Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આદિ અંત નહી હોત, બિરહુલી નહિ જર પલ્લવ ડાર બિરહુલી ... ૧

નિસુબાસર નહિ હોત, બિરહુલ પવન પાનિ નહિ મૂલ બિરહુલી
બ્રહ્માદિક સનકાદિક બિરહુલી, કથિ ગયે જોગ અપાર બિરહુલી ... ૨

માસ અસારે સિતલી બિરહુલી, બોઈનિ સાતોં બીજ બિરહુલી
નિત ગોડૈ નિત સીંચૈ બિરહુલી, નિવ નવ પલ્લવ ડાર બિરહુલી ... ૩

છિછિલ બિરહુલી, છિછિલ બિરહુલી રહલ તિહુંલોક બિરહુલી
ફૂલ એક ભલ ફુલલ બિરહુલી, ફૂલિ રહલ સંસાર બિરહુલી ... ૪

સૌ ફૂલ લોઢે સંત જના બિરહુલી, બંદિકે રાઉર જાય બિરહુલી
સો ફૂલ બંદે ભક્તજના બિરહુલી, ડસિગૌ બેતલ સાંપ બિરહુલી ... ૫

વિષહર મંત્ર ન માનૈ બિરહુલી,  ગારુડ બોલે અપાર બિરહુલી
વિષકી ક્યારી તુમ બોયહુ બિરહુલી, અબ લોઢત કાપછિતારુ બિરહુલી ... ૬

જનમ જનમ જમ અંતર બિરહુલી, એક એક કનયર ડાર બિરહુલી
કહંહિ કબીર સચ પાવ બિરહુલી, જો ફલ ચાખહું મોર બિરહુલી ... ૭

સમજુતી

હે વિરહી જીવ નથી તારો અંત. નથી તને મૂળ, નથી પાન કે નથી કોઈ ડાળીઓ ! - ૧

હે વિરહ જીવ, તું સ્વયં પ્રકાશિત હોવાથી ત્યાં દિવસ કે રાત્રિ નથી !  તારું સ્વરૂપ અભૌતિક હોવાથી નથી ત્યાં જગતની ઉત્પત્તિનું કોઈ મૂળ કારણ, નથી ત્યાં પવન કે પાણી !  નિજાત્મ સ્વરૂપ પામવાને માટે બ્રહ્મ અને સનકાદિ ઋષિઓએ અનેક પ્રકારના યોગની વાત કરી છે. - ૨

જેમ અષાઢ મહિનામાં વરસાદ થયા પછી ખેડૂતો જમીનમાં બીજ વાવે છે તેમ દરેક જીવ ઈન્દ્રિયોના પાંચ વિષયો, મન તથા અહંકાર મળીને સાતે જણા કર્મ સંસ્કારનાં બીજ વાવ્યા
કરે છે. ત્યાં ખેડ, ગોડ અને પાણી નિયમિત મળતા હોઈ બીજમાંથી સંસાર રૂપી વૃક્ષ ફાલી ફૂલીને મોટું બંને છે. - ૩

હે વિરહી જીવ !  આ સંસાર રૂપી વેલ તો જોરદાર રીતે વધતી જ રહે છે તેથી તેનો ફેલાવો ત્રણે ભુવનમાં થઈ ગયો છે. તેને એક મન રૂપી ફૂલ ખીલે છે એટલે તેમાંથી એક વિશાળ
સંસાર વિસ્તરે છે. - ૪

હે વિરહી જીવ, આ સંસાર રૂપી વેલ પરથી સંત લોકો મન રૂપી ફૂલને તોડે છે અને આત્મદેવને ચઢાવી, વંદના કરી, સત્યલોકમાં ચાલ્યા જાય છે. પરંતુ જે સકામી ભક્તો છે તે તેની પૂજા વંદના કરે છે તેથી તેમાંથી ઉદ્દભવતો એક કાળના રૂપી ભયંકર સાપ તેઓને ડસી જતો હોય છે !  - ૫

હે વિરહ જીવ !  તે સર્પ એવી રીતે ડસી જાય છે કે તેનું ઝેર ગારુડમંત્ર અનેકવાર બોલવામાં આવે તો પણ ઉતરતું નથી !  હે વિરહ જીવ, તેં જ આ ઝેરની ક્યારી રોપી છે !  હવે મન રૂપી ફૂલ તેના પરથી તોડવા શા માટે દુઃખ અનુભવે છે ?  - ૬

