કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૫૦૩, પૃષ્ઠ-૨૬૧, રાગ-ધમાર
(સંદર્ભ : ‘કબીર વચનાવલી’ પૃષ્ઠ ૩૧૪/૧૦૭)
અબિનાશી દૂલહા૧ કબ મિલિ હૈં, ભક્તનકેં રછપાલ - ટેક
જલ૨ ઉપજી જલ હી સોં નેહા, રટત પિયાસ પિયાસ
મૈં ઠાડિ બિરહિન૩ મગ જોઉં, પ્રિયતમ તુમરિ આસ - ૧
છોડે ગેહ નેહ લગિ તુમસોં, ભઈ ચરનન લવલીન
તાલાબેલી હોત ઘટ ભીતર, જૈસે જલબિનુ મીન - ૨
દિવસ રૈન ભૂખ નહિ નિદ્રા ઘર અંગના ન સુહાય૪
સૈજરિયાં બૈરિન ભઈ હમકો, જાગત રૈન બિહાય - ૩
હમ તો તુમરિ દાસી સજના તુમ હમરે ભરતાર
દીન દયાલ દયા કરી આઓ, સમરથ સિરજનહાર - ૪
કૈ હમ પ્રાન૫ તજત હૈ પ્યારે કૈ આપનાકર લેવ
દાસ કબીર વિરહ અતિ બાઢયો, હમકો દરસન દેવ - ૫
સમજૂતી
હે અવિનાશી પ્રિયતમ પ્રભુ, હે ભક્તના રક્ષણ કરનારા, તમે ક્યારે આવશો ? - ટેક
પાણીમાં પેદા થઈ પાણી સાથે જ સ્નેહ કરું છું છતાં હું તો તરસી મરી રહી છું ! હે પ્રિયતમ, તમારા મિલનની ઝંખનામાં હું વિજોગણ તમારી રાહ જોઈ રહી છું. – ૧
જ્યારથી તમારી સાથે પ્રેમ થઈ ગયો છે ત્યારથી ઘરબાર છોડી હું તો તમારા ચરણોમાં તલ્લીન બની ગઈ છું ! પાણી વિના માછલી તડપે તેમ આ શરીરમાં મારો જીવ તમારા વિના તરફડીયાં મારી રહ્યો છે. – ૨
રાત હોય કે દા’ડો, નથી ભૂખ નથી નિદ્રા ! નથી ઘરમાં ચેન પડતું, નથી ઘરની બહાર આંગણામાં ગમતું ! હૃદય રૂપી પથારી પણ સૂની સૂની વેરણ લાગે છે ! રાત તો જાગરણમાં જ વીતે છે ! - ૩
હે પ્રભુ, અમે તો તમારી દાસી છીએ ને તમે તો અમારા પતિ છો ! હે સૃષ્ટિના સમર્થ સર્જનહાર ! હે દીનદયાળ ! કરુણા કરી તમે આવો ! - ૪
હે પ્રિય, કાં તો મને અપનાવી લો, કાં તો હું પોતે પ્રાણનો ત્યાગ કરું ! દાસ કબીરના હૃદયમાં તો વિરહ અતિશય વધી ગયો છે માટે દર્શન આપવાની કૃપા કરો ! - ૫
----------
૧. ‘અબિનાશી દૂલહા’ શબ્દો આપણું ધ્યાન ખેંચે છે. સ્થૂળ જગતના પતિની અહીં વાત નથી તે સ્પષ્ટ થઈ જાય છે. કદી પણ જે મૃત્યુ પામતો નથી તેવા પતિની અહીં વાત કરવામાં આવે છે. પરમેશ્વરને પતિ માની પત્નીભાવે જીવની ઉપાસના અહીં દર્શાવી છે.
