કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૭૬, પૃષ્ઠ-૪૪, બેઠકનાં પદો
(સંદર્ભ : ભારત સરકારની સાહિત્ય એકેડેમી દ્વારા પ્રકાશિત ‘કબીર વચનાવલી’, પૃષ્ઠ-૪૪૦)
ઝીની૧ ઝીની બીની ચદરિયાં,
કાહે કૈ તાના કાહે કૈ ભરની, કૌન તારસે૨ બીની ચદરિયા ? - ટેક
ઈંગલા પિંગલા તાના ભરની, સુષમન તાર સે બીની ચદરિયા - ૧
આઠ કંવલ૩ દલ ચરખા જોલૈ, પાંચ૪ નત્ત ગુણ તીની૫ ચદરિયા - ૨
સાંઈકો સીવત૬ માસ દસ લાગે, ઠોક ઠોક કે બીની ચદરિયા - ૩
સો ચાદર સુર નર મુનિ ઓઢી, ઓઢિકે મૈલી૭ કીની ચદરિયા - ૪
દાસ કબીર જતન૮ સે ઓઢી, જ્યોં કા ત્યોં ધર દીની ચદરિયા - ૫
સમજૂતી
આ શરીર રૂપી અતિ સૂક્ષ્મ ચાદર કયા તાણા ને કયા વાણા તથા કેવાકેવા તારથી વણી હશે ?
ઈંગલાનો તાણો પિંગલાનો વાણો તથા સુષુમ્ણાના તાર વડે એ ચાદર તો વણી છે. - ૧
કમળના આકારના શક્તિના આઠ ચક્રો રૂપી ચરખા વડે પાંચ તત્વો તથા ત્રણ ગુણોને ગૂંથીને એ તૈયાર કરવામાં આવી છે. - ૨
એને તૈયાર કરવામાં સ્વામીને દસ મહિના સુધી રાત દિવસ સીવવાની મહેનત કરવી પડી છે. - ૩
એ ચાદર દેવ, માનવ, મુનિ, બધાએ ઓઢેલી પણ બરાબર સંભાળ ન લેવાથી મેલી થઈ ગયેલી. - ૪
દાસ કબીરે એવી સંભાળપૂર્વક ઓઢી કે તે મેલી ના થઈ અને જેવી હતી તેવી જ સ્વામીને પાછી સુપરત કરી દીધી. - ૫
----------
૧ ‘ઝીની’ એટલે સૂક્ષ્મ. સતત બે વાર ‘ઝીની’ શબ્દના પ્રયોગથી સૂક્ષમાતિસૂક્ષ્મ એવો ભાવ વ્યક્ત થાય છે. સ્થૂળ આંખે તે ન જાણી શકાય એવી ગણાય. આ શરીર કેવી રીતે તૈયાર થાય છે તેનું વર્ણન કોણ કરી શકે ? આ શરીરનું પૃથક્કરણકરીને અભ્યાસને તપાસ કરનાર વૈજ્ઞાનિકો પણ આ શરીરની કરામતથી આશ્ચર્ય ચકિત થાય છે. એમાં નાની રક્ત વાહક ધમનીઓની જાળ કેવી રીતે ગૂંથી હશે ? અનેક પ્રકારની ગ્રંથિઓ જેનો સ્ત્રાવ રસ રૂપે અંદર આપોઆપ થયા કરે એ કેવું અજબનું ? પ્રત્યેક અંગનો સમુચિત વિકાસ થયા કરે ને માનસિક વિકાસ પણ એની મેળે જ થયા કરે તથા નિશ્ચિત સમયે તે શરીર બહાર આવે એ કેવી કુશળતાપૂર્વકની યોજના ગણાય ! સ્થૂળ શરીરમાં વળી સૂક્ષ્મ શરીર હોય ને તે જીવ શરીર છોડે ત્યારે સાથે જાય તેમજ તે સૂક્ષ્મ શરીર જીવને ફરીવાર જગતમાં જન્મ ધારણ કરવાની ફરજ પાડે છે તે બધી વાત સૌને આશ્ચર્યમાં મૂકી દે એવી છે.
