Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૪૪૪, પૃષ્ઠ-૨૩૩, રાગ-વસંત

(સંદર્ભ :  આશ્રમ ભજનાવલી)

નહીં છોડું રે બાબા રામનામ, મેરો કબીર ઔર પઢનસો નહીં કામ  - ટેક

પ્રહ્લાદ પઢાયે પઢન શાલ, સંગ સખા બહુ લિયે બાલ
મોકો કહા પઢાવત આલજાલ, મેરી પટિયા પે લિખ દેઉ શ્રી ગોપાલ  - ૧

યહ ષંડા મરકે કહ્યો જાય, પહ્લાદ બુલાયે વેગ ધાય
તૂં રામ કહનકી છોડ બાન, તુઝે તુરત છુડાઉં કહો માન  - ૨

મોકો કહા સતાવો બારબાર, પ્રભુ જલ થલ નભ કીન્હે પહાર
એક રામ ન  છોડું ગુરૂ હિ ગાર, મોકો ધાલ જાર ચાહે માર માર  - ૩

કાઢ ખડગ કોપ્યો રિસાય, કંહ રાખનહારો મોહિ બતાય
પ્રભુ ખંભસે નિકસે વ્હૈ વિસ્તાર, હરિણાકુશ છેદ્યો નખ વિદાર  - ૪

શ્રી પરમ પુરૂષ દેવાધિદેવ ભક્ત હેત નરસિંહ ભેવ
કહે કબીર કોઉ લહૈ ન પાર, પ્રહ્લાદ ઉબારે અનેક વાર  - ૫

સમજૂતી
હે ગુરૂજી, રામનામ તો હું નહી છોડી શકું !  વળી મારે બીજું ભણવાનું પણ કંઈ કામ નથી.  – ટેક

ઘણા બાળમિત્રો સાથે પ્રહ્લાદને નિશાળે મોકલવામાં આવતો હતો ત્યારે તેણે ગુરૂને કહ્યું કે મને ગમે તેમ નકામું કેમ ભણાવો છો ?  મારી પાટી પર તો કેવળ પ્રભુનું જ નામ લખી દો !  - ૧

જયારે આ વાત ષંડા ને મરકે પ્રહ્લાદના પિતાને કહી ત્યારે પ્રહ્લાદને તરત જ બોલાવવામાં આવ્યો. તું રામ કહેવાની તારી આ ટેવ પડતી મૂકે તો હું તને તરત જ બંધનમુક્ત કરું એમ તેને કહેવામાં આવ્યું.  – ૨

ત્યારે પ્રહ્લાદે કહ્યું કે મને વારંવાર શા માટે સતાવો છો ?  મારો પ્રભુ તો જલ, સ્થલ, આકાશ, પહાડોમાં બધે જ રહેલો છે. તમારે જોઈએ તો મને કાપી નાંખો, બાળી નાંખો કે મારી નાંખો પણ મારાથી રામનામ ન છૂટે કારણ કે તેથી પ્રભુનું અપમાન થાય.  – ૩

તરત જ તેના પિતા હિરણ્યકશિપુએ ક્રોધથી તલવાર કાઢીને કહ્યું કે તારો રક્ષણ કરનારો ક્યાં રહે છે તે મને બતાવ. સ્તંભને ફોડીને તરત જ પ્રભુ પ્રગટ થયા અને હિરણ્યકશિપુને નખ વડે ચીરી નાંખ્યો.  – ૪

દેવાધિદેવ, પરમ પુરૂષ પરમાત્માએ ભક્તના રક્ષણ માટે નરસિંહ રૂપ ધારણ કર્યું. કબીર કહે છે કે ખરેખર પ્રહ્લાદને વારંવાર ઉગારનાર ઈશ્વરી શક્તિનો પાર તો કોઈ પામી શકતું નથી.  – ૫

----------

કબીરવાણીમાં આ પદ સગુણ ભક્તિનું ગણાય. પ્રહ્લાદનું દૃષ્ટાંત પ્રભુને શરણે ગયેલાનું સર્વ પ્રકારે રક્ષણ થાય છે તે દર્શાવવા માટે આપવામાં આવે છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મ તત્વ સગુણ ને સાકાર થઈ શકે છે તે વાત અહીં રજૂ કરવામાં આવી છે. નિર્ગુણ ભક્તિમાં કબીરસાહેબની માન્યતા દૃઢ હતી પણ સગુણ ભક્તિની આવશ્યકતાનો પણ કબીરસાહેબ ઇન્કાર નથી કરતા તે સમજવું જોઈએ. કબીરસાહેબ સગુણ ભક્તિની મર્યાદા જાણતા હતા છતાં તે દ્વારા પણ નિર્ગુણ-નિરાકાર સુધી પહોંચી શકાય છે તે તેમણે દર્શાવ્યું જ છે :

