કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧સિવ કાસી કૈસી ભઈ તુમ્હારી, અજહું હો સિવ દેખુ બિચારી ... ૧
૨ચોવા ચંદન અગર પાન, ૩ઘર ઘર સુમ્રિતિ બેદ પુરાન
બહુ બિધિ ભવનહિ લાગૂ ભોગ, નગર૪ કોલાહલ કરત લોગ ... ૨
બહુ બિધિ પાર જા ૫લોગ તોર, તેહિ કારન ચિત્ ઢીઠ મોર
હમરે ૬બલકવાકે ઈહૈ જ્ઞાન, તોહરા કો સમુજાવૈ આન ... ૩
જે જાહિ ૭મનસે રહલ આય, જિવકા મરન કહુ કહાં સમાય ?
તાકર જો કછુ હોય અકાજ, તાહિ દોષ નહિ સાહેબ લાજ ... ૪
હર હરષિત સોં કહલ ભેવ, ૮જહાં હમ તહાં દૂસરો ચ કેવ
દિના ચાર મન ધરહુ ધીર, ૯જસ દેખૈં તસ કહૈ કબીર ... ૫
સમજૂતી
હે શિવજી ! તમારી આ કાશી નગરી કેવી થઈ ગઈ છે તેનો તો જરા વિચાર કરી જુઓ ... ૧
એમ તો કાશીપુરીમાં પ્રત્યેક ઘરે ચોવા, ચંદન, અગરબત્તી અને પાન જેવી પુજાની સામગ્રીઓ તો હોય છે જ; ઘરે ઘરે સ્મૃતિ વેદ તથા પુરાણો જેવા શાસ્ત્રગ્રંથોનો પાઠ પણ થતો હોય છે, વળી સૌ પુજા ઘરોમાં અનેક પ્રકારના પ્રસાદ પણ મૂકવામાં આવ્યા હોય છે છતાં નગરવાસીઓનો કોલાહલ તો ચાલુ જ છે ! ... ૨
નગરમાં અનેક પ્રકારના તમારા ચાહકો રહે છે તેથી મારું ચિત્ત આજે તમને વિનંતિ કરવાની ધ્રુષ્ટતા કરી રહ્યું છે. અમારા જેવા બાળકોનું જ્ઞાન તો સાવ મર્યાદિત ગણાય છતાં અમારા વિના તમને સમજાવે પણ કોણ ? ... ૩
જેવું જેને મનમાં સૂઝે તેવું તે મહિમાનું ગાન તમારા ચાહકો કર્યા કરે છે પણ હે શિવજી, (જરા બતાવો તો ખરા કે) મરણ પછી જીવ ક્યાં જાય છે ? તે જીવનાં કરેલા દુષ્ટ કર્યોનો દોષ જો કદી જણાય તો (તેની જવાબદારી તમારી ગણશે) કારણ કે તમારા કહેવાથી તે થયાં છે ! ... ૪
શિવજી એ (વિનંતિ સાંભળીને) હરખતા કહ્યું કે જ્યાં અમે છીએ ત્યાં બીજો કોઈ આવી શકતું નથી (માટે યમનું ત્યાં કાંઈ ચાલશે નહિ) કબીર તો જેવું દેખે છે તેવું જ કહે છે, ભલે તમારી વાણીમાં વિશ્વાસ રાખી લોકો ધીરજપૂર્વક બેસી રહેતા (પણ દરેકે પોતપોતાના કર્મોનાં ફળ તો ભોગવવાં જ પડશે) ... ૫
૧. શિવ કાશીવાસી ગણાય તેમ કબીર સાહેબ પણ કશીવાશી ગણાય. એટલે કાશી અંગે પ્રવર્તતી ભ્રમણાઓની ફરિયાદ કબીર સાહેબ શિવજીને કરી રહ્યાં છે. તે સમયે કાશીમાં મરણ પામે તો જ મુક્તિ એવી ભ્રામક માન્યતાઓ ફેલાવનાર પંડા લોકોનો અત્યાચાર એટલો બધો વધી ગયેલો હતો કે કબીર સાહેબથી ફરિયાદ કર્યા વિના રહી શકાયું જ નહિ.
