કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૭૯૭, પૃષ્ઠ-૫૧૦, રાગ-મંગલ
(સંદર્ભ : સ્વામી હનુમાનદાસ સંપાદિત શબ્દામૃત સિંધુ, પૃષ્ઠ-૩૨૩)
અખંડ૧ સાહબકા નામ ઔર સબ ખંડ હૈ
ખંડિત મેરુ૨ સુમેરુ, ખંડ બ્રહ્માંડ હૈ - ૧
થિર ન રહે ધન૩ ધામ સો જીવન ધંધ૪ હૈ
કર સાહેબસે હેત સદા આનંદ હૈ - ૨
ચંચલ મન થિર હોય તબે ભલ રંગ હૈ
નિકટ ઉલટ૫ ભરિ પીવ સો અમૃત ગંગ હૈ - ૩
દયા ભાવ ચિત રાખુ ભક્તિકા અંગ હૈ
કહૈ કબીર ચિત ચેતુ સો૬ જગત પતંગ હૈ - ૪
સમજૂતી
અહીં તો એક માત્ર પરમાત્માનું નામ જ અવિનાશી ગણાય. બાકી આખું બ્રહ્માંડ, મેરુ ને સુમેરુ પર્વત સુદ્ધાં નાશવંત છે. – ૧
ધન, અને ધામ તો એક સ્થિતિમાં રહી શક્તા જ નથી. માટે તેને મેળવવા મથનારનું જીવન દ્વંદ્વોમાં સપડાયેલું ગણાય તેથી તેઓ દુઃખી જ હોય ! પરમ સુખ તો પરમાત્માની સાથે પ્રેમ કરવામાં જ મળે છે. – ૨
આ ચંચળ મન સ્થિર બની જાય ત્યારે જ કલ્યાણકારી રંગ લાગ્યો ગણાય. નીચે તરફ વહેતી શક્તિને ઉલટાવી ઉપર તરફ વહેતી કરો તો અમૃત રૂપી ગંગાનું પાન કરી શકાય. – ૩
ચિત્તમાં પ્રેમ ને દયા રાખવામાં આવે તે તો ભક્તિનું એક અંગ જ ગણાય. કબીર કહે છે કે હે ચંચળ ચિત્તવાળા જીવ તું ચેતી જા ! પતંગિયાની જેમ આ જગત તો નાશવંત છે. – ૪
----------
૧ અખંડ સાહબકા નામ એટલે આતમરામ, આ શરીરમાં એક માત્ર આત્મા જ અવિનાશી ગણાય. જન્મે ત્યારે વેંતનું ગણાતું આ શરીર મરે ત્યારે ભલે છ ફૂટનું થઈ જાય પણ તે નાશવંત છે. શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે :
આતમા ના જન્મે મરે, હણે નહીં, ન હણાય
સદા સનાતન છે કહ્યો, અનાદિ તેમ સદાય (સરળ ગીતા, અ-૨)
એટલું જ નહીં પણ તે અખંડ સ્વરૂપે જ રહે છે. તેને બે ભાગમાં વહેંચી શકાય નહીં. તેના કટકા કરી શકાય નહીં. તેથી શ્રીકૃષ્ણે વિગતે સમજાવે છે :
શસ્ત્રોથી છેદાય ના, અગ્નિથી ન બળે
સૂકાયે ના વાયુથી, જલથી ના પલળે
છેદાયે કે ના બળે, ભીંજાયે ન સુકાય
સર્વ વ્યાપક નિત્ય છે, આત્મા રહે સદાય (સરળ ગીતા, અ-૨)
અર્થાત્ આત્માને સ્ત્રો છેદી શકતા નથી, પાણી ભીંજવી શકે નહિ ને વાયુ સૂકવી પણ શકતો નથી.
