Bhajans

સદ્‌ગુરૂ કબીર જીવનગાથા
૫ જુલાઈ ૨૦૧૬
રચના -  આશા ભક્ત

Sadguru Kabir Jeevan Gatha
(A life story of Sadguru Kabir composed by Asha Bhakta)

Sadguru Kabir Jeevan Gatha(રાગ – મહાભારત વૈશમ્પાયે એણીપેર બોલ્યા)

શત શત વંદન, સદ્‌ગુરૂ ચરણે કરીએ ભાવ ધરીને
સદ્‌ગુરૂની જીવન ગાથાને, સ્મરીએ પ્રેમ કરીને ...૧

જન્મ ગુરુનો કોઈ નવ જાણે, પ્રગટ્યા લહર સરોવર
નિરૂ નિમાએ જોયા કમલ પર, તેજોમય એક બાળક ...૨

ચારો દિશામાં જોઈ પૂછ્યું કોનું છે આ બાળક?
કોઈ ના મળ્યુ તો ધીમેથી ગોદમાં લઇ લીધુ પ્રેમે. ...૩

બાળકને લઇ ઘરે આવ્યા, વિચારે નામકરણ કાજે
બોલાવ્યા પંડિત કાજીને, બંનેને એક જ નામ દેખાયું ...૪

વારંવાર, બંનેની આંખો, એક જ નામ પર અટકી
નાનકડો એ બાળક બોલ્યો "હું તો કબીર છું" ...૫

બાલ કબીરની મધુરી વાણી, સુણી મુલ્લા, પંડિત મૌન
જાત પાત ઉંચ નીચ ના માને, ના કોઈ ભેદ કરે ક્યાંયે ...૬

વાત નિરાલી, તર્ક અનોખો સાંભળીને  બધા મૌન
એક ઈશ્વરના સૌ સંતાનો, ભેદભાવ નથી ક્યાંયે ...૭

અતિશય ગહરી ખુબ અનોખી, વાતો બાળ કબીરની
સાંભળીને સૌ મોહિત થાતા, સત્ય સમત્વની વાતો ...૮

ગુરૂ વિનાનું જ્ઞાન નકામુ, કહેવા લાગ્યા લોકો
કબીર કહે છે મારા ગુરૂ તો રામાનંદજી પોતે ...૯

અચરજથી સૌ જોવા માંડ્યા, ખુદ રામાનંદજી ચૌંકે
ક્યારે આપી દીક્ષા અમે તને, યાદ અમને નથી કાંઈ ...૧૦

ઘાટની વાતો યાદ કરાવી, ત્યારે રામાનંદજી બોલે
એ તો નાનો બાળક હતો, કબીર ક્યાંથી કહાવે? ...૧૧

તરત પ્રગટાવ્યુ નાનકડુ રૂપ, બીજા રૂપમાં કબીર
રામાનંદજી રૂપકો સમજે, લોકો અચરજ પામે ...૧૨

ખુબ અનોખુ અતિશય ઉજ્જવલ તેજસ્વી રૂપ કબીરનું
ગહરી ગુઢ નિર્ભક વાણી સમજી લોક અવાચક ...૧૩

બાદશાહ સિકંદરને ખુબ અગન તન ને મનમાં
વૈદ હકીમ ના કરી શક્યા ઈલાજથી એને સારો ...૧૪

કબીરને બોલાવ્યા થાકીને, ગુરૂ પહોંચ્યા દરબાર
એકજ સ્પર્શથી મટાડી દીધી, શરીરની અગન અપાર ...૧૫

બાદશાહે માન્યા ગુરુને ઉપદેશ માટે મહેલ બોલાવે
એકજ પરમપિતા રહે સૌમાં, રામ, રહીમ, કરિમા ...૧૬

મરમ અનોખા જો ગુરૂ બોલે, પીર શેખતકી કો ન ભાવે
ગુરુની પાછળ પાગલ હાથીને, છોડી દીધો એણે ...૧૭

કબીર સાહેબે પણ પોતાની, આજુબાજુ બે સિંહ બેસાડ્યા
પાગલ હાથી સિંહને જોઇને, ઉલટા પગલે ભાગ્યો ...૧૮

