Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

માઈ મોર મનુસા અતિ સુજાન, ધંધા કુટિ કરત બિહાન ... ૧

બડે ભોર ઉઠિ આંગન બાઢુ, બડે ખાંચ લે ગોબર કાઢુ
બાસિ ભાત મનુસ લૈ ખાએ, બડો ઘૈલ લૈ પાની જાએ ... ૨

અપને સૈંયાકો મૈં બાંધો પાટ, લૈ બે ચોંગી હાટેહાટ
કહંહિ કબીર યે હરિ કે કાજ, જોઈયા કે ડિંગ રહિ કવનિ લાજ ... ૩

સમજૂતી

હે માડી, મારો પતિ તો ઘણો સમજદાર ને શાણો છે કારણ કે તે મારે રાતદિવસ ધંધામાં કુટાયા કરે છે !  ... ૧

તે તો વ્હેલી સવારે ઉઠીને આંગણુ પણ વળી ઝૂડીને સાફ કરી નાખે ને ટોપલી ભરી ભરી વાસીદૂં ય નાખી દે છે. ખાવામાં કાંઈ ચૂંધી કરતો નથી કારણ કે તે વાસી ભાત પણ ખાય લે છે અને તે જાતે જ મારે માટે પાણી ભરવા મોટો ઘડો લઈને જતાં ખંચકાતો નથી ... ૨

હું મારા પતિને કપડાંની પોટલીમાં બાંધી દઈશ અને બજારે બજારે તેને લઈ જઈને વેચીશ. કબીર કહે છે કે હરિનું કાર્ય કરવામાં માયા પાછળ પડતી નથી. પત્નીની સોડમાં ભરાઈ રહેતા પતિને વળી શરમ કેવી ?  ... ૩

૧. આ એક સુંદર રૂપક છે. પિયરમાં આવેલી નવોઢા પોતાની માતાને સાસરે પોતે ઘણી સુખી છે એવુ કહી ગૌરવ અનુભવે છે. અહીં નવોઢા અવિદ્યાને ગણીશું તો તેની માતા તરીકે માયાને માનવી પડશે. અવિદ્યા માયામાંથી જન્મે છે એટલે અવિદ્યાની માતા માયા જ ગણાય !

૨. અવિદ્યાનો પતિ તે જીવાત્મા. અવિદ્યા તેને કહ્યાગરો કંથ કહે છે. “અતિ” શબ્દમાં વ્યંગ છે. સમજદાર હોય તે તો સારું પણ વધારે પડતો સમજદાર હોય તે હાનિકારક ગણાય. તેથી પત્નીને મજા પડે છે. પત્નીના સુખને માટે તે ગમે તે કાર્ય હંમેશ તૈયાર રહે છે. જન્મે ત્યારથી મરે ત્યાં સુધી તે કામના બોજા હેઠળ જીવતો હોય છે. તેની સવાર કદી થતી જ નથી. એટલે કે તેનું કલ્યાણ કદી થતું જ નથી !

૩. વહેલી સવારે ઉઠવું એટલે જીવનું બીજા શરીરમાં જન્મવું. જન્મતાંની સાથે જ જીવ પોતાના શરીરની રક્ષામાં ગ્રસ્થ બની જાય છે. આંગણને સાફ કરવું એટલે શરીરરૂપી આંગણની સુરક્ષા માટે પ્રપંચોની જાળ ગૂંથવી.

૪. ગોબર એટલે છાણ. કોઢમાંથી વાસીદું નાખવાની પ્રથા આજે પણ ગામડાઓમાં ચાલે છે. દરરોજ સવારે તે કાર્ય કરવું પડતું હોય છે. છતાં વાસીદુંનો અંત આવતો નથી. મતલબ કે સકામ કર્મોથી જન્મમરણના ફેરાનો અંત આવતો નથી. નિષ્કામ કર્મથી જ ફેરાનો અંત આવી શકે એવું કબીર સાહેબ સૂચવી રહ્યા છે.

૫. ગઈ કાલનો ભાત આજે ખાવો તેને વાસી ભાત કહેવાય. અહીં જીવને ઉદેશીને કહ્યું હોવાથી પૂર્વ જન્મમાં કરેલા કર્મોના ફળ જન્મમાં ભોગવવાની જીવની ટેવ જણાવી કહેવાય.

૬. ઘરકામમાં પાણી અગત્યનું સ્થાન ઘરાવે છે. કહ્યાગરો કંથ બધું જ ઘરકામ કરતો હોય છે. જીવ અવિદ્યાનો કહ્યાગરો કંથ હોવાથી પાણી ભરવા દૂર દૂર સુધી જવામાં પણ શરમાતો નથી. જીવ અવિદ્યાને ખુશ રાખવા જાણે કે નવા નવા કર્મો કર્યા જ કરતો રહે છે. તે કર્મો તેને બીજો જન્મ લેવા ફરજ પાડે છે.

૭. અવિદ્યા પોતાના પતિ જીવને પાલવને છેડે બાંધેલો રાખવા માંગે છે. ભ્રમરૂપી પાલવને છેડે બંધાયલો જીવ સકામ કર્મો કરી ફસાતો જતો હોય છે.

૮. કહ્યાગરો કંથ પત્નીને હાથે વેચાય તેમાં આશ્ચર્ય શું ?  પત્ની અવિદ્યા જીવને અનેક યોનિઓમાં બજારમાં લઈ જઈને વેચી દેતી હોય છે. અનેક યોનિઓમાંથી પસાર થઈ જીવ યાતનાઓ સહન કર્યા જ કરે છે. છૂટકારો કદી થતો જ નથી.

૯. કુદરત જીવને કઠપૂતળીની જેમ નચાવ્યા કરે છે. અવિદ્યા-અજ્ઞાન તેમાં સહાયભૂત થાય છે. અવિદ્યા જીવને અધીન રહતી નથી પણ કુદરતને અધીન રહે છે. કુદરતનું કાર્ય અવિદ્યા પૂર્ણ કરે છે. તેથી અહીં હરિ એટલે નિયતિ - કુદરત.
જો અવિદ્યાને કારણે માયાનો ઉદભવ માનવામાં આવે તો માયા નવોઢા ગણાશે ને અવિદ્યા માયાની માતા મનાશે. તેથી કંઈ સમગ્ર પદોનો અર્થ બદલાશે નહીં.