કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૧૬૭, પૃષ્ઠ-૯૩, રાગ-કલ્યાણ
(સંદર્ભ : સ્વામી યુગલાનંદ વિહારી કૃત ‘કબીરપંથી શબ્દાવલી’ પૃ-૮૦૨/પદ-૯૯)
અવધૂત નિરખ પરખ ગુરૂ૧ કરના,
તન, મન, કછૂ હાથ ન આવે, કાહેકો પચ૨ મરના - ટેક
કાલ ન છૂટો, જંજાલ ન મેટો, ભયો ન મનકો સૂરા,
કુલકા૩ બાસ કરો મત કોઇ, જો ગુરુ મિલૈ ન પૂરો - ૧
અષ્ટ૪ ધાતુકા પિંજરા બનાયા, તામેં જુગતકા૫ સુવા
સતગુરૂ મિલૈ તો કાલસે બાંચે ના તો રસૈ હુવા - ૨
કંદ્રપ૬ રૂપ કાયકો મંડન, મિથ્યા કાહ ઉલીચેં ?
કહે કબીર સમજ ન ભોંદૂ, અમી અરંડકા૭ સીચે ! - ૩
સમજૂતી
જોઈ તપાસી ગુરૂ કરવા જોઈએ હે અવધૂત ! જેની પાસેથી કશું જ ન મળતું હોય તો તેની પાછળ શા માટે મરી ફીટવું ? - ટેક
જો સાચા ને પૂર્ણ ગુરૂ ન મળે તો ન છૂટે મૃત્યુનું બંધન, ન ટળે કોઈ ઉપાધિ અને ન બને મન શૂરવીરના જેવું મજબૂત ! તેવા ગુરૂનો સર્વ સમર્પણ ભાવે આશ્રય કોઈએ પણ કરવો ન જોઈએ. - ૧
આ શરીર રૂપી પિંજરું તો આઠ ધાતુઓનું બનેલું છે અને તેમાં યોગીસ્વરૂપ જીવ રૂપી પોપટ રહેલો છે તેથી તે જીવ રૂપી ધન કોઈ સતગુરૂ મળે તો બચી શકે, નહીં તો સર્વનાશ જ થાય. - ૨
કામદેવના રૂપ જેવા આ શરીરની માત્ર ભોગ માટે જ સાર સંભાળ લેવાની મિથ્યા પ્રવૃત્તિ શા માટે કરવી ? કબીર કહે છે કે એરંડાના તેલને અમૃત સમજીને ભેગું કરવાની મિથ્યા પ્રવૃત્તિ હે ભોળા અજ્ઞાની જીવ, તું કેમ સમજતો નથી ? - ૩
----------
૧ સદ્ગુરૂ કોણ ? એ સમસ્યા આજે પણ સૌને મુંઝવનારી છે. વ્યવહારમાં દરેક વસ્તુની ખરીદી કરવામાં આવે ત્યારે કેટલી બધી સાવચેતી ને સાવધાની રાખવામાં આવે છે તેનો વિચાર કરવામાં આવે તો આધ્યાત્મિક માર્ગે પણ તેવી સાવધાની અને સાવચેતી આવશ્યક છે તેનો ખ્યાલ આવશે. તેવા પ્રકારની જાગૃતિ નથી તેથી ખોટા ગુરૂઓ માનપાન પામી પૂજાતા હોય છે. ત્યાગનો ઢોંગ કરી તેવા ગુરૂઓ વૈભવ ભોગવતા હોય છે. તેથી કબીર સાહેબે અહીં પ્રત્યેક માનવને સાચી શિખામણ ને ચેતવણી આપી છે. ખરેખર આત્મજ્ઞાની પુરૂષ જ સદ્ગુરૂ થઈ શકે. તેણે આત્મસાક્ષાત્કાર કરી સચરાચરમાં વ્યાપ્ત પરમાત્મ તત્વનો અનુભવ કર્યો હોય છે. તે માટે કપરી સાધના કરીને તેણે પોતાના તન ને મનને પવિત્ર બનાવ્યાં હોય છે. જ્યાં સુધી મન ચંચળ મટી દૃઢ ને મજબૂત ન બને ત્યાં સુધી તે સાધનાના કપરા ચઢાણ ચઢી શકતો નથી. પરંતુ જેણે સાધના કરી નથી અથવા તો સાધના કરવાનો માત્ર ઢોંગ કર્યો હોય તે સદ્ગુરૂ કેવી રીતે થઈ શકે ? તે તો કામનાઓ ને વાસનાઓથી ભરેલો હોય છે તેને સંતોષવા તે શિષ્યોનું શોષણ પણ કરતો હોય છે. સામાન્ય માટીના ઘડાને બજારમા લેવા જનાર જોઈ તપાસીને ઘડો લેતો હોય છે તો જે આત્મરૂપી અણમોલ ધન સાચવવામાં ને તેનો સદુપયોગ કરવામાં મદદરૂપ થઈ શકે તેવા ગુરૂની વરણી કરવાની હોય ત્યારે કેમ કોઈ તપાસ કરતું નથી ? શા માટે ઉતાવળ કરવામાં આવે છે ? ખરેખર કબીરસાહેબે આ પદમાં રજૂ કરેલી હકીકત સદા કાળને માટે ખૂબ જ ઉપયોગી છે.