અંધશ્રદ્ધાનો એ યુગ હતો ત્યાં પ્રગટ્યા શ્રી ગુરૂદેવ
સાથે લાવ્યા હતાં અનોખી યોગની શક્તિ અપાર ...૧૯

એક સાંજે ગંગા કિનારે, ફરે બાદશાહ ને કબીર
બંનેએ જોયુ કે એક શબ, વહેતું આવે જળ માંહે ...૨૦

દ્રષ્ટિથી શબને નજીક બોલાવ્યુ, શિર પર હાથ ધર્યો
પલમાં એ બાલક બેઠું થાતુ, બોલ્યા બાદશાહ કમાલ કિયા ...૨૧

એ બાળક કહેવાયો કમાલ, ગુરૂદેવ સાથે રહેતો
ગુરુવર આપે જ્ઞાન અનોખુ, દિગ્મૂઢ લોક બની રહેતા ...૨૨

ગુરૂદેવનો તો વેશ અનોખો, પુરણ બ્રહ્મની શક્તિ
વિચરણ કરતાં સઘળી દિશાએ, ભ્રમ દૂર કરતાં રહેતા ...૨૩

(ધૂનનો રાગ)
જય જય સદ્‌ગુરુ દેવ કબીર
અનુપમ અલખ નિરંજન દેવ
દિવ્ય શક્તિથી ભરપૂર કબીર
જય જય સદ્‌ગુરુ દેવ કબીર

વિચરણ કરે ગુરૂ દશ દિશામાં, ઉડીસા ઇન્દ્ર દમન દ્વારે પહોંચ્યા
રાજા સપનાની વાત કરે, મંદિર બાંધતા કષ્ટ નડે. ...૨૪

પ્રચંડ સમુદ્રની લહરોએ, ત્રણવાર મંદિર નષ્ટ કર્યું
નિર્માણ હવે છે બંધ કર્યું, કૃપા ગુરૂદેવ તમે કંઇક કરો ...૨૫

ગુરુવર બેઠા સમુદ્રની પાસ, બાંધી દીધો એને દ્રષ્ટિથી
આજે પણ પુરીમાં મંદિર, બિરાજે, ભગવાન જગન્નાથ ...૨૬

અદ્‌ભૂત કાર્યો ગુરૂદેવના, પારખી જનમન નમન કરે
અંધશ્રધ્ધાનો કાળ ગુરૂ, નિર્મળ  સધળુ કરતા રહે ...૨૭

સાદગીમય નિર્મળ જીવન, સહજયોગ શીખવે સૌને
ગુરુમુખેથી સત્ય વરસે, જ્ઞાનનાં  અજવાળા ચારેકોર ...૨૮

ઈબ્રાહીમ સુલતાન ઈચ્છે, દીદાર અલ્લાહનો કરવા
સાધુ દેખીને બોલાવે, કહે કે દર્શન કરાવો મુજને ...૨૯

દર્શન એમના કરાવી શકાય, તો સઘળા સાધુને જેલ પૂરે
બનાવી બંદી ચક્કી પીસાવે, સંત જનોને દુઃખ દે અપાર ...૩૦

જાણી વાત કબીર પહોંચ્યા, બલખ શહર સુલતાનને મળ્યા
સમજાવે સંતોને મુક્ત કરો, માને ના સુલતાન જરી ...૩૧

જેલમાં પ્રગટ્યા કબીરજી, સાધુઓને કહેવા લાગ્યા
ચક્કી પીસવાનું કામ નથી, હરિનામ લો ને મસ્ત રહો ...૩૨

ચક્કીને સ્પર્શ કરે ગુરૂદેવ, ફરવા લાગી એ અપને આપ
સાધુઓ હરિનામ જપે, અચરજ જોતાં ચોકીદાર ...૩૩

સાંભળી વાત સુલતાન દોડ્યો, જેલમાં જોયુ કૌતુક ભારે
માફી માંગી લીધી તત્કાલ, સંત જનોને મુક્ત કર્યા ...૩૪

સાખી
॥ બંદી છોડ કહાઈયા, બલખ શહર મૌઝાર
   છુટે બંધન ભેખકા, ધન ધન કટે સંસાર  ॥

બલખ બુખારાથી, મક્કા પહોંચ્યા, થાક્યા હતાં  ખુબ સુતા ત્યાં
લાંબા પગ કરી કાબા પાસે, વિશ્રામ કબીરજી કરતા ત્યાં ...૩૫

