કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સુનહુ સભન્હિ મિલિ ૧વિપ્રમતીસી, હરિ બિનુ બૂડી નાવ ભરી સી
૨બ્રાહ્મન હો કે બ્રહ્મ ન જાનૈ, ઘર મંહ ૩જગ્ય પ્રતિગ્રહ આન ... ૧
૪જે સિરજા તેહિ નહિ પહિચાનૈ, કરમ ભરમ લે ૫બૈઠિ બખાનૈ
૬ગ્રહન અમાવસ અવર દૂઈજા, સાંતી પાંતી પ્રયોજન પૂજા ... ૨
૭પ્રેત કનક મુખ અંતર બાસા, આહુતિ સહિત હોમ કી આસા
કુલ ઉત્તિમ જગમાંહિ કહાવૈ, ફિરિ ફિરિ મધીમ કરમ કરાવૈં ... ૩
સમજૂતી
હે ભાઈઓ, તમે બધા મળીને બ્રાહ્મણોની બુદ્ધિનું વર્ણન સાંભળો ! બ્રાહ્મણોની ભરેલી જેવી દેખાતી નાવ હરિની ભક્તિ વિના ડૂબી ગઈ ! તેઓ બ્રાહ્મણો હોવા છતાં કોઈ બ્રહ્મને જાણતું જ નથી અને યજ્ઞમાં જે કંઈ મળે તે પોતાને ઘરે લઈ જાય છે. ... ૧
જેણે તેઓને ઉત્પન્ન કર્યા તેને તેઓ ઓળખતા નથી અને ભ્રમાત્મક પૂજાદિ કર્મો કરી કરાવીને બેઠા બેઠા તેના વખાણ કર્યા કરે છે. ગ્રહણ, અમાસ અને બીજ આદિ પ્રસંગોમાં પોતાના અંગત સ્વાર્થ માટે નિષિદ્ધ ગણાતું દાન પણ તેઓ લે છે અને ગ્રહશાંતિ, પિતૃશાંતિ વિગેરે બહાના હેઠળ જડપૂજા પણ કરાવે છે. ... ૨
તેઓને સોનાની ભૂખ હોવાથી જે કોઈ મરી જાય તેના મુખમાં સોનું મૂકવાનો રિવાજ તેઓએ ચાલુ કરાવ્યો; દક્ષિણાની પણ આશા હોવાથી યજમાનો પાસે હોમહવન કરાવે; વળી તેઓનું કુળ જગતમાં ઉત્તમ છે એવું મારી ઠોકીને કહે છે અને યજમાન પાસે હિંસાદિ હીન કર્મ પણ કરાવે છે. ... ૩
૧. વિપ્ર + મતિ + સી એવા ત્રણ શબ્દનો સમાવેશ ‘વિપ્રમતીસી’ શબ્દમાં થયેલો છે. વિપ્ર એટલે બ્રાહ્મણો. મતિ એટલે બુદ્ધિ. સી એટલે જેવી. બ્રાહ્મણોની બુદ્ધિ જેવી બુદ્ધિ એમ કહેવા પાછળનો આશય, કળીયુગમાં બ્રાહ્મણો બ્રાહ્મણો જ રહ્યા નહોતા એવો હોય શકે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે બ્રાહ્મણો કર્તવ્યો નહોતા કરતા. તેઓ બ્રાહ્મણ હોવાનો દાવો કરતા પણ ખરેખર આભાસી બ્રાહ્મણો હતા.
जितेन्द्रिय: धर्मपर: स्वाध्याय निरत: शुचि: |
काम कोधौ वशौ यस्य तं देवा ब्राह्मणं विदु” | (મહાભારત વન.)
અર્થાત્ ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર, ધર્મ પરાયણ, સ્વાધ્યાય કરનાર, પવિત્ર, કામક્રોધને વશ કરનાર વ્યક્તિને દેવલોકો બ્રાહ્મણ કહે છે. તે જ રીતે ગીતા પણ કહે છે.
