Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નનદી ગે તૈં વિષમ સોહાગિનિ, તૈં નિદલે સંસારા ગે
આવત દેખિ એક સંગ સૂતી, તૈં ઔ ખસમ હમારા ગે ... ૧

મેરે બાપ કે દૂઈ મેહરરુવા, મૈં અરુ મોર જેઠાની ગે
જબ હમ રહલિ રસિક કે જગમેં તબ હિ બાત જગ જાની ગે ... ૨

માઈ મોરિ મુવલિ પિતા કે સંગે, સરા રચિ મુવલ સંઘાતી ગે
અપને મુવલિ અવર લે મુવલિ, લોગ કુટુંબ સંગ સાથી ગે ... ૩

જબ લગ સાંસ રહે ઘટ ભીતર, તબ લગ કુશલ પરી હૈ ગે
કહંહિ કબીર જબ સાંસ નિકરિગૌ, મંદિર અનલ જરી હૈ ગે ... ૪

સમજૂતી

હે નણંદ, તું તદ્દન વિચિત્ર સૌભાગ્યવતી સ્ત્રી લાગે છે કારણ કે એક બાજુ તું સમસ્ત સંસારને તારી સાથે સૂતેલો રાખે છે અને મેં આવતી વખતે જોયું કે મારા પતિ સાથે પણ સૂતેલી હતી !  - ૧

મારા બાપને બે પત્નીઓ છે, એક તો હું પોતે ને બીજી મારી જેઠાણી માયા !  હું વિષયોના રસિયા સાથે રહેતી હતી ત્યારે જગતને મારી સાથેના તેના અંગત સંબંધોની ખબર પડી ગઈ હતી. - ૨

મારી માતા પિતાની સાથે ચિતા પર સૂઈને સર્વ સંગાથી મિત્રો સાથે બળીને મરી ગઈ !  પોતે મરી તો મરી, પણ સર્વ મિત્ર મંડળ કુટુંબ સહિત બીજા લોકોને ય સાથે મારતી ગઈ. - ૩

જ્યાં લગી શરીરમાં શ્વાસ છે ત્યાં લગી કલ્યાણકારક કાર્યો કુશળતાપૂર્વક કરી લો !  કબીર કહે છે કે જ્યારે શ્વાસ નીકળીને ચાલ્યો જશે ત્યારે આ શરીરના મંદિરને પણ આગમાં ભસ્મ થવું પડશે. - ૪

૧. નનદી એટલે નણંદ. અહીં કબીર સાહેબ સાંસારિક સંબંધોના પ્રતીકો દ્વારા જીવની થતી કરુણ દશાનું સુંદર વર્ણન કરે છે. પતિની બહેનને પત્નીએ નણંદ કહેવી પડે. અહીં પતિ એટલે જીવ. જીવની બહેન ને કુમતિ. માયામાંથી જીવ અને કુમતિ પેદા થતા હોવાથી સાંસારિક રીતે બંને ભાઈ બહેન કહેવાય. કુમતિની ભાભી એટલે અવિદ્યા જીવની પત્ની થાય. અહીં અવિદ્યા કુમતિને ફરિયાદ કરતી જણાય છે.

૨. ‘ગે’ મિથિલા ભાષાનો શબ્દ છે. તે કોઈ સ્ત્રીને ઠપકો આપતી વખતે કે તેનું અપમાન કરતી વખતે વપરાય છે.

૩. વિષમ શબ્દ અહીં વિચિત્રતાને દર્શાવવા માટે પ્રયોજ્યો છે. કુમતિ સમગ્ર સંસારને ઊંધે માર્ગે લઈ જાય છે. છતાં સમગ્ર સંસારને તેનું કાંઈ ભાન નથી. તેથી સમગ્ર સંસારને સુવાડેલો રાખે છે એવું કહ્યું.

૪. નિદલે એટલે સુવાડી રાખવું. અહીં “નિગલે” પાઠ પણ મળે છે, તેનો અર્થ થશે - ખાય જવું અથવા નાશ કરવો. કેટલીક પ્રતોમાં “નિંદલે” પાઠ પણ મળે આવે છે. તેનો અર્થ નિંદા કરવી એવો થશે. ત્રણે પ્રકારના અર્થ અહીં બંધ બેસતા થશે.

૫. અહંકાર રૂપી પિતા. દૂઈ એટલે પિતાને બે પત્નીઓ હતી એક પોતે અવિદ્યા ને બીજી માયા. માયાને મોટી ગણતી એટલે જેઠાણી કહી. અહીં સંબંધોની વિચિત્રતા દર્શાવવામાં આવી છે. પિતા પુત્રીનો સંબંધ મોહને કારણે પતિ પત્નીના સંબંધમાં ફેરવતો રહે તે ખરી વિચિત્રતા. અહીં ઈશ્વરને પિતાનું બિરુદ આપવામાં આવે તો પણ અર્થ તો સરખો જ થશે.

૬. વિષયોના મોહમા ફસાયા પછી પિતાના પુત્રી સાથેના આડા વ્યવહારની ખબર જગતને પડી ગઈ હતી.

૭. પરંતુ જ્ઞાનની થોડી જાગૃતિ આવતાં જ જીવના બંધાયેલા તમામ વિચિત્ર સંબંધોને નાશ થઈ જાય છે. માતા કે માયા. અહંકારને માયા જ્ઞાન પ્રગટતા નાશ પામે છે.

૮. માયા નાશ પામે છે ત્યારે તેના સઘળાં મિત્ર મંડળને કુટુંબો - જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આદિ સર્વનાશ પામે છે.

૯. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આત્મ કલ્યાણના પ્રયત્નો ઘણી સારી રીતે કરી શકાય. સારી રીતે એટલે કુશળતાપૂર્વક. જ્ઞાનની થોડી પણ જાગૃતિ પ્રગટે તો માનવનું મન સ્હેજે આત્માભિમુખ બને અને સહેલાઈથી સ્વરૂપમાં સ્થિતિ કરી શકે.