૨. ‘જલ ઉપજી જળ હી સોં નેહા’ પંક્તિ “પાની મેં મીન પિયાસી” પ્રસિદ્ધ પદની સ્મૃતિ કરાવે છે. કબીરસાહેબે તે પદમાં આત્માજ્ઞાનનો મહિમા ગાયો છે. અહીં પણ જે પરમેશ્વર શરીરમાં આત્મા રૂપે રહેલા છે તેનો નિર્દેશ એ પંક્તિ દ્વારા થઈ જાય છે. આત્મચૈતન્યથી ભરપૂર શરીરમાં જીવ આત્મચૈતેન્યથી વિમુખ રહે તે દશા એક સાખીમાં પણ સુંદર રીતે વર્ણવી છે :
ચકવી બિછુરી રૈનકી આય મિલી પરભાત
સતગુરુસે જો બિછુરે મિલે દિવસ નહિ રાત
અર્થાત્ રાતે છૂટી પડી ગયેલી ચકવી સવાર થતાં જ પોતાના પ્રિયતમ ચકવાને આવી મળે છે પણ પરમાત્માથી છૂટો પડેલો જીવ રાતે કે દિવસે મળી શકતો નથી. તેને મળવું હોય છે, તેને તાલાવેલી હોય છે, તેને વેદના હોય છે, તેનું દુઃખ કોણ સમજી શકે.
બિરહમેં તન મન જળ, લાગિ રહા તત જીવ
કૈવા જાને વિરહિની કૈ જિન ભેંટા પીવ
અર્થાત્ વિરહમાં તનમન બળતું હોય છે છતાં જીવ તેની યાદમાં જ મગ્ન રહે છે. તેને થતી વ્યથા કોઈ વિરહિણી હોય તે જાણી શકે અથવા તો સાક્ષાત્ પ્રભુ કે જેણે આ દશા પેદા કરી છે તે જાણી શકે !
૩. પરમેશ્વરને પતિ માનવાથી આ પદ પણ પ્રેમલક્ષણા ભક્તિનું ગણાય. તેવાં પદોમાં વિરહ ભાવ ખૂબ આકર્ષક રીતે વ્યક્ત થતો હોય છે. કબીરવાણીમાં તેવાં પદો ઘણાં છે. તેમાંનું આ એક ઉત્તમ પદ છે. દ્વૈત ભાવમાં રહી અદ્વૈત સાધવાની તેની લગની વ્યવહારમાં તાલાવેલીના રૂપે જોઈ શકાય છે.
૪. વિરહભાવની ઉત્કટાને કારણે વિષાદ વ્યાપક બની જાય છે ત્યારે જીવને તેની આસપાસની સૃષ્ટિ સાવ ફીકી લાગે છે. તેને ક્યાંય ચેન પડતું નથી હોતું ! અશોકવાટિકામાં બેઠેલી સીતા જેવી જીવની સ્થતિ થઈ જાય છે. ભોજન ભાવે નહીં, ઊંઘ આવે નહીં ને એકાંત જાણે અસુર માફક ખાવા ધસતો હોય તેવી વ્યથામાં સમય પણ વીતે નહીં ! ક્ષણ દિવસ જેટલી લાંબી લાગે !
૫. તેવી દશામાં જીવ શરીર છૂટી જાય તોપણ પરવા કરતો નથી તે અહીં દર્શાવાયું છે. પ્રિયતમ જીવતા જીવત ન મળે તો આ જીવનની કિમંત પણ શી ? મર્યા પછી તે મળવા આવે તો તેની પણ કિમંત શી ? આ જ ભાવ કબીરસાહેબે એક સાખીમાં પણ ગાયો છે :
મૂએ પિછે મત મિલૌ કહે કબીરા રામ
લોહા પાટી મિલ ગયા તબ પારસ કેહિ કામ ?
અર્થાત્ હે પ્રભુ ! મરી ગયા પછી મળશો જ નહીં. કારણ કે લોઢું માટી બની જાય પછી પારસમણિ કેવી રીતે કામ કરી શકે ?
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૫૦૩ : અવિનાશી દુલ્હા કબ મિલે હો (રાગ - ધમાર)
Add comment