Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

રસના પઢિ લેહુ સિરી બસન્ત, બહુરિ જાય પરિહૌં જમકે ફન્દ ... ૧

મેરુ દંડ પર ડંક દીન્હ, અષ્ટ કંવલ પર જારિ દીન્હ
બ્રહ્મ અગનિ કિયો પરકાસ, અરધ ઉરધ તહાં બહૈ બતાસ ... ૨

નવનારી પરિમલ સોગાંવ, સખી પાંચ તહાં દેખન ધાવ
અનહદ બાજા રહલ પૂરિ, પુરુષ બહત્તર ખેલૈં ધૂરિ ... ૩

માયા દેખ કસ રહહુ ભૂલિ, જસ બનસપતિ રહિ હૈ ફૂલિ
કહંહિ કબીર હરિ કે દાસ, ફગુવા માંગે બૈકુંઠ બાસ ... ૪

સમજુતી

હે જીભ,  તું શ્રી વસંતનો મહિમા બરાબર જાણી લે નહિ તો તું ફરીથી યમના ફંદામાં ફસાશે !  - ૧

વસંત ઋતુમાં યોગીઓના મેરુદંડ ઉપર કુંડલિની શક્તિ ડંખ મારે છે અને શરીરમાં રહેલા આઠ આઠ કમળો ખીલી ઊઠે છે. બ્રહ્મ અગ્નિ ત્યાં પ્રકાશિત થાય છે ત્યારે નીચેથી ઉપર પ્રાણનું સૂક્ષ્મ સંચલન થયા કરતું હોય છે. - ૨

ત્યારે શરીરની અંદર રહેલી નવ નાડીઓ દ્વારા મનોહર સુગંધયુક્ત સુખદ અવસ્થા રૂપી ગામના દર્શન થાય છે. તેને જોવા પાંચ પ્રાણોરૂપી સખીઓ દોડી આવીને તેમાં એકાકાર થઈ જાય છે. ત્યારે અનાહત નાદ રૂપી વાજાંઓ વાગવા લાગે છે અને પ્રાણ બોત્તેર નાડીઓમાં જાણે કે હોરી ખેલવા માંડે છે !  - ૩

કબીર કહે છે કે યોગીઓ, જેમ વસંત ઋતુમાં વનસ્પતિ પ્રફુલ્લિત થઈ જાય છે તેમ એ બધું માયામય દર્શન જોઈને તમે કેમ આનંદિત થઈ ગયા ?  તમે તમારા સ્વરૂપને કેમ ભૂલી ગયા ? હરિનો ભક્ત વૈકુંઠ વાસનો ફાગ માંગે (તે શું યોગ્ય કહેવાય?) -  ૪

૧. સદગુરુ કબીર સાહેબે જીભને ઉદ્દેશીને નિત્ય વસંતનો જપ કરવા ઉપદેશ આપ્યો છે. જે વસંત બે મહિના માટે આવે છે તે વસંતનો જપ કરવાથી આત્મ કલ્યાણ કદી થશે નહી. હઠયોગીઓ જે પ્રકારે ચક્રવેધની સાધના કરે છે અને જે સુખદ સ્થિતિનો અનુભવ કરે છે તે નિત્ય વસંતની સ્થિતિ નથી તે સુખ તો થોડા સમય માટેનું જ હોય છે. તેથી તેવી સાધનાની માયાજાળમાં જીવ ન ફસાય તે માટે જીભને ઉદ્દેશીને ક્ષણિક સુખના રસાસ્વાદથી મોહિત ન થવાનો ઉપદેશ આપ્યો છે.

૨. હઠયોગીઓ ચક્રોનું વેધન કરવામાં રાચતા હોય છે. તે ચક્રો મેરુદંડમાં આવેલા છે. કુલ આઠ ચક્રો છે:  મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપૂર ચક્ર, અનાહત ચક્ર, વિશુધ્ધ ચક્ર, અજ્ઞાચક્ર, સહસ્ત્રાર ચક્ર, અને સુરતિકમલ ચક્ર અથવા બ્રહ્મચક્ર. મૂલાધાર ચક્રમાં કુંડલિની શક્તિ રહેલી છે પણ તે સુષુપ્ત અવસ્થામાં હોય છે. તેને પ્રાણાયામ દ્વારા જગાડી તેને ઉર્ધ્વગામી બનાવવામાં આવે છે. આ શક્તિ સર્પાકારે રહેલી હોવાથી તે દરેક ચક્રને વેધતી ઉપર જાય છે. જ્યારે આઠમાં ચક્રમાં પહોંચે છે ત્યારે તેજસ્વી પ્રકાશની જ્યોતિના દર્શન થાય છે. તે વખતે શરીરમાં પ્રાણની ગતિ ખૂબ સૂક્ષ્મ હોય છે.

