કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મત સુનું માનિક, મત સુનુ માનિક, હૃદયા ૧બંધ નિવારહુ હો ... ૧
૨અટપટ કુંભરા કરે કુંભરૈયા, ૩ચમરા, ગાંવ ન બાંચે હો
નિતિ ઉઠિ કોરિયા પેટ ભરતુ હૈ, ૪છિપિયા આંગન નાચે હો ... ૨
નિતિ ઉઠિ ૫નૌવા નાવ ચઢતુ હૈ, બેર હિ બેરા બોરે હો
૬રાઉર કી કછુ ખબરિ ન જાનહુ, ૭કૈસે કે ઝગરા નિબેરહુ હો ... ૩
એક ગાંવમેં ૮પાંચ તરુનિ બસે, જેહિમા જેઠ જેઠાની હો
આપન આપન ઝઘરા પ્રકાશિનિ, ૯પિયા સોં પ્રીતિ નસાઈનિહો ... ૪
સમજૂતી
હે રત્ન સમાન માનવ ! તું મારા વિચારો સાંભળ અને તેના પર વિચાર કરીને હૃદયમાં રહેલાં સર્વ પ્રકારના બંધનોનું નિવારણ કર. ... ૧
મનરૂપી કુંભાર તો પોતાનું કુંભારપણું સતત કર્યા જ કરે છે પણ તેણે વસાવેલું આ ચામડાનું શરીર રૂપી ગામ કંઈ વધારે ટકતું નથી. જીવ રૂપી જુલાહા રોજ ઊઠીને પેટને ખાતર બજારમાં જઈને કપડાં વેચે છે અને મનરૂપી રંગરેજ આંગણામાં આવીને રોજ ખાય પીને નાચ્યા કરે છે. ... ૨
મનરૂપી નાવિક રોજ સવારે ઊઠીને શરીરરૂપી હોડી હંકારે છે અને વારંવાર સંસારરૂપી સાગરમાં ડુબાડી દે છે. તેને પોતાના અંતઃકરણની કાંઈ ખબર નથી તો તે કેવી રીતે સંસારની ઉપાધિનું નિકારણ કરશે ... ૩
એક શરીર રૂપી ગામ છે ને તેમાં જ્ઞાનેન્દ્રિયો રૂપી પાંચ તરુણી વસે છે. તેમાં એક જેઠ ને જેઠાણી પણ રહે છે. તેઓ માંહોમાંહે ઝઘડ્યા કરે છે તેથી તેઓ પ્રિયતમ પતિનો પ્રેમ ગુમાવી બેઠા છે. ... ૪
૧. માનવ માત્ર બંધનમાંથી મુક્ત થઈ શકે તેવા વિચારો કબીર સાહેબ જગતના બજારમાં વ્યક્ત કરી રહ્યા છે. જે કોઈ આ વિચારોને સાંભળશે અને ધ્યાન દઈ તેના પર ચિંતન મનન કરશે તેને જરૂર મુક્તિનો માર્ગ મળશે એવી ખાત્રી સહિત કબીર સાહેબે આ કહરાની રચના કરી છે.
૨. સંસારની રચનામાં એક માત્ર ફાળો મનનો છે તે પાયાની વાત પકડીને કબીર સાહેબ માર્ગદર્શન આપી રહ્યા છે. જુદા જુદા રૂપકો આપીને કબીર સાહેબે મનની ખાસિયતો દર્શાવી રહ્યા છે. આ પંકિતમાં મનને કુંભારનું રૂપક આપી સંસારની રચનામાં રહેલા મનના મહત્વને સરસ રીતે સમજાવ્યું છે. મન રૂપી કુંભારને સ્વભાવ અપટપટો છે. તરંગી છે. ઘડી ધાડીમાં નિર્ણયો બદલે છે. છતાં એ વાત સાચી છે કે મનમાં રહેલી વાસનામાંથી માનવમાં શરીરનું નિર્માણ થાય છે.
૩. માનવનું શરીર જડ છે. તેથી કબીર સાહેબ શરીરને ચામડાનું બનેલું ગામ કહે છે. તે નિત્ય પરિવર્તનશીલ છે. તેથી તે વધારે ટકાઉ નથી. તેથી સ્મશાનમાં રાખ થઈ જાય છે.
૪. કબીરસાહેબ માનવના મનને રંગરેજની ઉપમા આપીને પણ તેની વિશિષ્ટતા સમજાવી રહ્યા છે. મન ડગલે ડગલે સૂક્ષ્મ સંસ્કારો ગ્રહણ કર્યા છે. તે સંસ્કારોની છાપ જીવનમાં છપાયા કરે છે. તે સંસ્કારોની છાપ પ્રમાણે તેને ગતિ મળતી રહે છે. તે સંસ્કારો સ્મશાનમાં બળી જવા પામતા નથી. ભલે શરીર બળી જાય પણ સંસ્કારની છાપ જેવી છે તેવી રહે છે. તે કારણે બીજીવાર શરીર ધારણ કરવાની તે ફરજ પાડે છે. આ રીતે મનરૂપી રંગરેજનું કાર્ય ચાલ્યા કરે છે.
૫. આ પંક્તિમાં મનને નાવિક તરીકે ચીતર્યું છે. મનને ભરોસે માનવ ચાલે તો તેની દુર્દશા થાય છે. તે સ્પષ્ટ કર્યું છે. મનને વિષયોમાં રમવાનું ગમે છે. તેથી મનના શાસનથી વાસનાનો ભાર વધ્યા કરે છે. નાવમાં વાસનાનો ભાર વધી જવાથી તે ડૂબે છે તે હકીકત તરફ કબીર સાહેબે આપનું ધ્યાન દોર્યું છે. ખરેખર તે નાવિક છે પણ તેને નાવ સારી રીતે ચલવતા આવડતું નથી છતાં સારી રીતે ચલવી શકે છે એવો આડંબર કરીને તે શરીરરૂપી નાવને હંકાર્ય રાખે છે.
૬-૭. રાઉર એટલે રાજાનો સુવાનો ઓરડો. આત્મ રૂપી રાજા અંતઃકરણમાં રહે છે તેથી રાઉર એટલે માનવનું અંતઃકરણ. માનવ પોતાના અંતઃકરણને બરાબર ઓળખી લે તો જે તે કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકે છે તે સત્ય “ઝગરા નિબેરહુ” શબ્દો દ્વારા અભિવ્યક્ત થયું છે.
૮. શરીર રૂપી ગામમાં જ્ઞાનેન્દ્રિયો રૂપી પાંચ યુવતીઓ વસે છે તેના જેઠ તરીકે મનને અને જેઠાણી તરીકે વાસનાનો દર્શાવી કબીર સાહેબ મનની વિષય વાસનાની ભૂખને કારણે હંમેશા માનવ પથભ્રાન્ત થાય છે તે સ્પષ્ટ કરી રહ્યા લાગે છે.
૯. પ્રિયતમ - પતિ આત્માનો પ્રેમ, મન અને પાંચે જ્ઞાનેન્દ્રિયો સંપાદન કરી શકે તો મુક્તિનો માર્ગ સહેલો બને છે તે સત્ય માનવે યાદ રાખવાનું છે.
Add comment