Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાખી અને શબ્દોના માધ્યમ દ્વારા કબીરવાણીને વિદ્વાનોએ વિદ્યાપીઠોના પ્રાંગણમાં ગૂંજતી કરી હતી પરિણામે તે, સૌ કાવ્ય પ્રકારો લોકજીભે ચઢી જવા પામ્યા હતા. ‘સાખી’ અને ‘શબ્દો’ જેટલાં પ્રચલિત બાની શક્યાં તેટલા રમૈનીનાં પદો ન જ બની શક્યાં !  રમૈનીનાં પદો પણ અતિ મહત્વનાં તો હતાં જ. જેમ જેમ બીજક ગ્રંથ પર ચઢી ગયેલું સાંપ્રદાયિકતાનું લેબલ ભુંસાતું ગયું તેમ તેમ ‘રમૈની’ અને તે સિવાયના અન્ય પદો જેવાં કે કહરા, ચાચર, વસંત, હિંડોલા, બેલી, જ્ઞાનચૌંતીસા, વિપ્રમતીસી, વગેરે તરફ પણ વિદ્વાનોએ ધ્યાન આપવાની કૃપા કૈર. પરિણામે તે સૌ પદોનો પરિચય આજે તો શક્ય બન્યો છે. તે સૌ અલ્પ પરિચિત પદોને લોકહૃદય સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસ રૂપે જ આ લઘુગ્રંથની રચના કરવામાં આવી છે.
 ‘શબ્દ’ અને ‘પદ’ વચ્ચે કોઈ તાત્વિક ભેદ નથી. શબ્દ તે જ પદ અને પદ તે જ શબ્દ. ખુદ કબીર સાહેબે શબ્દનો પદ તરીકે ઉલ્લેખ કરીને વાતને ટેકો આપ્યો છે.

કહંહિ કબીર સુનહુ હો સંતો, જો યહ પદ અરથાવૈ
સોઈ પંડિત, સોઈ જ્ઞાતા, સોઈ ભગત કહાવૈં ! (શબ્દ-૫૫)

અર્થાત્ કબીર સાહેબની દષ્ટિએ તે જ સાચો ભક્ત, જ્ઞાની અને પંડિત ગણાશે કે જે આ પદનો અર્થ કરી બતાવશે. ટૂંકમાં, ‘શબ્દ’ અને ‘પદ’ વચ્ચે કબીર સાહેબની દષ્ટિએ પણ કોઈ તફાવત નથી. આ દષ્ટિએ મેં આ સંગ્રહમાં સાવ અપરિચિત રહી જવા પામેલા સર્વે પદોનો સમાવેશ કરી તેને ‘કબીર પદ સુધા’ નામ આપ્યું છે તે ઉચિત લેખાશે.