૩.  શરીરમાં અનેક નાડીઓ રહેલી હોય છે. તેમાંથી ફક્ત નવ નાડીઓનો વિશેષ મહિમા કરવામાં આવે છે. આ નવ નાડીઓના નામ આ પ્રમાણે છે:  પુહુખા, પયસ્વિની, ગંધારી, હસ્તિની, કુહૂ, શંખિની, અલંબુષા, ગણેશિની ને વારુણી. દરેકનું સ્થાન પણ નક્કી જ હોય છે. ડાબા કાનમાં પુહુખા, જમણા કાનમાં પયસ્વિની, ડાબી આંખમાં ગંધારી અને જમણી આંખમાં હસ્તિની, કુહૂલિંગમાં શંખિની ગુદામાં, અલંબુષા મોઢામાં, ગણેશિની ડાબા હાથમાં ને વારુણી જમણા હાથમાં.

૪. શરીરમાં પાંચ પ્રાણો કાર્ય કરે છે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન ને સમાન. ખરેખર તો પ્રાણ એક જ છે. પણ જે અંગમાં જે રીતે કામ કરે છે રીતનું તેને નામ આપવામાં આવ્યું છે. પ્રાણનું સ્થાન હૃદયમાં, અપાનનું સ્થાન કેડમાં, સામાનનું સ્થાન દૂંટીમાં, ઉદાનનું સ્થાન કંઠમાં ને વ્યાનનું સ્થાન સમગ્ર શરીરમાં. વ્યાન સમગ્ર શરીરમાં લોહીના પરિભ્રમણનું કાર્ય કરે છે, ઉદાન સર્વ ચીજને ગ્રહણ કરિ અંદર પહોંચાડવાનું કાર્ય કરે છે, સમાન ભોજન પચાવવાનું કાર્ય કરે છે, અપાન મળમૂત્રના નિકાલનું કાર્ય કરે છે, પ્રાણ હૃદયમાં પ્રાણવાયુ પહોંચાડી અને કાર્બન ડાયોકસાઈડ જેવા બિનજરૂરી વાયુને બહાર કાઢવાનું કાર્ય કરે છે.

૫. કહેવામાં આવે છે કે શરીરમાં બોતેર હજાર નાડીઓ છે. પ્રશ્ન ઉપનિષદને હિસાબે બોતેર કરોડ, બોતેર લાખ, દાસ હજાર બસો એક નાડીઓનો સમૂહ પ્રત્યેક શરીરમાં હોય છે તે સૌના નાડીઓમાં વ્યાનનામનો પ્રાણ સંચાર કરતો રહે છે. આ રીતે સમગ્ર શરીર પુલકિત બની જતુ હોવાથી યોગીને પરમ આનંદનો ભાસ થાય છે. તે દશામાં તે રામમાણ રહેતો હોવાથી તેને હોરી ખેલતો વર્ણવ્યો છે.

૬. પૌરાણિક સાહિત્યમાં અનેક લોકની કલ્પના કરવામાં આવી છે: બ્રહ્મલોક, શિવલોક, સત્યલોક, વૈકુંઠલોક વિગેરે. તે લોકમાં પણ જન્મ મરણની અસાર હોય છે. કારણ કે પુણ્યક્ષીણ થયા પછી દરેક જીવ ફરીથી આ મૃત્યુ લોકમાં આવવું જ પડે છે. તે લોકમાં અમર રહેવાતું નથી. તેથી તે પરમ પદ કહેવાય નહીં. ભક્તિના બદલામાં લાલચુ લોભી વૈકુંઠ લોકનો વાસ માંગે તે સાચા હરિના ભક્તિને છાજતું નથી. હરિનો સાચો ભક્ત તો પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવામાં જ પરમ પદની પ્રાપ્તિ થયેલી માને છે.