Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૪૦૬, પૃષ્ઠ-૨૧૭, રાગ-મોટી આશાવરી

(સંદર્ભ : પરિશિષ્ટ-૩ બનારસ વિશ્વ વિદ્યાલય પ્રકાશિત ‘સબદ’ પૃષ્ઠ-૪૩૦)

કબીરા હરિરંગ લાગા હો, ત્યાંથી મેરા મનકા ધોખા ભાગા હો  - ટેક

કોઈ કહે હરિ જોગી જંગમ, કોઈ કહે કછુ નાંહિ
અમ તુમ દેખા રુદિયા ભીતર, તુમ દેખો સબ માંહિ  - ૧

અલખ રૂપ ગુણ લખ ન જાય, અંજન રાતા લોઈ
એક વેળ૧૦ મન દૃઢ કરી રાખો, તો નિશ્ચે દર્શન હોઈ  - ૨

સેજ સુનમેં૧૧ રૈન અમારી, તત્વ દેખી મન લાગા
આપા૧૨ મધ્યે આપ દેખ્યા, ઈસ બિધ સંશય ભાગા  - ૩

કહેત કબીર એકમત૧૩ પાયા, કાયા નગર મોઝારી
તુમ સાહેબ મૈં સેવક તોરા, તારન૧૪ તરન મોરારી  - ૪

સમજૂતી
જો મનને હરિનો રંગ લાગે તો હે જીવ, તમામ સંશયો દૂર થઇ જાય !  - ટેક

ભલે હરિને કોઈ યોગી ગણે, જડ કે ચેતન માને કે હરિ જેવું કાંઈ જ નથી એમ કહે પણ ખરેખર હૃદયમાં ડોકિયું કરવામાં આવે તો તે સર્વને પોતાની અંદર જરૂર દેખાશે.  - ૧

તે સ્થૂળ આંખે કદી ન દેખાય તેથી તે સગુણ કે નિર્ગુણ, સાકાર કે નિરાકાર, તે વિષે કાંઈ કહેવાય નહીં. માત્ર મનને દૃઢતાપૂર્વક એક ક્ષણ પણ જો સ્થિર કરવામાં આવે તો અંતરમાં તેનાં સ્પષ્ટ દર્શન ચોક્કસ થાય છે.  - ૨

સહજ રીતે અમારી સ્થિતિ જ્યારે શૂન્યપ્રદેશમાં થઈ ગઈ ત્યારે તે તત્વનો પરિચય થઈ ગયો ને અમારું મન તેમાં પ્રીતથી જોડાઈ ગયું. અહંકાર હટતાં જ અમને નિજ સ્વરૂપનું દર્શન થયું એટલે સર્વ સંશયો દૂર થઈ ગયા.  - ૩

કબીર કહે છે કે અનુભવીઓ એકમતિથી માને છે કે તે તો કાયા રૂપી નગરમાં જ રહે છે. તે તરી શકે ને તારી શકે તેવો સર્વ સમર્થ હોવાથી તે જ મારો સ્વામી છે ને હું તેનો દાસ છું.  - ૪

----------

‘કબીરા’ શબ્દ જીવને ઉદ્દેશીને વપરાયો છે.

સૌ પ્રથમ પરિચય થાય, પછી પ્રેમ થાય તો રંગ લાગે !  હરિનો રંગ લગાડવા જીવે પરિચય કરવા પ્રયત્નશીલ રહેવું જ પડે.

‘ત્યાંથી’ ને બદલે ‘તા તે’ શબ્દ હોવો જોઈએ. બનારસ યુનિવર્સીટીએ પ્રકાશિત કરેલ “સબદ” પૃ-૪૩૦ પર આવા જ શબ્દોથી શરૂ થતું પદ મળ્યું છે તે જીજ્ઞાસુએ પરિશિષ્ટ-૩ માં જોઈ લેવું.

કબીરસાહેબ અહીં પ્રચલિત લોકમતનો ઉલ્લેખ કરી રહ્યા છે. ભગવાન શંકરને યોગી કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ યોગેશ્વર કહેવામાં આવે છે.

વિજ્ઞાનનો એક મત ભગવાનને જડવત્ તેમ બીજા મત ચૈતન્યરૂપ ગણે છે.

આપણે ત્યાં ચાર્વાક મુનિ થઈ ગયા તેમનો અહીં આડકતરો ઉલ્લેખ છે. તેઓ પૂરા ભૌતિકવાદી હતા. તેઓ આત્મા - પરમાત્મામાં માનતા ન હતા.

‘અમ તુમ’, ‘રુદિયા’ શબ્દો આપણી ભાષાના છે. એને બદલે આ પ્રમાણે પંક્તિ હોવી જોઈએ - “હમ તુમ દેખો ભીતર આગમ કહત હૈ સબ માંહિ”. ઉપરની પંક્તિમાં જુદા જુદા મતની વાત કરી તેથી ‘આગમ’ એટલે શાસ્ત્રનો મત અહીં દર્શાવ્યો હશે.

