કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ઈ માયા ૧રઘુનાથ કિ બૌરી, ખેલન ચલી અહેરા હો
ચતુર ચિકનિયા ચુનિચુનિ મારે, કાહુ ન રાખૈ નેરા હો ... ૧
મૌની બીર દિગંબરમારે, ધ્યાન ધરંતે જોગી હો
જંગલમેં કે જંગમ મારે, માયા કિનહું ન ૨ભોગી હો ... ૨
બેદ પઢંતા બેદુવા મારે, પૂજા કરંતે સ્વામી હો
અરથ બિચારત પંડિત મારે, બાંધેઉ સકલ લગામી હો ... ૩
૩સૃંગીરિષિ બનભીતર મારે, સિર ૪બ્રહ્માકા ફોરી હો
નાથ મછંદર ચાલે પીઠ દે, ૫સિલંગહૂં મેં બોરી હો ... ૪
સાકટ કે ઘર કરતા હરતા, હરિ ભગતન કી ચેરી હો
કહંકિ કબીર સુનહુ હો સંતો, ૬જ્યોં આવૈ તૌં ફેરી હો ... ૫
સમજૂતી
આ રામની માયા તો પાગલ થઈને શિકાર કરવા ચાલી નીકળી. સંસારમાં ચતુર ગણાતા લોકોને પકડી પકડીને મારી નાખ્યા. કોઈ પણ હોંશિયાર માણસ તેનાથી બચી શક્યો નથી ! - ૧
એણે તો મૌનમાં રહેનારને, નગ્ન અવસ્થામાં ફરનારાને અને ધ્યાનમાં રહેનારા યોગીઓને મર્યા એટલું જ નહીં પણ જંગલમાં રહેનારા સાધુઓને પણ મારી નાખ્યા. હજી સુધી કોઈ માયાને ભોગવી શક્યું નથી. - ૨
એણે તો વેદો વાંચનારા બ્રાહ્મણોને, પૂજા કરતા સંન્યાસીઓને અને શાસ્ત્રાર્થ કરનાર પંડિતોને પણ માર્યા છે. સંયમના દાવેદાર સૌ જનોને તેણે પોતાને વશ કરી લીધા છે. - ૩
એણે મહાન ગણાતા શ્રુંગીઋષિને જંગલની વચ્ચે માર્યા, બ્રહ્માજીનું તો માથું ફોડી નાખ્યું અને મછંદરનાથ પીઠ બતાવીને ભાગ્યા પણ તેને તો સિહંલદ્વિપમાં પકડીને ડુબાડી દીધા. - ૪
આ માયા તો વામાચારી શાક્તલોકોને ઘરે તો માલકણ બનીને રહે છે પરંતુ હરિના ભક્તોને ઘરે તો દાસી થઈને રહે છે. કબીર કહે છે કે હે સંતજનો, સાંભળો, આ માયાને તો જેવી આવે તેવી પાછી જવા દો ! - ૫
૧. કબીર સાહેબ રામ, હરિ, રઘુનાથ જેવા શબ્દો પ્રયોજે છે ટ યારે તેઓ પોતાની રીતે તેનો અર્થ કરે છે. દશરથ રાજાના પુત્ર રામ તેમણે અભિપ્રેત નથી. તે શબ્દો દ્વારા પ્રત્યેક શરીરમાં રહેતો આતમ રામ જ તેમને અભિપ્રેત છે.
૨. માયાને કોણ વશ કરી શક્યું છે ? હા, માયા સૌને વશ કરી શકે છે. તેથી ભર્તુહરિ કહે છે તે સાચી વાત છે કે
भोगा न भुक्तः वयमेव भुक्ताः
तपौ न तफ्तं वयमेव तपताः |
कालो न यतो वयमेव याताः
तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ||
અર્થાત્ મેં ભોગોને ભોગવ્યા નથી પણ ભોગોએ મને ભોગવ્યો છે, મેં તપ કર્યું નથી પણ તપે જ મને તપાવ્યો છે, સમય પૂરો થયો નથી પણ મારી જ પૂર્ણાહુતિ થઈ છે, તૃષ્ણાઓ ઘરડી નથી થઈ પણ હું જ ઘરડો થઈ ગયો છે.
૩. મહાભારત વનપર્વમાં ઋષ્યશૃંગની કથા છે. વિભાંડક નામે એક ઋષિ હતા. તેઓ પાણીમાં બેસીને તપશ્ચર્યા કરતા. એકવાર સપ્સરાનું દર્શન થયું ત્યારે તેઓ મોહિત થઈ ગયા હતા અને તરત જ વીર્યપાત થયું હતું. તે વીર્ય પાણી પીતી મ્રુગલીના પેટમાં ગયું હતું. ને તેથી જે ગર્ભ રહ્યો હતો તે બાળક તરીકે જેનો જન્મ થયો હતો તે ઋષ્યશૃંગ. તે ઋષ્યશૃંગ જંગલમાં આશ્રમ બાંધી રહેતા હતા. તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી ગણાતા હતા. અંગ દેશના રાજ્યમાં એકવાર દૂષ્કાળ પડ્યો હતો ત્યારે નૈષ્ઠિક બ્રહ્મચારી ઋષ્યશૃંગના પગલાં રાજ્યમાં પડે તો વરસાદ થાય એવી લોક માન્યતા હતી. રાજા લોમપાદે તેનો અમલ કરવા કેટલીક વેશ્યાઓને તે કામ સોંપ્યું હતું. વેશ્યાઓ સફળ થઈ હતી અને ઋષ્યશૃંગ અંગદેશમાં આવ્યો હતો ત્યારે વરસાદ થવાથી સૌએ રાહત અનુભવી હતી.
૪. પૌરાણિક કથા અતુસાર બ્રહ્માજી શિવ - પાર્વતીના વિવાહ પ્રસંગે હાજર હતા. પાર્વતીનું સૌંદય જોઈને બ્રહ્માજી મોહિત બન્યા હતા. બ્રહ્માજીનાં વર્તનથી શંકર ભગવાન કોપે ભરાયા હતા. શંકરે પોતાનો હાથ જોરથી બ્રહ્માજીના માથા પર માર્યો હતો એટલે બ્રહ્માજીની માથું શંકરના હોથે ચોંટી ગયું હતું ને ધડથી જુદું થઈ ગયું હતું. માથું ફેડવા શિવને ફરીથી તપ કરવું પડ્યું હતું. આ રીતે ભગવાન શિવે બ્રહ્માજીની માથું ફોડી નાખ્યું હતું.
૫. ગોરખનાથ ગુરુ મત્સ્યેન્દ્રનાથ કામરૂપ દેશમાં રાણીઓના મોહપાશમાં ફસાયા હતા. ગોરખનાથ ગુરુની મુક્તિ માટે ત્યાં જાય છે અને ગુરુને ચેતવે છે. ગુરુ સાવધાન થઈ ત્યાંથી ભાગી જાય છે. આ કથાને આધારે કામરૂપ દેશમાં સિંહલ નામનું સ્થળ હશે એવું અનુમાન કરી શકાય.
૬. કોઈ પણ હિસાબે માયાથી વિમુખ બની જવાની સલાહ કબીર સાહેબે આપી છે.
Add comment