કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હંસા સરવર સરીરમેં, હો રમૈયા રામ
જાગત ચોર ઘર મૂસૈ, હો રમૈયા રામ ... ૧
જો ૨જાગલ સો ભાગલા, હો રમૈયા રામ
સોવત ગૈલ બિગોય, હો રમૈયા રામ ... ૨
આજુ બસેરા ૩નિયરે, હો રમૈયા રામ
કાલ બસેરા દૂરિ, હો રમૈયા રામ ... ૩
જૈહો ૪બિરાને દેશ, હો રમૈયા રામ
નૈન ભરહુગે ધૂર, હો રમૈયા રામ ... ૪
ત્રાસ મથન ૫દધિ મથન કિયો, હો રમૈયા રામ
ભવન મથેઉ ભરપૂરિ, હો રમૈયા રામ ... ૫
ફિરિ કે હંસા ૬પાહુન ભયો, હો રમૈયા રામ
બેધિ ન પદ નિરબાન, હો રમૈયા રામ ... ૬
તુમ હંસા મન માનિક, હો રમૈયા રામ
હટલો ન મનેહુ મોર, હો રમૈયા રામ ... ૭
૭જસ રે કિયહુ તસ પાયહુ, હો રમૈયા રામ
હમ રે દોષ કા દેહુ, હો રમૈયા રામ ... ૮
અગમ કાટી ગામ કીયહુ, હો રમૈયા રામ
૮સહજ કિયહુ વૈપાર, હો રમૈયા રામ ... ૯
રામનામ ધન બનિજ, હો રમૈયા રામ
લાદે હુ બસ્તુ ૯અમોલ, હો રમૈયા રામ ... ૧૦
૧૦પાંચ લદનુવા ખાગિ પરે, હો રમૈયા રામ
૧૧નૌ બહિયા દાસ ગૌનિ, હો રમૈયા રામ ... ૧૧
પાંચ લદનુવા ખાગિ પરે, હો રમૈયા રામ
૧૨ખાખરિ ડારિનિ ફોરિ, હો રમૈયા રામ ... ૧૨
સિરધુનિ હંસા ઉડિ ચલે, હો રમૈયા રામ
સરબર મીત જોહારિ, હો રમૈયા રામ ... ૧૩
આગિ જો લાગિ સરબસમેં, હો રમૈયા રામ
૧૩સરબર મીત જોહારિ, હો રમૈયા રામ ... ૧૪
આગિ જો લાગિ સરબર મેં, હો રમૈયા રામ
સરબર જરિ ભૌ ધૂરિ, હો રમૈયા રામ ... ૧૫
કહંહિ કબીર સુનો સંતો, હો રમૈયા રામ
૧૪પરખિ લેહુ ખરા ખોટ, હો રમૈયા રામ ... ૧૬
સમજૂતી
સર્વ શરીરોમાં રમી રહેલા હે જીવાત્મા રૂપી રામ, તું તો આ શરીરરૂપી સરોવરની હંસ છે ! તું જાગતો હોવા છતાં તારા હૃદયરૂપી ઘરમાંથી કામ ક્રોધાદિ રૂપી ચોર વિવેક જ્ઞાન રૂપી જ્ઞાનની ચોરી કર્યા કરે છે (તેથી સાવધાન થઈ જા !) ... ૧
જેનામાં જ્ઞાનની જાગૃતિ આવી જાય છે તે પ્રપંચોથી દૂર થઈ ભાગી જઈ શકે છે. જે અજ્ઞાનતામાં સૂઈ રહે છે તે સર્વ પ્રકારે ધન ખોય બેસે છે ... ૨
હે રમતા રામ,આજે તો આ સ્થિતિમાં તું પરમાત્માની સાવ નજીક ગણાય ! આવતી કાલે સ્થિતિ બદલાતાં તું દૂર ફેંકાઈ જશે (તેથી તું સાવધાન થઈ જા !) ... ૩
હે રમતા રામ, આ શરીરરૂપી સ્વદેશ છોડીને તું અન્ય કોઈ યોનીરૂપી વિદેશમાં પહોંચી જશે ત્યારે તારી આંખ અજ્ઞાનતાની ધૂળથી ભરાય જશે ! ... ૪
દુઃખોના ભયે તારા મનમાં દહીં વલોણાની માફક કાયમ મંથન તો જગવ્યું અને ભોગાસકત મન આ શરીરરૂપી ભુવનમાં (સુખ શાંતિ મેળવવા) અતિશય મથ્યું ! ... ૫
હે રમતા રામ, પહેલાંની જે ફરીથી તું આ સંસારમાં મહેમાન બનીને આવ્યો છે છતાં તે હજી સુધી બ્રહ્મપદની પ્રાપ્તિ કરી નથી. ... ૬
