કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧વો ઓંકાર આદિ જો જાનૈ, ૨લિખિ કૈ મેરૈ તાહિ સો માનૈ
વો ઓંકાર ૩કહૈં સભ કોઈ, જિન્હિ યહ ૪લખા સો વિરલે કોઈ ... ૧
કકા કમલ ૫કિરન મંહ પાવૈ, સસિ બિગસિત ૬સંપુટ નહિ આવૈ
તહાં કુસુમ રંગ જો પાવૈ, ૭ઔગહ ગગન રહાવૈ ... ૨
ખખા ચાહૈ ૮ખોરિ મનાવૈ, ૯ખસમહિ છાંડિ દહૌં દિસિ ધાવૈ
ખસમહિ છાંડિ હો રહિયે, હોય ન ૧૦ખીન અક્ષય પદ લહિયે ... ૩
ગગા ગુરુ કે વચન કે માન, દૂસર સબ્દ ૧૧કરો નહિ કાન
તહાં ૧૨વિહંગમ કબહુ ન જાઈ, ઔગહ ગહિ કે ગગન રહાઈ ... ૪
સમજૂતી
જો ઓમકારને સૌનું મૂળ જાણે છે તે ઓમકારને લખી શકાય છે અને ભૂંસી પણ શકાય છે તેવું તે માને છે. તે ઓમકારને મોઢેથી સૌ જાપ તો કરે છે પણ તેનું ખરું વાસ્તવિક સ્વરૂપ જાણનારું તો કોઈ વિરલ હોય છે. - ૧
ક અક્ષર કહે છે કે હૃદય રૂપી કમળ સંકોચાય નહીં અને વિકસિત રહે તો હૃદય રૂપી કમળમાં આત્મા રૂપી પ્રકાશનો અનુભવ થાય છે. જ્ઞાનથી પ્રકાશિત થયેલા હૃદયમાં જો સોનેરી સ્વરૂપ બોધ પ્રાપ્ત થાય તો તે અગ્રાહ્ય હોવા છતાં તેને ગ્રહણ કરીને હૃદય પ્રદેશમાં મનને સ્થિર કરવું જોઈએ. - ૨
ખ અક્ષર સૂચવે છે કે સાધકે પોતાના ચેતન સ્વરૂપ, સાચા સ્વામીને છોડીને અન્ય દેવી દેવતાની શોધમાં દસે દિશાઓમાં ભટકવું ન જોઈએ. પોતાની ત્રુટિ સુધારી અપરાધો ક્ષમા કરવા જોઈએ. એથી દુઃખો મટશે અને સાધકને અક્ષય પદની પ્રાપ્તિ થશે. - ૩
ગ અક્ષર કહે છે કે ગુરુના વચનોને વિશ્વાસથી માનવા જોઈએ અને બીજા કોઈના ઉપદેશો પર ધ્યાન આપવું ન જોઈએ. ગુરુના શરણમાં મન રૂપી પક્ષી વિઘ્નો ઊભા કરી શકતું નથી તેથી સાધક મુશ્કેલીથી પ્રાપ્ત કરી શકાતું આત્મ સ્વરૂપને પામીને હૃદય રૂપી આકાશમાં સ્થિર થઈ શકે છે. - ૪
૧. વો એટલે વહ- તે. અહી “ઓ” પાઠ પણ છે. ઓમકારનો પ્રથમ અક્ષર બેવડીને બોલવા માટે તે પસંદ કર્યો હશે. વળી કેટલીક પ્રતોમાં તો નથી “વો” કે નથી “ઓ” “ઓંકાર” થી સીધી જ શરૂઆત છે. છતાં અહીં “વો” પાઠ માન્ય રાખ્યો છે કારણ કે આ પદ્યનો છંદ ચોપાઈ છે. જો “વો” કે “ઓ” ન હોય તો માત્રા ઘટે છે. તેથી “વો” પાઠ સમુચિત જણાયો.
