Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૪૦૭, પૃષ્ઠ-૨૧૮, રાગ-મોટી આશાવરી

રામરાય મનકી આશા પાઉં, ત્યાંથી કાયા નગર બસાઉં  - ટેક

સોલા ખાઈ દશ દરવાજા, બાવન બન્યા હૈ કીંગોરા
ત્રણસે સાઠ વાકો શિરા લાગા, કોટ બન્યા ચાફેરા  - ૧

પાંચ પ્રધાન કિયે વશ અપને, પ્રજા દુનિયા ન હોય
ચેતન પુરૂષ કરે કોટવાળી, નગર ન લૂંટે કોઈ  - ૨

ગઢ૧૦ પર રાજા રાજ કરત હૈ, નિશદિન કરત દુહાઈ
કામ ક્રોધ દોઉ ગરદન મારે, ઐસી અદલ ચલાઈ  - ૩

જ્ઞાન ભંડાર ભરે ભરપૂર, કછુ ખર્ચો કછુ ખાઓ
દાસ કબીર ચઢે ગઢ ઉપર, જીત નિશાન બજાઈ  - ૪

સમજૂતી
હે  રામ રાજા, જ્યારથી મનમાં આશા જાગી ત્યારથી આ કાયા રૂપીનગર વસ્યું !  - ટેક

નગરના રક્ષણને માટે ફરતે કોટ ચણી દીધો છે. તેમાં સોળ ખાઈ છે, દસ દરવાજા છે અને કોટની વધારે મજબૂતાઈ માટે ફરતે બાવન થાંભલા જેવા કીંગોરા ચણ્યા છે, જેને સાથે ત્રણસે સાઠ નાડીઓના દોરડા બાંધી રાખ્યા છે.  - ૧

નગરને કોઈ લૂંટે નહીં તેથી ચેતન પુરૂષ જાતે સતત રખેવાળી કરી રહ્યો છે. હવે જો માત્ર પાંચ પ્રધાનો વશમાં રાખવામાં આવે તો પ્રજા કદી દુઃખી ન થાય.  - ૨

કિલ્લાની ઉપર આત્મા રૂપી રાજા રાજ્ય કરી રહ્યો છે તેની રાતદિવસ દુહાઈ ગાવામાં આવે છે. કામ ક્રોધ બંને દગો દેવાની આદતવાળા છે. તેવી રીતરસમ પહેલેથી ચાલી આવી છે.  - ૩

તેથી જ્ઞાન રૂપી ભંડાર પહેલેથી ભરપૂર રાખો અને તેનો જેટલો ઉપયોગ થાય તેટલો કરો. દાસ કબીરે તો દગાખોરોને જીતી લઈ કિલ્લા પર ચઢીને આત્માનું રાજ્ય પણ હાંસલ કરી દીધું છે !  - ૪

----------

૧.  જ્યાં સુધી મનમાં આશા-તૃષ્ણા-વાસના હોય ત્યાં સુધી મન તેને પરિતૃપ્ત કરવા પ્રયત્ન કરે છે. આશા-તૃષ્ણા-વાસના મરે તો મનની ગતિ અટકે.

૨.  ‘ત્યાંથી’ ને બદલે ‘તા તે’ શબ્દો સમજવા

૩.  મનની ગતિ અટકે તો કાયા રૂપી નગરનું નિર્માણ ન થઈ શકે. તેથી જ તો ઉપનિષદ્‌માં કહ્યું છે કે જ્યાં સુધી મન છે ત્યાં સુધી જ આ સંસાર પણ છે. મૈત્રીય ઉપનિષદ્ તો કહે છે :

चितमेव हि संसार: तत् प्रयत्नेन शोधयेत्  |

અર્થાત્ મન જ સંસારનું કારણ હોવાથી મનને શુદ્ધ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. મન શુદ્ધ થશે એટલે તેની ગતિ અટકશે અને કાયા રૂપી નગરનું નિર્માણ કાર્ય પણ બંધ થશે.

૪.  પુરાણ કાળે કોટની ફરતે ખાય ખોદવામાં આવતી જેથી સહેલાઈથી કોઈ કોટમાં પ્રવેશી શકતું નહીં. તે દૃષ્ટિએ અહીં કલ્પના કરવામાં આવી છે. ‘સોલા’ શબ્દ દ્વારા સોળ આની એટલે કે સમગ્ર કોટની ફરતે એવો અર્થ થઈ શકે. સંખ્યા  વાચક ૧૬ માનીએ તો દસ ઈન્દ્રિયો + પાંચ પ્રાણો + મન મળી સોળની સંખ્યા થાય.

૫.  દસ દરવાજા - બે આંખો, બે કાન, એક નાક, દૂંટી, એક મોઢું, એક ગુદા, એક મૂત્ર પિંડ અને બ્રહ્મરંઘ્ર મળીને દસ દરવાજા માનવામાં આવે છે.

૬.  અહીં કીંગોરા એટલે Pillars (થાંભલા) અથવા ત્રાંસા ધક્કા-ટેકા વધારે મજબૂતાઈના ઈરાદે ઊભા કરવામાં આવેલા થાંભલાઓ. કિલ્લાની ફરતે એવા ટેકાઓ હોય છે તેથી તેવા પ્રકારની કલ્પના કરવામાં આવી છે. શરીરની રીતે વિચારવામાં આવે તો પાંસળી, આંગળા, હાથ, પગ, ખભા, મેરુદંડ, ગરદન ને ખોપરીનાં કુલ મળીને બાવન હાડકાનાં કીંગોરા ગણી શકાય.

૭.  શરીરની મુખ્ય ૩૬૦ રક્તવાહિનીઓ

૮.  પાંચ પ્રધાનો એટલે પાંચ ઈન્દ્રિયો.

૯.  સત્તાવીસ હજાર કરોડ કોષો તે આ નગરમાં રહેતી પ્રજા ગણાય.

૧૦.  કડી ત્રણ ને કડી ચારની પંક્તિઓ ઉલટસૂલટ થઈ ગઈ લાગે છે કારણ અર્થની સંગતિ જળવાતી નથી. અર્થની સંગતિ જાળવવા માટે તે કડીઓ આ પ્રમાણે હોવી જોઈએ :

કામ ક્રોધ દોઉ ગરદન મારે ઐસી અદલ ચલાઈ
જ્ઞાન ભંડાર ભરો ભરપૂર કુછ ખર્ચો કુછ ખાઈ  - ૩

ગઢ પર રાજા રાજ કરત હૈ, નિશદિન કરત દુહાઈ
દાસ કબીર ચઢ્યો ગઢ ઉપરિ, જિત નિશાન બજાઈ  - ૪

આ કબીરસાહેબની બીજી પંક્તિઓ પણ યાદ આવે છે :

ભગવંત ભીરિ સુમિરન સક્તિસે કાટિ કાલકી ફાંસી
દાસકબીર ચઢ્યો ગઢ ઉપરિ રાજ લિયો અવિનાશી

અર્થાત્ ભગવંત ભીરિ એટલે ભગવાનનાં કાર્યો કરી, ભગવાનના નામસ્મરણની શક્તિ વડે કાળની ફાંસી કાપી નાંખી અને કબીરે ગઢ ઉપર ચઢી જઈ આત્માનું અવિનાશી રાજ્ય પ્રાપ્ત કર્યું.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૪૦૭ : રામ રાય મનકી આશા પાઉં (રાગ - મોટી આશાવરી)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,386
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,674
pdf-2અનંત સૂર | Anant Soor 9,380
pdf-3Amar Varso | અમર વારસો 7,524
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,287