એક કાજીએ દ્રશ્ય આ જોયુ, દરવેશ સુતા ખોટી રીતે
ક્રોધવશ કાજી દોડ્યા, કહેવા લાગ્યા ઉઠો અહીંથી ...૩૬

જુઓ તમે તો પગ રાખ્યા, પવિત્ર કાબાની સામે
બીજી દિશામાં જઈ  સુઓ, દિશા નથી આ સાચી તમારી ...૩૭

કબીર કહે હું ખુબ થાક્યો, પગ પકડી મને ફેરવી દો
જ્યાં ના વસતા હો અલ્લાહ ત્યાં, મારા પગને મુકી દો ...૩૮

વાત ગહરી ન કાજી સમજે પગને ફેરવવા માંડયો
ચકિત થઇ જોવા માંડ્યો, પગ સામે કાબા દિસતા ...૩૯

જ્યાં પગ ફેરવે કાબા ફરે, અચરજથી લોક જોયા કરે
કાજી કબીરના ચરણે નમે, સાચા જ્ઞાનનો મર્મ ગ્રહે ...૪૦

સાખી
॥ ખુદ હી કર્મ કિયા કરો, ભાગ્ય ખુદ બના લો
    સત્પુરૂષકી શીખપે, ભ્રાંતિ મીટે તત્કાલ   ॥
                                            (કબીરા)

ભેદ માનવમાં નથી કાંઈ, સહુમાં એકજ રામ બિરાજે
સમન્વય સંવાદ શીખવાડે, ધર્મનું જુદું રૂપ પરખાવે ...૪૧

સાહેબ સમદર્શી હિતકારી, જાતી વર્ણથી પર ગુરૂ જ્ઞાની
સંત સમાજમાં પણ ત્રુટિ, માન-અભિમાન છૂતાછૂતની બિમારી ...૪૨

ભોજન નિમંત્રણ રામાનંદને, મઠાધિપતિએ છે આપ્યુ
મંડળ સાથે સાહેબ પધારે, આચાર્યને ચિંતા થઇ ભારી ...૪૩

કેમ કરી ભોજન સાથે લેવાય,એક પંક્તિમાં કેમ બેસાય
દુવિધામાં ફસાયા સર્વે, ચર્ચા કરીને કાઢ્યો તોડ ...૪૪

જે ભણે સ્વ સ્વરે વેદ મંત્ર, તેજ બેસે ભોજનમાં સાથે
કબીર સમજી ગયા એ વાત, ગર્વ ઓગાળવાનું વિચારે ...૪૫

સાંભળો સર્વે મારી વાત, મેરા ભૈસા પઢેગા વેદ મંત્ર
સ્પર્શ ભૈસાને કરે કબીરજી, બોલવા માંડયો મંત્ર તત્કાલ ...૪૬

સર્વે મઠાધિપતિ શરમાયા, શબ્દો સુઝ્યા ન માફી માટે
પ્રેમે ભોજન લો ભૈસા સાથે, વેદ મંત્ર તો એ પણ બોલે. ...૪૭

ગુરુએ પાઠ ભણાવ્યો સાચો, અહંકારનો ઉડાડ્યો છેદ
જાતપાતમાં ના અટવાઓ, સમભાવ સદા હૈયે રાખો ...૪૮

જયજયકાર કરે બધા લોક, સંત સમાજ પણ હામી ભરે
સુધારે જનમનને કબીર, વિચરણ ગુરૂ જ્યાં જ્યાંથી કરે ...૪૯

એક દિવસ ગંગાજીમાં અદ્‌ભૂત ઘટના ઘટી રહી
આવો સાથે માણીએ, ગુરુની અલૌકિક વાતોને ...૫૦

એક પંડિત કરાવતા પિતૃઓને પિંડદાન
પીંડ પર પાણી ચઢાવતા પિત્રુઓની શાંતિ કાજે ...૫૧

કબીર પણ ગંગાજીમાં ઉભા રહ્યા કાંઠે છાંટે નીર
બંને હાથો વડે જળને કિનારે ફેંકે વારંવાર ...૫૨