હે જીવ ! તું તો આત્મસ્વરૂપ છે અને તારું મન તો માણેક જેવું અણમોલ છે છતાં તું મારું માનતો નથી (તેથી તું અટવાય છે) ... ૭
હે જીવ ! જેવા તું કર્મ કરે છે તેવા જ ફળ પણ પામે છે તેમાં મને દોષ શા માટે દે છે ? (એટલું તો તું જરા વિચારી લે) ... ૮
હે રમતા રામ, અનેક જન્મોનું દુઃખ સહેતાં સહેતાં અગમ્ય ગણાતો રસ્તો પાર કરી તેં આ માનવરૂપી શરીર પ્રાપ્ત કર્યું છે છતાં તું કુદરતી વ્રુતિઓનો ભોગ બની અનેક પ્રકારનાં કર્મો કર્યા કરે છે (તેથી તારું કલ્યાણ થતું નથી.) ... ૯
હે જીવ, તું રામનામનો મર્મ જાણ્યા વિના રામનામની ભક્તિ વેપાર કરવા માંડી પડ્યો છે તે અનમોલ વસ્તુનો દુરપયોગ જ છે. ! ... ૧૦
પાંચ તત્વના આ શરીરરૂપી બળદ પર મનોરથોનો ભાર લાદીને નવ નાડીઓ રૂપી વાહક સાથીદાર સાથે દસ ઈન્દ્રિયો રૂપી કોથળા ભરીને હે જીવ, તું વેપાર કરવા નીકળ્યો છે ! ... ૧૧
હે રમતા રામ, પાંચ તત્વોનો આ શરીર રૂપી બળદ આખરે મૃત્યુરૂપી ખાડામાં પડશે અને લોકો તેની ખોપરી ફાડી નાખશે (ત્યારે શું થશે?) ! ... ૧૨
પશ્વાતાપથી માથુ અફાળતો અફાળતો આ શરીરરૂપી સરોવરના મિત્રને અંતિમ કાળે પ્રણામ કરીને હે હંસ સ્વરૂપ જીવ, તું ઊડી જતો હોય છે ! ... ૧૩
હે રમતા રામ, તારા આ શરીરરૂપી સરોવરમાં છેલ્લે તો આગ જ લગાડવામાં આવે છે અને તે સરોવર જોતજોતામાં બળીને ભસ્મીભૂત પણ થઈ જાય છે ! ... ૧૪
કબીર કહે છે કે હે સંતો, સાંભળો ! આ રમતા રામે રામનામની ભક્તિના વેપારમાં ખોટ કરી કે નફો કર્યો તેની બરાબર તપાસ કરી લો (તો કલ્યાણની માર્ગ મળશે.) ... ૧૫
૧. બેલી એટલે વેલ. માયારૂપી વેલ. સાખી પ્રકરણમાં પણ કબીર સાહેબે માયાને વેલ તરીકે વર્ણવી છે :
યે ગુનવંતી વેલરી, તવ ગુન બરનિ ન જાય
જહું કાટે ટહુ હરિયરી, સંચે તે કુમ્હિલાય !
અથાર્ત હે ત્રણ ગુણવાળી માયારૂપી વેલ, તારું વર્ણન થઈ શકે એમ નથી ! જેમ જેમ તને કાપવામાં આવે છે તેમ તેમ તું લીલીછમ બનતી જાય છે અને જેમ જેમ ભક્તિ રૂપી વાણી સીંચવામાં આવે છે તેમ તેમ તું કરમાવા માંડે છે.
૨. જ્ઞાનરૂપી જાગૃતિ. જે જાગે છે તે પ્રપંચોથી મુક્ત બને છે અને જે જાગતા નથી તે સર્વ પ્રકારે નાશ નોતરે છે.
૩. ‘નિયરે’ શબ્દ અંગ્રેજી Near યાદ અપાવે છે. બંનેનો અર્થ પાસે થાય છે.
૪. માનવ યોનિ સ્વદેશ ગણાય છે. સ્વેદેશમાં મુક્તિનું સાધન કરી શકાય છે કારણ કે બધી જ સગવડ મળે છે. પરંતુ તે સિવાયની તમામ યોનિ પરદેશ ગણાય છે, જ્યાં મુક્તિ પ્રાપ્ત કરવાની કોઈ સગવડ નથી.
૫. જન્મ મરણમાં દુઃખોનો ભયે તે કેવી રીતે છૂટવું તે માટે મનોમંથન તો કર્યું પણ યોગ્ય માર્ગ ન મળવાનો કારણે તે આ શરીર દ્વારા અવળા કાર્યો ઘણાં કર્યા જેને કારણે તને નિષ્ફળતા જ મળી છે.
