ વિચારોની દૃઢતા પણ વધે. દૃઢ વિચારો જ મનને ધારે તે માર્ગે દોરી જઈ શકે. આ મનોવૈજ્ઞાનિક કારણને ધ્યાનમાં રાખીને જ કબીર સાહેબે આ પદના અંતમાં જ્ઞાનને મહત્વ આપવા પ્રયાસ કર્યા છે. જ્ઞાન દ્વારા જ મનને મૃત પથ પરથી અમૃત પથ પર લઈ જઈ શકાશે એ કબીરસાહેબનું સ્વાનુભૂતિનું કથન ગણાય.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૬૫ : મન ! તોહે કેહિ વિધ કર સમઝાઉં