પંડિત અચરજથી જુએ આમ કરો તમે કેમ કબીર
મારો બાગ સુકો છે ત્યાં હું પાણી છાંટુ છું આ ...૫૩

સાંભળી હસવા લાગ્યા સૌ કહે કે પાગલ થયા કબીર
તમે તો ગંગાજીમાં ઉભા બાગ તમારો દુર ઘરે રહ્યો ...૫૪

મારો બાગ તો અહીં જ છે પણ પંડિત તું તો કમાલ કરે
ખબર તને શું પિતૃઓની તે તું જળ ચઢાવે શાંતિ માટે? ...૫૫

ખુબ જ સીધી સત્યમયી મર્મભરી જ્ઞાની વાણી
સુર્ય જેવી સ્પષ્ટ વાત અંધારું ના રહે અજ્ઞાનનું ...૫૬

યોગી ગોરખનાથને, સિધ્ધિ પ્રાપ્ત અનેક થઇ હતી
પંથ પ્રચારને કાજે ફરતા ખુબ અહંકાર ધરી જાતે ...૫૭

પરાસ્ત કરતાં શાસ્ત્રાર્થથી સામાને પલમાં ઢેર કરે
કંઠી તિલક છોડાવીને, ખુબ અપમાન કરે જનનું ...૫૮

ગોરખનાથને એકવાર ગુરૂ પૂછે છે વાત ખરી
ગર્વ શાને કરો આટલો નાશવંત સિદ્ધિઓનો કેમ ? ...૫૯

વાત સાંભળી ત્રિશુળ ઉપર બેઠા ગોરખનાથજી ત્યાં સત્વર
પહેલા મારી સમકક્ષ, થાઓ પછી મારી સાથે વાત કરો ...૬૦

સાંભળી ગુરુએ દોરાને ફેંક્યો આકાશે અધ્ધર ઉપર
એક છેડે આસન લઇ, બોલ્યા હવે શાસ્ત્રાર્થ કરો મુજ સાથ ...૬૧

ભૂમિ આધાર ત્રિશુળને તો, જુઓ અમે બેઠા અધ્ધર આકાશે
જાણી ગયા ગુરુશક્તિને પણ, શરત રાખે એક ગોરખનાથ ...૬૨

શરત હારે તે બને શિષ્ય, જીતે તેનો સદા માટે
એમ કહી ગંગાજીમાં છુપાય ગયા એક મચ્છ બનીને ...૬૩

પળમાં શોધ્યો મચ્છને ગુરુએ, બોલ્યા હવે વારો મારો
કહી ગંગાજળમાં જઈને બની ગયા જલસ્વરૂપ ગુરૂ ...૬૪

શોધી ના શક્યા કબીરને, હાર માની લીધી પોતાની
પકડ્યા ગુરુચરણોને, માની ગયા ગુરુની શક્તિને ...૬૫

ગોરખનાથે ગુરુજીને એક ભેટ ધરી દીધી માળા પોતાની
એક હજારને આઠ મણકાની રુદ્રાક્ષની એ વિજયી સુંદર માળા ...૬૬

મરમની વાત ગુરુજી કરતા, ગર્વ કદી ના કરો સિધ્ધિનો
સંતોને દુઃખ નાં આપવું કદી, નાં કરવું અપમાન કદી ...૬૭

ગોરખનાથની એ માળા હજી પણ સાક્ષીરૂપે ત્યાં
કાશી કબીર મંદિરમાં દર્શન કરી શકાય માળાના ...૬૮

સર્વાનંદ જ્ઞાન ચર્ચા જીતી. પંડિત સર્વાજીત બન્યા
દક્ષિણમાં દબદબો ઘણો એનો, ગર્વ ખુબ કરે જ્ઞાનનો એતો ...૬૯

માતા કહે સર્વાજીતને, કબીરને મળી લો એકવાર
પછી ગર્વ કરજે ભલે તારા જ્ઞાન અને સિધ્ધિ ઉપર ...૭૦

પહોંચ્યા કાશી સર્વાજીત, જ્ઞાન ચર્ચા માટે તૈયાર
દુતને એમણે મોકલ્યો, જળભરેલું પાત્ર લઇ ...૭૧

દૂતને આપી દીધી સૂચના, કંઇ પણ ના બોલીશ તું ત્યાં
પાત્ર આપજે કબીરને હાથ, જવાબ લઈને તુરંત આવ ...૭૨

