કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૪૭૯, પૃષ્ઠ-૨૪૯, રાગ-વસંત
અઘટ૧ વસંત ઘટત નહિ કબહૂં, અવિનાશી૨ હૈ જ્યાંહી
ડાલ૩ ન મૂલ પત્ર નહિ છાયા, ભ્રમર૪ વિલંબયો ત્યાંહી - ટેક
જલ૫ વિના કૂપ ભોમ વિના વાડી, અરધ૬ ઉરધ બિચ ક્યારી
યહાં૭ કે ફૂલ લઇ વહાં વધાવે, સો માલની૮ પિયુ પ્યારી - ૧
પાંચ૯ વૃક્ષ ઉંધે તે સૂધે, પાપ૧૦ વાસના જાગી
અકલ માલની સુરતિ છાબડી, નિશદિન બિનન લાગી - ૨
હોય સન્મુખ માલની પહિરાવેને, બાસ બાસ મન૧૧ ધીર
શૂન૧૨ શિખર ગઢ લિયો હૈ મુકામ, યોં કહે દાસ કબીર - ૩
સમજૂતી
જ્યાં અવિનાશી આત્મા રહે છે તે ધામમાં નિત્ય વસંત ખીલેલી રહે છે. ત્યાં તો વૃક્ષો ડાળ, મૂળ, પાંદડા ને છાયા વિનાના જ હોય છે. ત્યાં પહોંચી જઈ મારો મનરૂપી ભમરો ત્યાં જ રોકાઈ ગયો. – ટેક
ત્યાં પાણી વિનાના કૂવાઓ છે અને ધરતી વિના જ વાડી ખીલેલી છે. ત્યાં ઈડા ને પિંગલાની વચમાં આવેલી સુષુમ્ણા નાડીની ક્યારીમાં પ્રાણ સંયમિત થઈ લય પામે છે તે અવસ્સ્થામાં ભગવાનની પ્યારી માયા રૂપી માલણ જીવના પાર્થિવ જગતના કર્મબીજ રૂપી ફૂલને હોમી દે છે. – ૧
તેથી ઇન્દ્રિયો રૂપી પાંચે વૃક્ષો પ્રતિકુળતા છોડી દઈ અનુકુળ બની જાય છે અને શાશ્વત સુખના પુષ્પની તેને વાસના જાગે છે. માયા રૂપી માલણ ચિત્તવૃત્તિની છાબડીમાં રાત દિવસ ખીલેલાં તે પુષ્પોને વીણ્યાં કરે છે. – ૨
સર્વ સ્થળે ને કાળે મન સ્થિર રહેતું હોવાથી તે માયા રૂપી માલણ જીવને પ્રભુદર્શનની વિજયમાળા પહેરાવી દે છે. દાસ કબીર કહે છે કે તેવી સ્થિતિમાં જીવનો મુકામ શરીરરૂપી ગઢ પર આવેલા શૂન્ય નામના શિખર પર હોય છે. – ૩
----------
૧ ‘અઘટ’ એટલે કાયમી. જે ઘટતી જ નથી, જે બનતી જ નથી, જે જન્મતી જ નથી તેવી વસંત. જે જન્મે છે તે મરે છે. જે ઘટે છે તેનો અંત નિશ્ચિત હોય છે. કોઈ ચાહે કે ન ચાહે તો પણ તેનો નાશ થાય જ છે. કુદરતમાં આવતી વસંત ઋતું ઘટિત થતી હોવાથી તેનો બે માસમાં જ અંત આવે છે. તે વસંત ઋતુની વાત અહીં નથી. અહીં તો જે નિત્ય વસંત છે તેની જ વાત કબીર સાહેબ કરી રહ્યા છે. એકવાર તે વસંત ઋતુ આવે પછી તેનો કદી અંત થતો નથી તેવી કાયમી વસંતનું અહીં વર્ણન છે.
૨ અહીં ‘અવિનાશી’ શબ્દ દ્વારા કબીરસાહેબ આત્મતત્વનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકુંઠધામ કે કૈલાસ ધામની અહીં વાત જણાતી નથી. કારણ કે છેલ્લી પંક્તિમાં તેનો ઘટસ્ફોટ થઈ જાય છે. છેલ્લી પંક્તિમાં ‘ગઢ’ શબ્દ શરીરનો નિર્દેશ કરે છે. આ શરીર રૂપી કિલ્લામાં શક્તિનાં ચક્રો આવેલાં છે. તેમાં જે શૂન્ય ચક્ર છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેથી અવિનાશી અહીં આત્માને કહ્યો છે તેમ સમજવું.
૩ કુદરતી રીતે આવતી વસંત ઋતુમાં વૃક્ષોને નવાં પાંદડાંઓ આવી જાય એટલે સહેજે તેની નીચે છાયા તો હોવાની જ. અહીં નિત્ય વસંતમાં વૃક્ષો છે પણ તેને મૂળ જ નથી એટલે તેને ડાળ પાન તો હોય જ ક્યાંથી ? તેને પાનખરની અસર થાય જ કેવી રીતે ?