૬. ફરીથી આ માનવ શરીર મળ્યું છે તો તેને સોનેરી તક માની તું ચેતી જા. મહેમાન જે ઘરમાં જાય છે ત્યાં આસક્તિ કરતો નથી. કારણ કે તેને ખબર છે કે તે થોડા સમયનો મહેમાન છે. તેથી તું પણ આસક્તિ રહિત થઈ તારા પોતાના સ્વરૂપમાં સ્થિર થવા પ્રયત્ન કર !
૭. કર્મના સિદ્ધાંતમાં કબીર સાહેબ પણ માનતા હતા તે બીજકમાં અનેક જગ્યાએ વ્યક્ત થયું છે. શબ્દ પ્રકારમાં “કર્મગતિ ટારેનવ ટરી” એવી સ્પષ્ટતા કરી છે.
૮. સહજ શબ્દ માનવમાં જણાતી કુદરતી વૃત્તિઓ તરફ અંગુલિ નિર્દેશ કરે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદને મત્સર અને સાહજિક વૃત્તિઓ ગણાય છે. એ વૃત્તિઓ મનના નિરોધથી શાંત કરી શકાય છે. તેથી અહીં આડકતરી રીતે મનના નિરોધની અનિવાર્યતા પણ દર્શાવી છે.
૯. ભક્તિને નામે ચાલતા ધતિંગોમાં જ માનવ રચ્યો પચ્યો રહે તો માનવનું કદી કલ્યાણ થતું નથી. બાહ્યાચાર, મિથ્યાચાર, આડંબર ભક્તિને નામે સમાજમાં ચાલ્યા કરતા હોય છે. તેમાંથી મુક્ત થયા વગર રામનામની ભક્તિનું ફળ પ્રાપ્ત થતું નથી. તેથી સાખી પ્રકરણમાં પણ કબીર સાહેબે ચતવણી ઉચ્ચારી છે :
કામી ક્રોધી, લાલચી, ઈન સેં ભક્તિ ન હોય
ભક્તિ કરૈ કોઈ સૂરમા, જાતિ બરન કુલ ખોય.
અર્થાત્ કામી, ક્રોધી, લાલચી લોભી માણસોથી સાચી ભક્તિ થઈ શકતી નથી. સાચી ભક્તિ તો જે જાતિ, વર્ણ અને કુળના અભિમાનથી મુક્ત થયા હોય તે શૂરવીર માણસ જ કરી શકે ! તેથી અહીં કબીર સાહેબે રામનામના વેપાર કરવામાં જીવને માનવ જન્મ મિથ્યા ન વીતે તે જોવાની સલાહ આપી છે. જો સાચી ભક્તિ ન કરે તો માનવ જન્મ મિથ્યા જ વેડફાયલો ગણાય !
૧૦. પંચમહાભૂતનો આ દેહ: પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ, વાયુ એ પાંચ મહાભૂતોના તત્વો ગણાય. તેનું આ શરીર બને છે. તેનો બળદની માફક ઉપયોગ કરવાથી રત્ન ચિંતામણિ આ દેહનો દૂરપયોગ કરેલો ગણાય.
૧૧. “નો બહિયા” - નવ સાડીઓ: પુહુષા, પયસ્વની, ગંધારી, હસ્તિની, કુહૂ, શંખિની અલંબુષા, ગણેશિની તથા વારુણી.
૧૨. શરીરનું મૃત્યુ થાય ત્યારે સ્મશાનમાં ડાઘુ લોકો ચિતા પર શબને સુવાડી સળગાવે છે. તે બરાબર સળગે છે કે નહીં તેની તેઓ સંભાળ રાખે છે. સારી રીતે સળગે તે માટે ડાઘુઓ વાંસ વડે કોપરીને ફટકા મારીને ફોડતા હોય છે.
૧૩. શરીર રૂપી સરોવર તો જીવાત્માનો મિત્ર ગણાય. મિત્ર કલ્યાણનું ઘણું કામ કરી શકે છે. તેથી (શાસ્ત્રોએ) – “શરીરમાદ્ય ખલુ ધર્મ સાધનમ” એવો ઉપદેશ આપ્યો છે. શરીર દ્વારા જ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી તેની સાથે મિત્રતાપૂર્વક વ્યવહાર કરવો જરૂરી છે.
૧૪. જીવાત્માએ કેવી ભક્તિ કરી ? રામનામના નામે માત્ર ચરી ખાધું કે કાંઈ કલ્યાણનું કાર્ય કર્યું ? સકામ ભક્તિ કરી કે નિષ્કામ ભક્તિ કરી ? સંપૂર્ણ તપાસ એ રીતે કરવી જરૂરી છે.
Add comment