Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જે કિછુ ખેલ કિયહુ સો કિયહુ, કિયહુ, બહુરિ ખેલ કસ હોઈ હો
સાસુ નનદ દોઉ દેત ઉલાટન, રહહુ લાજ મુખ ગોઈ હો ... ૧૩

ગુર ભૌ ઢીલ ગૌનિ ભઈ લચપચ કહા ન માનેહુ મોર હો
તાજી તુરુકી કબહું ન સાધેહુ, ચઢેહુ કાઠકે ઘોરા હો ... ૧૪

તાલ ઝાંઝ ભલ બાજત આવૈ, કહરા સબ કોઈ નાચે હો
જેહિ ડંગ દુલહા બ્યાહન આવૈ, દુલહિન તેહિ રંગ રાચે હો ... ૧૫

નૌકા અછત ખેવૈ નહિ જાનહુ, કૈસે લગવહુ તીરા હો
કહંહિ કબીર રામરસ માતે, જુલહા દાસ કબીરા હો ... ૧૬

સમજૂતી

હે જીવ !  તે આજ લગી ખરાબ કર્મો કર્યા હોય તે ભલે કર્યા પણ તેવી વારંવાર ભૂલ શા માટે કરવી ?  સાસુ તથા નણંદ તને ઠપકો આપે તેથી શરમની મારી મોઢું સંતાડે છે ?  ... ૧૩

જહે જીવ !  તારો સુખરૂપી ગોળ ત્રિતાપની ગરમીમાં પીગળી રહ્યો છે અને તારી કાયાની ગુણ ગોળની રસીથી ભીની થઈ ગઈ છે કારણ કે તેં મારું કહ્યું માન્યું નથી. તેં તો ખરેખર, લાકડાની ઘોડા પર સવારી કરી લાગે છે, તેં કદી વિવેક ને વૈરાગ્યની અરબી ઘોટી પર સવારી કરી લાગતી નથી ... ૧૪

કહરા જાતિના લોકો વરઘોડો લઈને ઝાંઝ મૃદંગ આદિ વગાડતા નાચતા નાચતા આવે છે ત્યારે વરરાજાએ જે રંગના કપડાં પહેર્યાં હોય છે તે જ રંગના કપડાં પહેરી નવવધૂ પણ મનમાં હરખાતી બેઠી હોય છે ... ૧૫

શરીર રૂપી હોળી હોવા છતાં તેનો સદુપયોગ કરવાનું જાણતો ન હોય તે સંસાર સાગરને પાર કેવી રીતે ઉતારે ?  કબીર કહે છે કે માત્ર રામનામના પોપટ પારાયણમાં મગ્ન રહેનાર અજ્ઞાની ગુરુ શિષ્યનું કેવી રીતે આત્મ કલ્યાણ કરી શકે ?  ... ૧૬

૧. સંસારમાં જીવ અનેક પ્રકારના પ્રપંચના ખેલો ખેલતો હોય છે. તે દ્વારા દુષ્ટકર્મોની હારમાળા જ સરજાતી હોય છે. કબીર સાહેબ આ વસ્તવિક્તા જાણતા હોવાથી સાધકને નિરાશ કરતા નથી. ભૂલ થઈ હોય તો તે ક્ષમ્ય છે પણ તેવી ભૂલ ફરીવાર ન થાય તે માટે સાવધ રહવું સાધકને માટે ખૂબ આવશ્યક છે એવું અહીં સૂચન છે.

૨. ઉલાટન એટલે ઉપાલંભ-ઠપકો. ખરાબ ટોળકીમાંથી કોઈ જીવ સુધરવા માંગતો હોય ત્યારે ઘણીવાર તેના સાથીદારો કે તેની આસપાસના લોકો તેની મશ્કરી કરીને હાંસી ઉડાવતા હોય છે. તે વાસ્તવિક ચિત્ર કબીર સાહેબે અહીં ઊભું કર્યું છે. જીવરૂપી પુત્રવધૂ સુધરવા માંગતી હોય ત્યારે તેના નજીકના સગા-નણંદ તેના સહકારમાં હોવા જરૂરી છે. પરંતુ સાસુ સ્વભાવે જ ઝઘડાખોર એટલે થાય શું ?  શંકારૂપી સાસુ અને કુમતિરૂપી નણંદ જીવને ઠપકો આપતી હોય છે. સાસુ નણંદનો ડર કયી પુત્રવધૂને ન લાગે ?

