કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ઐસનિ દેહ ૧નિરાલપ બૌરે, મુવલે છુવૈ ન કોઈ હો
૨ડંડવા ડોરિયા તોરિ લરાઈનિ, જો કોટિન ધન હોઈ હો ...... ૧
ઉરધ નિસાસા ઉપજિ ૩તરાસા, હકરાઈનિ પરિવારા હો
જો કોઈ આવૈ બેગિ ચલાવૈ, એક પલ રહન ન હર હો ....... ૨
ચંદન ચીર ૪ચતુર સબ લેપહિં, ગરે ગજમુકતા હારા હો
ચહુંદિસિ ગીધ મુએ તાન લૂંટૈ, જંબૂક ઉદર બિડારા હો ...... ૩
કહંહિ કબીર સુનહુ હો સંતો, ૫જ્ઞાન હીન મતિ હીના હો
એક એક દિન યહી ગતિ સબકી, કહા રાવ કહા દીના હો ... ૪
સમજુતી
હે પાગલ જીવ, તને એવું શરીર પ્રાપ્ત થયું છે કે મરી જાય પછી તેને કોઈ સ્પર્શ કરવા માગતું નથી ! કેડમાં બાંધેલો કંદોરો પણ કાઢી લેવામાં આવે છે, પછી ભલેને તે કરોડપતિ હોય ! - ૧
મરતી વખતે ઝડપથી લાંબા શ્વાસ ચાલવા લાગે છે ત્યારે કુટુંબીઓ મરણના ભયથી એકબીજાને તેડવા લાગે છે. મરણ થાય પછી જે કોઈ આવે છે તે મડદાને જેમ બને તેમ જલદી ઘરની બાર કાઢવાની જ વાત કરે છે. તેવી સ્થિતિમાં એક પલ પણ ઘરમાં રહી શકાતું નથી ! - ૨
મડદાને ઘરની બહાર કાઢતી વખતે ચતુર માણસો એકત્રિત થાય છે ત્યારે કોઈ તેને ચંદનનું તિલક કરે છે તો કોઈ તેને નુતન વસ્ત્ર પહેરાવી ગળામાં ફૂલનો હાર પહેરાવે છે. એવા શણગાર ખરેખર વ્યર્થ છે કારણ કે ચારે બાજુથી ગીધ મરેલા શરીરને તો ચાંચે ચાંચે ખાતા હોય છે. શિયાળ પણ તેને ચૂંથી કાઢીને પોતાનું પેટ ભરે છે. - ૩
કબીર તો કહે છે કે જે જ્ઞાન વગરના બુધ્ધિધહીન લોકો છે તે કદી વિચારતા જણાતા નથી કે એક દિન સૌની આવી જ હાલત થતી હોય છે, પછી ભલેને તે રાજા હોય કે રંક ! - ૪
૧. નિરાલાપ એટલે અલ્પ કાળ લગી રહેવાવાળો. દેહ તો ક્ષણભંગુર છે. મરી જાય ત્યારે દેહને શબ કહેવામાં આવે છે. તે શબને કોઈ અડતું પણ નથી. તે શબને સ્પર્શ કરનારે સ્નાન કરવું પડે ને શુધ્ધ થયા પછી જ બહાર ફરી શકે. નહીં તો તે પણ અછૂત થઈ જાપ નિરાલાપનો બીજો અર્થ મેલો અને ગંદો એવો પણ થાય. મલિન અને ગંદકી વાળો હોવાથી તે દેહ અછૂત કહેવાય.
૨. પહેલાના સમયમાં દરેક પુરુષ કેડમાં કંદોરો બાંધતો. કોઈ સોના ચાંદીની સાંકળી બનાવીને પહ પહેરે. આજદિન લાગી એવો રિવાજ ચાલ્યો આવ્યો છે. જો કે હવે કંદોરો બાંધવાનું કોઈ પસંદ કરતુ નથી. પણ હકીકત છે કે મરેલા માણસના દેહ પરથી કંદોરો છોડી લેવામાં આવે છે. મરી ગયેલા દેહનું કોઈ મૂલ્ય જ નહી ! ગરીબ તવંગરનો કોઈ ભાળ જ નહી !
૩ તરાસા એટલે ત્રાસ, દુઃખ, વેદના, મૃત્યુની પથારી પર સૂતેલા દેહને વેદના ખૂબ થતી હોય છે. જીવ બહાર નીકળવા મથતો હોય ત્યારે શ્વાસો શ્વાસની ક્રિયા ઝડપી બાની જાય છે. ત્યારે વેદનાનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યારે મરનારને તો કાંઈ સુધબુધ પણ નથી રહેતી.
૪. ચતુર શબ્દ અહીં કબીર સાહેબે વ્યંગમાં વાપર્યો છે. ખરેખર જે ચતુર હોય તે તો બુધ્ધિશાળી તો ઈશારામાં સમજે. પરિસ્થિતિની ગંભીરતા તરત જ પરખે અને તે પ્રમાણે નિર્ણય કરે. શબને જોઈને મારી પણ એક દિવસ આવી હાલત થશે એવું વિચારી તે તો ચેતી જાય. જ્ઞાની મરે ત્યારે શરીરની વેદના તો સહન કરે જ પણ પોતાના મનને સ્વસ્થ બનાવીને આસક્તિ હીન થઈ દુઃખ ભોગવે. જ્યારે અજ્ઞાની અસ્વસ્થ થઈને દુઃખ ભોગવે. તેનું મન આસક્ત હોવાથી રડે ને કકળે ! બંને વિદાય લે છે પણ જુદી જુદી માનસિક દશામાં.
Add comment