દૂત પહોંચ્યો કબીરને દ્વાર, ગુરુને આપ્યું પાત્ર હાથોમાં
કહ્યું પંડિતે મોક્લાવ્યુ, આપને માટે પાત્ર જળભરેલું ...૭૩

પાત્ર મુકીને ભીતર ગયા કબીર, ધારી મૌન રહ્યા
હાથમાં લાવ્યા એક સોય, જળના પાત્રમાં મુકી દીધી ...૭૪

પાત્ર દુતને સોંપી દીધું ના બોલ્યા કાંઈ કબીર
દૂત પાત્ર લઈને પહોંચ્યો સર્વાજીતની પાસે મુક્યું ...૭૫

પૂછે સર્વાજીત દુતને, કહ્યું શું કબીરે તને
દૂતે કહ્યું કે કાંઈ નહી, માત્ર પાત્રમાં સોય મુકી ...૭૬

ખુબ વિચાર્યું અર્થ શું, હોઈએ શકે એનો ગહેરો
મરમ નાં પારખી શક્યા ત્યારે ચાલ્યા ગુરુને મળવા કાજ ...૭૭

કબીર કહો મને મર્મ શું? પાત્રમાં સોયનો થાય કહો
હું કશું પણ સમજ્યો નહીં માટે દોડ્યો આવ્યો ...૭૮

જળ ભરેલું પાત્ર તમે કેમ મોકલાવ્યુ ? કહો મુજને
તમે જણાવો પહેલાં  મને, તમારા મનની વાત બધી ...૭૯

છલોછલ જ્ઞાનભર્યો છું હું જ્ઞાનથી  પરિપૂર્ણ પૂરો
એવું કહેવા માટે મેં ભર્યું પાત્ર મોકલ્યુ જળનું ...૮૦

સાંભળી વચન ગુરૂ બોલ્યા, મર્મ ભરી વાણી મીઠી
સોય રાખવાથી નથી છલકાયું જળપાત્ર તમારૂં એમ રહ્યુ ...૮૧

તમારી અંદર છે જે જ્ઞાન તેમાં સમાય મારું અનુભૂતિ જ્ઞાન
અનુભવ અનુભૂતિનો કરવાનો બાકી છે હજી જ્ઞાન અધૂરું ...૮૨

જ્ઞાનનો ગર્વ કદી નહીં કરીએ, આ જગમાં નમ્ર ભાવે રહીએ
વિનમ્રતા જ આપી શકે શ્રેષ્ઠતા આ જગમાં સહુને ...૮૩

સર્વાજીતે ગુરુચરણમાં સાષ્ટાંગ કર્યા પ્રણામ સત્વર
બન્યા શિષ્ય કબીરના ત્યાં શ્રુતિ ગોપાલ નામ ધર્યું ...૮૪

તત્વાજી જીવાજીની ટેક, સંત સમર્થને શોધ્યા કરે
હરિત કરે જે સુકી ડાળ, ઈચ્છા રાખીને સંત સેવે. ...૮૫

સમય વીતી ચાલ્યો ઘણો, ડાળખી સૂકીને સૂકી રહી
સંતો તો આવે ને જાય, ડાળખી પર ના કુંપળ ફૂટે. ...૮૬

એક દિવસ કાશીથી કબીર, પધાર્યા શુક્લતીર્થ મહીં
સાધૂ દર્શનથી હરખાઈ, સેવા સત્સંગનો મળ્યો અવસર. ...૮૭

પાવન નર્મદા તટ ઉપર, આનંદ ઓચ્છવ ઘણેરા થાય
સમર્થ સંત કબીર જાણ્યા, નીત ચરણોદકથી સીંચે ડાળ. ...૮૮

જ્ઞાનચર્ચા નીત્ય થાતી, સાધૂ સંતોનો મેળાવડો
શુક્લતીર્થ જીવંત બન્યુ, પાવન ચિન્મય બની ગયુ. ...૮૯

સૂકી ડાળને ફૂટી કૂંપળ, તત્વાજી જીવાજીની ટેક ફળી
સદ્‌ગુરૂનો પાવન પગરવ, જ્ઞાનચર્ચાનો મધુરો કલરવ. ...૯૦

