Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જા કે બારહ માસ વસંત હોય, તાકે પરમારથ બૂઝે કોય ! ... ૧

બરીસે અગનિ અખંડ ધાર, હરિયર ભૌ વન અઠારહ ભાર
પનિયા આદર ધરિન લોય, પવન ગહૈં કસ મલિન ધોય ... ૨

બિનુ તરિવર ફૂલે અકાશ, સિવ વિરંચિ તહાં લેઈબાસ
સનકાદિક ભૂલે ભંવર બોય, લખ  ચૌરાસી જોઈની જોય ... ૩

જો તોહિ સતગુરુ સત્ત લખાવ, તાતે ન છૂટે ચરન ભાવ
અમર લોક ફલ લાવૈ ચાવ, કહંહિ કબીર બૂઝૈ સો પાવ ... ૪

સમજુતી

જેના હૃદયમાં બારે માસ વસંતનો પરમાનંદ હોય તેવી ઉત્તમ સ્થિતિનો ખ્યાલ કોઈ વિરલ પુરુષને જ હોય શકે ! - ૧

તે સમયે અગ્નિની સતત ધારા વરસતી હોય છે અને આખુંયે વન નવપલ્લવિત થઈ લીલુંછમ બની જતું હોય છે. ગરમીને કારણે લોકો પ્રાણી પ્રથમ ધરીને સત્કાર કરતા હોય છે; વળી પંખા વડે પવન પણ ખાતા હોય છે; પરંતુ પસીનાથી મેલું બનેલું શરીર કેવી રીતે ધોઇ શકાય ? - ૨

વૃક્ષો વિના પણ જાને આકાશ ફૂલોથી છવાઈ ગયું હોય છે અને શિવ તેમજ બ્રહ્મા જેવા દેવો પણ તેની સુગંધ માણતા હોયે છે. સનકાદિક ઋષિઓ રૂપી ભમરાઓ પણ તેની સુગંધમાં ભૂલ્યા પડયા છે એટલું જ નહીં પણ ચોર્યાસી યોનિઓમાં જેટલા જીવો છે તે સૌ થાપ ખાય ગયો છે. - ૩

હે સાધક, જો સદગુરુ તને સત્ય સ્વરૂપનું જ્ઞાન આપે તો તેમના ચરણ કમલની ભક્તિ તારે કદી ન વિસરવી જોઈએ. આત્મ સ્વરૂપ જ અમર લોક છે અને તેમાં મનને સ્થિર કરવાની ઇચ્છા કરવી તે જ તેનું ફલ છે. કબીર કહે છે કે જે આ સમજશે તે તેવી ઉત્તમ સ્થિતિઓ પામશે. - ૪

૧. "બારહ માસ વસંત" શબ્દો સૌનું ધ્યાન ખેંચે છે. એમ તો કુદરતી રીતે આવતી વસંત બે મહિના પુરતી જ હોય છે. ચૈત્ર ને વૈશાખ એ મહિના વસંતનાં ગણાય. પણ કબીર સાહેબ બારેમાસ વસંતની વાત કરે છે. બારે માસ એટલે નિત્ય વસંત. પરમ આનંદની દશાનું સૂચન એ શબ્દો દ્વારા થાય છે.

૨. જ્ઞાનના ઉદભાવ પછી સાધક પરમ આનંદનો અનુભવ કરે છે. "અઠારહ ભાર" શબ્દો પરમ આનંદના દ્યોતક છે. કુદરતી રીતે ચૈત્ર મહિનામાં તાપ પૂષ્કળ પડતો હોય છે. ત્યારે વનસ્પતિ તાપમાં બળી જવી જોઈએ તેને બદલે સર્વ પ્રકાર વનસ્પતિ લીલીછમ થઈ જાય છે તે જ રીતે સાધકના હૃદયરૂપી વનમાં જ્ઞાનરૂપી અગ્નિ વરસતી હોવા છતાં પરમ આનંદની હરિયાળી છવાઈ જાય છે. તેનું માપ ભાર શબ્દ દ્વારા વ્યક્ત થાય છે. એક ભાર એટલે દસ કરોડ સાત લાખ છોત્તેર હજાર પ્રકારની વનસ્પતિઓ. એવા અઢાર ભાર એટલે એક અબજ એક્યાસી કરોડ બેતાલીસ લાખ અડસઠ હજાર પ્રકારની વનસ્પતિઓ. પ્રત્યેક વનસ્પતિ પર વસંતનો પ્રભાવ જણાયા વિના રહેતો નથી. તેજ રીતે સાધકના રોમે રોમમાં પરમ આનંદની મસ્તીનો પ્રભાવ પથરાતો હોય છે.

૩. "પવન ગહૈં" શબ્દો હઠયોગની પ્રક્રિયાનું પણ લાક્ષણિક સૂચન કરે છે. શ્વાસ લેવાની ક્રિયાને પૂરક કહેવામાં આવે છે. યોગી શ્વાસ અંદર લે ને બ્રહ્મંરંધ સુધી ખેંચે ને ત્યાં કુંભક કરી શ્વાસને રોકી રાખે ત્યારે યોગીને પ્રકાશનું દર્શન થતું હોય છે. તે પ્રકાશના દર્શનથી બ્રહ્મનું દર્શન થયું એવું માનતો હોવાથી તેને કાલ્પનિક સુખનો અનુભવ થતો હોય છે. પણ તે સુખ સાચું ન હોવાથી આભાસી ગણાય.

૪. "બિનુ તરિવર ફૂલે આકાશ" - ઝાડ વિના ફૂલ શબ્દોમાં જ કાલ્પનિક સુખનું સૂચન છે.

૫. હઠયોગી પ્રાણનો નિરોધ કરે ત્યારે તેને આકાશચક્રમાં પ્રકાશની જ્યોતિના દર્શન થાય છે. તે અવસ્થામાં તેનું મન રૂપી ગગન ફૂલોથી છવાયેલું તેને દિવ્ય લાગે છે. તે ફૂલોની સુગંધ લઈને શિવ, બ્રહ્મા, સનકાદિક ઋષિઓ કાલ્પનિક સુખમાં ડૂબી ગયેલા.

૬. ચૌરાસી લાખ યોનિઓની ગણતરી આ પ્રમાણે છે :

૨૭,૦૦,૦૦૦ કૃમિકીટાદિ અને પશુઓ
૧૪,૦૦,૦૦૦ તમામ પક્ષીઓ
૯,૦૦,૦૦૦  પાણીમાં રહેનારા જંતુઓ
૩૦,૦૦,૦૦૦ ઉદ્દભિજ
૪,૦૦,૦૦૦  ચાર લાખ વિભિન્ન મનુષ્યો.
-----------------
૮૪,૦૦,૦૦૦

૭. જેને અમરલોકનું ફળ ચાખવાની ઈચ્છા હોય તે સદગુરુનું શરણ કદી છોડે નહી. સદગુરુની ભક્તિ વિના તેને ચેન પડે પણ નહીં. તેવા જ સાધકો પરમ પદની પ્રાપ્તિ કરી શકે છે.