હવે તો હે વ વિરહી જીવ, તું જન્મોજન્મ સુધી યમરાજનાં પાશમાં બંધાયલો રહેશે !  જો તારે તેમાંથી મુક્ત થવું હોય તો તારે સદગુરુના ઉપદેશ રૂપી કનેર વૃક્ષની ડાળી પર લાગેલ
એકાદ ફળ તોડીને ખાવું પડશે !  કબીર કહે કે તું તે ફળ ચાખશે તો તને અવશ્ય સત્યની પ્રાપ્તિ થશે ... ૭

૧. 'બિરહુલી' એટલે વારમાં વ્યાકુળ જીવ. જો કે શાબ્દિક અર્થ 'બિરહુલા' એટલે સાપ અને 'બરહુલી' એટલા સર્પિણી એવો થઈ શકે. પરંતુ અહીં, જીવ પોતાના સ્વરૂપને ભૂલીને દુઃખી થાય છે તે અર્થ અભિપ્રેત છે.

૨. આત્મ સ્વરૂપ નિત્ય શુધ્ધ ને બુધ્ધ જ હોય છે. તે અનાદિને અનંત છે. ત્યાં બાહ્ય જગતની કોઈ મિલાવટ નથી. તે અજર, અમર ને અવિકારી જ છે.

૩. તે આત્મ સ્વરૂપ ને પામવા માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સનક, સનંદન, સનાતન અને સનતકુમાર જેવા મહાપુરુષોએ યોગનુ સાધન બતાવ્યું છે. તે યોગના અનેક પ્રકારો વર્ણવવામાં આવ્યા છે, પરંતુ સૌનો હેતુ તો એક જ છે.

૪. 'અસારે' એટલે અષાઢે - અષાઢ મહિનામાં. ખેડૂતો માટે તે મહિનો વાવણીનો મહિનો માનવામાં આવે છે. વરસાદની અનુકૂળતાએ વાવેલાં બીજ ઊગી નીકળે છે. જે રીતે જીવ પણ પોતાના અંત:કરણમાં ઈન્દ્રિયોના વિષયો દ્વારા, મન અને અહંકાર દ્વારા કર્મ સંસ્કારોનાં બીજ વાવ્યા કરે છે તે માનવનો દેહ મળે છે ત્યારે ઊગી નીકળી છે. બીજ યોનીમાં તે ઊગી નીકળતા જણાતા નથી. માનવ યોનીમાં જ તે ઊગે છે ને મિટાવી શકાય છે.

૫. માનવ યોનીમાં તે બીજને ઊગી નીકળવા માટે યોગ્ય વાતાવરણ મળે છે. રાગદ્વેષ, ગમા-અણગમા દ્વારા બીજ અંકુરિત થાય છે અને તેને અહંકાર દ્વારા પોષણ પણ મળ્યા કરે છે. પરિણામે નવા નવા કર્મો પણ થયા કરે છે. તેથી કર્મી જીવ બંધનોને વધારતો જ જણાય છે. મનમાં કામના જાગી એટલે તેમાં તે પ્રવૃત થવા પ્રયત્ન કરે છે. તે કામનાની તૃપ્તિ માટે તે કદી જંપતો જ નથી.

૬. સંતો કામનાવાળું મન રૂપી ફૂલ તોડી નાંખે છે તેથી તેમાંથી ફળ થવાની શક્યતા રહેતી નથી પરિણામે સંસારમાયતાનો ગર્ભ બંધાતો નથી.

૭. પરંત સકામ ભક્તિમાં ડૂબેલા જીવો તો મન રૂપી ફૂલને તોડવામાં માનતા નથી. તેનું તો તેઓ પોષણ ને વર્ધન કરતા રહે છે. તેથી આખરે કામનાઓ રૂપી ભયંકર સાપનો જન્મ થાય છે ને તે જ સાપ તેઓને ડસી જાય છે. માટે વારંવાર જન્મમરણનાં ફેરામાં પડે છે.

૮. કનેરવૃક્ષનાં પાંચ પ્રકાર હોય છે. લાલ, પીળું, કાળું, ગુલાબી અને સફેદ, લાલ ફૂલ લાગે તેથી લાલ કનેર. સફેદ ફૂલવાળું કનેર અહીં અભિપ્રેત છે. કનેરનું સફેદ ફૂલ વાટીને પાવાથી સર્પનું ઊતરી જાય છે.