Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઐસો દુર્લભ જાત સરીર, રામનામ ભજુ લાગૂ તીર  ... ૧

ગયે બેનુ, બલિ ગયે કંસ, દૂરજોધન ગયે બૂડે બંસ
પૃથુ ગયે પૃથિવી કે રાવ, તિરી વિક્રમ ગયે રહે ન કાવ ... ૨

છૌ ચકવૈ મંડલી કે ઝારિ, અજહું હો નર દેખુ બિચારી
હનુમત કશ્યપ્ જનક બાલિ, ઈ સબ છેકલ યમેકે દ્વારિ ... ૩

ગોપીચંદ ભલ કીન્હ યોગ, જાસ રાવણ માર્યો કરત ભોગ
ઐસી જાત દેખિ નર સબહિં જાન, કહંહિ કબીર ભજુ રામનામ ... ૪

સમજુતી

હે માનવ !  દેવદુર્લભ આ શરીરનો કિંમતી સમય વીતી રહ્યો છે સાવધાન થઈ સંસાર પાર કરવા અવિનાશી રામનું ભજન કરી લે ... ૧

અરે !  વેન, બલિ કંસ ને દૂર્યોધન જેવા રાજા પણ ગયા ને તેનો વંશ પણ ખલાશ થઈ ગયો. આખી પૃથ્વીનો સમ્રાટ પૃથુ ગયો ને બલિને છેતરનાર વામન પણ ગયો !  અહીં કોણ સ્થાયી રહી શકે છે ? ... ૨

હજી પણ હે માનવ, વિચારી જો !  ચક્રવર્તી રાજાઓનો સમૂહ પણ નષ્ટ થયો !  એટલુ જ નહીં પણ હનુમાન, કશ્યપ, જનક તથા વાલી જેવા મહાન ગણાતા પણ મૃત્યુને આધીન થયા છે (તો સામાન્ય જુવનું તો શું ગજું ?) ... ૩

યોગની સાધના કરનાર ગોપીચંદ રાજા પણ ચાલ્યો ગયો !  રાવણ તો સોનાની લંકાનો ભોગ કરતો કરતો મરી ગયો !  કબીર કહે છે એવી રીતે ક્ષણભંગુર શરીરમાંથી સૌના પ્રાણ ચાલ્યો જતો હોય છે તેથી દરકે અવિનાશ રામનું ભજન કરવું હિતાવહ છે. ... ૪

૧. શરીર ક્ષણભંગુર છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીર વૃધ્ધ થતું જાય છે એટલે કે મરણની સમીપ પહોચતું જાય છે. શરીરની તેવી હાલતનો વિવેકી જીવે વિચાર કરી પોતાની સલામતી માટે કંઈ નહી તો રામનામનો આશરો લેવો જોઈએ. અહીં શરીરધારી રામ નહી પણ અવિનાશી આતમરામ કબીર સાહેબને અભિપ્રેત છે.

૨. અંગ રાજાનો પુત્ર તે વેન. તે નિર્દય ને ઘાતકી સ્વભાવનો હતો. અંગરાજાને તેનાથી અસંતોષ હતો. તેથી અંગ રાજા બધું છોડી જંગલમાં વૈરાગ્યભાવે ચાલ્યા ગયેલા. આખરે રાજકુમાર વેનને ગાદી પર બેસાડેલો.

૩. પ્રહલાદનો પૌત્ર બલિ રાજા કે જે દાનવીર ગણાતો હતો.

૪. દૂર્યોધન ઘણો બળવાન રાજા ગણાતો હતો છતાં તે પોતાનું શરીર સાચવી શક્યો ન હતો. શરીરનો એક દિવસ અંત આવે જ છે.

