કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જારહુ જગકા નેહરા, મન બૌરા હો
જામેં સોગ સંતાપ સમુજુ, મન બૌરા હો ... ૧
તન ધન સે કયા ગર્વ સી, મન બૌરા હો
ભસમ કીન્હ જા કે ૧સાજ, સમુજુ મન બૌરા હો ... ૨
બિના ૨નેવકા દેવઘરા, મન બૌરા હો
બિનુ ૩કહગિલક ઈંટ, સમુજુ મન બૌરા હો ... ૩
૪કાલબૂત કી હસ્તિની, મન બૌરા હો
૫ચિત્ર રચો જગદીશ, સમુજુ મન બૌરા હો ... ૪
કામ અંધ ગજ બસિ પરે, મન બૌરા હો
અંકુસ સહિયો સીસ, સમુજુ મન બૌરા હો ... ૫
૬મરકટ મૂઠી સ્વાદ કી, મન બૌરા હો
લીન્હો ભુજા પસારી, સમુજુ મન બૌરા હો ... ૬
૭છૂટન કી સંશય પરી, મન બૌરા હો
ઘર ઘર નાચેઉ દ્વાર, સમુજુ મન બૌરા હો ... ૭
સમજૂતી
સંસારનો પ્રેમ શોક અને સંતાપથી ભરેલો છે તે હકીકત પાગલ મન, તું બરાબર સમજી લે ! - ૧
શરીર અને ધનસંપત્તિનો વળી ગર્વ કેવો ! તે તો ક્ષણમાત્રમાં ભસ્મ થઈ જનારો છે, તેનો બરાબર વિચાર કરી સમજી લે ! - ૨
હે પાગલ મન, આ દેહ રૂપી મંદિર તો સાવ પાયા વિનાનું જ છે. એટલું જ નહીં પણ તેની દીવાલો પણ ગારા વિના ઈંટથી જ બનાવેલી, તેથી તું તેનો બરાબર વિચાર કરી લે ! - ૩
એ તો હાથીને ફસાવવા માટે બનાવટી કાગળની હાથણી મૂકેલી છે. પરમાત્મા રૂપી ચિત્રકારે એ તો માત્ર ચિત્ર ખડું કર્યું છે માટે પાગલ મન, તું બરાબર વિચારી લે ! - ૪
હે પાગલ મન, હાથી કામાંધ હોવાથી તેવા બનાવટી ચિત્ર જોઈને જ મોહિત થઈ જાય ચ છે અને તેથી જ તેને માથામાં અંકુશનું દુઃખ કાયમ સહન કરવું પડે છે તે તું સમજી લે ! - ૫
સ્વાદ લોલુપ વાંદરો સાંકડા મોઢાના ઘડામાં હાથ નાખી મૂઠી તો ભરી લે છે પણ તે પોતાનો હાથ બહાર કાઢી શકતો નથી અને પકડાય જાય છે તે હકીકત બરાબર હે પાગલ મન, તું વિચારી લે ! - ૬
હવે કેમ કરી છૂટી શકાશે એવી શંકામાં ડૂબેલા વાંદરાને આખરે તેનો માલિક ઘરે ઘરે ફેરવીને નચવતો હોય છે તે સત્ય તું પણ સમજી લે ! - ૭
૧. સાજ એટલે શણગાર અથવા તો સમૃદ્ધિનાં પ્રદર્શનનો ઠઠારો. ગમે તેટલું સુંદર શરીર હોય અને તેને મોહક રીતે શણગારવામાં આવ્યું હોય તો પણ તે તો સ્મશાનમાં બળીને ભસ્મ થઈ જાય છે. શરીર તો સાધનમાત્ર છે, તેમાં આસક્ત થનાર જીવનનો ઉદ્દેશ ભૂલી જતો હોય છે તેથી તેવું ગાંડપણ ન કરવા માટે કબીર સાહેબ અહીં માર્ગદર્શન આપી રહ્યા છે.
૨. દેવઘર એટલે આત્મદેવનું મંદિર. આ શરીર રૂપી મંદિર. તેનો પાયો જ કરવામાં આવ્યો નથી. એટલે તે ક્યારે કડડભૂસ થઈ જશે તે કોણ કહી શકે ?
૩. એટલું જ નહીં પણ આ દેહરૂપી મંદિરની દીવાલોનું ચણતર પણ કરવામાં આવ્યું નથી. માત્ર એમ જ ઈંટો ગોઠવી દેવામાં આવી છે. તેથી પણ તે ક્યારે ધરાશાયી થઈ જાય તે કેવી રીતે કહી શકાય ? ‘કહગિલ’ એટલે ચણતર કરવા માટેનો ગારો. પહેલાના જમાનામાં માટીનો કોલ બનાવી કાચું ચણતર કરવામાં આવતું. સિમેન્ટનો ઉપયોગ થતો નહીં. ત્યારે કદાચ સિમેન્ટ હતી પણ નહીં ! માટીથી ઘરો ચણવામાં આવતા હતા.
૪. હાથીને જંગલમાં પકડવાણી પદ્ધતિ સમજવા જેવી છે. એક ખાડો કોદવામાં આવે છે. તેની લીલા ઘાસથી ઢાંકી દેવામાં આવે છે. તેની એક બાજુ હાથણીનું સુંદર ચિત્ર બનાવી મુકવામાં આવે છે. તે ચિત્ર આબેહૂબ હોય છે તેથી તે જોઈને હાથી કામાંધ બની જાય છે. હાથી તેની પાસે આવી તેને આલિંગવા પ્રયત્ન કરે છે ત્યારે તે હાથી પેલા ખાડામાં પડી જાય છે. તે ખાડો ઊંડો હોવાથી નીકળી શકાતું નથી. તે પરાધીન બની જાય છે. તેથી તે માણસના બંધનમાં પડે છે અને તેથી અંકુશનું દુઃખ તેણે સહન કરવું જ પડે છે. તેવી જ રીતે માનવ પણ જડ શરીરનું રૂપ જોઈને આસક્ત બની જાય છે અને ગૃહસ્થાશ્રમના ખાડામાં પડીને પાર વિનાની પીડા ભોગવે છે.
૫. પરમાત્મા એ ચિત્રકાર છે અને સંસાર એનું ચિત્ર છે. તેથી તે ચિત્ર હકીકતે મિથ્યા ગણાય. તેમાં આસક્તિ કરનાર ભ્રમમાં પડે છે.
૬. વાંદરો બોરથી ભરેલા ઘડો જોઈને આનંદિત થઈ જાય છે. તે પોતાનો હાથ ઘડામાં નાખીને મોટી મૂઠી ભરવા પ્રયત્ન કરે છે. પરંતુ ઘડાનું મોઢું તો સાવ સાંકડું છે તેનું તેણે ભાન રહેતું નથી. પરિણામે તેનો હાથ નીકળી શકતો નથી. ત્યારે તે એવું માની બેસે છે કે મને ઘડાએ પકડી લીધો !
૭. ખરેખર તો વાંદરો પકડાય જતો હોય છે અને તેનો માલિક તેને ઘરે ઘરે નચવીને પોતાનું પેટ ભરતો હોય છે. માનવની પણ એવી દશા લોભને કારણે થતી હોય છે અને બંધનના મિથ્યા ભાવમાં દુઃખી થતો રહે છે.
Add comment