કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧હૌં સબહિનમેં હૌં ના હો મોહિ, બિલગ બિલગ બિલગાઈ હો
ઓઢન મેરા એક પિછૌરા, ૨લોગ બોલે એકતા ઈ હો ... ૧
એક નિરંતર અંતર નાહીં, ૩જૌં સસિ ઘટ જલ ઝાંઈ હો
એક સમાન કોઈ સમુજત નાહીં, જરા મરણ ભ્રમ જાઈ હો ... ૨
૪રૈન દિવસ મૈં તહવાંનાહીં, નારી પુરુષ સમતાઈ હો
ના મૈં બાલક બૂઢઢા નાહીં, ના મોરે ચિલકાઈ હો ... ૩
ત્રિવિધ રહૌં સભનિ માં બરતૌં, નામ મોર રમુરાઈ હો
પઢયે ન જાઉં, આને ન આઉં, સહજ રહોં દુનિયાઈ હો ... ૪
જોલહા તાનબાન નહિ જાનૈફાંટિ, બિનૈ દલ ઢાંઈ હો
૫ગુરુ પરતાપ જિન્હેં જસ ભાખો, જન બિરલે સુધિ પાઈ હો ... ૫
અનંત કોટિ મન હીરા બેધો, ૬ફીટકી મોલ ન પાઈ હો
સુર નર મુનિ ખોજ પરે હૈ, કછુ કછુ કબીર ન પાઈ હો ... ૬
સમજૂતી
હું સર્વમાં છું છતાં સર્વ જડ પદાર્થરૂપ હું નથી એવું વિવેકી પુરુષો મને જડ પદાર્થથી પૃથક સમજે છે. મારી ઓઢવાની ચાદર તો માયારૂપી એક જ છે, જેને કારણે અજ્ઞાની લોકો મને જદ પદાર્થરૂપ એક જ માને છે. - ૧
ઘડાના પાણીમાં જેવી રીતે પ્રતિબિમ્બિત થતો. ચંદ્રમાં ગગનમાં એક હોવા છતાં અનેક રૂપે દેખાય છે તેવી રીતે હું એક ને અખંડ હોવા છતાં સર્વમાં જુદો જુદો અનેક દેખાઉ છું. મને સર્વમાં એક સમાન રીતે અજ્ઞાની લોકો સમજતા નથી તેથી તેઓને જન્મ મરણનો ભ્રમ દૂર થતો નથી. - ૨
ત્યાં રાતને દિવસના અને નારી કે પુરુષના કોઈ તો ભેદ નથી. ત્યાં સ્ત્રી પુરુષ સમાન છે ખરેખર હું બાળક પણ નથી. - ૩
હું ત્રણે અવસ્થાઓમાં સમાન રીતે વર્તું છું કારણ કે મારું નામ રામરાજા છે. હું કોઈનો મોકલ્યો ક્યાંય જતો નથી ને કોઈનો બોલાવ્યો પણ ક્યાંય આવતો નથી. હું દુનિયામાં સહજ રીતે રહું છું. - ૪
તાણાવાણાનું ભાન ન હોય એવો મનરૂપી જોલાહો જીવનરૂપી વસ્ત્રને દાસ જગ્યાએ ફાડીને વણવા પ્રયત્ન કરતો હોય. જેવા જેને ગુરુ મળ્યા હોય તેવા તેને ઉપદેશો પણ મળ્યા જ હોય પણ જ્ઞાન તો કોઈ વિરલાએ જ મેળવ્યું હોય છે. - ૫
મનની અનંત કોટિ કામનાઓને કારણે આત્મારૂપી હીરો બંધનમાં પડે છે તેથી એનું મૂલ્ય સામાન્ય ફટફડી જેવા ખનિજ પદાર્થ જેટલું પણ અંકાતું નથી. માનવો, દેવો અને મુનિઓ જેની હરહમેશ શોધ કર્યા કરે છે તે આત્મતત્વની પ્રાપ્તિ કબીર જેવાઓ તો કાંઈક અંશે કરી લીધી છે. - ૬
૧. “હૌં સબહિનમેં” - આત્મરૂપે હું સર્વમાં છું. “હૌં નાહો” - દેહભાવે હું નથી. અર્થાત્ જ્યાં સુધિ દેહભાવનો પ્રભાવ હોય ત્યાં સુધી આત્માનું એક સરખું અસ્તિત્વ અનુભવમાં આવતું નથી.
૨. દેહભાવના પ્રભાવને કારણે સામાન્ય જન સમાજમાં દેહ જ આત્મા છે એવી ભાવના પ્રવર્તતી હોય છે. ખરેખર તો બંને અલગ અલગ છે. દેહથી આત્મા અલગ છે ને આત્માથી દેહ પણ અલગ છે. એક પરિવર્તનશીલ છે બીજો અવિનાશી છે. સર્વ કાળે ને સ્થળે તે જેવો તે જેવો છે તેવો જ રહે છે. તેમાં પરિવર્તન થતું નથી.
૩. એક અને અખંડ આત્મતત્વ ગણાય. તેના ભાગલા કરી શકતા નથી. આત્મતત્વ શિવસ્વરૂપ છે, શુદ્ધ - બુદ્ધને અખંડ છે તે દર્શાવવા માટે કબીર સાહેબે ઉપમા આપીને સમજાવ્યું છે. આકાશમાં ચંદ્ર તો એક જ છે. છતાં પાણીથી ભરેલા નાના મોટા અનેક ઘડામાં તેનું પ્રતિબિંબ ચંદ્ર અનેક હોવાનો ભાસ પેદા કરે છે. તે જ રીતે આત્મતત્વ એક ને અખંડ છે છતાં તે અનેક સ્વરૂપે દેખાય છે. અહીં બિંબ-પ્રતિબિંબ વાદનું ખંડન પણ થઈ શકે. જો આત્મા શરીરથી દૂર હોય કે ઊંચે હોય તો દેહમાં તેનું પ્રતિબિંબ પડી શકે. તે તો દેહમાં વ્યાપક છે. તેથી તેનું પ્રતિબિંબ કેવી રીતે પડી શકે ?
૪. માનવનું મન પોતાના ચેતનસ્વરૂપમાં મગ્ન રહે તો કાળભેદનો અનુભવ થઈ શકતો નથી. સર્વ પ્રકારના ભેદો ઓગળી જાય છે. ઉપનિષદના ઋષિ પણ પોતાનો અનુભવ પગટ કરતા કહે છે :
न तत्र सूर्या भाति न चन्द्र तारकम् |
તેવી જ રીતે ગીતા કહે છે :
न तदभासयते सूर्या न शशाडको न पावको : |
અર્થાત્ ત્યાં સૂર્ય ચંદ્ર કે તારાઓનો પ્રકાશ થતો નથી ત્યાં રાત દિવસના ભેદો પણ નથી.
૫. જેને જેવા ગુરુ મળે તેવી તેની બુદ્ધિ થાય છે. તેથી ગુરુ કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. જો કુગુરુ મળે તો અધોગતિ થાય ને સદગુરુ મળે તો ઉર્ધ્વગતિ થાય તે હકીકત કદી ભૂલાવી ન જોઈએ.
૬. “ફિટકી” એટલે ફટકડી. એક ખનિજ પદાર્થ, જે રંગે સફેદ હોય છે અને દવા તેમજ રંગકામમાં ઉપયોગી બને છે.
Add comment