Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બુઢિયા હસી બોલે મૈં નિતહિ બારિ, મોંસો તરુનિ કહુ કવનિ નારિ ? ... ૧

દાંત ગયલ મોરે પાન ખાત, કેસ ગયલ મોરે ગંગ ન્હાત
નયન ગયલ મોરે કજરા દેત, બયસ ગયલ પર પુરુષ લેત ... ૨

જાન પુરુષવા મોરે અહાર, અનજાને કા કરૌં સિગાંર
કહંહિ કબીર બુઢિયા આનંદગાય, પૂત ભતાર હિ બૈઠી ખાય ... ૩

સમજૂતી

માયા રૂપી ડોસી હસતાં હસતાં કહ્યા કરે છે કે હું તો હમેશ બાલિકા જ છું. મારાથી અધિક તરુણ સ્ત્રી આ સંસારમાં બીજી કોણ છે ?  - ૧

મારા દાંત તો પાન ખાવાથી પડી ગયેલા ને વાળ તો ગંગા સ્નાન કરતા કરતા ખરી પડેલા !  મારી આંખો તો અંજન કરવાથી જ આંધળી થઈ ગયેલી ને મારી યુવાની પર પુરુષ સાથે સંભોગ કરવાથી વીતી ગયેલી !  - ૨

આ સંસારમાં જેટલા અજ્ઞાની પુરુષો છે તે સૌ મારો શણગાર છે અને જેટલા જાણકાર ગણાતા છે તે સૌ મારો રોજનો ખોરાક છે !  કબીર કહે છે કે તે વૃદ્ધ સ્ત્રી બેઠી બેઠી પોતાના પતિને પુત્ર સહિત ખાય રહી છે અને આનંદ માણી રહી છે !  - ૩

૧. માયાની શક્તિને સુંદર રીતે સમજાવતું આ આખું યે પદ રૂપક છે. શાસ્ત્ર ગ્રંથો માયાને અનાદિ કહે છે. તેથી માયાને વૃદ્ધા રૂપે ચીતરવામાં પૂરેપૂરું ઔચિત્ય જળવાયું છે. તે ઉમરમાં મોટી લાગે છે પણ ખરેખર તો તે સાવ યુવાન છે.

૨. તેથી તે હસી હસીને સૌની જાણે કે મશ્કરી કરે છે. તે એકી વખતે અનેક રૂપો ધરી શકે છે અને સૌને ભ્રમમાં નાંખી છેતરી પણ શકે છે તે તેની વિશિષ્ટતા છે. કબીર સાહેબે તે અંગે સાખી પ્રકરણમાં જણાવ્યું જ છે.

માયા તો ઠગની ભઈ, ઠગત ફીરૈ સબ દેસ
જા ઠગ યા ઠગની ઠગી તા ઠગ કો આદેશ.

અર્થાત્ સમસ્ત જગતને માયા કાયમ ઠગ્યા જ કરે છે તેથી તે મોટી ઠગારી કહેવાય. પરંતુ જે ઠગે તે માયાને ઠગી હોય તે જ આવો ઉપદેશ આપી શકે છે. માયાને ઠગનાર સાચા સંતો જ માયા વિષે સ્પષ્ટ કહી શકે છે.

૩. આ સંસારમાં ઉદભવની સાથે જ તે પણ અનાદિકાળથી જગતમાં પોતાનો પ્રભાવ પાથરી રહી છે તેથી માયા ખૂબ પુરાણી કહેવાય. પણ તે નિત્ય યુવાન અવસ્થામાં જ રહે છે તે તેનું ખરું સ્વરૂપ છે. ‘બારિ’ એટલે બાલિકા અથવા તરુણી. માયા બાળકને સાથે બાળક બનીને, ભોગીની સાથે યુવાન બનીને અને જ્ઞાનીની સાથે વૃદ્ધા બનીને પોતાની શક્તિનો પરિચય પુરાતન કાળથી આપ્યા જ કરે છે.

૪. માયાના ઘડપણના વર્ણન પાછળ અહીં મોટો કટાક્ષ છૂપાયલો છે. જીવ ભોગોને ભોગવતો નથી પણ ખુદ ભોગ જ જીવને ભોગવતો હોય છે તે વ્યંગ્યાત્મક રીતે અહીં દર્શાવ્યું છે.

૫. બાહ્યાચાર ખરેખર મિથ્યાચાર જ હોય છે તે પણ ગંગાસ્નાનના ઉલ્લેખથી દર્શાવ્યું છે. વહેમ અને અંધ શ્રદ્ધા બાહ્યાચારને પોષે છે ને અજ્ઞાની જીવો તેનું આચરણ કરી પુણ્ય કમાયાનું ગૌરવ અનુભવે છે પણ આખરે તે મિથ્યા નીવડે છે. અંતકાળે જીવને ભાન થતું હોય છે જ્યારે તે કાંઈ જ કરી શકવાને અસમર્થ હોય છે.

૬. ‘જાન પુરુષવા’ એટલે જાણવાનો દાવો કરનારા પુરુષો. તેવા પુરુષો માત્ર પુસ્તિક્યું જ્ઞાન ધરાવતા હોય છે. તેવા પુરુષો ક્યાંક ધર્મગુરુનાં સ્વાંગમાં ગાદીપતિ કે મઠાધિપતિ તરીકે પોતાની જાતને ઓળખાવતા હોય છે તો ક્યાંક પંડિતના સ્વાંગમાં શાસ્ત્રાર્થ કરવામાં પોતાને હોંશિયાર માનતા હોય છે.

કબિરા માયા મોહિની મોહે જાન સુજાન,
ભાગે હૂં છૂટે નહીં, ભરિ ભરિમારૈ બાન.

માયાની મોહિનીએ તો ભલભલા પંડિતોને અને વિદ્વાનોને મોહિત કરી દીધાં છે. તેનાથી ભાગવા પ્રયત્ન કરે છે છતાં કોઈ તેના પાશમાંથી છૂટી શક્યું નથી કારણ કે તે મોહ રૂપી બાણનો મારો કાયમ ચલવ્યે જ રાખે છે !  એવી જાણકાર વ્યક્તિને માયાના ખોરાક તરીકે વર્ણવી કબીર સાહેબે પંડિતનોના મિથ્યાભિમાનની બરાબર ઠેકડી ઉડાવી કહેવાય !

૭. પૂત = પુત્રો ને ભતાર = પતિ. જીવો તે ઈશ્વરને પુત્રો ગણાય ને ઈશ્વર તે માયાપતિ ગણાય. બંનેનો માયા આનંદથી ઉપભોગ કરતી રહે છે. તે સીતાનું હરણ કરાવી રામને રડાવે છે. બ્રહ્માને કામતુર બનાવી પુત્રી પર કુદષ્ટિ કરાવે છે, શિવને પાર્વતીની હાજરીમાં મોહિની સ્વરૂપ દેખાડીને મોહિત બનાવે છે ને વિષ્ણુ ભગવાનને અનેક અવતાર લેવાની ફરજ પણ પાડે છે.