કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૫૬૯, પૃષ્ઠ-૩૦૧, રાગ-મલાર
(સંદર્ભ : કબીર વા મયખંડ-૨ શબદ, પૃષ્ઠ-૪૩૨, પદ-૩૪૨)
હિંડોલના તહાં ઝૂલે આતમરામ
પ્રેમ૧ ભગતિ હિંડોલના, સબ સંતનકો બિસરામ - ટેક
ચંદ સૂર દોઉ ખંભવા, બંકનાલિકી૨ ડોર
ઝૂલે પંચ૩ પિયારિયાં, તહાં ઝૂલે જીય મોર - ૧
દ્વાદશ૪ ગમકે અંતરા, તહાં અમૃત કો ગ્રાસ૫
જિનિ યહ અમૃત ચાખીયા, સો ઠાકુર હમ દાસ - ૨
સહજ૬ સુનિકો નેહરો, ગગન મંડલ સિરિમૌર
દોઉ કુલ હમ આગરી, જો હમ ઝૂલૈ હિંડોલ - ૩
અરધ ઉરધકી ગંગા જમુના, મૂલ૭ કંવલકો ઘાટ
ષટ૮ ચક્રકી ગાગરી, ત્રિવેણી સંગમ બાટ - ૪
નાદ૯ વિંદકી નાવરી, રામ નામ કનિહાર૧૦
કહૈ કબીર ગુન ગાઈલે, ગુરુ ગમિ ઉતરૌ પાર - ૫
સમજૂતી
મારો આતમરામ તો તે પ્રેમભક્તિના હિંડોળા પર ઝૂલી રહ્યો છે કે જેના પર ઝૂલીને સર્વે સંતોએ કાયમી વિશ્રામ પ્રાપ્ત કર્યો છે. – ટેક
ચંદ્ર ને સૂર્ય નાડીના બે થાંભલે બંકનાલિની દોરી વડે બાંધેલ હિંડોળા પર પાંચ પ્રાણો આનંદથી ઝૂલી રહ્યાં છે ત્યાં જ મારો જીવ ઝૂલે છે. – ૧
ચંદ્રને સૂર્ય નાડીથી ઉપરને ભાગે બાર આંગળ જેટલે અંતરે અમૃતનો ભંડાર ભરેલો છે. તે અમૃત જેણે જેણે ચાખ્યું છે તે સૌ મારા સ્વામી છે અને હું તેઓનો સેવક છું. – ૨
ગગન મંડળની ટોચ ઉપર બ્રહ્મરંઘ્રની નીચે જ્યાં સહજ અવસ્થાવાળું શૂન્યચક્ર આવેલું છે તેમાં અમારો વાસ છે. ત્યાં હિંડોળા પર ઝૂલીને અમે તો અમારા બંને કૂળોને ઉજ્જવળ બનાવી દીધાં છે. – ૩
ઈડા રૂપી ગંગા ને પિંગલા રૂપી જમુના નદી પર મૂલાધાર ચક્ર રૂપી ઘાટ આવેલો છે. ત્યાંથી કુંડલિની શક્તિ છ ચક્રો રૂપી ગાગર લઈને પાણી ભરવા ત્રિવેણીના સંગમે આનંદથી જાય છે. – ૪
ત્યાં સંભળાતા અનાહત નાદની હોડીમાં બેસીને જીવ રામનામની અનન્ય ભક્તિને આધારે સંસાર સાગર પાર કરી શકે છે. તે માર્ગના ગુણગાન ગાતો કબીર કહે છે કે તમે સૌ પણ ગુરુઓએ ચીંધેલા માર્ગ દ્વારા ભવસાગર પાર કરી લો ! - ૫
----------
૧ ‘પ્રેમ ભગતિ’ શબ્દ દ્વારા કબીરસાહેબ ભક્તિને વિશેષ રીતે ઓળખાવી રહ્યાં છે. પ્રચલિત ચીલાચાલુ ભક્તિ નહીં, વિધિમાં અટવાતી ભક્તિ નહીં, પણ આત્માનું અનુસંધાન કરાવી શકે તેવી સર્વોત્તમ ભક્તિ. નારદ મુનિએ ભક્તિસૂત્રમાં કરેલી વ્યાખ્યા અનુસાર પ્રેમ સ્વરૂપ ભક્તિ અહીં અભિપ્રેત છે. શંકરાચાર્ય ભગવાને પણ ‘આત્માનુસંધાનમ્ ભક્તિ:’ એવી વ્યાખ્યા કરી છે. અર્થાત્ જે ભક્તિ આત્મા સુધી પહોંચાડે ને આત્માની ઓળખ કરાવે તેવી ઉત્તમ ભક્તિ.
૨ ‘બંકનાલિ’ એટલે વાંકી નાળી. તેનું મૂળ સહસ્ત્રાર ચક્રમાં છે. તે સહસ્ત્રારમાંથી નીકળી કપાલ કુહરમાં થઈને તાલુને સ્થાને આવે છે, જ્યાં એક નાનું કાણું હોય છે. તે કાણામાંથી અમૃતરસ ઝરતો રહે છે.
