કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૪૨૧, પૃષ્ઠ-૨૨૪, રાગ-સારંગ
રામજન૧ વિસરી હો ગયા, રામજન વિસરી હો ગયા
ગર્ભવાસમેં ભક્તિ કબુલી, બાહર આવી ક્યોં૨ કિયા ? - ટેક
મહેલમેં બૈઠી મોજ નિત કરત હૈ, સોળસે૩ સહેલીઓ
પલમાં છોડ ચલ્યો ઠકુરાઈ૪, વેદ૫ કોઉ ન કહૈઓ - ૧
જબ તેરો પંથી પંથ ચલેગો, સંગે સાથી૬ કો ન લિયા
કહેત કબીર રામભજો પ્રાણી, તનમન હરજીકો૭ અર્પીઆ - ૨
સમજૂતી
હે જીવ, તું રામનું ભજન તો ભૂલી જ ગયો ! ગર્ભમાં હતો ત્યારે તો તેં ભગવાનની ભક્તિ કરવાની કબૂલાત કરેલી ! ગર્ભમાંથી બહાર આવીને જન્મ ધારણ કરી તેં શું કર્યું ? - ટેક
આ શરીર રૂપી મહેલમાં સોળ જેટલી સાહેલીઓ સાથે બેસીને તું તો વિલાસની મોજ માણ્યા કરે છે ! આત્મા રૂપી આ ઠાકોર કોઇને ખબર ન પડે તે રીતે ચાલ્યો જશે એટલું યાદ રાખજે. - ૧
જ્યારે તારો આત્મા રૂપી મુસાફર તને છોડીને પોતાને રસ્તે પડશે ત્યારે તારી સાથે સંગાથમમાં કોઈ આવશે નહીં માટે કબીર કહે છે કે તું સર્વ ભાવે રામને સમર્પિત થા અને રામનું ભજન કર તો જ તને લાભ મળશે. - ૨
----------
૧ ‘રામજન’ કે રામભજન’ ? જો કે રામજન એટલે રામનો માણસ - હરિનો દાસ કે રામનો ભક્ત અર્થ થાય છે. શબ્દાર્થ માટે કોઈ વાંધો નથી. બીજી પંક્તિ આપણને જરા જુદો અર્થ કરવા આપણને પ્રેરે છે. જીવ ગર્ભમાં હતો ત્યારે ભક્તિ કરવાનું વચન આપીને કાલાવાલા કરતો હતો પણ જન્મ ધારણ કરીને પોતાનું વચન ભૂલી ગયો. એટલે જીવ રામનું ભજન ભૂલી ગયો તે યાદ દેવરાવવા ‘રામભજન’ શબ્દ અહીં હોવો જોઇએ એ એમ લાગે છે વળી ‘વિસરી હો ગયા’ સબ્દો પણ ‘રામભજન’ શબ્દની યોગ્યતા પૂરવાર કરે છે. તદુપરાંત છંદની રીતે વિચાર કરવામાં આવે તો પ્રથમ પંક્તિમાં એક માત્રા ઘટતી જણાય છે. ‘રામજન’ શબ્દનો ઉચ્ચાર કરતી વખતે જીભ ઠડકો અનુભવશે. તેથી ‘રામજન’ ને બદલે ‘રામભજન’ શબ્દ અહીં હોય તો ‘ભ’ અક્ષરના ઉમેરણથી એકમાત્રાની પૂર્તિ થઈ જાય છે. એટલે છંદભંગનું નિવારણ આપોઆપ થઈ જાય છે.
૨ ‘બહાર આકે તુને ક્યા કિયા’ એ પ્રકારે શબ્દો હોવા જોઇએ.
