કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હમરે કહલકે નહિ પતિયાર, આપુ બૂડે નલ સલિલ ધાર ... ૧
અંધ કહે અંધા પતિયાય, જસ બિસુવા કે લગન ધરાય
સો તો કહિયે ઐસા અબૂઝ, ખસમ ઢાઢ ઢિંગ નાહિ સૂઝ ... ૨
આપન આપન ચાહૈ માન, જૂઠ પ્રપંચ સાચ કરી જાન
જૂઠા કબહુ ન કરિહૈ કાજ, હૈં બરજોં તોહિ સુનુ નિલાજ ... ૩
છાંડહુ પાખંડ માનો બાત, નહિ તો પરબેહુ જમ કે હાથ
કહંહિ કબીર નર કિયા નખોજ, ભટકહિ મુવલ જસ બનકે રોઝ ... ૪
સમજૂતી
આમારા કથનમાં કોઈ જીવ વિશ્વાસ કરતો નથી તે ખુદ સંસાર સાગરની ધારામાં ડૂબી મરે છે ... ૧
આંધળો માણસ આંધળાની વાણીમાં વિશ્વાસ મૂકે છે. વેશ્યાના લગ્ન નક્કી થયા એવી જૂઠી વાતને સાચી માની લેવા જેવી આ વાત ગણાય ! જેમ વ્યભિચારી સ્ત્રી પોતાનો પતિ બાજુમાં ઊભો હોય તો પણ બીજા પુરુષની ઈચ્છા કરે છે તેમ અવિવેકી લોકો પોતાનો સ્વામી પ્રભુ પોતાની પાસે હોવા છતાં અન્ય દેવદેવીઓની પાછળ દોડે છે ... ૨
સંપ્રદાયી લોકો પોત પોતાના માન વધારવામાં જૂઠ પ્રપંચને પણ સત્ય સમજે છે. પરંતુ હે નિર્લજ જીવ, સાંભળ ! હું તને તે તરફ જતાં રોકું છું કારણ કે તેવા જુઠથી કોઈનું પણ કલ્યાણ થઈ શકતું નથી ... ૩
તેથી તે પાખંડને તું છોડ અને મારું કહ્યું માન, નહીં તો યમના હાથોમાં સપડાય જશે. કબીર કહે છે કે જીવ (પોતાના મનને) સ્થિર કરીને પોતાની અંદર ખોજ કરતો નથી તે જંગલી પશુ રોઝ માફક ભટકી ભટકીને મરી જાય છે. ... ૪
૧. શ્રી સદગુરુ કબીર જીવનમુક્ત અવસ્થા પર હોવાથી તેઓ સંસાર રૂપી સમુદ્રને કાંઠે ઊભા રહી સર્વ જીવોને ચેતવણી આપી રહ્યા છે. કબીર સાહેબના હૃદયમાં આપર કરુણાને જીવો માટે અનહદ પ્રેમ છે. તે જીવો સંસાર રૂપી સમુદ્રમાં ન્હાવા પડયા છે. તેઓને સમુદ્રના પ્રચંડ મોજાઓ ઘસડી ન જાય તે માટે કબીર સાહેબ ચેતવી રહ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે કોઈ જીવ કબીર સાહેબની વાણીમાં વિશ્વાસ મૂકી અમલ કરતું જણાતું નથી !
૨. જગતમાં અજ્ઞાની ગુરુઓને આંધળા કાહેવામાં આવ્યા છે. તેવા ગુરુના અનુયાયી લોકો તો અજ્ઞાની છે જ. તેથી તે સૌ પણ આંધળા જ ગણાય. તેથી જેમ આંધળો આંધળાને દોરે તેવું સંસારનું ચિત્ર જણાય છે.
૩. બિસુવા એટલે વેશ્યા. વેશ્યા કદી લગ્ન કરતી નથી. છતાં કોઈ કહે કે વેશ્યાના લગ્ન નક્કી થયા તો તે સમાચાર સાચા કોણ માને ? જે સાચા માને તે કેટલા જ્ઞાની ગણાય ?
૪. અવિવેકી માણસો અથવા અણસમજુ લોકોનું વર્તન વ્યભિચારી સ્ત્રી જેવું હોય છે. વ્યભિચારી સ્ત્રી પોતાના પતિ બાજુમાં ઊભો હોય તો પણ તેની પરવા કરતી નથી. તે તો બીજાની જ ઈચ્છા કરતી રહે છે. તેમ અણસમજુ લોકો પોતાની અંદર આતમરામ રૂપી સ્વામી બેઠો છે તેની દરકાર કરતા જણાતા નથી અને વધારામાં મંદિરોમાં કે તીર્થ સ્થાનોમાં જઈ અનેક પ્રકારના દેવદેવીઓની પૂજા કરવા મંડી પડતા હોય છે. ખસમ એટલે સ્વામી. ઢિંગ એટલે પાસે. ઢાઢ એટલે ઊભેલા.
૫. અહીં સંપ્રદાયના મહંતો-ગુરુઓ યાદ આવે છે. તે સૌ પોતપોતાની માન મર્યાદા વધારવા હરહમેશ યોજનાઓ ગઢતા હોય છે. તેમાં છલ કપટ પુષ્કળ પ્રમાણમાં રહેલા હોય છે. પરંતુ અજ્ઞાની શિષ્ય સુમદાય તે સમજી શકતો નથી. તેથી તેવા શિષ્યો દ્વારા તેઓનો ધંધો સારા પ્રમાણમાં ચાલતો હોય છે.
૬. કબીરસાહેબ તેવા ગુરુઓને અને શિષ્યોને નિર્લજ્જ કહે છે. અહીં ભોળા અજ્ઞાની લોકોને ઉદ્દેશીને કબીર સાહેબ સંબોધન કરી રહ્યા છે. તેવા ભોળા લોકોનો થતો વિનાશ કબીર સાહેબ કોઈ પણ હિસાબે રોકવા માંગે છે.
૭. બનકે રોઝ એટલે નીલગાય. જંગલી પશુ. તે જરા જરામાં ડરથી ચમકતું રહે છે. જેવુ ચમકે, તેવું જ તીવ્ર ગતિમાં ભાગે. તેવી તેની સ્થિતિમાં તે કદી નિરાંતે બેસી શકતું નથી. તે અહીં તહી ભટકતું જ રહે છે. અહીં કે સિદ્ધાંત કબીર સાહેબે રજુ કર્યા છે. જે ભટકે છે તે પોતાની અંદર આત્મતત્વની કોજ કરી શકે નહીં. જે સ્થિર છે અથવા તો જે નિરાંતથી બેઠો છે તે જ પોતાની અંદર સંશોધન કરી શકે છે. તે જ આત્મસ્વરૂપને પામી શકે છે. માટે જે જીવ સ્થિર થવા પ્રયત્ન કરશે તો પોતાના ચંચળ મનને સ્થિર કરી શકશે તે પોતાના જીવનને સફળ બનાવી શકશે.