કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૭૯૮, પૃષ્ઠ-૫૧૧, રાગ-મંગલ
મનષા દેહી પાઈ રામગુણ ગાઈએ
સુરતિ અકન કુંવારી૧ હંસાકો બહાઈએ - ટેક
સતગુરૂ વિપ્ર બોલાય લગન લખાઈએ
વેગે કર લો વિવાહ, ઢીલ મત લાઈએ - ૧
પાંચ પચ્ચીસસું નાર મંગલ ગાઈએ
લક્ષ૨ ચોરાશીનો ફેરો બહોર નહિ આઈએ - ૨
સુરત૩ નુરત દોઉ બેઠે, હાથવારો જોડીએ
જળસું જીવ ઉગાર, તનખાં તોડીએ - ૩
હંસાએ૪ કર્યો વિચાર સુરતિ સું યોં કહી
તુમ જુગ જુગ અકન કુંવાર, એતા દિન ક્યોં રહી ? - ૪
સુરતિએ હંસાને કરી સલામ, પિયુ તુમ સત કહી
મોહે સતગુરૂ મિલા નાહી, એતા દિન યોં રહી - ૫
પરમ૫ પુરૂષકી સેજ, અખંડિત ખેલના
પિયો રે પ્યાલા પ્રેમ, અધર રહી ઝીલના - ૬
પુરૂષ પુરાતન લાઈ, શબ્દ સુનાઈએ
કહે કબીર ભજો રામ, પરમ પદ પાઈએ - ૭
સમજૂતી
હે જીવ, માનવદેહ મળ્યો છે તો રામના ગુણગાન ગાઈને તારી અત્યાર સુધી કુંવારી રહી ગયેલી ચિત્તની વૃત્તિઓને આત્માની સાથે જોડી દે ! - ટેક
સદ્ગુરૂ રૂપી બ્રાહ્મણને ઝટ બોલાવીને લગ્ન નક્કી કરી દે અને વિલંબ કર્યા વિના જલદીથી વિવાહ વિધિ પતાવી દે ! - ૧
લાખ ચોર્યાસીના ફેરામાં નહિ પડવું પડે તેવી રીતે પાંચ ઇન્દ્રિયો ને પ્રકૃતિનાં પચ્ચીસ તત્વો રૂપી સહેલીઓ પાસે મંગલ ગીતો પણ ગવડાવી લે. – ૨
પ્રવુત્તિશીલ બહિર્મુખી તારી ચિત્તવૃત્તિને નિવૃત્તિમય બનાવી તેનો સહકાર પ્રાપ્ત કર અને હે જીવ, તનતોડ મહેનત કરીને પણ યમના ફંદામાંથી તારી જાતને તું ઉગારી લે ! - ૩
આત્મરામે ચિત્તવૃત્તિને એવું પૂછયું કે તું જુગ જુગ સુધી કુંવારી રહી ગયેલી તો અત્યાર સુધી કેમ બેસી રહેલી ? - ૪
ત્યારે ચિત્તવૃત્તિએ ખૂબ જ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે હે પ્રિય સાચું કહું ! મને સદ્ગુરૂ જ મળ્યા નહોતા તેથી હું અત્યાર સુધી એવી જ રહી. – ૫
સંસારથી સદા અલિપ્ત રહી હે જીવ, તું પરમ પુરૂષની પથારી પર સતત ક્રીડા કરી પ્રેમના પ્યાલા હવે પિયા કરજે ! – ૬
કબીર કહે છે કે જીવની એ તો પુરાતન કાળની ઈચ્છા હતી તેથી સદ્ગુરૂ પાસેથી જ્ઞાનનો ઉપદેશ લઇ જીવે રામનું ભજન કરવું જ જોઈએ અને મુક્તિનું પરમ પદ પ્રાપ્ત કરી લેવું જોઈએ. – ૭
----------
૧ ‘અકન કુંવારી’ એટલે પહેલેથી જ કુંવારી. માયા ચિત્તની વૃત્તિ સાથે ભોગ ભોગવવા પૂરતો જ સંબંધ રાખે. તેથી તે પણ આદિકાળથી કુંવારી રહી. આમ માયા પહેલેથી જ કુંવારી એટલે તેની સહેલીને પણ તેણે કુંવારી જ રાખી. માયા સાથેનો તેનો સંબંધ છૂટે તો તે રામભજન કરી શકે અને પ્રભુ સાથે વિવાહ થઈ શકે.
૨ ‘લક્ષ ચોરાશીનો ફેરો’ ગુજરતી શબ્દો ગણાય તેને બદલે ‘લખ ચોરાસી કા ફેર’ હોવો જોઈએ.
૩ સુરત નુરત એટલે ચિત્તની બહિર્મુખ અને અંતર્મુખ વૃત્તિઓ. સુરત સંસારમાં સારી રીતે રત રહે. તેમાંથી તે નિવૃત્ત બને તો તે નુરત. જીવ સંસારમાં રહે પણ સદા મનને સંસારથી અલિપ્ત રાખે તો તે ઉત્તમ દશા ગણાય. તે માટે જીવે મનનો સહકાર મેળવવો જોઈએ.
૪ અહીં આત્મા ને સુરતા વચ્ચે સંવાદ થાય છે. સદ્ગુરૂ નહિ મળવાથી સુરતાનો સંબંધ માયા સાથે અતૂટ રહ્યો એટલે તે કુંવારી રહી ગઈ એ રસિક ઘટનાનો ઉલ્લેખ આનંદપ્રદ લાગે છે.
૫ ‘પરમ પુરૂષકી સેજ’ એટલે હૃદયની પથારી આત્માની ગણાય છે. શ્રી કૃષ્ણ પણ અઢારમાં અધ્યાયમાં અર્જુનને આવું જ કહે છે :
ઈશ્વર: સર્વભૂતાનામ્ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ |
ભ્રામયન્ સર્વ ભૂતાની યંત્ર રૂઢાનિ માયયા ||
અર્થાત્ હે અર્જુન, ઈશ્વર તો સર્વ પ્રાણીમાત્રના હૃદયમાં રહેલો છે ને તેના બળથી જ આ સંસાર કાર્યરત થાય છે. મતલબ કે જે પરમ પુરૂષ છે તે જ ઈશ્વર ને આત્મા.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૭૯૮ : મનષા દેહી પાઈ (રાગ - મંગલ)
Add comment