આનંદ અવસર સૌ ઉજવે, જ્ઞાનભૂમી બની રહી કબીરવડ
આજે પણ શોભિત એ ધામ, વડવાઈઓથી હર્યુભર્યુ. ...૯૧

સદ્‌ગુરૂનો મહીમા જાણી, ગદ્‌ગદ્‌ સંતસમાજ ઘણો
રામકબીર ઓળખ પામ્યા, એક રૂપ જણાયા “રામ ને કબીર”. ...૯૨

વહે સદાયે જ્ઞાનધારા, તીર્થ ભક્તોનું મહીમાં વંતુ
"કબીરવડ" છે જેનું નામ, ભક્ત સમાજનું શ્રદ્ધા ધામ. (તીર્થ) ...૯૩

 (રાગ: રઘુપતિ રાઘવ રાજારામ)

સહજયોગી કબીર પોતે, જ્ઞાનની ફરતી પાઠશાળા
પ્રભાવ અનોખો પ્રતિભાનો, જોડાતાં ગયા સૌ લોક સાથે ...૯૪

જ્યાં પણ જાયે કમાલ કરે અંધશ્રધ્ધાનો છેદ કરે
ભ્રમણાઓ સૌ દૂર કરે, સત્યની સ્થાપના કરતા રહે ...૯૫

વૈષ્ણવધર્મી, ધર્મદાસજી વિચરણ તીર્થોમાં કરતા રહે
સ્વયંપાકી ખુબ જ ધર્મી, ભક્તહૃદય સરળ પોતે ...૯૬

એક દિવસ ચૂલાપર ખીચડી ચઢાવે ભોજન કાજે
લાકડી પર છે ધ્યાન ગયુ બળતી જોઈ કીડીઓની હાર ...૯૭

આ ભોજન કેમ ભોગ ધરાય, ભક્ત હૃદય બળવા માંડ્યું
હે પ્રભુ આ થયું કેવું પાપ? આ અન્નનું હવે શું થાય? ...૯૮

આજુબાજુ જોયુ ચારે તરફ દુર વૃક્ષ નીચે એક ફકીર દીઠા
પાસે જઈને બોલાવ્યા હાથ જોડી બોલે ભોજન કરો ...૯૯

મારો તો કાંઈ વાંક નથી, પાપમાં ભાગીદાર કેમ કરો?
સાંભળી ચકિત ધરમદાસજી, કેમ કરી જાણે વાત ફકીર? ...૧૦૦

મંદ મંદ મુસ્કાયે ફકીર, જીવતી કીડીઓને બહાર કીધી
ધર્મદાસજી શીશ ઝુકાવી, નમી રહ્યા ગુરુનાં ચરણે ...૧૦૧

ગુરુની શક્તિ અને જ્ઞાન પ્રવાહ નિરંતર વહેતો ચારેકોર
છત્રછાયામાં ગુરુવરની અનેકો પ્રવાહો ભેગા થયા ...૧૦૨

જીજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા, સંતોષાતી કબીરને દ્વાર
કબીરજીની પ્રતિભા વિરાટ, લોકો માનવા લાગ્યા ગુરૂ ...૧૦૩

અહિંસા, ક્ષમા, સત્સંગ, દયા, સત્ય ધર્મ કરુણાનો પ્રવાહ
સર્વ ધર્મ ને એક જ વાત, મનુષ્યમાં ના ભેદ લગાર ...૧૦૪

રોજ સાંજે કાશીમાં કબીર, ચૌરાહે બેસી વહેંચે જ્ઞાન
સત્સંગની છે ભાષા અનોખી, જનમનને એ ખુબ ગમે ...૧૦૫

કબીર પાસે નાં જાતિભેદ, ના કોઈ રાજા ના કોઈ રંક
જનમેળો જામે ત્યાં રોજ, જ્ઞાનની પરબ અનોખી કબીર ...૧૦૬

પરમ પુરૂષ કબીર પોતે, સતસંગ કરુણા છે જેનો ધર્મ
નાં કોઈ ભેદ ઈશ્વર દરબાર, સઘળા જીવો એક સમાન ...૧૦૭

ઈશ્વર ભેદ કરે જો કદી, સુન્નત સાથે મુલ્લા જન્મે
પંડિત જન્મે તિલકની સાથ, એવું નથી તો સૌ કોઈ છે સમાન ...૧૦૮