સંયમ, મન, ઈન્દ્રિયોનો તપ તેમજ કરવું,
ક્ષમા રાખવી, પ્રભુમહી શ્રદ્ધાથી તરવું,
નમ્ર પવિત્ર બની સદા શ્રેષ્ઠ પામવું જ્ઞાન,
બ્રાહ્મણના તે કર્મ છે મેળવવું વિજ્ઞાન. (સરળ ગીતા)
આ દષ્ટિએ બ્રાહ્મણો કર્તવ્યચ્યુત થયા હતા અને તેમણે જે કરવું જોઈએ તે નહોતા કરતા તે દર્શાવવા કબીર સાહેબે વિપ્રમતીસી પદની રચના કરી લાગે છે. કેટલાક વિદ્વાનો ત્રીસ ચોપાઈમાં બ્રાહ્મણોની બુદ્ધિનું કરેલું વર્ણન એવો અર્થ કરે છે પણ ખરેખર આ પદમાં તો પંદર ચોપાઈ માત્ર છે. કુલ પંક્તિઓ સાંઠ છે. આ પદનો છંદ ચોપાઈ છે ચોપાઈને ચાર લીટીઓ હોય છે. તેથી તેવો અર્થ કરવો યોગ્ય જણાતું નથી.
૨. ब्रह्मं जानाति इति ब्राह्मण: એવી શાસ્ત્રકારોની વ્યાખ્યા અનુસાર જે બ્રહ્મને જાણે, બ્રહ્મને અનુભવી બીજાને અનુભવ કરાવી શકે તેને જ બ્રાહ્મણ કહી શકાય.
૩. “જગ્ય” યજ્ઞનું અપભ્રંશરૂપ ગણાય. યજ્ઞ કર્મ સકામ ગણાય. મનની કામનાઓની પૂર્તિ માટે યજ્ઞ કરાવવામાં આવે છે. યજ્ઞમાં ધન, અન્ન ઈત્યાદિ ઘણું એકત્ર થતું હોય છે. તેમાં શેષ રહેતું તે બ્રાહ્મણોનું પોતાનું ગણાતું એવો રિવાજ હતો.
૪. આ ટકોર એટલા માટે કરી કે બ્રાહ્મણો માત્ર કર્મકાંડને જ સર્વસ્વ માનતા હતા. સૃષ્ટિની રચના પાછળનું રહસ્ય તેઓને અવગત નહોતું કારણ કે તેમાં તેઓને રાસ જ ન હતો. તેઓ કર્મકાંડની વિધિઓમાં માત્ર ગ્રસ્ત રહેતા. તે દ્વારા જ તેઓનું ભરણ પોષણ પણ થતું. ખરેખર કબીર સાહેબની દષ્ટિએ તેવું થવું જોઈતું નહોતું.
૫. પૂજા કરાવે ત્યારે બ્રાહ્મણો પરમાત્માની વાત કરે પણ તેઓને પરમાત્મ તત્વનો સહેજ પણ અનુભવ થતો નથી. તે માટે સાધના કરવી પડે તે કરવા તેઓ તૈયાર નહોતા એવું દર્શાવવા “બૈઠિ બખાનૈ” શબ્દ પ્રયોગ કર્યો છે.
૬. ગ્રહણ, અમાવાસ્યા અને યમદ્વિતિય જેવા પ્રસંગો ગણાતા. તેવા પ્રસંગે જે કાંઈ દાન મળતું તે નિષિદ્ધ ગણાતું. પરંતુ બ્રાહ્મણોને નડતું નહોતું.
૭. કોઈ મરી જાય ત્યારે તે પ્રેત ન થાય તે માટે બ્રાહ્મણોએ યુક્તિ શોધી કાઢેલી કે જો તેના મોઢામાં સોનું મૂકવામાં આવે તો તેને પ્રેતયોનિ ન મળે. ખરેખર બ્રાહ્મણોને સોનું જોઈતું હતું તેથી તેવો રિવાજ ચાલુ કર્યો હતો. બ્રાહ્મણો તે સોનું વાપરી શકતા એવી તેઓને છૂટ હતી.
૮. મધીમ એટલે નીચ. દેવી-દેવતાને બલિ ચઢાવવાની પ્રથા બ્રાહ્મણોએ ચાલુ કરાવી હતી. જીવતા પશુને કાપીને પથ્થરની જડમૂર્તિને ચઢાવવામાં આવતું. પછી તે માંસની મિજબાની થતી. બ્રાહ્મણો પણ તે હોંસે ખાતા. આવા હિર્સાદિ કર્મો બ્રાહ્મણો કરાવતા તેને કબીર સાહેબ ‘મધીમ’ એટલે હીનકૃત્યોમાં ગણાવે છે.
Add comment