૫. પૃથુ રાજાની ઉત્પત્તિ ખૂબ વિચિત્ર રીતે થયેલી તેવું ભાગવત જણાવે છે. ઉપર જણાવેલ વેન રાજા દુષ્ટ હોવાથી પ્રજાએ તેને મારી નાખેલો. તેનું શબ પડ્યું હતું. તેની જાંઘ બ્રાહ્મણ લોકોએ ચોળી તો તેમાંથી કાલી આકૃતિનો માણસ પેદા થયેલો. તે માણસના વંશ વારસોને વિષાદ કહેવામાં આવે છે. વળી તે શબની ભુજાઓની મસળી તાતેમાંથી એક પુરુષને એક સ્ત્રી પેદા થયા. સ્ત્રીનું નામ અર્ચિ અંદ પુરુષનું નામ પૃથુ. આ પૃથુરાજા ઘણો ધર્મિષ્ટ હતો. તે જ્યારે ગાદી પર બેઠેલો તે વરસે રાજ્યમાં દુકાળ પડયો હતો. તેથી પૃથુ રાજાએ પૃથ્વીને અન્ન આપવાની આજ્ઞા કરેલી. પૃથ્વીએ તેની અવગણના કરેલી. તેથી પૃથુ રાજા ગુસ્સે થયેલો. ડરીને પૃથ્વી ગાયનું રૂપધારણ કરી ભાગી ગયેલી. પરંતુ તેને ક્યાંય આશરો મળ્યો ન હતો આખરે તે ફરીથી પૃથુ રાજાને આશરે આવે છે. ત્યારે પૃથુ રાજાએ સ્વાયંભુવ મનુને વાછડો બનાવી દઈ પૃથ્વીરૂપી ગાયને દોહી લીધી હતી. તે દ્વારા રાજાને પુષ્કળ અન્ન અને ઔષધિયો પ્રાપ્ત થઈ હતી. તેથી તેને અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો.

૬. ભગવાન વિષ્ણુનો વામન અવતાર જાણીતો. વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ ધારણ કરીને બલિરાજા પાસે ત્રણ ડગલાં ભૂમિ માંગી હતી. માત્ર ત્રણ ડગલાંમાં વિષ્ણુએ બલિરાજાનું આખું રાજ્ય છીનવી લીધું હતું.

૭. "છૌ ચકવૈ" એટલે છ ચક્રવર્તી આજાઓ - જેવા કે ઉપર જણાવેલા વેન, કંસ, બલિ, દૂર્યોધન, પૃથુ વિગેરે.

૮. "મંડલીકે" એટલે મંડળી - સમૂહ. નાના રાજાઓના સમૂહને માંડલિક કહેવાય અને મોટા મોટા રાજાઓના સમૂહને મંડલીક કહેવાય.

૯. અહીં પુરાણોમાં જણાવેલ કશ્યપ કે જેને દક્ષ પ્રજાપતિની સત્તર પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા તે કશ્યપની વાત સમજાવી ન જોઈએ. અહીં હનુમાન પછી કશ્યપનો નિર્દૈશ હોવાથી વેદના ઋષિ કશ્યપનું સૂચન સમજવું જોઈએ મતલબ કે મોટા ભક્ત ગણાતા લોકો પણ મરણને શરણ થયા હતા.

૧૦. ગોપીચંદ પણ એક રાજા હતો. રાજા ભર્તુહરિનો તે ભાણેજ થતો હતો. તે ગોપીચંદે નાથ સંપ્રદાયમાં દીક્ષા લઈને રાજપાટ છોડીને તપશ્ચર્યા કરી હતી. તે મહાન યોગીપુરુષ તરીકે ખ્યાતનામ થયેલ.

૧૧. યોગીની સામે ભોગી રાવણને યાદ કરી સૌને શરીરની ક્ષણભંગુરતા પ્રત્યે સભાન કર્યા છે. એટલું જ નહીં પણ એક રાજા યોગી થયો ને અવિનાશી રામનું ભજન કરી અમર થયો જ્યારે બીજો રાજા ભોગી બની એવા તો દુષ્ટ કૃત્યોમાં સપડાયો કે તેનો સર્વનાશ થયો એવું પણ કબીર સાહેબ સૂચન કરી રહ્યાં લાગે છે.