ગુરૂ ખોલે છે સઘળા ભેદ, અંતરમનમાં લગાવી છેદ
આતમરામથી પરિચય કરાવી, સત્યની રાહ પરખાવે સહુને ...૧૦૯

સુપાત્ર શિષ્ય ધરમદાસજી, જ્ઞાનચર્ચા ગ્રહે દિવ્ય ઉપદેશ
સાર, શબદ, સુરતિ યોગ અનેક પ્રશ્નો ગુઢ ગહેરા ...૧૧૦

ગુરૂ શિષ્યનો આ સંવાદ કરતો માનવનું કલ્યાણ
સત્યજ્ઞાન અષ્ટાંગયોગને, નવધાભક્તિ ચૌદ રતન ...૧૧૧

જ્ઞાન ચર્ચા લખી લીધી તે, ભ્રમથી મુક્ત કરાવે જીવને
"બ્રહ્મનિરૂપણ" નામક ગ્રંથ, જ્ઞાન ખજાનો હજી જીવંત ...૧૧૨

દ્વારકાપુરી સાલ ૧૫૦૫ બેસી ગોમતી સંગમે રોજ
વહાવી જ્ઞાનની વાણી ગુરુએ "કબીર કોઠા" સ્થાન એ કહેવાયુ ...૧૧૩

સમુદ્રની લહેરોથી સુરક્ષિત આજે પણ એ સ્થાન છે ત્યાં
દ્વારકાનું એ મનોહર સ્થાન, શોભે સુંદર મંગલ ધામ ...૧૧૪

સાહેબના બધા ઉપદેશ, શબદ રમૈની અને સાખી
શબ્દાવલી ને સાખી ગ્રંથ, અનુરાગ સાગરમાં લીપી બધ્ધ ...૧૧૫

બીજકગ્રંથ ઉપદેશોની ખાણ, વાંચે તે પામે આત્માધન
રહસ્યમયી જ્ઞાની વાણી, ગુરૂકૃપાથી જ સમજાતી ...૧૧૬

 સાખી
॥ બિજક બતાવે વિત્તકો, જો વિત્ત ગુપ્ત હોય
   શબદ લખાવે જીવકો, બુઝે વિરલા કોઈ॥
                                        (કબીરા)

ચર્ચા થઇ ૧૫૭૫માં, કાશી કહાવે મોક્ષદાયી નગરી
મરણ પામે જે કાશીમાં, સ્વર્ગ પામી લે એ જીવ સદા ...૧૧૭

અને પ્રાણ તજે જે મગહરમાં, જન્મે તે જીવ ગધેડો બનીને
પંડિતો ચર્ચા કરે વિષયોની, મતમતાંતર ખુબ નડે ...૧૧૮

કબીર બોલ્યા સત્ય વચન, બધા જ સ્થળ છે એક સમાન
પોતાના કર્મ અને ભકિતથી જ પામે મનુષ્ય મોક્ષનાં ધામ ...૧૧૯

બધી જ ભૂમિ એક સમાન, શું મગહર શું કાશીધામ
વાત સમજાવવાને કાજે, મગહર કરતાં પ્રસ્થાન ગુરૂ ...૧૨૦

શિષ્યો બધા લાખોની સંખ્યામાં વસવા લાગ્યા ગુરુની સાથ
આમી નદીને જીવંત કરીને મગહરને લીલુછમ કરી દીધું ...૧૨૧

સાદગી ભરેલું સરળ જીવન, દિવ્યજ્ઞાન ને અલૌકિક રૂપ
કબીરના વચનો જાણે હિરલામોતીનો છલકાતો ભંડાર ...૧૨૨

માગશર સુદ એકાદશીના દિને, શિષ્યોને બોલાવ્યા પાસે
હિંદુ મુસલમાન સૌને આપ્યો, ગુરુએ દિવ્ય જ્ઞાન સંદેશ ...૧૨૩

(ચોપાઈ રાગ)

સંદેશો પૂરો કહીને, સદ્‌ગુરૂદેવ વિશ્રામ ધરે
શિષ્યોએ ઓઢાડી ચાદર, દ્વાર બંધ કરી સૌ આવ્યા બહાર ...૧૨૪