૩. ભોગ ભોગવતા જે સુખ પ્રાપ્ત થાય છે તે લાંબા વખત સુધી ટકતું નથી. સમય અને સંજોગ બદલતાં તેમાં પરિવર્તન થઈ જાય છે. વળી ભર્તુહરિ કહે છે તેમ ભોગ ખરેખર આપણને જ ભોગવતા હોય છે. કાયા રૂપી કંતાનની ગુણમાં સુખરૂપી ગોળ પીગળવા માંડે ત્યારે કાયા રૂપી ગુણ દુર્ગંધ મારતી રસીથી લચપચ થઈ જતી હોય છે.

૪. વૃદ્ધાવસ્થામાં કાયારૂપી ગુણની દુર્દશા થવાનું કારણ ગુરુની આજ્ઞાનું કરવામાં આવેલું ઉલ્લંઘન !  ગુરુનુ કહ્યું માન્યું હોત તો જીવની ઘડપણમાં ખરાબ હાલત ન થાત !  ગુરુ વારંવાર ચેતવણી તો આપ્યા જ કરતા હોય છે પણ યુવાનીના મદમાં જીવ તે લક્ષમાં લેતો નથી પરિણામે તેની હાલત બગડે છે.

૫. ગુરુ તો વારંવાર વિવેક અને વૈરાગ્ય જાગે તેવી વાતો કરતા હોય છે. પરંતુ મન તે અમૃતપીણાં અંતરમાં ઉતરતું નથી. તે તો એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢી નાંખે છે. અહીં વિવેક અને વૈરાગ્યને અરબી ઘોડી સાથે સરખાવ્યો છે. અરબી ઘોડી ઝડપ માટે પ્રખ્યાત ગણાય છે. ઝડપથી પહોંચવું હોય તો અરબી ઘોડી પર સવાર થવું પડે. અધ્યાત્મ માર્ગમાં તેવું જ કામ વિવેકને વૈરાગ્યનું હોય છે.

૬. ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મન લાકડાના ઘોડા પર સવાર થવાનું પસંદ કરે છે. લાકડાના ઘોડા પર તેને સહી સલામતિ લાગે છે. તેના પરથી પડી ન જવાય એટલે કદી વાગે જ નહીં !  પરંતુ લાકડાનો ઘોડો ચાલે તો પડી જવાયને !  જીવનભર બેસી રહે તો પણ તે જીવ આત્મકલ્યાણને માર્ગે એક ડગલું પણ આગળ વધી શકતો નથી. વિષયો રૂપી ઘોડા તેવા હોય છે.

૭. કહાર જાતિના લોકોનું નૃત્ય ઉત્સવોને ટાણે થતું હોય છે. અહીં લગ્નોત્સવનો પ્રસંગ યાદ કર્યો છે. ઝાંઝ અને મૃદંગની તાલ નાચનારને ઉશ્કેરતી રહેતી હોય છે. તે નાચ ગાનને તે લોકો કહરવાને નામે ઓળખે છે. ઉત્તર પ્રદેશમાં કહાર જાતિના લોકો આજે પણ જોવાને મળે છે. તે જાતિના લોકો જુદા જુદા ધંધાકીય કામો કરતા તેથી કામ અનુસાર જુદા જુદા જુથોમાં તેઓ વિભક્ત રહેતા. કહાર, કેવટ, મલ્લાહ, મછવા, ભોઈ વિગેરે જુથો કહાર જાતિમાં હતા.

૮. માત્ર માનવનું શરીર મળ્યું તેથી શું ?  તે શરીરનો સદુપયોગ કરવા માટે બુદ્ધિ અનિવાર્યપણે આવશ્યક છે. તેથી આજે પણ બૌદ્ધિક કેળતણીનું ખૂબ મહત્વ છે. એકલી હોડી શું કામ આવે ?  તેને ચલાવવાની આવડત પણ જરૂરી છે.

૯. એક જ પંક્તિમાં બે વાર કબીર નામનો ઉપયોગ થયો છે. બીજી વાર ઉપયોગ થયો છે તેમાં વિશિષ્ટ અર્થ નિષ્પન્ન કરવા માટે થયો છે. તેથી કબીર ગુરુને માટે, દાસ શિષ્યને માટે અને જુલાહ અજ્ઞાની માટે વપરાયો છે એમ માનવું.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,386
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,674
pdf-2અનંત સૂર | Anant Soor 9,380
pdf-3Amar Varso | અમર વારસો 7,524
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,287