Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

રામનામ ભજુ, રામનામ ભજુ, ચેતિ દેખુ મનમાંહી હો
લાક્ષ કરોરિ જોરિ ધન ગાડે, ચલત ડોલાવત બાંહી હો ... ૧

દાદા બાબા ઓર પરયાજા, જિનકે યહ ભુઈ ભાંડે હો
આંધર ભયહુ હિયહુકી ફુટી, તિન કાહે સબ છાંડે હો ... ૨

ઈ સંસાર અસાર કો ધંધા, અંતકાલ કોઈ નાહીં હો
ઉપજત બિનસત બર ન લાગૈ, જ્યૌં બાદરકી છાહી હો ... ૩

નાતા ગોતા કુળ કુટુમ સબ, ઇનકાર કૌન બડાઈ હો
કહે કબીર એક રામભજે બિનુ, બૂડી સબ ચતુરાઈ હો ... ૪

સમજુતી

હે માનવ !  તું રામનામનું ભજન કર્યા કર. જરા સાવધાન થઈને મનમાં વિચાર તો કર. કે શું સારરૂપ છે ?  લાખ કરોડ ભેગા કરી જમીનમાં દાટવા અને મરતી વખતે ખાલી
હાથ અક્કડ રાખી ગર્વપૂર્વક ડોલતા ડોલાવતા જવું કે રામનું ભજન ? ... ૧

વિચારી તો જો કે પિતા, પિતામહને પ્રપિતામહે  ભૂમિધન સંપત્તિ સર્વ એકત્ર કર્યા છતાં તેઓ તે સર્વ છોડીને કેમ ચાલ્યા ગયા ?   શું તારા હૃદયની આંખ ફૂટી ગઈ છે કે તને એ બધું દેખાતું જ નથી ? ... ૨

અ સંસારમાં ખરેખર તો ધન સંપત્તિ એકત્ર કરવાના ધંધાઓ સાવ અસાર છે. કારણ કે જે મળવામાં આવે છે તેનો નાશ થતાં વર લાગતી જ નથી. તે દ્વારા મળતું સુખ પણ વાદળની છાયા જેવું ક્ષણિક છે. ... ૩

નાતજાત, કુળ કુટુંબ, ગોત્ર કે સંબંધો એ સર્વ વધવાથી કયી મોટાઈ પ્રાપ્ત થાય છે ! કબીર કહે છે એકમાત્ર રામનું ભજન કર્યા વિનાની ચતુરાઈ ભવસાગરમાં ડૂબનારી છે !  ... ૪

૧. અહીં ગાડે ને બદલે "ગાડેહુ" અને "ગાડિનિ" એવા પાઠો પણ કેટલીક પ્રતોમાં છે. ગાડે એટલે દાટવું. ધન જમીનમાં દાટવાનો તે સમયે રિવાજ હતો. બેંકની આધુનિક વ્યવસ્થા ન હોતી. વળી આજની જેમ તે સમયે પણ ધનકમાણીની વધારે પડતી ઘેલછા સમાજમાં પ્રવર્તતી હતી તે અહીં પ્રતીત થાય છે. ધનની કમાણી કરીને કે તેનો સંગ્રહ કરીને માણસે તેને સાચવવા માટે જમીનમાં ખાડા ખોદીને દાટવું પડતું.

૨. "ચલત ડોલાવત" શબ્દોમાં ધનવાન બન્યાનો ગર્વ ધ્વનિત થાય છે.

૩. પરયાજા અને બદલે પરપાજા પાઠ પણ મળે છે. બિહાર તરફ આજે પણ દાદાના દાદાને પરયાજા કહેવામાં આવે છે.

૪ મેળવેલું તમામ ધન પ્રત્યેક માણસે અહીં જ મુકીને જવું પાડે છે તે હકીકત સૌ કોઈ જાને છે પણ તેનો કોઈ અમલ કરતુ જણાતું નથી તે મોટું આશ્ચર્ય છે. અહીં મહાભારતનો યક્ષ યુધિષ્ઠિર સંવાદ યાદ આવે છે. યક્ષ પ્રશ્ન કરે છે કે જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું ?  યુધિષ્ઠિર જવાબ આપે છે કે દરેક જીવ અહીં કાયમ રહેવાનો હોય તે રીતે  વર્તે છે તે મોટું આશ્ચર્ય છે. પ્રત્યેક માણસ સ્મશાન યાત્રામાં જાય છે અને જાને છે કે મારો પણ એક દિવસ આવો જ વારો આવશે છતાં તે અભિમાનમાં બધું ભૂલી જાય છે અને કાયમ રહેવાનો હોય તેવું આયોજન કરતો ફરે છે.

૫. ભાદરવાનો તડકો અસહ્ય ગણાય છે. છતાં તે સમયે આકાશમાં ક્યોરેક કયારેક કાળાં વાદળો ઘુમ્યા કરતા હોય છે. તે વાદળની ઓથે સૂર્ય ઘડીભર આવી જાય ત્યારે શીળી છાયાનો અનુભવ થાય છે. પરંતુ હાશ અનુભવીએ તે પહેલાં તો તે છાયા ખસી ગયેલી હોય છે. તેવી ક્ષણિક સુખ ધનની કમાણીનું ગણાય છે.

૬. અહીં આપણા સમયના મહાન આત્મજ્ઞાની મહાપુરુષ શ્રીમદ રાજચંદ્રનું એક પદ યાદ આવે છે: અમુલ્ય તત્ત્વવિચાર. તે પદમાં તેમને સ્પષ્ટ કહ્યું છે કે
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નક્ષ ગ્રહો;
એનો વિચાર નહીં અહોહો !  એક પળ તમને હવેં !
અથાર્ત ધન કે સાધન સંપત્તિનું અભિમાન, કુળ કુટુંબ કે પરિવારનું અભિમાન ભવસાગરમાં ડૂબાડનારી ચતુરાઈ છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,485
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,714
pdf-2અનંત સૂર | Anant Soor 9,471
pdf-3Amar Varso | અમર વારસો 7,574
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,372