Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૫૭૦, પૃષ્ઠ-૩૦૩, રાગ-મલાર

(સંદર્ભ :  બીજક હિંડોળા પ્રકરણ – જુઓ ‘કબીર પદ સુધા’ પદ-૧૦૨ અને ૧૦૬)

ભરમ હિંડોલાના જામેં સબ જગ ઝૂલૈ આય  - ટેક

લોભ મોહ કે ખંભ દોઉ, મનસા રચ્યો હિંડોલ
ઝૂલહિં જીવ જહાન જહાં લગિ, કિતહૂં ન દેખૌં ઠૌર  - ૧

ચતુર ઝૂલહિં ચતુરાઈયા, ઝૂલહિં રાજા શેષ
ચાંદ સુરજ દોઉ ઝૂલહિં, ઉનહું ન આજ્ઞા ભેષ  - ૨

લાખ ચૌરાસી જીવ ઝૂલહિં, રવિસુત ધરિયા ધ્યાન
કોટિ કલપ જુગ બીતિયા, અજહું ન માનૈ હાન  - ૩

ધરતી અકાસ દોઉ ઝૂલહિં, જૂલહિં પવના નીર
દેહ ધરી હરિ ઝૂલહિં ઢાઢે દેખહિ હંસ કબીર  - ૪

સમજૂતી
આ ભ્રમરૂપી હિંડોળા પર તો આખું જગત ઝોલા ખાતું રહ્યું છે.  – ટેક

મોહ ને લોભના બે થાંભલાઓ પર મન દ્વારા આ હિંડોળો રચવામાં આવ્યો છે. જ્યાં લગી જીવ સંસારમાં ઝૂલે છે ત્યાં લગી જીવ કદી પણ સ્થિર જણાતો નથી !  - ૧

ચતુર ગણાતા લોકો પોતપોતાની ચતુરાઈના મદમાં ઝૂલતા હોય છે. ખુદ શેષ ભગવાન પણ આ હિંડોળે ઝૂલે છે. ચંદ ને સૂર્ય પણ પોતાની મર્યાદામાં ઝૂલ્યા કરે છે. હજી લગી તેઓને સ્થિર થવાની આજ્ઞા મળી જણાતી નથી.  – ૨

ચોર્યાસી લાખી યોનિઓમાં ઝૂલતાં ઝૂલતાં સર્વ જીવો યમરાજનું જ ધ્યાન ધરતા જણાય છે. કરોડો યુગો વીતી ગયા છતાં કોઈ પોતાની હાર સ્વીકારતું નથી.  – ૩

ધરતી, આકાશ, પવન, પાણી બધું જ ઝૂલે છે. સાક્ષાત્ હરિ પણ દેહ ધારણ કરીને આ હિંડોળે ઝૂલી લે છે. વિવેક જ્ઞાનથી યુક્ત થઈ કબીર આ બધું ઊભા ઊભા જોયા કરે છે.  – ૪

----------

આ પદ બીજકનું છે. હિંડોળા પ્રકરણમાં પહેલાં હિંડોળાની ટેકની પંક્તિ આ પદની ટેકની પંક્તિ છે. જ્યારે ટૂંકો ત્રીજા હિંડોળાની છે. આ રીતે બે પદનું અહીં મિશ્રણ છે. બીજકની જુદી જુદી પ્રતોમાં આ ટેકની પંક્તિ પણ એકસરખી પાઠવાળી જણાતી નથી. ‘જામેં’ બધી પ્રતોમાં નથી. કેટલીક પ્રતોમાં ‘ભરમ હિંડોલાના ઝૂલૈ સબ જગ આય’ એવો પણ પાઠ છે.