‘લખ’ શબ્દને બદલે ‘લિખા’ શબ્દ હોઈ તો છંદભંગ પણ ના થાય.

‘અંજન રાતા લોઈ’ શબ્દો અસ્પષ્ટતા સર્જે છે. અંજન શબ્દ દ્વારા માયા સહિત બ્રહ્મનું સ્વરૂપ, રાતા શબ્દ દ્વારા સાકાર બ્રહ્મનું કાર્યરત સ્વરૂપ અને લોઈ શબ્દ દ્વારા જગદંબાનું અનુમાન થઈ શકે. અંજન એટલે ડાઘ. ડાઘ શબ્દ માયાનું સૂચન કરે. રાતા શબ્દ રજોગુણ સૂચવે એટલે કે કાર્યશીલતા. લોઈ એટલે સ્ત્રી. મહિષાસુર આદિનો સંહાર કરનાર મા જગદંબાના સગુણ - સાકાર સ્વરૂપનો નિર્દેશ કદાચ હોય શકે.

૧૦ ‘વેળ’ શબ્દ પણ આપણી ભાષાનો ગણાય. તે એક ક્ષણના અર્થમાં વપરાયો લાગે છે. ચંચળ મન એક ક્ષણ માટે પણ પોતાની ચંચળતા છોડી દે એટલે કે સ્થિર બની જાય તો જરૂર દર્શન થાય એવી ખાત્રી સદ્‌ગુરુ આપી રહ્યા છે.

૧૧ ‘સ્હેજ સુનમે રહિન હમારી’ એમ વાંચવું ઠીક ગણાશે. ‘રૈન’ શબ્દ કરતાં ‘રહિન’ વધારે પ્રચલિત છે. ‘સુન’ શબ્દ યોગની એક ચોક્કસ અવસ્થા સૂચવે છે. શરીરમાં શક્તિનાં ચક્રો આવેલાં છે તેમાં શૂન્યચક્ર પણ હોય છે. કપાળની નીચેના ભાગને પિંડ કહેવાય ને કપાળની ઉપરના ભાગને બ્રહ્માંડ પણ કહેવાય. પિંડનાં છ ચક્રો હોય છે. જેનો ઉલ્લેખ આપણે અગાઉ કરી ગયા છીએ - મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા. તે જ રીતે બ્રહ્માંડમાં પણ છ ચક્રો હોય છે: સહસ્ત્રાર, બ્રહ્મ, પારબ્રહ્મ, શૂન્ય, મહાશૂન્ય, ભંવર ગુફા. શક્તિ જાગે ત્યારે તે ઉર્ધ્વમુખી થઈ પિંડના અને બ્રહ્માંડના સર્વ ચક્રોને ભેદતી તે ઉપર પહોંચે. શૂન્ય ચક્રમાં પહોંચે ત્યારે તત્વ રૂપે પરમાત્મ તત્વનાં દર્શન થાય એવા સ્વાનુભવની કબીરસાહેબ અહીં વાત કરી રહ્યા છે.

૧૨ ‘આપ મધ્યે આપ દેખ્યાં’ ને બદલે ‘આપા મધ્યે આપ હિ દેખા’ હોવું જોઈએ. અહીં અહંકાર હટે પછી સ્વરૂપનાં દર્શન થાય તે દર્શાવ્યું છે. અહીં કબીરસાહેબની સાખી યાદ આવે છે :

આપ ભુલાયા આપમેં, આપન ચીન્હે આપ
ઔર હોય તો પાઈયે યહ તો આપ હિ આપ.

૧૩ પદની શરૂઆતમાં અનેક મતોનો ઉલ્લેખ કરેલો હોવાથી અનુભવી પુરુષોની એકમતિની વાત કબીર સાહેબે કરી છે. અહંકારથી આત્મા ભુલાય જાય એટલે મતમતાંતર ઉદ્‌ભવે.

૧૪ તારન એટલે સર્વને તારી શકે તેવો સર્વ સમર્થ આત્મા. તરન એટલે જે પોતે તરી શકે તેવો સમર્થ આત્મા. તે સમર્થ હોવાથી ધારે ત્યારે સાકાર પણ બને અને ધારે ત્યારે નિરાકાર પણ બને. તે જ સૃષ્ટિનો સર્જનહાર છે.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૪૦૬ : કબીર હરિરંગ લાગા હો (રાગ - મોટી આશાવરી)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,113
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,972
pdf-2અનંત સૂર | Anant Soor 9,911
pdf-3Amar Varso | અમર વારસો 7,748
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,695