Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

રહહુ સભારે, રામ બિચારે, કહતા હૌં જો પુકારે હો ... ૧

મૂંડ મુડાય ફૂલિકે બૈઠે, મુદ્રા પહિરિ મંજૂસા હો
તેહિ ઉપર કછુ છાર લપેટે, ભિતર ભિતર ઘર મુસા હો ... ૨

ગાંવ બસતુ હૈ ગરબ ભારતી, બામ કામ હંકારી હો
મોહિની જહાં તહાં લૈ જૈહૈં, નહિ પત રહહિ તો હારિ હો ... ૩

ઝાંઝ મઝરિયા બસૈ જો જાનૈ, જન હોઈ હૈં સો થીરા હો
નિર્ભય ભયે તહાં ગુરુકી નગરિયા, સુખ સોવૈ દાસ કબીરા હો ... ૪

સમજુતી

સંસારમાં સાવધાની પૂર્વક રહી રામતત્ત્વનું ચિંતવન કર્યા કરો એવું વારંવાર હુ તો પોકારીને કહું જ છું !   - ૧

કેટલાક લોકો માથુ મુંડન કરાવીને અને કાનમાં કુંડળ પહેરીને વેશ પલટો કરી ગુફામાં બેસી જાય છે. તેઓ શરીર પર રાખ લપેટે છે પણ અંદર રહેલું ધન તો કામ ક્રોધદિ લૂંટારૂઓ ચોરી લે છે તે તો સાચવી શકતા નથી.   - ૨

ગિરિ, પુરી, ભારતી વિગેરે નામધારી સન્યાસીઓ સ્ત્રીની કામનાવાળા અહંકારી હોય છે તેથી તેઓ  ગામની વસ્તીમાં વસે છે. ખરેખર તેઓને સ્ત્રી માટેનો મોહ ગમે ત્યાં ભટકાવ્યા
કરશે અને તેઓની ઈજ્જત પણ રહેશે નહિ.  - ૩

જે માણસ પોતાના હૃદયમાં રામ વસે છે તે જાણે છે તે માણસ જ પોતાનું મન તેમાં સ્થિર કરી શકે છે. સ્થિર થયેલું મન ગુરુનું નગર ગણાય. તેમાં સદૈવ નિર્ભયતાનો જ અનુભવ
થાય છે. દાસ કબીરે તો ત્યાં જ કાયમનો નિવાસ કર્યો છે.  - ૪

૧. સદગુરુ કબીર સાહેબ પોતાના અનુભવને આધારે સર્વ કાળેને સ્થળે ઉપયોગી થાય તેવી વાત ટેક્ની પંક્તિઓમાં રજૂ કરી દે છે. માનવ કાળમાં પ્રવાહમાં તણાતો રહે છે. તે પોતાની જાતને સાંભળી શકતો નથી. મન બેકાબુ હોવાને કારણે મનની ઈચ્છાઓને પૂર્ણ કરવામાં માનવે પોતાની તમામ શક્તિ નિયોજેવી પડે છે. છતાં જીવનભરની મહેનત ફળતી જણાતી નથી. ઘણી બધી ઈચ્છાઓ છેલ્લે અતૃપ્ત રહી જતી હોય છે. તે માટેનો રંજ તેને અશાંત અવસ્થામાં મૂકી દેતો હોય છે. તેથી જગતમાં મનાવે સુખી થવું હોય તો સૌ પ્રથમ પોતાની જાતને સાંભળતા શીખવું પડશે. જાતને સંભાળવી એટલે પોતાના મન પર કાબુ મેળવવા પ્રયત્ન કરવો. સાથે સાથે મનને સંયમિત કરવામાં ઉપયોગી માનોવૈજ્ઞાનિક કસરત પણ કબીર સાહેબ બતાવે છે. પોતે શુધ્ધ શુધ્ધ આત્મસ્વરૂપ છે એવી નિત્ય ભાવના કરવી અને પોતાના મનને તેનાં ચિંતવનમાં જોડી દેવા પ્રયત્ન કરવો. તેવી કસરતથી મન એક દિવસ આત્મ સ્વરૂપમાં લીન બની જાય છે. ત્યારે તેનો માનવ જન્મ સાર્થકતાને આરે પહોંચેલો જણાય છે.

૨. માત્ર બાહ્ય સ્વરૂપમાં ફેરફાર કરવાથી માનવ શાંતિનો અનુભવ કરી શકતો નથી. આંતરિક ફેરફાર પણ થવો જરૂરી છે. અંતર વિષય વાસનાઓથી ભરેલું હોય તો બાહ્ય ફેરફાર હાંસીને પત્ર ઠરે છે. છતાં અજ્ઞાની લોકો બાહ્ય ફેરફારથી છેતરાતા રહે છે. માથું મુંડાવવું, કાનમાં કુંડળ પહેરવા, શરીર પર રાખ લપેટવી, ગુફામાં ધ્યાન મગ્ન બની જવાનો ઢોંગ કરવો એ પાખંડી સાધુઓની ટેવ હોય છે. અજ્ઞાની લોકો તેવી રીતભાતથી પણ ભોળવાઈ જાય છે. ખરેખર તો તેવા સાધુઓ જ પોતાની જાતને છેતરતા હોય છે. તેવી સ્થિતિમાં શાંતિને અનુભવ કેવી રીતે થઈ શકે ?

૩. આપણે  ત્યાં દાસ પ્રકારના સન્યાસીઓ જોવા મળે છે. ગિરિ, પુરી, ભારતી, પર્વત, સાગર, સરસ્વતી, અરણ્ય, આશ્રમ, તીર્થ, ને વન એવા દસ પ્રકારે સન્યાસ ધારણ કરવાનો રિવાજ પડયો છે. કહેવાય છે કે આ દસ પ્રકારો ઉપનિષદ કાળમાં અસ્તિત્વ ધરાવતા નોહોતા. મહાભારત કાળમાં પણ તે જણાતા નથી. સાતમી કે આઠમી સદી પછી તે અસ્તિત્વમાં આવ્યા હોય એવું મનાય છે. જગદગુરુ શંકરાચાર્ય પછી દસ પ્રકારના સન્યાસીઓનો રિવાજ એકધારો ચાલ્યો આવે છે.

૪. "બામ કામ" એટલે વામમાર્ગની કામનાવાળા. મતલબ કે સ્ત્રીઓની કામના વાળા સન્યાસીઓ.

૫. "માંઝ મઝરીયા" એટલે હૃદયની મધ્યમાં. ગીતા કહે છે આત્મતત્ત્વ તો હૃદયમાં રહેલું છે :

ઈશ્વર સૌના હૃદયમાં અર્જુન વાસ કરે
તેનાં બળથી કર્મ સૌ આ સંસાર કરે. (સરળ ગીતા અ-૧૮)
તેથી હૃદયમાં ધ્યાન ધરવાની પ્રથા પડી લાગે છે. આપણા જમાનાના રમણ મહર્ષિ હૃદયમાં ધ્યાન ધરવાનો ઉપદેશ આપતા.