૨ અહીં ‘પચ’ એટલે તેવા ખોટા ગુરૂનો પરિચય કરવા શા માટે મરી ફીટવું એવો ભાવ વ્યક્ત કરવા સારું વપરાયેલો દેશી શબ્દ. તેનો સામાન્ય અર્થ પરિચય-પરચો-પર્ચ-પચ એવો થઈ શકે.
૩ ખોટા ગુરૂની સંગતે બધું જ નાશ પામે તેથી તેવાનો સર્વ સમર્પણ ભાવથી આશ્રય કદી લેવો જોઈએ નહીં એવી સદ્ગુરૂની શિખામણ એકદમ સાચી છે. તેવો માણસ પોતાની મૂળ સંપત્તિ પણ ગુમાવી બેસે છે. તે દ્વારા નથી મળતો જીવનનો સાચો આનંદ કે નથી મળતો કોઈ સ્થૂળ લાભ. ‘કુલ’ એટલે સંપૂર્ણ, સર્વસ્વ. ખોટા ગુરૂઓ બધું જ લૂંટી લે છે.
૪ શાસ્ત્રકારોએ માત્ર સાત ધાતુની જ વાત કરી છે : રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, હાડકાં ને વીર્ય (શુક્ર). ‘અષ્ટ’ ને બદલે ‘સપ્ત’ શબ્દ હોવો જોઈએ.
૫ ‘જુગતકા’ એટલે પરમાત્માનો યોગ ઇચ્છતો પોપટ. જીવ રૂપી પોપટની સહજ ભાવના પ્રભુમિલનની ગણાય. તેથી તે યોગી સ્વરૂપ ગણાય. તે ભાવના-ઈચ્છા તેની પૂર્ણ બને તો તેણે શરીર ધારણ કર્યાનો હેતુ બર આવેલો ગણાય. સાત ધાતુઓનું બનેલું આ શરીરરૂપી પિંજરું જીવ રૂપી પોપટ વિના નકામુ ગણાય. તે જ્યાં સુધી અંદર રહે ત્યાં સુધી જ શરીર પણ વ્હાલું લાગે. એટલે જીવને ‘જુગતકા સૂવા’ કહ્યો છે.
૬ કંદર્પનું અપભ્રંશ રૂપ કંદ્રપ એટલે કામદેવ. આ શરીરે ચાર પુરુષાર્થ એકી સાથે કરવાના રહે છે : ધર્મ - અર્થ - કામ - મોક્ષ. ધર્મના પાયા પર બાકીના ત્રણે પુરૂષાર્થ સાધવા પડે છે. જો માત્ર અર્થ ને કામ બે જ સાધવામાં શરીરનો ઉપયોગ કરવાનો હોય તો આ શરીરનો દુરપયોગ થયેલો ગણાય. શરીર દેખાવે સુંદર હોય તેથી કામદેવના ભોગ માટે તે સદાય ન વપરાય. તે દ્વારા ચારે પુરૂષાર્થ સિદ્ધ કરવા જોઈએ.
૭ અરંડ એટલે એરંડાનું તેલ - દીવેલ. તેને અમૃત ગણીને ચાલે તે મૂર્ખ - ભોળો - અજ્ઞાની. શરીરને જ આત્મા ગણીને ચાલવાવાળા શરીરનો ભોગ માટે જ માત્ર ઉપયોગ કરતા હોવાથી તે મિથ્યા પ્રવૃત્તિ દર્શાવવા કબીર સાહેબે અહીં એરંડાના તેલના પ્રતીકનો ઉપયોગ કર્યો છે.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૧૬૭ : નીરખ પરખ ગુરુ કરના અવધુ (રાગ - કલ્યાણ)
Add comment