કહરા, વસંત, બેલી, બિરહુલિ, ચાચર, હિંડોલા, જ્ઞાનચૌંતીસા અને વિપ્રમતીસી જેવાં કાવ્યનાં પ્રકારો નવીનતા ભર્યા પણ જણાશે. કબીર સાહેબના સમયમાં અન્ય કોઈ ભક્ત કવિએ એ પ્રકારોનું ખેડાણ ખાસ કરીને કર્યું લાગતું નથી. હા, ભક્તમાલમાં એ સૌ પ્રકારો નજરે પડે છે ખરાં !  ગુરુગ્રંથ સાહેબમાં રાગ બિલાવલનું પ્રથમ પદ પણ કહરાનું જ પદ છે એવી નોંધ ડૉ. શુકદેવસિંહજીએ કરી છે તે યથાર્થ છે. પણ કબીર સાહેબે આગવી દષ્ટિથી તે સૌ કાવ્ય સ્વરૂપોનો ઉપયોગ કર્યો છે તે કહીકત નોંધનીય છે. તે કાવ્ય પ્રકારો ખરેખર તો ભિન્ન ભિન્ન ઉત્સવોમાં ગવાતા પ્રચલિત લોકગીતોના ઢાળો સાથે સંબંધ ધરાવતા હોય એમ લાગે ચ છે. ઉદાહણ તરીકે ‘કહરા’ લઈએ. કહરા એટલે કહાર નામની જાતિમાં લગ્નદિ મંગલ પ્રસંગે ગવાતું સમૂહ ગાન. ઉત્તર પ્રદેશમાં આજે પણ કહાર નામની જાતિના લોકો રહે છે. તેઓ લગ્ન પ્રસંગે આગવું નૃત્ય પણ કરે છે. નૃત્યની સાથે ગાન જોડી દઈને તેઓ ઉત્સવનું આકર્ષણ વધારી દે છે. ‘કહરા’ પ્રકરણમાં જે છંદનું માપ કબીર સાહેબે ગોઠવ્યું છે તે પણ નૃત્યને અનુકૂળ લાગે છે. કુલ ત્રીસ માત્રાનો એક પંક્તિનો બંધ છે. દર સોળ માત્રાએ યતિ રાખવામાં આવ્યો છે. પછીની ચૌદ માત્રાએ બંધ પૂર્ણ થાય છે. આ રીતે કહરાનું ગાન લોકો જે ઢાળે ગાતા હતા તે ઢાળને પોતાની કથન શૈલીમાં ગૂંથી લઈને કબીર સાહેબે તત્ત્વજ્ઞાનની ભારેખમને શુષ્ક લાગતી વાતોને રસિકતાપૂર્વક સરળતાથી રજૂ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો ગણાય. તેથી કબીર સાહેબને લોક કવિ તરીકેનું બિરુદ આપવાનું મન થઈ જાય છે.

‘બિરહુલિ’નો પ્રકાર પણ ગરીબ ને નીચ ગણાતી જાતિના રાગ-ઢાળ સાથે સંબંધ ધરાવે છે. અહીર લોકોની ગાયન પદ્ધતિમાં તેનાં મૂળ છે. તે જ રીતે ‘વસંત’નો પ્રકાર તો ફાગુ સાહિત્યની યાદ પાવે છે. જો કે સંગીત શાસ્ત્રમાં વસંત નામનો રાગ પણ પચલિત તો છે જ. પરંતુ તે સાથે ‘વસંત’ નામના આ કાવ્ય પ્રકારનો મેળ કેવી રીતે બેસે ?  કબીર સાહેબનું તત્ત્વજ્ઞાન તો વસંત શબ્દને પરમાનંદના કે પરમ પદના પ્રતીક તરીકે આલેખે છે. સદ્દગુરુનો શબ્દ અથવા તો સદ્દગુરુની શ્રી વાણી પોતે જ વસંતનો રાગ છે એવું સ્પષ્ટીકારણ કબીર સાહેબે કર્યું જ છે.

જબ બસંત નહિ રાગ લીન્હ, સતગુરુ સબદ ઉચાર કીન્હ
કહૈ કબીર મન હૃદય લાઈ, નરક ઉધારન નાંઉ આઈ
જહં સતગુરુ ખેલત રિતુ બસંત
પરમ જ્યોતિ જંહ સાધ સંત.

અર્થાત્ સદ્દગુરુ સાર શબ્દનો ઉચ્ચાર કરે છે ત્યારે તેઓ સાક્ષાત વસંતનો જ રાગ ગાય છે. હૃદય અને મન જેમાં એકાગ્ર કરી કબીર સાહેબ કહે છે તે દ્વારા જ નરકમાંથી જીવનો ઉદ્ધાર થાય છે. જ્યાં સદ્દગુરુ વસંત ઋતુનો પરમાનંદ માણી રહ્યા છે ત્યાં સાધુસંતો પણ એક્તાન બની જતા હોય છે. આ પ્રકારની આગવી દષ્ટિથી જ કબીર સાહેબે આ સર્વે કાવ્ય-પ્રકારો બીજકમાં નિયોજ્યાં છે. ‘વિપ્રમતીસી’નો પ્રકાર તો સાવ વિલક્ષણ જ ગણાય. અન્ય કોઈ કવિએ તેને પ્રયોજ્યો નથી. કબીર સાહેબની મૌલિકતાનાં દર્શન તેમાં બહુ જ સારી રીતે થાય છે.