૨. ઓમકાર તો શબ્દ છે. તે સ્વરૂપે સ્થૂળ છે. તેથી તે લખી શકાય છે ને તેને ભૂંસી પણ શકાય છે. વળી ઓમકાર શબ્દની કલ્પના માણસની પોતાની છે. સાધનામાં ધ્યાનનું મહત્વ સમજાયું ત્યારથી “ઓમ” ને ભગવાનનો વાચક શબ્દ માન્યો તેથી તેને મંગલ ગણ્યો. માટે જ તો દરેક કાર્યના આરંભે “ઓમ” બોલવાની પ્રથા પડી છે.
૩. અહીં ઓમકારનો જપ કરવાની પ્રથાનો ઈશારો છે.
૪. અહીં જાણવાના અર્થમાં “લખા” શબ્દ પ્રયોજ્યો છે. ઓમકાર શબ્દનું સ્થૂળ સ્વરૂપ તો સૌ કોઈ જાણે છે. પણ તેનું વાસ્તવિક સ્વરૂપ તો ભાગ્યે જ કોઈ જાણે છે. ઓમકારને પ્રતીકાત્મક માનવામાં આવે તો આત્મસ્વરૂપનું તે પ્રતીક છે એટલે તેનું વાસ્તવિક સ્વરૂપ તો ચૈતન્ય છે. તે રીતે તેનો જાપ કલ્યાણકારી ઠરે છે.
૫. કિરણ એટલે પ્રકાશ. હૃદયરૂપી કમળમાં આત્મજ્ઞાનનો પ્રકાશ.
૬. સંપુટ એટલે બીડાયેલું અથવા તો સંકોચાયેલું. હૃદયરૂપી કમળ આત્મજ્ઞાનથી વિકસેલું રહે છે. સ્વરૂપની વિસ્મૃતિ થાય તો બીડાયેલું ગણાય. તે અજ્ઞાની અવસ્થા ગણાય.
૭. ઔગહ એટલે અગ્રાહ્ય. મુશ્કેલીથી પકડી શકાય તેવું પોતાનું સ્વરૂપ. જ્ઞાનથી તેને પકડી શકાય. સાધક તે રીતે પોતાના મનને જ્ઞાન થયા પછી સ્વરૂપમાં સ્થિર કરવા પ્રયત્ન કરે છે.
૮. અહીં મન - ઈન્દ્રિય આદિ સાધનોની સુધારણા સૂચવી છે. આત્મ નિરીક્ષણ કરવામાં આવે તો પોતાની ત્રુટિઓ - દોષો કેવા છે ને કેટલાં છે તે જાણી શકાય. તેનું સંશોધન કરીને તેના પર અંકુશ સ્થાપવો એવું અહીં સૂચવાયું છે.
૯. ખસમ એટલે સ્વામી અથવા પતિ. મૂળ અરબી ભાષાનો શબ્દ ગણાય. તે શબ્દ ક્યારેક શત્રુના અર્થમાં પણ વપરાય છે. આ ચોપાઈમાં તે બીજીવાર શત્રુના અર્થમાં વપરાયો છે. કબીર સાહેબ શબ્દો પાસે કેટલું બધું કામ લે છે તેની પ્રતીતિ બીજકમાં ઠેર ઠેર થાય છે.
૧૦. અહીં દુઃખના અર્થમાં - ખિન્ન. દશે દિશામાં ભટકતા બહિર્મુખ મનને અંતર્મુખ બનાવી દીધા પછી ધીમે ધીમે હૃદયની ગુણ સમૃદ્ધિ વધતી જાય છે. સાત્વિકતા પણ વધતી જાય છે. તે સ્થિતિમાં દુઃખો કેવી રીતે રહી શકે ?
૧૧. અહીં ન સાંભળવાના અર્થમાં “કરો નહિ કાન” શબ્દોના પ્રયોગ થયો છે.
૧૨. ગુરુ ગણેશ સ્વરૂપ હોવાથી વિઘ્નો તેની પાસે કેવી રીતે આવે ? ગુરુ શરણમાં મન સ્થિર થઈ જતું હોવાથી વિઘ્નો પણ આપોઆપ શાંત થઈ જાય છે.
Add comment