કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
રામનામ ૧કા સેવહુ બીરા, દૂરિ નહિદૂરિ ૨આશા હો
ઔર દેવ કા સેવહુ બૌરે, ઈ સબ ૩જૂઠી આશા હો ... ૧
ઉપર ઉજર કહા ભૌ બૌરે, ભીતર અજહું કારો હો
તનકે ૪બિરધ કહા ભૌ બૌરે, મનુવા અજહું બારો હો ... ૨
૫મુખ કે દાંત ગયે કહા બૌરે, ભીતર દાંત લોહે કે હો
ફિર ફિર ચના ચબાઉ બિખનકે, કામ ક્રોધ મદ લોભ કે હો ... ૩
૬તન કી સકલ શક્તિ ઘટિ ગયઉ, મન હિ દિલાસા દૂના હો
કહંહિ કબીર સુનહુ હો સંતો, સકલ સયાના ૭પહુના હો ... ૪
સમજૂતી
હે ભાઈ, રામ રામ શા માટે જપ્યા કરે છે ? રામ કંઈ તારાથી દૂર નથી બલકે તારી પાસે જ છે. તારી ખોટી આશાને કારણે તે દૂર લાગે છે. હૃદયમાં બેઠેલા રામને બદલે બીજા દેવોને તું પૂજે છે તે હે પાગલ જીવ, તારી ખોટી આશા છે ! ... ૧
માથા ઉપરના વાળ સફેદ થઈ ગયા તેથી શું થઈ ગયું ? તારું અંતર તો હજીયે મલિન જ છે. શરીર ભલેને ઘરડું થયું હોય, તારું મન તો હજી યુવાન જ લાગે છે. ... ૨
હે પાગલ જીવ, તારા મોઢાના દાંત પડી ગયા તેથી શું ? તારી અંદર તો કામ, ક્રોધને લોભના બનેલા લોખંડી દાંત છે, જેના વડે તું વિષયોરૂપી લોઢાના ચણા વારંવાર ચાવ્યા કરે છે. ... ૩
ઘડપણને કારણે ભલેને તારી શરીરની શક્તિ ઘટી ગઈ હોય પણ મનમાં તો ભોગની લાલસા તો બેવડી થઈ છે ! કબીર કહે છે કે હે સંતજન સાંભળો, સંસારના ચતુર ગણાતા લોકો પણ અહીના માત્ર બે દિવસના જ મહેમાન છે ! ... ૪
૧. “કા” ને બદલે “કો” પાઠ પણ મળે છે. તેથી અર્થ થશે - હે ભાઈ, જે રામ તારાથી દૂર નથી પણ તારામાં જ બેઠેલો છે તે રામનો જપ કર્યા કર ! “કા” પાઠ સ્વીકારવામાં આવે તો રામનામ શા માટે જપે છે ? તે તારાથી દૂર નથી, એવો અર્થ થશે. રામ આકાશમાં રહેલા હોય તેમ તેની પ્રાર્થનાઓ કરવામાં આવે છે. ખરેખર, રામ તો અંદર જ છે. પછી તેવી પ્રાર્થનાઓ શા માટે ?
૨. આપણે ભક્તિ એટલા માટે કરીએ છીએ કે ભગવાન પ્રગટ થશે અને આપણને વરદાન આપશે એટલે આપણું દળદર ફીટી જશે. એવી આશાઓને કારણે રામને આપણે દૂર રહેતો હોયે તેવી ભક્તિ કરતા થઈ ગયા છે. ખરેખર રામ દૂર નથી પણ આપણી આશા રામને આપણાથી દૂર કરતી હોય તેવું જણાય છે.
૩. હૃદયમાં રહેલા રામને ભૂલીને બીજા દેવની પૂજા કરવામાં આપણી ભ્રમાત્મક મનોદશા સારી રીતે વ્યક્ત થાય છે તે દેવ પ્રસન્ન થશે ને આપણી મનોકામના પૂર્ણ થશે એવી મિથ્યા આશામાં આપણું જીવન વેડફાતું હોય છે. મિથ્યા આશાઓ દુઃખનું કારણ બની જાય છે. શ્રીમદ્ ભાગવત પણ કહે છે કે आशा हि परमं दुःख नैराश्य परमं सुखम् (૧૧-૪૩) અર્થાત્ આશા જ પરમ દુઃખનું કારણ છે અને આશા વિહીનતા પરમ સુખનું કારણ છે. માટે આત્મદેવ જ એકમાત્ર દેવ ગણવો જોઈએ. તે સિવાયના બધા દેવો કલ્પિત છે. આત્મ દેવની ફરતે આપણે જાતે જ જુદા જુદા વૈચારિક પડદાઓ ઊભા કર્યા છે તેથી તે આપણી અંદર હોવા છતાં તેનાં આપણે દર્શન કરી શકતા નથી. પડદાઓ હટી જાય તો આત્માની અનંત શક્તિનો અનુભવ થઈ શકે છે.
૪. વૃદ્ધાવસ્થાનો અનુભવ શરીર કરે છે, મન કરતું નથી. તેથી ઘડપણ અઘરું લાગે છે. શરીરની સાથે મન પણ જો ઘરડું થઈ જતું હોય તો સમસ્યાઓ ઓછી ઉદભવે. તે સુખરૂપ પણ ગણાય. પણ હકીકતે મન ઘરડુ થતું નથી તેથી ઘણા વિરોધાભાસ ઘડપણમાં સરજાતા હોય છે. પગ હાલી શકતા ન હોય, હાથ કામ કરી શકતા ન હોય, છતાં સારી સારી સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું મન થાય છે ત્યારે મોટો વિરોધાભાસ સર્જાય છે. યુવાનીમાં જો જાતે દોડી જઈ બજારમાંથી વાનગીઓ લાવી ખાય શકાતી હતી પણ ઘડપણમાં પરાવલંબનનો અનુભવ થાય. બીજાને આધારે જીવવું પડે. જે ઘણું દુઃખદાયક ગણાય.
૫. મોઢામાં એકે દાંત ન હોય છતાં પણ જીભને સ્વાદનો ચસકો લાગે છે. વિષયોના લોઢાના ચણા પણ તે ચાવી ખાય છે. ચાવવાના તે દાંત, અંદર રહેલા કામ ક્રોધ મદને લોભના બનેલા હોય છે.
૬. તેથી ઘડપણમાં મનની ભોગની લાલસા બેવડી થઈ ગયેલી હોય છે ત્યારે કરુણ પરિસ્થિતિ નિર્માણ થાય છે. શરીરમાં મધુપ્રમેહને લોહીના ઉંચા દબાણનો વ્યાધિ હોય તો દર્દી મીઠું અને ખાંડ ખાય શકતો નથી. ખાવા જાય તો પરિસ્થિતિ ગંભીર થઈ જાય. તેથી ઘડપણ આકરુ લાગે છે.
૭. “પહુના” એટલે મહેમાન. જગતમાં સૌ જીવો બે દિવસના મહેમાન જ ગણાય.
Add comment