૨ બાકીની તમામ સૃષ્ટિ પરિવર્તનશીલ ગણાય. મેરુને સુમેરુ નામના પર્વતો પણ સમુદ્ર મંથન વખતે વિષ્ણુ ભગવાને તે પર્વતનો રવૈયો બનાવી ઉપયોગ કરેલો તેથી તે પર્વતો ભલે દિવ્ય ગણાય પણ તે પરિવર્તનશીલ છે. તેથી નાશવંત ગણાય. ગીતામાં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે :
બ્રહ્મલોક ને લોક સૌ બીજા કૈંક કહ્યા
તેમાં જન્મમરણ થતાં, તે ના અમર ગણ્યા (સરળ ગીતા, અ-૮)
અર્થાત્ આ પૃથ્વી લોક સિવાયના બ્રહ્મલોક આદિ લોક પણ અમર નથી. ત્યાં પણ યમરાજની સત્તા ચાલે છે.
૩ ધન ધામ એટલે માણસે પ્રાપ્ત કરેલી સ્થાવર જંગમ તમામ સંપત્તિ. બધું જ અહીં તો નાશવંત છે. કરોડપતિ હોય કે રાજા હોય, સાવ ગરીબ હોય કે ભિખારી હોય, સૌને આ નિયમ સરખી રીતે બાધક છે.
૪ તેથી તેની કામનાવાળા લોકોનું જીવન દુઃખી જ બની જાય છે. તેને પ્રાપ્ત કરવાની ઝંખનામાં માણસ રાતદિવસ એક કરીને પોતાની શક્તિ વેડફી નાંખે છે અને છેવટે સાથે લઈ જઈ શકતો નથી. “ધંધ” એટલે દ્વંદ્વ-સુખદુઃખ, માન અપમાન, જશ-અપજશ, આદિ દ્વંદ્વો, ક્યારેક થોડું સુખ લાગે તો ક્યારેક તેનાથી બમણું દુઃખ અનુભવવું પડે. તેથી એવી સ્થતિ દુઃખદ જ ગણાય.
૫ સંપત્તિ મેળવવા માટે માનવની શક્તિ અધોમુખી વહ્યા કરે છે. તે શક્તિ મૂલાધાર ચક્રમાં જો ઉર્ધ્વમુખી બની જાય તો તે પોતાનું મોઢું ઊલટું કરી દેતી હોવાથી ઉપરની તરફ જ વહેતી થઈ જાય. તે શક્તિ ઉપરનાં બધાં જ શક્તિનાં કેન્દ્રોને વેધતી બ્રહ્મરંઘ્ર સુધી પહોંચે છે જ્યાં અમૃતનો વાસ છે. તે અમૃતની ગંગાને પ્રાપ્ત કરી જીવનને કૃતાર્થ ને ધન્ય બનાવી શકે છે. ત્યાં જ અખંડ સાહેબનો નિવાસ હોય છે તેથી સાક્ષાત્કાર પણ થાય છે. આ રીતે બહિર્મુખ મન પાર્થિવ પદાર્થોની ઝંખના કરે એટલે તેની શક્તિ નીચે તરફ જ વહેતી રહે છે જ્યારે અંતર્મુખ મન આત્માનું ચિંતન કરતું હોવાથી શક્તિ ઉપર તરફ જ વહેતી રહે છે. અંતર્મુખ મન જ અમૃત ગંગાનો લાભ મેળવી શકે છે.
૬ ‘સો જગત’ એટલે જે આત્માને ભૂલી નાશવંત વસ્તુની પ્રાપ્તિમાં ગળાડૂબ રહે છે તેવા લોકો. દીવો સળગે ત્યારે જેમ પતંગિયા આકર્ષાયને તેમાં પડીને બળી જાય છે તેમ જીવો જન્મીને પાર્થિવ પદાર્થોની કામનામાં પોતાનું મહામૂલ્યવાન જીવન વેડફી નાંખે છે. તેથી જે જીવો આત્માભિમુખ રહી જીવન જીવે તે કાંઈક સુખદ ગણાય.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૭૯૭ : અખંડ સાહેબજીકો નામ (રાગ - મંગલ)
Add comment