કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧રામનામ બિનુ, રામનામ બિનુ, મિથ્યાજનામ ગંવાઈ હો ... ૧
સેમર સેઈ ૨સુવા જ્યોં જહડે ઉન પરે પછતાઈ હો
જૈસે મદપી ગાંઠિ અરથ દે, ઘરહુ કિ અકલ ગંવાઈ હો ... ૨
૩સ્વાદે ઉદર ભરે ધૌં કૈસે, ઓસે પ્યાસ ન જાઈ હો
૪દરબ હીન જૈસે પુરુષારથ, મન હિ માંહિ તવાઈ હો ... ૩
ગાંઠી રતન નહિ જાનૈ, ૫પારખિ લીન્હા છોરી હો
કહંહિ કબીર યહ અવસર બીતે, રતન ન મિલૈ બહોરી હો ... ૪
સમજૂતી
હે મૂઢ માનવ, જેનું નામ રામ છે એવું આત્મ તત્વના જ્ઞાન વગર તારો આખો જન્મારો વ્યર્થ ગયો ગણાય ! ... ૧
જેવી રીતે પોપટ શીમળાના ઝાડનું તંગીન ફૂલનું સેવન કર્યા કરે, પણ જ્યારે ચોગરદમ રૂ ઊડતું જુએ ત્યારે પસ્તાય છે તેવી રીતે સંસારનું સુખ સમજવું. જેવી રીતે દારૂડિયો પોતાની કમાણીના પૈસા આપીને ઘરની પણ સુધબુધ ભૂલી જાય છે તેવી રીતે તું સંસારના સુખ મેળવવામાં રામને ભૂલી જાય છે ! ... ૨
માત્ર ઝાકળના બિંદુ ચાટવાથી તરસ છિપાતી નથી તેમ માત્ર સ્વાદ વડે કેવી રીતે પેટ ભરી શકાય ? પુરુષાર્થ કરનારાના મનમાં દ્રવ્ય વિના તો કાયમ ગરીબાઈની આગ બળતી રહે છે ... ૩
રામ રૂપી રતન હૃદય રૂપી પોટલીમાં છે તે રહસ્ય કોઈ જાણતું નથી. જે જાણે છે તે પોટલી છોડીને રામરૂપી રત્ન પ્રાપ્ત કરી લે છે. કબીર કહે છે કે આ માનવ જન્મનો મોંઘેરો અવસર વીતી જાય છે પછી વારંવાર કંઈ રત્ન સમાન માનવ શરીર મળતું નથી. ... ૪
૧. રામ કરતા રામનું નામ વધારે મહિમાવંતું છે એવી વાત અહીં કબીર સાહેબને અભિપ્રેત નથી. કબીરસાહેબના રામ તે દશરથના પુત્ર રામ નહીં, પણ દશરથનાં પુત્ર રામમાં જે આત્મતત્વ છે તે ખરા રામ. તેથી રામનામ શબ્દ દ્વારા રામ જેનું નામ છે તે આત્મતત્વ એવો અહીં અર્થ કરવો જોઈએ.
૨. અહીં સાખી પ્રકરણની ૧૬૫મી સાખી યાદ આવ્યા વિના રહેશે નહીં.
સેમર સુવના સેઈઆ, દુઈ ઢેંઢી કી આસ
ઢેંઢી ફૂટિ ચટાક દૈ સુવના ચલા નિરાસ !
સેમર એટલે શીમળાનું ઝાડ. સુવના એટલે પોપટ. ઢેઢુ એટલે શીમળાનું લાંબુ મોટું ફળ. શીમળાના ઝાડને પહેલાં ફૂલ આવે ત્યારે રંગને કારણે મોહક લાગે છે. તે ફૂલ ફળના રૂપે ફેરવાય ત્યારે તે દેખાવે સુંદરને સરદાર લાગવાથી પોપટ તેની સારસંભાળ રાખ્યા કરે છે. તે ફળ મોટું થશે ત્યારે જરૂર તૃપ્તિનો અનુભવ થશે એવી આશામાં ને આશામાં માવજત કર્યા કરે છે. પરંતુ એક દિન માવજત કરતા કરતા ચાંચ લાગવાથી તે ફળ આચાનક ફાટે ત્યારે તેમાંથી રૂ જેવા મુલાયમ રેસાઓ ઊડતા નજરે પડે છે. તે સમયે પોપટની બધી જ આશાઓ ધૂળમાં મળી ચાય છે. તેમાંથી રસનું એક પણ ટીપું પોપટના પેટમાં જતું નથી. ખરેખર તેમાં રસ જ નથી હોતો. માત્ર રૂ ઊડતું જોઈને પોપટ નિરાશ થઈને ઊડી જાય છે. કબીર સાહેબે શીમળાના ઝાડ અને પોપટના રૂપકથી સંસારની અસારતા સુંદર રીતે અભિવ્યક્ત કરી કહેવાય. સંસારી જીવોની દુર્દશા જ થાય છે. મમતામાં મોટા થાય, સમૃદ્ધિ ભેગી કરે, તેને સાચવે, તેની માવજત કરે ને એક દિવસ અચાનક બધું અહીં જ મૂકીને જીવ ચાલ્યો જાય છે !
૩. માત્ર સ્વાદનો રસિયો જીવ આમ્રફળને જીભથી ચાટ્યા કરે તેથી તેના પેટની ભૂખ કદી સંતોષતી હોતી નથી તે હકીકત લક્ષમાં લેવા જેવી છે. ભૂખ ત્યારે જ સંતોષાય જ્યારે તેને ખાવામાં આવે. તેવી જે રીતે ઝાકળના બુંદ ચાટવાથી પણ તરસ છિપાતી નથી. તરસ છિપાવવા માટે શુદ્ધ પાની શોધીને પીવું પડે છે. મોઢેથી રામ રામ કહી પોપટ પારાયણ કરવાથી જન્મમરણનાં ફેરામાંથી છૂટકારો નથી મળતો. તે માટે મનને કેળવવું આવશ્યક છે. છેવટ સુધી મન પાધરું રહે તો મુક્તિની તૃપ્તિ થાય.
૪. પૈસા વિના પુરુષાર્થ પાંગળો બની જાય છે તે સત્ય અહીં રજૂ કરીને કબીર સાહેબે મનની અનાસક્તિ વિના જીવનમાં સુખચેન અપ્રાપ્ય છે તે હકીકત તરફ સૌનું ધ્યાન દોર્યું છે. કબીર સાહેબ ધનના વિરોધી નહોતા. ધનનું મહત્વ સારી રીતે સમજતા હતા.
૫. ‘પારખિ’ શબ્દ અહીં જ્ઞાની પુરુષને માટે પ્રયોજ્યો છે. વિવેક જ્ઞાનથી સમજદાર વ્યક્તિ હૃદયમાં રહેલા રામનો સાક્ષાત્કાર કરી લે છે અને રત્ન ચિંતામણી ગણાતા માનવદેહને સાર્થક કરે છે.
Add comment