૩ ‘સોળસે’ એટલે સોળ જેટલી સાહેલિયાં - સખીઓ. ‘સાહેલીઓ’ શબ્દ આપણી ભાષાનો ગણાય. તેથી ‘સાહેલિયાં’ શબ્દ પ્રયોગ યોગ્ય ગણાય. કોઇને ‘સોળસે’ શબ્દ પ્રયોગથી ૧૬૦૦ સખીઓ એવો અર્થ કરવાનું મન થશે પણ તે અંગે વિચારણા કરતાં જ તે યોગ્ય લાગશે નહીં. ‘સાહેલિયાં’ શબ્દ સખીઓ મિત્રોનો ધ્વનિ પ્રગટ કરે છે. રાણી કે પટરાણીનો નહીં. કારણ કે ૧૬૦૦ શબ્દ સાથે શ્રીકૃષ્ણની યાદ જરૂર આવે. શ્રીકૃષ્ણને ૧૬૦૦ રાણીઓ હતી એમ કહેવાય છે. વળી આત્મદેવ તે જ કૃષ્ણ એવું માનવામાં હરકત નથી પણ ૧૬૦૦ સાહેલીઓનો મેળ કોની સાથે કરવો તે સમસ્યા નડશે. તાણીતૂસીને અર્થ કરવાથી ફાયદો પણ શો ? એનાં કરતાં સોળની સંખ્યા પ્રસિદ્ધ છે : પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ પ્રાણો ને મન. શરીરમાં રહીને તે પ્રકૃતિના તત્વો જીવને વિષયોનો આનંદ માણવામાં સહાયક થાય જ છે ને તે કારણે જ જીવ આ જગતમાં જન્મ ધારણ કરીને પોતાનું આપેલું વચન ભૂલી જાય છે. વળી સદ્ગુરુ કબીરસાહેબે તે રીતે અનેકવાર બીજાં પદોમાં તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેથી સહજ રીતે જે અર્થ થાય તે મેં અહીં કર્યો છે.
૪ ‘ઠકુરાઈ’ એટલે ઠાકોર - સ્વામી. અહીં ‘પલમાં’ શબ્દને ‘પલમેં’ શબ્દ હોવો જોઇએ. આત્માનું સ્વામીત્વ શરીરના તમામ અંગોએ સ્વીકારેલું હોવાથી સ્વામી અર્થ યોગ્ય લાગે છે. તેની હાજરીથી જ જીવે આનંદ માણવાનો લ્હાવો મળે છે. તેની ઈચ્છા વિરુદ્ધ જીવ વર્તન કરે તો તે સાક્ષી બનીને જોયા જ કરે છે. તેથી જવાબદારી જીવની ઠરે છે.
૫ વેદ એટલે જ્ઞાન-જાણ-ખબર. આત્મા સમય થાય એટલે કોઇને પણ પરવા કર્યા વિના ચાલ્યો જાય છે. તે સ્વામી હોવાથી કોઈની પરવાનગી તેને લેવાની રહેતી નથી.
૬ અહીં કબીરસાહેબની બીજી વાણી પણ યાદ કરવા જેવી છે :
ચાર જને મિલિ ખાટ ઉઠાઈન, રોવત લે ચલે ડગર ડગરિયા
કહત કબીર સુનો ભાઈ સાધો, સંગ ચલી વહ સૂખી લકરિયા.
અર્થાત્ ચાર જણાએ ઠાઠડી ઉપાડી અને રડતાં રડતાં સ્મશાને લઇ ગયા. કબીર કહે છે કે હે સંતજનો, સાંભળો ! સાથે તો સૂકાં લાકડાં જ ગયાં !
૭ સર્વ પ્રકારનાં દુઃખોને હરનાર હરજી કહેવાય તેથી તેવા પરમાત્માને તન-મન અર્પણ કરવા એટલે કે સર્વભાવે સમર્પિત થઈ જવું. ગર્ભમાં કરેલો વાયદો પૂરો કરવા રામનું ભજન અવશ્ય કરવું. તો જ જે કાંઈ આધ્યાત્મિક લાભ મળવાનો હશે તે મળશે.
Add comment