Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૫૯૪, પૃષ્ઠ-૩૧૭, રાગ-કાનડો

ભક્તિ હિંડોળો પરમ સુખકારી
વેદ પુરાણ શાસ્ત્ર શોધકે, સબ સંતન મિલી કિયો હૈ વિચાર  - ટેક

વિચાર વિવેક દોઉ સ્થંભ મનોહર, દોરી પ્રેમ પ્રીતસું લાયી
સમ દમ ઔર સંતોષ હી ક્ષમા, દાંડી ચાર પરમ સોહાયી  - ૧

આ હિંડોળે સનકાદિક ઝૂલે, શંકર ઝૂલે અતિ અનુરાગે
શુક મુનિ વ્યાસ પ્રહ્લાદ ધ્રુવ અરુ, નારદ ઝૂલે પરમ બડભાગે  - ૨

અનંત કોટિ સંત પ્રેમસું ઝૂલે, ઝૂલત આનંદ ઉર ન સમાયે
કહેત કબીર આ હિંડોળે ઝૂલત, જન્મ મરણ ભવદુઃખ મિટાયે  - ૩

સમજૂતી
સર્વ સંતોએ ભેગા મળી વેદ પુરાણાદિ શાસ્ત્રગ્રંથોને ખૂબ વિચારપૂર્વક જોઈ તપાસી શોધી કાઢેલું કે ભક્તિરૂપી હિંડોળો ખરેખર પરમ સુખ દેનારો છે.  – ટેક

તે હિંડોળાના વિચાર ને વિવેક તો બે સ્તંભો છે. પ્રેમ રૂપી દોરી વડે તેને બાંધી દેવામાં આવ્યા છે. શમ, દમ, સંતોષ અને ક્ષમા તેની ચાર દાંડીઓ તો તેની શોભામાં વધારો કરે છે.  – ૧

તે હિંડોળા પર ખુદ શંકર ભગવાન, સનકાદિક ઋષિઓ, પ્રહ્લાદ, ધ્રુવ, નારદમુનિ જેવા પરમ ભાગ્યશાળી ભક્તો પણ પ્રેમપૂર્વક ઝૂલ્યા કરે છે.  – ૨

અનંતકોટિ સંત જનો જ્યારે જ્યારે પ્રેમપૂર્વક આ હિંડોળા પર ઝૂલ્યા હતા ત્યારે ત્યારે તેઓના હૃદયમાં તો આનંદ સમાયો નહોતો. તેથી કબીર કહે છે કે જે તે રીતે ઝૂલશે તે જન્મસ્મરણના દુઃખોને મિટાવી શકશે.  – ૩

----------

‘હિંડોળો’ ગુજરાતી શબ્દ કહેવાય. હિન્દીમાં હિંડોલ, હિંડોલા કે હિંડોલના કહેવાય.

દાર્શનિક વિદ્વાનો જ્ઞાન વિના મુક્તિ નહીં મળે એવું કહે છે. ભગવાનના ભક્તો ભક્તિ વિના મુક્તિ ન મળે એવું માને છે. તેથી સામાન્ય લોકો સ્વાભાવિક રીતે મૂંઝાય. જ્ઞાનનું સાધન પકડવું કે ભક્તિનું સાધન પકડવું તે નક્કી ન કરી શકે. તેથી આ પદમાં કબીરસાહેબે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. સર્વ સંતોએ તમામ શાસ્ત્ર ગ્રંથોનો અભ્યાસ કરીને અનુભવને અંતે જ્ઞાનમયી ભક્તિનો મહિમા ગાયો છે. જ્ઞાન વિના મુક્તિ નથી એવો મત ખોટો છે એવું સંતો કહેવા માંગતા નથી. ભાગવત પુરાણ ભક્તિના નવપ્રકાર આ રીતે પાડે છે :  શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય ને આત્મનિવેદનમ્. પુરાણોનો મત પણ સાચો છે એવું ગણીને સંતોએ સાધના દ્વારા અનુભવ્યું. કબીરસાહેબનું વલણ સમન્વય વાદી છે. કબીરસાહેબે જ્ઞાન, ભક્તિ, કર્મ ને યોગનો આ પદમાં સમન્વય કર્યો છે. માણસને જ્ઞાન વિના ચાલતું નથી ને કર્મ વિના પણ ચાલતું નથી. તે જ રીતે ભક્તિ ને યોગ વિના પણ ઉર્ધ્વગમન થઈ શકતું નથી. તેથી અહીં સર્વનો સમન્વય સાધીને કબીરસાહેબે ભક્તિનો મહિમા ગાયો છે.