કબીર સાહેબ કોઈ એક જ જાતિ કે વર્ગના ગુરુ હતા એવું આ બધા પદો પરથી જણાતું નથી. વળી તેમણે કોઈ પંથ કે સંપ્રદાય રચી વાડો પણ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી જણાતી નથી. આ પદો દ્વારા તો આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ કે કબીર સાહેબના લક્ષમાં કોઈ જાતિ કે વર્ગ ન હતા. તેમના હૃદયમાં તો સમસ્ત માનવ સમાજની કલ્યાણની ભાવના જ ઢળકતી હતી. દલિત-પીડિતને નીચ ગણાતી જાતિઓ માટે તેમેને સૂગ નહોતી. બલકે તેઓ માટે તેમના હૃદયમાં અપાર કરુણા હતી. તેથી જ તેઓ વારંવાર તેવા લોકોની  વચ્ચે જતા અને તેઓની સાથે આંતરિક પરિચય કેળવવા પણ પ્રયત્નો કરતા. સામાન્ય લોકોને ગમતા ઢાળમાં જીવનનો ઉત્કર્ષ થાય તેવી ઉપદેશવાણી વહેવડાવવાની પ્રેરણા લોક સમુદાયની વચ્ચે વસ્યા વિના કેવી રીતે જાગે ?  જેમ નીચલા વર્ગના લોકોનાં સુખ દુઃખમાં રાસ લેતા તેમ ઉપલા વર્ગના લોકોનું હીત ઝંખતા. ‘વિપ્રમતીસી’ પદ એ માટે ઉદાહરણરૂપ ગણાય. બીજકમાં પાંડે, પંડિત, જેવા બ્રાહ્મણોના વિશેષણોનો વારંવાર ઉપયોગ થયેલો જણાય છે તે પણ એ માટે પૂરાવા રૂપ જ ગણાય. સદ્દગુરુ કબીર સાહેબના સમયમાં બ્રાહ્મણોનું મહત્વ વિશેષ પ્રમાણમાં હોવું જોઈએ એવું અનુમાન પણ સ્હેજે કરી શકાય. બ્રાહ્મણ  વર્ગની રહેણી કરણીની અસર બાકીના બીજા સમાજ પર થતી હોવી જોઈએ. માટે જ તો જરૂર લાગી ત્યાં બ્રાહ્મણ વર્ગની વેધક ટીકાઓ પણ કબીર સાહેબે કરી છે. ટીકાઓ પાછળ સદ્દગુરુનો આશય નિષેધાત્મક જણાતો નથી બલકે સર્જનાત્મક જ ગણાય છે. બ્રાહ્મણોના  વિરોધી હોવાના દાવે તેઓ ટીકા કરતા નથી. પરંતુ પથદર્શક ગણાતા બ્રાહ્મણો ધર્મચ્યુત થઈ સમગ્ર માનવ સમાજને ખોટે માર્ગે ઘસડી રહ્યા હતા તેથી તેઓને કર્તવ્ય યાદ કરાવવાની ભાવનાથી જ આકરી ટીકાઓનો પ્રચંડ પ્રહાર કરવા પ્રેરાયા હતાં.

તેમના હૃદયમાં કેન્દ્રસ્થાને તો માનવ સમાજનું જ હિત હતું તેથી તેમણે મુસલમાન લોકોનો પણ બાકે રહેવા દીધા નથી. મુસલમાન લોકોના ધર્મગુરુઓ પણ ધર્મને નેવે મૂકીને અધોગતિ તરફ સમાજને ઘસડી રહ્યા હતા. તેઓના હાથમાં સત્તાનો દોર હોવા છતાં મુસલમાનોની ટીકા કરવામાં પણ તેઓ પાછા પડ્યા નથી. તેમણે તો નિર્ભયતાપૂર્વક મુસલમાનોને પણ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. તે સાથે હિન્દુ અને મુસલમાન વચ્ચે એકતા સ્થપાય તો જ દેશનો ઉદ્ધાર થાય અને સૌનું કલ્યાણ થઈ શકે એવી સદ્દગુરુની પાકી સમજ હોવાથી ભગવાને કોઈ ભેદો સર્જ્યા નથી પણ માનવે પોતે પોતાના સ્વાર્થ માટે ભેદોનું સર્જન કર્યું છે એવી સ્પષ્ટ ઉપદેશવાણી બંને વર્ગને સંભળાવી છે. તમામ ભેદોને સામુદાયિક રીતે ઓગાળી દેવામાં ન આવે ત્યાં સુધી માનવ સમાજનો કદી ઉદ્ધાર થશે નહીં એવું સત્ય બંને વર્ગને બરાબર સમજાવ્યું છે. કબીર સાહેબ ઉપદેશ આપતી વખતે વાસ્તવિકતાને પણ બરાબર પિછાણે છે. તેમને ખાત્રી છે કે માનવ પોતાનો સ્વાર્થ એકદમ ભૂલી શકતો નથી. સત્ય વચનોનું આચરણ કરવામાં તે ઢીલો જ રહે છે. તેથી તેમણે સ્પષ્ટા કરતા કહ્યું છે :