૨ કાપડનું વણાટકામ જોવા જઈએ ત્યારે ખબર પડે છે કે તેમાં આડા તાર ને ઊભા તાર યંત્ર દ્વારા ગૂંથાતા રહેતા હોય છે. તેને વણકર લોકો તાણોને વાણો કહે છે. એ તાર પણ રૂમાંથી તૈયાર કરવામાં આવે છે. આ શરીરરૂપી ચાદરનું રૂપક સમજાવવા કબીરસાહેબે વણકર લોકોની પરિભાષાનો ઉપયોગ કર્યો છે. ઈંગલા નાડીનો તાણો. ઈંગલાને ઈડા નાડી પણ કહેવામાં આવે છે. પિંગલા નાડીનો વાણો. એ તાણા-વાણાનો તાર સુષુમ્ણા નાડી દ્વારા તૈયાર થયો હોય છે. સુષુમ્ણામાં સંચિત કર્મના બીજો સંગૃહિત થતાં હોવાથી તે અનુસાર પ્રારબ્ધનું બંધારણ થાય છે એવી માન્યતાનો અહીં ઉલ્લેખ છે. સુષુમ્ણામાં પ્રાણસંચાર કરવા માટે પછી કુંડલિની શક્તિ જાગૃત બને છે ને તે ચક્રોને ભેદતી ઉપર ચઢે છે ત્યારે શુદ્ધિકરણની ક્રિયા આપોઆપ થતી હોય છે. સહસ્ત્રાર ચક્રમાં શિવને શક્તિનું મિલન થાય ત્યારે જ્ઞાનનો ઉદય થાય તે જ્ઞાનના અગ્નિથી સુષુમ્ણામાં રહેલ સંચિત કર્મોનાં બીજ બળીને ભસ્મ થઈ જાય છે એવો યોગી પુરૂષનો અનુભવ છે.
૩ શરીરમાં શક્તિનાં ચક્રો કેટલાં તે અંગે ઘણા મતભેદો છે. કોઈ માત્ર છ ચક્રો ગણાવે છે, કોઈ આઠ, કોઈ દસ, કોઈ બાર તો વળી કોઈ સોળની સંખ્યા પણ બતાવે છે. કબીરવાણીમાં ક્યારેક ષટ્ચક્રની વાત આવે છે તે તો ક્યારેક આઠ, ક્યારેક દસ ને ક્યારેક સોળ ચક્રોનો નિર્દેશ પણ છે. શરીરની અંદર આવી રચના છે તેનો એકરાર કરતાં કબીરસાહેબે જણાવ્યું છે :
કમલભેદ કિયા નિરવારા, યહ સબ રચના પિંડ મંઝારા
સત સંગ કર સદ્ગુરૂ સિરધારા, વહ સતનામ ઉચ્ચારા હૈ (‘કબીર વચનાવલી’, પૃષ્ઠ-૨૨૦)
અર્થાત્ જુદાં જુદાં ચક્રો રૂપી કમળોનું રહસ્ય શરીરમાં જ છે તેનો ખુલાસો અહીં કર્યો છે તે વિષે સદ્ગુરૂ સાથે સત્સંગ કરી જાણી શકાય છે. અહીં તો માત્ર આઠ કમળની વાત કરી છે. તે આ પ્રમાણે ગણાવી શકાય : મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, સહસ્ત્રાર ને બ્રહ્મચક્ર.
૪ પાંચ તત્વો : પૃથ્વી, પાણી, તેજ, વાયુ ને આકાશ
૫ ત્રણ ગુણો : સત્વ, રજ ને તમ
૬ ‘સીવત’ ને બદલે ‘બિનત’ પાઠ પણ મળે છે. અર્થમાં ફેર પડતો નથી.
૭ ‘ઓઢી’ ને બદલે ‘ઓઢિન’ પાઠ પણ મળે છે. ઓઢિન બહુવચન હોવાથી સ્વામી હનુમાનદાસે તે પાઠ સ્વીકાર્યો છે.
૮ તમામ સંતોની ચાદર મેલી થયેલી, માત્ર કબીરસાહેબની નહીં એવો અર્થ કરવાથી ભૂલ થશે. એ પ્રકારે અર્થ કરવાથી કબીરસાહેબ અભિમાની ઠરશે. કબીરસાહેબ તો ‘દાસ કબીર’ તરીકે પોતાને લેખે છે. તેમાં સંપૂર્ણ નમ્રતાનો ભાવ છે. તેથી દાસ કબીર જેવા અનેક સંતોએ શરીર રૂપી ચાદરને જતનથી ઓઢેલી અને ચાદરને મેલી ન થવા દીધેલી એવું અર્થઘટન કબીરસાહેબને ન્યાય કરનારું ગણાય.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૭૬ : ઝીની ઝીની બિની ચદરિયાં
Add comment