૪ મન રૂપી ભ્રમર વિલંબ્યો એટલે રહી પડ્યો. આત્મદર્શન થયા પછી તેવા મનને સંસારમાં રસ રહેતો જ નથી તેથી તેવું મન સંસારથી અલિપ્ત જ બનીને આત્મામાં લીન રહે. તે જ જીવનમુક્ત દશા. તે જ મોક્ષની ઉત્તમ સ્થિતિ.
૫ કબીરવાણીમાં નિત્ય વસંતનું વર્ણન ઘણી જ જગ્યાએ પ્રાપ્ત થાય છે. અવિનાશી પ્રભુનું ત્યાં મિલન થતું હોવાથી ત્યાંનો આનંદ વૈભવ શાશ્વત હોય છે. તે ધામને જ જીવે પોતાનું ધામ માનવું જોઈએ. કબીર સાહેબ એક પદમાં કહે છે :
તું સૂરત નૈન નિહાર, અંડ કે પાર હૈ
તૂ હિરદે સોચ બિચાર, યહ દેશ હમારા હૈ
અર્થાત્ હે જીવ, તું પ્રભુના સ્વરૂપને આંખો ભરી ભરીને જોઈ લે. એ તેને લાગશે શરીરની બહાર, પણ ખરેખર તે તારી અંદર જ તારું જ પોતાનું સ્વરૂપ છે. ત્યાં સૂર્ય, ચંદ્ર, દિવસ, રાત, રંગ ને જાતીભેદ કશું જ હોતું નથી. ઉપનિષદ્ પણ એવું જ કહે છે :
ન તત્રો સોર્યો ભાતિ ન્ ચંદ્ર તારકં |
નેમા વિદ્યુંતો ભાન્તિ કુતોડયમગ્નિ ||
ગીતામાં પણ તેવા જ શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે :
સુખ ને દુઃખ સમા બધાં દ્વંદ્વ થકી પર છે
જ્ઞાની તેવા પામતા અવિનાશી પદને
અગ્નિ, સૂરજ, ચંદ્રના તેને તેજ ધરે
જન્મમરણથી મુક્ત તે મારું ધામ ખરે (સરળ ગીતા અ-૧૫)
૬ ‘અરધ ઉરધ બિચ’ એટલે ઈડા ને પિંગલાની વચ્ચેની સુષુમ્ણા નાડી. તેમાં પ્રાણનો લય થાય ત્યારે મનનો નિરોધ પણ આપોઆપ થઈ જાય. તેવું મન ઉન્મન કહેવાય.
૭ કર્મસંસ્કારો રૂપી ફૂલ. ‘યહાં’ શબ્દ પાર્થિવ દશા સૂચવે અને ‘વહાં’ શબ્દ લય દશાને સૂચવે. પ્રાણ ને મનનો લય થયા પછી જે જ્ઞાનની જ્યોતિ પ્રગટે તેમાં તે સંસ્કારો ભસ્મીભૂત થાય.
૮ માયા રૂપી માલણ તે પરમાત્માની અર્ધાંગના ગણાય. ‘દૈવીહિ એષાગુણમયી મમ માયા દુરત્યયા’ એ શ્રીકૃષ્ણનું વચન અહીં યાદ કરવાથી રૂપક વિશદ બનશે.
૯ પાંચ કર્મેન્દ્રિયો સાધનાની શરૂઆતમાં સાધકને માથાવતી હોય છે. બિલકુલ સાથ આપતી નથી હોતી. તે લય અવસ્થા પછી અનૂકૂળ બની જાય છે. માયા પોતે જ દાસી બનીને સેવા કરતી થઈ જાય છે.
૧૦ ‘પાપ’ ને બદલે ‘પોપ’ શબ્દ વાંચવો. પોપ શબ્દ પુષ્પનું અપભ્રંશ રૂપ ગણાય. પુષ્પમાંથી પુહુપ થયું ને પછી પોપ શબ્દ બનો.
૧૧ બાસ શબ્દ વાસ-સ્થળના અર્થમાં સમજવો. સર્વ સ્થળે ને સમયે મન સ્થિર રહે તે ઉત્તમ સ્થિતિનો અહીં ઉલ્લેખ છે.
૧૨ ‘શૂન શિખર’ એટલે મહાશૂન્ય ચક્ર. મન અમન બની જાય પછી અહંકાર નામશેષ થઈ જતો હોવાથી અવિનાશી પ્રભુનું મિલન થાય તે પરમ અવસ્થા ‘શૂન શિખર’ શબ્દો દ્વારા વ્યક્ત કરી છે.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૪૭૯ : અઘટ વસંત ઘટત નહિ કબહું (રાગ - સગુણ વસંત)
Add comment