૨. ક્રિયાકાંડી બ્રાહ્મણો દ્વારા પૂજા માટે આવશ્યક ગણાતી સામગ્રીની યાદી. બાહ્યાચાર મહત્વનો ગણાતો હતો તેથી તેની નિરર્થકતા તરફ સૌનું ધ્યાન કબીર સાહેબ દોરવા માંગે છે.
૩. શાસ્ત્ર ગ્રંથોનો પાઠ પણ થતો પરંતુ તે પોપટ પારાયણ જ. સાચા અર્થમાં તેઓ કોઈ જ્ઞાની ન હતું.
૪. મૂર્તિઓને વિધિપૂર્વક ભોગ ધરાવી બ્રાહ્મણો “હર હર મહાદેવ” નો નાદ જગવતા. ભક્તો શિવજીનો પુરકતા રહેતા પણ શિવજી કાંઈ સાંભળતા લગતા નહિ.
૫. શિવજીનો ચાહક વર્ગ ઘણો મોટો ગણાય. તે લોકો તરફથી અંધ વિશ્વાસ ને વહેમ વધે તેવી પ્રચારની વાણી સંભળાયા કરતી. દા.ત.
मुने प्रलेयकालेपि नैतत् क्षेत्रं कदाचन |
विमुक्तं स्यात् शिवाम्यां यदा विमुक्तं तदा विदु : ||
અર્થાત્ હે મુનિ, શિવ અને પાર્વતી પ્રલયકાલમાં પણ કાશીનો ત્યાગ કરતા નથી. તેથી કાશી નગરને અવિમુક્ત કહેવામાં આવે છે.
૬. બ્રાહ્મણો તરફથી થતા પ્રચારની વાણી સાંભળીને કબીર સાહેબ કટાક્ષ યુક્ત વાણી બોલે છે. ભાઈ અમે તો બાળકો છીએ એટલે અમારું જ્ઞાન તો મર્યાદિત ગણાય ને તમે તો બધા મહાજ્ઞાની ! શિવ પણ જ્ઞાની !
૭. કાશી નગરીનો મહિમા વધારવા શિવના ભક્તોએ મરજી મુજબ પ્રચાર કર્યા જ કર્યો છે. ખાસ કરીને મત્સ્ય પુરાણ, પધ્મપુરાણ, નારદીય પુરાણ અને મહાભારતમાં પણ તેનો મહિમા કરવામાં આવે છે :
अविमुक्तं समासाद्य तीर्थसवी कुरुद्रह |
दर्शनाद देवदेवस्य मुग्यते भ्रह्म्हत्यया ||
(મહા. વન. પર્વ ૮૪ - ૭૬થી ૮૦)
અર્થાત્ અવિમુક્ત એટલે કાશી. જે બ્રહ્મહત્યા કરીને દેવોના દેવુનું દર્શન ત્યાં જઈને કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગતું નથી. મત્સ્ય પુરાણ તો વળી એથી પણ આગળ જઈને પ્રચાર કરે છે કે પ્રત્યેક દુષ્ટકર્મ કાશીમાં જઈને મહાદેવનું દર્શન કરવાથી નાશ પામે છે. તેથી કબીર સાહેબે માર્મિક પ્રશ્ન શિવજીને પૂછ્યો છે કે ખરેખર શરીરમાંથી જીવ નીકળીને ક્યાં જાય છે ?
૮. શિવજી જવાબ આપે છે : જ્યાં મારો વાસ છે ત્યાં યમરાજની સત્તા ચાલતી નથી. મારી રજા વિના ત્યાં કોય પગપેસરો કરી શક્તી નથી. આ જવાબથી વહેમ વધે છે.
૯. કબીર સાહેબ કહે છે કે ખરેખર ત્યાં યમની સત્તા તો ચાલે છે. સૌ મરણને શરણ તો થાય જ છે. ભલેને શિવભકતો વહેમને અંધવિશ્વાસમાં ડૂબેલાં રેહતા પણ શિવજી કહે છે તેવું જણાતું નથી.
Add comment