કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧લોભ મોહ કે ખંભા દોઉ, મનસા રચ્યો હિંડોર
ઝૂલહિં જીવ જહાંન જહાં લગિ, કિતહૂં ન દેખૌં ૨ઠૌર ... ૧
ચતુર ઝૂલહિં ચતુરાઈયા, ઝૂલહિં રાજા ૩શેષ
ચાંદ સુરજ દોઉ ઝૂલહિં, ઉનહું ન અજ્ઞા ભેષ ... ૨
લખ ચૌરાસી જીવ ઝૂલહિં, ૪રવિ સુત ધરિયા ધ્યાન
કોટિ કલપ જુગ બીતિયા, અજહું ન માને હાન ... ૩
૫ધરતી અકાશ દોઉ ઝૂલહિં, ઝૂલહિં પવના નીર
દેહ ધરી હરિ ઝૂલહિં ઢાઢે, દેખહિં ૬હંસ કબીર ... ૪
સમજુતી
સંસાર રૂપી આ હિંડોળો તો મન દ્વારા રચવામાં આવેલો છે. તેને લોભ ને મોહ રૂપી બે સ્થંભો છે. જ્યાં સુધી જીવ સંસારમાં ઝૂલે છે ત્યાં સુધી તે સ્થિર જણાતો નથી. - ૧
ચતુર ગણાતા લોકો પોત પોતાની ચતુરાઈમાં ઝૂલે છે અને રાજા શેષનાગ પણ (પૃથ્વીને ધારણ કરવાના) મદમાં ઝૂલે છે. ચંદ્ર અને સૂર્ય બેઉ પોત પોતાની મર્યાદામાં ઝૂલ્યા કરે છે, તેઓને સ્થિર થવાની આજ્ઞા હજી લગી મળી હોય તેમ જણાતું નથી ! - ૨
ચોર્યાસી લાખ યોનિઓમાં ઝૂલતાં ઝૂલતાં સર્વ જીવો યમરાજનું જ ધ્યાન ધરતા જણાય છે. કરોડો યુગો વીતી ગયા હોવા છતાં કોઈ પોતાની હાર સ્વીકારતું જણાતું નથી - ૩
ધરતી અને આકાશ, પવન અને પાણી પણ ઝૂલતા જણાય છે. સાક્ષાત હરિ પણ દેહ ધારણ કરીને આ સંસાર રૂપી હિંડોળામાં ક્યારેક ઝૂલે છે. આ બધું દશ્ય જડને ચેતનના વિવેકી
સ્થિરતાપૂર્વક ઉભા ઉભા જોયા કરે છે. - ૪
૧. પ્રથમ હિંડોળામાં, બ્રહ્મરૂપી હિંડોળાના સ્તંભ રૂપી પાપ અને પુણ્યને ગણાવ્યા છે જ્યારે અહીં લોભ અને મોહને સ્તંભ રૂપે દર્શાવ્યા છે. તાત્વિક રીતે વિચારીએ તો બંને એક જ છે. બ્રહ્મરૂપી હિંડોળા પણ મન દ્વારા જ સર્જાતો હોય છે. લોભ-મોહ-કામ, ક્રોધ-મત્સર મદ વિગેરે વિકારોથી મન ગતિશીલ બને છે એટલે હિંડોળાનું સર્જન થતું રહે છે અને જ્યારે મન શાંત બંને છે, વિકારો દૂર થઈ જાય છે ત્યારે સ્થિરતાની પ્રાપ્તિ થઈ જાય છે. હિંડોળો પણ શાંત બની જાય છે.
૨. "ઠૌર" એટલે ઠેકાણું. સંસાર રૂપી હિંડોળામાં મન કાયમ ગતિશીલ રહે છે. તેથી સ્થિરતા પ્રાપ્ત કરવાનું કોઈ સ્થાન મનને મળતું નથી હોતું. મન વિકારો રહિત બને તો મનમાં સંસાર મયતાનો ગર્ભ રહે નહીં અને પરિણામે મન સ્થિરતા ધારણ કરી શકે. મતલબ કે મનની નિર્વિષયી અવસ્થામાં જ મનને શાંત તથા સ્થિર બનવાનું સ્થાન પ્રાપ્ત થાય છે.
૩. પૌરાણિક કથા અનુસાર શેષનાગ પણ રાજા હતા. તેણે પૃથ્વીને ધારણ કરવાથી તેના મનમાં એક પ્રકારનું સૂક્ષ્મ અભિમાન થયા કરતું હતું. તેથી તેનું મન વિકારોથી ગતિશીલ થતું હતું. જે મન ગતિશીલ હોય તે સ્થિરતાનો અનુભવ કેવી રીતે કરી શકે ? તેથી શેષનાગને પણ હિંડોળામાં ઝૂલતો દર્શાવ્યો છે.
૪. "સવીસુત" એટલે સૂર્યપુત્ર યમરાજ. ચોર્યાસી લાખ જીવોને મરણના ભયમાંથી યમરાજનું ધ્યાન કરતા દર્શાવ્યા છે. ભયભીત મન ભગવાનનું ધ્યાન કેવી રીતે કરી શકે સામે મોત દેખાતું હોય ત્યારે ભગવાન કેવી રીતે યાદ આવે ?
૫. ચંદ્ર, સૂર્ય, ધરતી, આકાશ, પાણી, પવન સર્વે પ્રકૃતિના તત્ત્વો છે. તે પોતાની મર્યાદામાં રહીને પોત પોતાનું કર્તવ્ય બજાવી રહ્યા છે. તે સર્વે જડપિંડ ધરાવે છે. તે સ્વાભાવિક ક્રિયાઓમાં ગતિશીલ રહે છે. તેઓમાં નથી મન અને તેથી નથી કોઈ લોભ-મોહાદિ-વિકારો તેથી તેઓ જે રીતે ગતિશીલ છે તેમાં તેઓને કોઈ દુઃખ કે રંજનો અનુભવ નથી થતો. તો કદી થાકતા નથી. તેમ કદી આરામ કરતા પણ નથી. તે રીતે તેઓ ઝૂલતા રહે છે. તેઓ સ્થિરતા પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ માનવને સ્થિરતા પ્રાપ્ત કરવાનો પૂરતો અવકાશ છે. મન વિકારો રહિત કરી દેવામાં આવે તો મન શાંત તે સ્થિર બની શકે છે અને તેવું મન સ્વરૂપમાં સ્થિતિ કરી શકે છે.
૬. "હંસ" એટલે મનની ઉંચી અવસ્થા બતાવતી પદવી. વિવેક જ્ઞાન દ્વારા જ્ઞાની પુરુષ મનને વિકારો રહિત કરી શકે છે. અને તેવું મન નિજ સ્વરૂપમાં લીન બનીને ધન્યતાનો અનુભવ કરે છે. તેવી મનની ઉંચી અવસ્થા "હંસ" શબ્દ દ્વારા દર્શાવવામાં આવી છે.
Add comment