સિરગુણ કી સેવા કરો, નિરગુણકા કરો જ્ઞાન
નિરગુણ સિરગુણ સે પરે તહાં હમારા ધ્યાન

અર્થાત્ સગુણ ભક્તિ દ્વારા નિર્ગુણનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. નિર્ગુણને જાણ્યા પછી પણ શ્રેયયાત્રા જીવની પૂરી થતી નથી. જીવનું ધ્યાન તો નિર્ગુણથી પણ જે આગળ તત્વ છે તેણે સિદ્ધ કરવા માટે રહેવું જોઈએ. આ દૃષ્ટિએ કબીરસાહેબને સગુણ ભક્તિના વિરોધી જ હતા એમ ઠેરવી શકાય નહીં. કબીરસાહેબના વિશાળ વ્યક્તિત્વણે એ દ્વારા અન્યાય થાય. કબીરસાહેબનો ઝોક નિર્ગુણ તરફ વિશેષ હતો એમ કહેવામાં કશી હરકત નથી.

ષંડા ને મર્કા નામના બે દૈત્યો હતા, તે પ્રહ્લાદના શિક્ષકો હતા. હિરણ્યકશિપુએ  તેમને પ્રહ્લાદને શિક્ષણ માટે રોક્યા હતા. તે શિક્ષકો હિરણ્યકશિપુની સૂચના મુજબ શીખવે તે પ્રહ્લાદને પસંદ ન હતું. પ્રહ્લાદ વિશે તેથી તેમણે હિરણ્યકશિપુને ફરિયાદ કરી હતી.

‘કીન્હે પહાર’ એટલે પહાડો બનાવ્યા. આ સૃષ્ટિનો સર્જનહાર તો એકમાત્ર પ્રભુ જ છે એવી દૃઢ શ્રદ્ધા અહીં વ્યક્ત થઈ છે. પ્રભુએ જ જલ, સ્થળ, આકાશ આદિ બનાવ્યું છે. તે સર્વત્ર છે.

‘ગુરૂ હિ ગાર’ ગુરૂને ગાળ દીધેલી ગણાય. જો રામનામ છોડું તો ગુરૂનું અપમાન થયેલું કહેવાય એમ પ્રહ્લાદ કહેવા માંગે છે. હિરણ્યકાશિપુ પ્રભુને છોડી મને ભજ એમ કહેવા માગે છે. મારી સત્તા બધે ચાલે છે, ઈશ્વરની સત્તા ચાલતી નથી. અહીં ગુરૂ શબ્દ આત્મા માટે વપરાયો છે. आत्मा वै गुरु: એ ઉપનિષદ્‌ના વચનનો અહીં જોરદાર પડઘો પણ છે. જે અંદર છે તે જ બહાર છે ને જે બહાર છે તે જ અંદર છે એવી સમજ હોવાથી આત્માનું મહત્વ વધી જાય છે. તેથી ઈશ્વરની સર્વ વ્યાપકતાનો ઇન્કાર કરી શકતો નથી. જો ઇન્કાર કરવામાં આવે તો તે અપમાન ગણાય એવી પ્રહ્લાદની દલીલ છે.

કબીરસાહેબે પ્રભુને માટે વાપરેલા વિશેષણોમાં પણ તેમની સગુણ ભક્તિ માટેની સમ્યક્ દૃષ્ટિ પ્રતિબિંબિત થયેલી જણાશે. જે પુરૂષ આત્મા રૂપે શરીરની સીમામાં બદ્ધ છે તે જ બહાર અસીમ રૂપે પ્રસરેલો છે તેથી તે પરમ પુરૂષ. તેની જ સત્તા સર્વ સ્થળે ચાલે તેથી દેવાધિદેવ. તે ભક્તના રક્ષણ કરવા માટે પોતાની યોગમાયાથી ધારેલું રૂપ ધારણ કરી પ્રગટી શકે છે કારણ કે તે સર્વ સમર્થ છે. તે સગુણ છે કે નિર્ગુણ, તે સાકાર છે કે નિરાકાર તે અંગે કશું જ કહેવાય નહીં કારણ કે તેનો પાર કોઈ પામી શકતું નથી.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૪૪૪ : નહિ છાંડુ બાવા શ્રી રામનામ (રાગ - નિર્ગુણ વસંત)