કુટિરમાં કબીર વિશ્રામ કરે શિષ્યો સંદેશાનું મનન કરે
હળીમળીને સદા રહેવું, સ્નેહ ને માનવતાથી જગે ...૧૨૫

છતમાંથી નીકળ્યો તેજનો પુંજ, વિલીન થયો એ આકાશે
શિષ્યોએ જોયુ અતિ કુતુહુલથી, વિચાર કરવા લાગ્યા સૌ  ...૧૨૬

શિષ્યો સૌ વિચાર કરે, ગુરૂદેવનું જ આ રૂપ હશે
શાયદ ગુરુએ લીધી વિદાય, ઉદાસ ચિત્ત શિષ્યોનાં થયા ...૧૨૭

શિષ્યો સૌ કહેવા લાગ્યા, અમે કરીશું અગ્નિસંસ્કાર
મુસલમાન કહે દફ્નાવીશું, ઉગ્ર ચર્ચા કરવા લાગ્યા ...૧૨૮

ભૂલ્યા અંતિમ ગુરૂ સંદેશ, ગુરૂના વચનો ન યાદ રહ્યા
સૌ શિષ્યો પોતાની વાતોને, સાચી ઠેરવવા મથતા રહ્યા ...૧૨૯

આકાશેથી વાણી સંભળાઈ, સાંભળી શિષ્યો સૌ સ્તબ્ધ થયા
ખોલો ચાદર ત્યાં નથી કોઈ, મિથ્યા ચર્ચા તમે કરવા લાગ્યા ...૧૩૦

સાંભળીને સૌ કુટિરમાં ગયા, ખસેડી ચાદરને જોયુ
સદ્‌ગુરુનું તો ના શરીર દેખાયું, ફૂલોનો ઢગલો દેખાઈ રહ્યો ...૧૩૧

કમલપુષ્પ પર પ્રગટ્યા ગુરુજી, પુષ્પ મુકીને વિદાય થયા
માનવતાની મ્હેંક સુંદર સુગંધ ધરા પર વહેતી કરી ...૧૩૨

જ્ઞાન પ્રેમથી પૂર્ણ આ પથ, હરદમ મનની સફાઈ કરે
સત્ય સમજે એકવાર જન જે, માયામલમાં નાં પડે છે તે ...૧૩૩

ગુરૂ આપણા શૂન્ય શિખર પર, સત્ય લોક નિવાસી કબીર
પૂર્ણ જ્ઞાનની છબિ કબીર, જય જય જય સદ્‌ગુરૂ  કબીર ...૧૩૪

આપણા સૌ પર ગુરૂનું ઋણ ભૂલીએ નહીં માનવતાને
મુક્ત થવું જાણીને જ્ઞાન, પોથીમાં છે ભર્યું ભરપૂર ...૧૩૫

અનુપમ અણમોલ જ્ઞાનની ખાણ, જે જાણે તેના બંધન છૂટે
આવાગમનથી મુક્ત તે થાય, આતમ અજવાળા પરખાય ...૧૩૬

ગુરુએ જીવનમાં જે કહ્યું ને કર્યું, શબ્દોમાં નાં કહી શકાય
મહિમા પૂરો નાં જાણી શકુ, વંદન, વંદન હું તો  કરૂ  ...૧૩૭

ઉપદેશોનાં અમુલખ જ્ઞાન વડે ઉકેલીએ ગુંચ જીવનની
શબ્દોનું જે ઉજ્જવલ રૂપ સમાવીએ અંતરની માંય  ...૧૩૮

ભક્ત સમાજનાં ગુરૂ કબીર, અંધ શ્રધ્ધાનો ના ભય એને
જુઠાબંધન છૂટે સઘળા, જ્ઞાનથી પારખો પોતાનું રૂપ ...૧૩૯

જય જય ગુરૂદેવ કબીર સત્ય જ્ઞાનનું મૂળ કબીર
આતમને ઓળખાવે કબીર જન્મ મરણને ટાળે કબીર ...૧૪૦

જય જય સદ્‌ગુરુ દેવ કબીર
અનુપમ અલખ નિરંજન દેવ
દિવ્ય શક્તિથી ભરપૂર કબીર
જય જય સદ્‌ગુરુ દેવ કબીર
           ૐ