Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઘર હિ મેં બાબુલ બાઢલિ રારિ ઉઠિ ઉઠિ લાગલિ ચપલ નારિ
એક બડી જા કે પાંચ હાથ, પાંચો કે પચ્ચીસ સાથ ... ૧

પચ્ચીસ બતાવૈં ઔર ઔર, ઔર બતાવૈં કઈ એક ઠૌર
અન્તર મધ્યે અન્ત લેઈ, ઝકઝોરિ ઝોરા જીવહિં દેઈ ... ૨

આપન આપન ચાહૈ ભોગ, કૈસે કુસલ પરી હૈ જોગ
વિવેક વિચાર ન કરૈ કોય, ખલક તમાસા દેખે લોય ... ૩

મુખ ફારિ હસે રાવ રંક, તાતે ધરે ન પાવૈ એકો અંગ
નિયરે ન ખોજૈ બતાવૈ દૂરિ, ચહુદિસિ બાગુલિ રહલિ પૂરી ... ૪

લચ્છ અહેરી એક જીવ, તાતે પુકારે પીવ પીવ
અબકી બાર જો હોય ચુકાવ, કહંહિ કબીર તાકી પૂરી દાવ ... ૫

સમજૂતી

અરે ભાઈ તારા પોતાના જ ઘરમાં ઝઘડો વધી ગયો છે (તો તે તરફ ધ્યાન આપ.) સ્ત્રી ઘણી હોંશિયાર હોવાથી વારંવાર લડ્યા જ કરે છે. તે ગણાય છે કે મોટી કારણ કે તેને પાંચ હાથો છે ને પચ્ચીસ પ્રકૃતિનાં તત્વોનો પણ તેને સાથ છે. ... ૧

આ પચ્ચીસ પ્રકૃતિના તત્વો તો જીવને જુદી જુદી જગ્યાએ ઘસડી જાય છે. કેટલીક તો વળી સ્વર્ગની લાલચે દોરી જાય છે. તે સર્વ કામનાઓ રૂપે અંતઃકરણમાં પ્રેવેશ કરીને જીવનો નાશ કરે છે. જીવને બળજબરીપૂર્વક યાતનયામાં નાખી દે છે. ... ૨

તમામ ઈન્દ્રિયો પોતપોતાનો ભોગ ઈચ્છે છે તેથી કુશળતાનો યોગ કેવી રીતે સાંપડે ?  વિવેકપૂર્વક તો કોઈ વિચારતું જ લાગતું નથી. સંસારમાં બધાં જ તમાસો જોઈ રહ્યાં છે. ... ૩

ગરીબ તવંગર સૌ માયાના ખેલનો આનંદ માણી રહ્યા છે તેથી તેઓ કોઈ માયાની એકે બાજુને સમજી શક્યા નથી. કરણ કે સૌથી નજીક ગણાતા આત્મ તત્વને તેઓ શોધતા નથી બલકે તેતો ઘણું દૂર વૈકુંઠમાં રહેલું છે એવું કહ્યા કરે છે. આ રીતે ચારે તરફથી મૃગજળની માયાજાળ ફેલાયલી જણાય છે. ...  ૪

જીવ એક છે જીવનો શિકાર કરનારા અનેક છે. તેથી ભયત્રસ્ત તે જીવ પપીહાની જેમ પિયુ પિયુ કહીને રક્ષણ માટે પરમાત્માને પોકાર્યા કરે છે. કબીર કહે છે કે જો વેળાએ સર્વ વાસનાઓ અંતરમાંથી ખતમ કરી દેવામાં આવે તો જીવનની બાજીનો દાવ પુરો થઈ જાય !  ... ૫

૧. બાબુલ એટલે પિતા અથવા ભાઈ. અવધ ક્ષેત્રમાં એકબીજાને ભાઈ કે મિત્રના અર્થમાં બાબુલ કહીને બોલાવવાનો રિવાજ છે.

૨. રારિ એટલે ઝગડો. પ્રત્યેક શરીરરૂપી ઘરમાં કલહ ખૂબ વધી ગયો છે. સત્પુરુષોનું કઠન છે કે શરીરમાં સદ-અસદ વૃત્તિઓનું કાયમ ઘમસાણ ચાલ્યા જ કરે છે. અહીં કબીર સાહેબ દરેકના શરીરરૂપી ઘરમાં માયાની ઘતુરાઈને કારણે ઝઘડો વધી ગયો છે એવું દર્શાવી રહ્યા છે.

૩. નારિ એટલે માયા રૂપી સ્ત્રી. તે અતિશય બળવાન છે. તેથી તેને “બડી” કહી.

૪. તેના પાંચ ઈન્દ્રિયો રૂપી હાથો અને પ્રકૃતિના પચ્ચીસ તત્વો તેના સહકારમાં કાયમ રહે છે. તેથી જીવને કાયમ તેના દબાણમાં રહેવું પડે છે. પ્રકૃતિના પચ્ચીસ તત્વો આ પ્રમાણે ગણાય - પંચ મહાભૂત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ. તે દરેક પાંચ પાંચ તત્વો એટલે કુલ પચ્ચીસ તત્વો. પૃથ્વી - હાડ, ચામ, માંસ, નસ, તથા રોમ; પાણી - લાર, રક્ત, પ્રસ્વેદ, મૂત્ર તથા વીર્ય; અગ્નિ - ક્ષુધા, તૃષા, આળસ, નિદ્રા તથા મૈથુન; વાયુ - બલકરન, સંકોચન, પસારન, બોલન તથા ધાવન; આકાશ - કામ, ક્રોધ, લોભ, મોહ તથા ભય.

૫. આ પચ્ચીસ તત્વો જીવને અનેક પ્રકારે ભટકાવે છે. પોતાના સ્વરૂપથી જીવને કાયમ દૂર જ રાખે છે. તેથી દુઃખ અને અશાંતિનો તે કાયમ ભોગ બને છે.

૬. પ્રકૃતિના પચ્ચીસ તત્વો અંતઃકરણમાં ક્ષોભ પેદા કર્યા કરે છે. જીવને શાંતિનો અનુભવ થાય જ કેવી રીતે ?  આખરે વિનાશ થાય છે.

૭. દરેક ઈન્દ્રિયો પોતપોતાનો ભોગ મેળવવા જીવને ફરજ પાડે છે. તેથી જીવ એકેને સંતોષી શકતો નથી. આવી અતૃપ્ત અવસ્થામાં તે પોતાનું કલ્યાણ કેવી રીતે કરી શકે ?

૮. તે મુક્તિ પણ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ?  કારણ કે તે પરમેશ્વરને વૈકુંઠ ધામમાં શોધે છે. વૈકુંઠ ધામ તેનાથી ઘણું દૂર છે એવી કલ્પના છે. ખરેખર પરમેશ્વર તો દરેકના હૃદયમાં જ રહેલા હોવાથી સૌથી નજીક જ ગણાય. પણ જીવ ભ્રમિત અવસ્થામાં હોવાથી તેનું ધ્યાન હૃદય તરફ જતું જ નથી.

૯. માનવનો દેહ મળ્યો હોવાથી આ વેળાઓ જીવ જો સાવધાન થઈ જાય અને પોતાના મનને વાસના રહિત બનાવી દે તો જન્મ મરણના ચક્રમાંથી તેને મુક્તિ અવશ્ય મળી જાય.