હમરે કહલ કે નહિ પતિયાર
આપુ બૂડે નલ સલિલ ધાર

અર્થાત્ અમારા વચનમાં કોઈ વિશ્વાસ મૂકતું નથી તેથી સૌ કોઈ આ સંસાર સાગરમાં ડૂબી મારે છે. તેનો અર્થ એવો નથી કે નિરાશ થઈ માનવમાં કલ્યાણ માટે પ્રયત્નો ન કરવા. કબીર સાહેબ કંટાળીને લોકોથી દૂર જતા રહે તેવા કાયર નહોતા. તેથી જ તેઓ શીખામણ અપાતા કહે છે કે

બહા હૈ, બહિ જાત હૈ, કર ગહે ચહુ ઔર
સમુજાવે સમજે નહીં, દેવ ધક્કા દુઈ ઓર (વસંત - ૧૧)

આર્થાત્ ભલે માનવ પોતાના હાથમાં વિષયવાસનાનો સહારો લઈને સંસારના પ્રવાહમાં વહ્યા કરેતો અને તેથી સત્ય સમજવા ભલે તૈયાર ન થતો હોય !  છતાં પણ બે પ્રયત્નો વધુ થાય તો શું ખોટું ?  સદ્દગુરુની શીખામાંનમાં તેમના હૃદયમાં રહેલી લોક કલ્યાણની દઢ ભાવના જ પ્રતિબિંબિત થાય છે. આજે નહીં તો આવતી કાલે માનવ જરૂર સત્યને સમજશે અને પોતાનો ઉદ્ધાર કરી શકશે. એવી ખાતરીપૂર્વકની વાત પણ એમાં ધ્વનિત થાય છે.

માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ? આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાનાં પિયૂષ પીધાં છે. ડૉ. કી KABIR and His Followers પુસ્તકમાં વિસ્તૃત વિશ્લેષણ કરતા જણાવે છે કે ભારતભરમાં કબીરવાણીનો પ્રભાવ સારા પ્રમાણમાં પથરાયો હતો. શીખપંથ, દાદુપંથ, લાલદાસી પંથ, બાબાલાલી પંથ, સાધપંથ ધરણીદાસી પંથ, ચરણદાસી પંથ, શિવનારાયણી પંથ, ગરીબદાસી પંથ, રામસાચી પંથ, પલ્ટુ પંથ, સતનામી સંપ્રદાય, સંતમત સત્સંગ મંડળ, પ્રાણના કી પંથ અને રાધા સ્વામી સંપ્રદાય જેવા અનેક સમુદાયોએ કબીરવાણીનો સંદેશ ઝીલ્યો હતો અને કબીરવાણીને પ્રાણ સમાન માની તેઓએ માનવમાત્ર પ્રભુના બાળક છે એવી ભાવનાનો અમલ કરવા સમુચિત પ્રયાસ કર્યો હતો. આજે પણ એવો પ્રયાસ ચાલુ રાખીએ તો શું ખોટું ?  ઈશ્વરની આસપાસ માનવે કરેલી કાલ્પનિક ગૂંથણીઓમાંથી ઊભી થતી અનેક સમસ્યાઓ આજે પણ ઉકેલ વગર સળગતી જ રહી છે. એકવીસમી સદીમાં પણ તે માનવ સમાજને મૂંઝવણમાં મૂકશે. માનવે ઊભા કરેલા ભેદો માનવે જાતે જ દૂર કરવા પડશે. ત્યાં સુધી માનવ સમાજ કેવી રીતે વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જા રહેવાની. તેથી મને તો કબીર વાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે !

ઈ. સ. ૧૯૮૭માં ફેબ્રુઆરી માસમાં કબીરવાણી સમજવા માટે કુલ પાંચ પુસ્તકો તૈયાર કરી આપવા મેં ભક્ત સમાજને વચન આપેલું તે આધારે આ ચોથું પુસ્તક પ્રભુ કૃપાથી પ્રકાશિત કરી શકાયું છે તે જણાવતા આનંદ થાય છે. કબીર સાહેબના સિદ્ધાંતો, માન્યતાઓ અને વિશેષતાઓ સામાન્ય માણસ સરળ રીતે સમજી શકે તે દષ્ટિ મેં આ પુસ્તક તૈયાર કરવા પાછળ રાખી છે. ભાષા, પાઠ નિર્ધારણ જેવા જટિલ પ્રશ્નો તરફ ખાસ લાક્ષ આપ્યું નથી. વળી વધારામાં સમયનો અભાવ અને સ્થળ સંકોચની મર્યાદા પણ ખરી. છતાં વિશ્વ વિદ્યાલય વારાસણીના કબીર વાડગમયના પ્રકાશનોની મને આ અંગે ઘણી મદદ મળી છે તે સાભાર જાહેર કરું છું.

આ ગ્રંથ તૈયાર કરવામાં મેં નીચેના ગ્રંથોનો આધાર લીધો છે તે સાભાર જણાવતા આનંદ અનુભવું છું.

(૧) કબીર ગ્રંથાવલી - ડૉ. માતા પ્રસાદ ગુપ્ત
(૨) કબીર ગ્રંથાવલી - ડૉ. પુષ્પ પાલ સિંહ
(૩) સંત કબીર - ડૉ. પારસનાથ તિવારી
(૪) સંત કબીર - ડૉ. રામકુમાર વર્મા
(૫) કબીર - આચાર્ય હજારી પ્રસાદ દ્વિવેદી
(૬) કબીર વાડમય ખંડ ૧, ૨, ૩, ડૉ. જયદેવ સિંહ તથા ડૉ. વાસુદેવ સિંહ
(૭) કબીર કાવ્યકોશ - ડૉ.  વાસુદેવ સિંહ
(૮) કબીર કી વિચારધારા - ડૉ.  ગોવિંદ ત્રિગુણાયત
(૯) કબીર બીજક - સ્વામી હનુમાન પ્રસાદ
(૧૦) કબીર બીજક - ડૉ. શુકદેવ સિંહ
(૧૧) કબીર બીજક - ભાગ ૧ અને ૨ - અભિલાષ સાહેબ
(૧૨) કબીરદર્શન - અભિલાષ સાહેબ

શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદ્દગુરુ કબીર સાહેબની ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજનો હું ઋણી છું.

વળી છાપકામમાં હંમેશ મદદરૂપ થનાર મારા પ્રિય મિત્ર શ્રી નટુભાઈ પટેલનો તો કયા શબ્દોમાં આભાર માનું ?

અંતે, યુનિવર્સીટીના અનેક કામોમાં વ્યસ્ત રહેનાર દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના તુલનાત્મક સાહિત્ય વિભાગના રીડર અને અધ્યક્ષ મારા વિદ્વાન મિત્ર પ્રો. ડૉ. અશ્વિન દેસાઈએ આ લઘુગ્રંથની પ્રસ્તાવના લખી આપી છે તે બદલ આભારની લાગણી અનુભવું છું.

ઈશ્વરભાઈ પ્ર. પટેલ
કપુરા ૩૯૪૬૫૫, જી. સુરત
માર્ચ ૧૯૯૩

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,260
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,606
pdf-2અનંત સૂર | Anant Soor 9,256
pdf-3Amar Varso | અમર વારસો 7,455
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,083