કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બૈઠ તે ઘર ૧સાહુ કહાવૈ, ભિતર ૨ભેદ મન મુસહિ લગાવૈ
ઐસી વિધિ ૩સુર વિપ્ર ભની જૈ, નામ લેત ૪પંચાસન દીજૈ ... ૧૦
બૂડિ ગયે નહિ આપુ સંભારા, ઊંચ નીચ કહુ કા હિ ૫જોહરા
ઊંચ નીચ હૈ ૬મધીમ બાની, એકૈ પવન એક હી પાની ... ૧૧
૭એકૈ માટિ એક કુંભારા, એક સભન્હિ કા સિરજનહારા
એક ચાક સભ ચિત્ર બનાયા, નાદ બિંદકે મધ્ય ૮સમાયા ... ૧૨
સમજૂતી
તે ઓ સંસારના મોહમાં ડૂબેલા છે છતાં તેઓ પોતાને તો શ્રેષ્ઠ ગણાવે છે. તેઓના મનમાં તો કપટ છે અને ચોરીની ભાવનાથી તેઓ ભરેલા છે. તેઓ નીચ કર્મ કરતા હોવા છતાં પૃથ્વીના દેવ ગણાવે છે. તેઓના નામ માત્રથી તેઓને લોકોએ પંચાસન જેવું ઉચ્ચ આસન આપવું પડે છે ! ... ૧૦
તેઓ પોતાની જાતને સંભાળી શક્ય નથી બલકે તેઓ પોતે જ સંસાર સાગરમાં ડૂબી ગયા છે. મહાન પુરુષોને પ્રણામ કરવામાં તેઓ ઊંચ નીચની ભાવના રાખે છે. ખરેખર તો ઊંચ નીચની ભાવના ઘણી હલકી ભાવના ગણાય. સૌના શરીર એક જ પવનને એક જ પાણીના પંચમહાભૂતના તત્ત્વથી બન્યા છે. ... ૧૧
સૌનું શરીર એક જ માટીમાંથી બન્યું છે. સૌને ઘડનારો કુંભાર પણ એક જ છે. સર્વ લોકોના સર્જનહાર તો એક જ ગણાય છે. એક જ ચકરડા પર સર્વના વિવિધ આકારઓ સર્જાયા છે. અપવિત્ર ગણાતા રજવીર્યની મધ્યમાં તો શરીરોનું રૂપ સમાયું હોવાથી સૌના શરીર પણ અપવિત્ર જ ગણાય ! ... ૧૨
૧. સાહુ એટલે સાહુકાર - એક શ્રેષ્ઠ વ્યક્તિ.
૨. લોકો બ્રાહ્મણોને શ્રેષ્ઠ માનતા પણ હકીકતે તેઓ શ્રેષ્ઠ ગણાય શકે એવા નહોતા. તેઓના હૃદયમાં કપટ હતું. અહીં ભેદ શબ્દ કપટના અર્થમાં પ્રયોજ્યો છે. માત્ર કપટ નહીં પણ ચોરી કરવાની વૃત્તિ પણ ભારોભાર રહેતી.
૩. સુર એટલે દેવ. બ્રાહ્મણોને ભૂદેવ કહેવામાં આવતા. સ્વર્ગનો શ્રેષ્ઠ દેવ ઈન્દ્ર તેમ પૃથ્વીનો શ્રેષ્ઠ દેવ બ્રાહ્મણ. એ પ્રકારનું ગણિત આજ દિન લગી ચાલ્યું આવ્યું છે.
૪. તેઓને સમજે ભૂદેવ તરીકે માન્યા તેથી તો તેઓને જ્યાં જ્યાં જતાં ત્યાં ત્યાં માન મળતું. પંચાસન એક ઉચ્ચ પ્રકારનું આસન ગણાતું. તે ખાસ ભૂદેવો માટે જ વપરાતું.
૫. જોહરા એટલે મહાન સંતો - પુરુષો. તેઓના નમસ્કારમાં નમ્રતા નહોતી. તેઓ ઊંચનીચના માપંદડથી મહાપુરુષોને પણ માપતા. તે રીત તેઓને શોભા આપતી નહોતી.
૬. મધીમ એટલે નીચ હલકી. સંત રવિદાસ તો ચમાર હતા. છતાં વ્યક્તિ તરીકે ઘણા મહાન હતા. દાદુ વણકર હતા. નીચ ગણાતી જાતિમાં જન્મ્યા હતા. છતાં એક સત્પુરુષ હતા. નામદેવ દરજી હતા. છતાં પ્રભુના પ્યારા ભક્ત હતા. સદ્દગુણના ભંડાર હતા. તેઓને અહોભાવપૂર્વક બ્રાહ્મણો નમસ્કાર કરી શકતા નહોતા. તેથી તેઓની એ રીતરસમ ઘણી નિંદનીય લેખાય.
૭. નાતજાતના ભેદ માનવસર્જિત છે પરમાત્માને નામે તે ચઢાવી દેવામાં આવ્યા છે. ચારેવર્ણની મેં રચના કરી છે એ ગીતાનું કૃષ્ણ વચન આગળ કરવામાં આવે છે. પરંતુ “ગુણકર્મવિભાગસ:” એ શબ્દો પર તેઓ ધ્યાન નથી આપતા. તે રચના ગુણને કર્મના આધારે કરવામાં આવી છે તે ભૂલાય ગયું. ખરેખર કોઈ જન્મથી બ્રાહ્મણ નથી કે કોઈ જન્મથી શૂદ્ર નથી. તેથી કહ્યું ...
न कुलेन न जात्या वा क्रियाभिब्रॉह्मणो भवेत |
चाणडालोडपि हि वृत्स्थो ब्राह्मण: स युधिष्ठिर ||
અર્થાત્ હે યુધિષ્ઠિર કુળથી કે જાતિથી અને ક્રિયાકાંડથી કોઈ બ્રાહ્મણ કહેવાય નહીં. જો કોઈ ચાંડાળ પણ ગુણવાળો હોય તે બ્રાહ્મણ કહેવાય.
૮. અપવિત્ર હોય તેને જો અછૂત ગણવામાં આવે તો દરેક માનવનું શરીર અપવિત્ર જ છે કારણ કે માતપિતાના રજવીર્યથી તે બનેલું છે. રજવીર્ય અપવિત્ર ગણાય છે. તેથી શરીર અછૂત ગણાવું જોઈએ.
Add comment