Bhajans

શ્રી કબીર બાવની
પરમાર્થી (શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ, કપુરા)
એપ્રિલ, ૧૯૯૬

સદ્‌ગુરૂ બંદીછોડ કબીર, પ્રગટ્યા લહર સરોવર તીર
જડ ચેતનમાં થયો પ્રકાશ, જાણે વીતી દુઃખની અમાસ    ૧

પથિક જુલાહાનું દોર્યું ધ્યાન, કરવા લાગ્યું મન અનુમાન
કોણ હશે ?  કોનું બાળક ?  રૂપ છે કેવું અતિ મોહક !    ૨

નિર્જન નીરખી નીરુ નીમા, ઊંચકી ચુમિઓ ભરે ધીમા
દેવે દીધો શુભ અવસર, માની લઈ ગયા નિજને ઘર    ૩

દીનની ઉજળી કીધી કૂખ, શેર માટીની ભાંગી ભૂખ
પાલક દંપતિ દીનહીન સાવ, તો પણ કરી ના કદીયે રાવ    ૪

નગુરા રહેવું ગમ્યું નહીં, તેથી ઘટના ઘટી તહીં
ઠોકર રૂપે ચરણો તણી, કૃપા ગુરૂ રામાનંદની    ૫

ઉતરી એકદિન ગંગાતીર, ઝળક્યા જગમાં થઈ કબીર
ઉરથી ઉપદેશ સૂક્ષ્મ ગ્રહ્યો, રામમંત્રને સિદ્ધ કર્યો    ૬

રામ રસાયણ પીને લીન, વણકર ધંધે થયા પ્રવીણ
તાણાવાણા સાંધી અનેક, મટાડતા ભેદ જાણે છેક    ૭

વહાવ્યો નવચેતનનો સ્ત્રોત, આજે પણ તેની સળગે જ્યોત
નવયુગનું કીધું નિર્માણ, હતાશ લોકે પૂર્યો પ્રાણ    ૮

વિચાર સ્વાતંત્ર્યનું પણ,  વધાર્યું બળ કરીને આચરણ
બદલ્યા પ્રચલિત દુષ્ટ રિવાજ, સોહે તેથી સઘળો સમાજ    ૯

સત્ય સમન્વય સદા કરી, જટિલ સમસ્યા હળવી કરી
સારું તેટલું ગ્રહ્યું બધું, બાકીનું કર્યું સઘળું જતું    ૧૦

હિંમત શ્રદ્ધા બધે વધ્યા, તત્વ આસુરી ધ્રુજી ઉઠ્યા
પીર શેખતકી હારી ગયા, પ્રભાવ રાજદરબારે વધ્યો    ૧૧

અનંત શક્તિ આત્માતણી, કસોટી કાળે પ્રગટ બની
આત્માનું બળ નીરખી પ્રચંડ, ઉતર્યા સત્તાધીશનો ઘમંડ    ૧૨

ચકિત થયા સઘળાયે યવન, કરવા લાગ્યા તમને નમન
ચમત્કારી શૈલીથી કામ, થતાં રહ્યાં જીત્યા સંગ્રામ    ૧૩

મિલન થયું મગહરે એક રાત, યોગી ગોરખનાથની સાથ
તરુવર નીચે ગોષ્ઠિ કરી, સિદ્ધિ પ્રદર્શન કર્યું જરી    ૧૪

બતાવ્યું યોગીએ યોગબળ, જમીનમાંથી કાઢ્યું જળ
ખોબા જેટલા જળથી શું થાય ?  એકની પણ ના તૃષા છિપાય !    ૧૫

છલકાવો જલધારા સદાય, જેથી જનહિત જરી સધાય
એવું કહીને આપે પણ, હાથે લીટી દોરી ત્રણ    ૧૬

વહેવા લાગી નદી સત્વર, લજવાયા યોગી ક્ષણભર
તે જ નદીને આમી કહે, આજે પણ તે તહીં વહે    ૧૭

અશુભ  ગણાતું મગહર સ્થાન, બનાવ્યું તેને તીર્થ સમાન
કાશી છોડી કર્યો નિવાસ, કીધો અંધશ્રદ્ધાનો નાશ    ૧૮

મનની સ્થિતિ પર મોક્ષ મળે, ભલે ગમે તે સ્થળે મરે
છોડી દેહ વિદેહ થયા, વિચાર અનેરો મૂકી ગયા    ૧૯

હિન્દુ-મુસ્લિમ ભક્તો મળ્યા, દહવા દાટવા ખૂબ લડ્યા
દેહ મટી ફૂલ ઢગલો થયો, ત્યારે સૌનો ઝગડો શમ્યો    ૨૦

કબીરવડ યશ ગાથા ગાય, નર્મદા માતા ખૂબ હરખાય
દર્શન કરી કરી પાવન થાય, ભક્ત જનોના ઉર મલકાય    ૨૧

તત્વા જીવાની પૂરી ટેક, સાક્ષી થયા કંઈ સંત અનેક
હરિત બનેલી મરેલી ડાળ, ચરણોદકથી ત્યાં તત્કાળ    ૨૨

સર્વક્ષેત્રોમાં ક્રાંતિ કરી, સત્ય જ્ઞાનની દૃષ્ટિ ધરી
ઢોંગ ધતિંગનો કરી વિરોધ, દીધો પ્રેમભક્તિનો બોધ    ૨૩

મિથ્યાચાર ને બાહ્યાચાર, કલંક માની ધોયા ધરાર
સ્વચ્છ કર્યા ભક્તિના અંગ, પૂરી તેમાં પ્રેમનો રંગ    ૨૪

કરાવી યોગેશ્વરનો સંગ, ચઢાવ્યો પરમાર્થીને રંગ
એક જ દેવ તે આતમદેવ, તેની સદાયે કરવી સેવ    ૨૫

દર્શન દઈ ભટકણ ભાંગી, કર્યો અનેરો અનુરાગી
ખીલવી પાનખરે જ વસંત, આણ્યો સૌ દુઃખોનો અંત    ૨૬

(દોહરો)
ગાશે સુણશે પ્રેમથી ને કરશે રસપાન
મળ ધોવાશે સર્વ તે પામશે મુક્તિદાન

જય જય સદ્‌ગુરૂ સંતની જય
જય જય બંદીછોડની જય
જય જય રામકબીરની જય