૩ પાંચ પ્રાણો – પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન
૪ ‘દ્વાદશ’ એટલે બાર. બાર આંગળને અંતરે અમૃતનો વાસ છે. યોગીઓ ઈડા-પિંગલામાંથી બાર આંગળ ઉપર ગણે છે. તાંત્રિકો હૃદય ચક્રથી બાર આંગળ ગણે છે. હૃદયથી બાર આંગળ ઉપર ગણે તો સહસ્ત્રાર ચક્રમાં તેનો વાસ ગણાય ને ઈડા-પિંગલાથી ગણવામાં આવે તો અમૃતનો વાસ મહાશૂન્ય ચક્ર પછી આવતા ભંવરગુફામાં ગણાય.
૫ ‘ગ્રાસ’ સંસ્કૃત શબ્દ છે. બ્રહ્માનંદની ટીકામાં તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે – શૂન્યે પ્રાણસ્ય સ્થિરી ભાવ એવ ગ્રાસ: | અર્થાત્ શૂન્ય ચક્રમાં પ્રાણનું સ્થિર થઈ જવું તે ગ્રાસ. તે લય અવસ્થા ગણાય છે. તે અવસ્થામાં અમૃતરસનો સ્વાદ પ્રાપ્ત થાય છે. તેથી આપણે અહીં ‘ગ્રાસ’ એટલે શક્તિનો ખોરાક અથવા તો ખોરાકનો કોળિયો એવો અર્થ કરીશું.
૬ ‘સહજ સુનિ’ એટલે સહજ શૂન્ય ચક્ર અથવા તો મહાશૂન્ય ચક્ર. તે ગગન મંડળમાં આવેલું છે. ગગન મંડળને બ્રહ્માંડ પણ કહે છે. તેમાં કુલ દસ ચક્રો હોવાની કલ્પના કરવામાં આવી છે. તેમાંના પાંચમાં ચક્રમાં પોતાના વાસનો કબીરસાહેબે બીજા એક પદમાં પણ ઉલ્લેખ કર્યો છે :
છોડિ બૈકુંઠકો હંસ આગે ચલા, શૂન્યમેં જ્યોતિ ઝગમગ જગાઈ
જ્યોતિ પરકાશમેં નિરખિ નિ:તત્વકો આપ નિર્ભય હુઆ ભય મિટાઈ (‘કબીર વચનાવલી’, પૃષ્ઠ-૧૮૬)
અર્થાત્ વૈકુંઠ પછી હંસલો શૂન્ય ચક્રમાં પ્રવેશ કરે છે ત્યાં જ્યોતિનાં દર્શન થાય છે ને તેના પ્રકાશમાં આત્મસ્વરૂપનાં દર્શનથી નિર્ભયતાની પ્રાપ્તિ થાય છે.
૭ મૂલ કંવલ એટલે મૂલાધાર ચક્રથી શક્તિની નદીનો પ્રારંભ થાય છે. મુક્તિના માર્ગનો પ્રારંભ પણ અહીંથી એમ યોગીઓ માને છે.
૮ પિંડના છ ચક્રો (મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ ને આજ્ઞા) રૂપી ગાગર. કુંડલિની તે પનિહારી. છ ઘડા માથા પર મૂકી ત્રિવેણી સંગમે તે પાણી ભરવા જાય છે. ત્યારે તેને ત્યાં કોઈ બોલાવતું હોય તેનો અનાહત નાદ સંભળાય છે. તે દૈવી મધુર નાદમાં તે તન્મય બની જાય છે.
૯ ‘વિન્દ’ એટલે બિંદુ. જ્યોતિ અને ધ્વનિની અવ્યક્ત અવસ્થાને પણ બિન્દુ કહેવાય. અહીં નાદવિંદ સાથે વપરાયા છે એટલે પરાવાણીની એક શક્તિ ગણાય. જેમ બીજમાં આખું વટવૃક્ષ સમાયેલું હોય છે તેમ બિંદુમાં – બુંદમાં આખી સૃષ્ટિ સમાયેલી ગણાય. નાદની સાથએ બુંદનો ઉપયોગ કર્યો અને તેને હોડીની ઉપમા આપી છે તેથી તે આત્માની અથવા પરમાત્માની શક્તિ ગણાય.
૧૦ નાદ સંભળાયા પછીની યાત્રાનો કર્ણધાર રામનામની ભક્તિ જ ગણાય. અંતિમ યાત્રાનું ધામ સતલોક ગણાય. ત્યાં સુધીની તમામ જવાબદારી પરમાત્માની જ ગણાય. તેથી તેની શ્રદ્ધાપૂર્વકની ભક્તિનું સવિશેષ મહત્વ છે.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૫૬૯ : ભક્તિ હિંડોળેના રે (રાગ - મલાર)
Add comment