આ ભ્રમ રૂપી હિંડોળાનો રચયિતા મન ગણાય છે. જ્યાં સુધી મનનું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી આ ભ્રમ રૂપી હિંડોળો પોતાનું કામ કર્યા કરે છે. તેથી જ ઉપનિષદ્ કહે છે કે મન તો આ સંસાર છે. મનમાં ઈચ્છા, વાસના કે તૃષ્ણા જાગે એટલે તે અંગે જીવ દોડધામ કરવા માંડે અને તેમાંથી ભ્રમ રૂપી હિંડોળો બંધાય. વારંવાર જન્મ લેવાની તે હિંડોળો જીવને ફરજ પાડે છે. આ હિંડોળા પર ઝૂલ્યા વિના જીવને ચેન પડતું જ નથી. ઝૂલવામાં એક પ્રકારનો આનંદ તે અનુભવે છે તેથી તે બીજી વાર પણ દેહ ધારણ કરે જ. લોભ, મોહ, કામ, ક્રોધ, મદ ને મત્સર જેવા પરિબળોથી મન ગતિશીલ બન્યા કરે છે અને આ હિંડોળાનું સતત સર્જન થયા જ કરે છે.

“ઠૌર એટલે ઠેકાણું. સ્થિરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઠેકાણું પડે જ નહિં. ઈચ્છા કે વાસના જ ન જાગે તો મન શાંત ને સ્થિર થઈ શકે. સ્થિર મન મુક્તિને ઠેકાણે જીવને પહોંચાડે. તેથી જ અમૃત બિંદુ ઉપનિષદ્‌માં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે મન એવ મનુષ્યાણામ્ કારણં બંધ મોક્ષયો:  |  અર્થાત્ મન જ માનવનો બંધન અને મોક્ષનું કારણ છે.

પૌરાણિક કથા અનુસાર શેષનાગ પણ રાજા જ હતા. તેના મનમાં આખી પૃથ્વીને ધારણ કર્યાનું જ્યારથી અભિમાન થયું ત્યારથી તેઓ પણ આ હિંડોળે ઝૂલ્યા કરે છે. અભિમાનને કારણે મન અસ્થિર બને અને અસ્થિર મન ભ્રમના હિંડોળાનું સર્જન કરે જ !

રવિસૂત એટલે સૂર્યના પુત્ર યમરાજ. ચોર્યાસી લાખ યોનિઓમાં અટવાતા જીવોને મરણનો ભય રહેવાનો જ. તેથી તેઓ સૌ યમરાજનું જ ધ્યાન કરતા રહે તે અત્યંત સ્વાભાવિક ગણાય. ભયભીત મન કોનું ધ્યાન કરે ?  અંતકાળે તો વેદના જ એટલી બધી હોય છે કે રામ ભૂલી જ જવાય !  મન વેદનાથી મુક્ત બને તો શાંત ને પ્રસન્ન અવસ્થામાં રામનું સ્મરણ થઈ શકે !  બાકી યમરાજનું જ ધ્યાન થાય !

ધરતી, આકાશ, વાયુ, પાણી, ચંદ્ર, સૂર્ય સૌ પ્રકૃતિનાં તત્વો છે. તે સૌ પોતાની મર્યાદામાં રહીને પોત પોતાનું કર્તવ્ય બજાવી રહ્યાં છે. તેમની પાસે ચેતનપિંડ નથી. તે સૌ તો જડ પિંડવાળા ગણાય. તેથી તેઓ જાતે કશું કરી શકે નહીં. તેમની પાસે કંઈ મન નથી. મન હોય તો કદી થાક પણ લાગે ને થંભી જવાનું મન પણ થાય. તેથી તેમને મન ન હોવાને કારણે કોઈ હરખ શોક થતો નથી.

‘હંસ’ એટલે વિવેક જ્ઞાનથી યુક્ત જીવાત્મા. માનવી પાસે મન છે તેથી તે ધારે તે કરી શકે.  તે ધારે તો સ્થિર પણ થઈ શકે. તેને લગની લાગે તેવું તે જરૂર કરી શકે. મનની શક્તિ તો અગાધ છે. મનમાં વિવેક જાગે તો તે સારા નરસાનો ખ્યાલ કરી શકે અને મનનો નિરોધ કરી સ્થિરતા પ્રાપ્ત કરી શકે. સ્થિરતા વિના મુક્તિની કોઈ શક્યતા નથી.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૫૭૦ : ભર્મ હિંડોળેના રે (રાગ - મલાર)