એકનાથ મહારાજે મહારાષ્ટ્રમાં કબીરસાહેબની માફક સમન્વય કર્યો હતો. તેમણે એક અભંગમાં આ પ્રમાણે જણાવ્યું છે :  

ભગવદ્‌ભાવો સર્વા ભૂતીં | હેં ચિ જ્ઞાન હેં ચિ ભક્તિ | વિવેક વિરક્તિ | યાં ચિ નાંવ |

અર્થાત્ સર્વ ભૂતોમાં એટલે કે પ્રાણીમાત્રમાં ભગવાન છે. એવો ભગવદ્‌ભાવ અનુભવવો એ જ જ્ઞાન અને ભક્તિ કહેવાય. વિવેક ને વૈરાગ્ય એનું જ નામ. આ પદમાં તેવા જ પ્રકારોનો સમન્વય છે. આગલા પદમાં જ્ઞાન ને વૈરાગ્યના બે સ્થંભોનો નિર્દેશ કર્યો છે તો અહીં વિચાર ને વિવેકના બે સ્તંભોની વાત રજૂ કરી છે. બંને શબ્દો જ્ઞાનયોગના ગણાય. વિચાર વિના જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને વિવેક વિના વૈરાગ્ય સંભવે નહીં. જ્ઞાનનો આધાર વિચાર ને વૈરાગ્યનો આધાર વિવેક. માત્ર શબ્દો જુદા જુદા, ભાવ તો એક જ.

‘પ્રેમ-પ્રીત’ શબ્દ ભક્તિનો પર્ચાય ગણાય. શાંડિલ્ય ભક્તિસૂત્ર અને નારદમુનિએ રચેલું નારદભક્તિ સૂત્ર ભક્તિને પ્રેમસ્વરૂપા ગણાવે છે.

શમ-દમ એટલે સંયમ. બંને શબ્દો ઇન્દ્રિય નિગ્રહ અને મનો નિગ્રહનો નિર્દેશ કરે છે. નિગ્રહ એટલે નિરોધ. નિરોધની વાત યોગશાસ્ત્રમાં જ હોય.

સંતોષ, ક્ષમા શબ્દો કર્મયોગનો નિર્દેશ કરે છે. કર્મ કર્યા વિના એક ક્ષણ પણ કોઈ રહી શકતું નથી. જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં દરેકે કર્મો તો કરવાં જ પડે. જો તે કર્મો આનંદપૂર્વક કરવામાં આવે તો ઉત્તમ ગણાય. ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં આનંદપૂર્વક રહેવાની ભાવના સંતોષ શબ્દમાં વ્યક્ત થાય છે. અને મોક્ષનો ભવ્ય દરવાજો ક્ષમા ને ગણવામાં આવ્યો છે. ક્ષમાભાવથી કર્મો થાય તો રાગ દ્વેષાદિ દુર્ભાવો આપોઆપ ઓછા થઈ જાય એવું અનુભવી પુરૂષો કહે છે.

નાદબ્રહ્મમાં ‘ધ્રુવસે’ એવું છાપ્યું છે. અહીં ‘સે’ નો અર્થ શો કરવો ?  તે ખોટી રીતે છપાયો છે. તેને બદલે ‘અરુ’ હિન્દી શબ્દ હોવો જોઈએ એવું અનુમાન કરી વાપર્યો છે.

‘આ હિંડોળે’ ગુજરાતી ભાષાના શબ્દો છે. એને બદલે “યહ હિંડોલે” શબ્દ હોવો જોઈએ.

‘ભવ દુઃખ’ શબ્દ સંસારમાં જન્મ લેવો પડે તેને સંસારનું મુખ્ય દુઃખ ગણાવે છે. એના જેવો ‘ભવરોગ’ શબ્દ પણ પ્રચલિત છે. એ રોગ, દુઃખ તો જ મટે જો ભક્તિ રૂપી હિંડોળા પર ‘પ્રેમસુ’ ઝૂલે !  પ્રેમપૂર્વક ઝૂલવું એટલે ભગવાને સર્વભાવે સમર્પિત થઈ જવું. પ્રેમ હંમેશા ત્યાગ જ કરાવરાવે.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૫૯૪ : ભક્તિ હિંડોળે સંત જન ઝુલે (રાગ - કાનડો)